વોટ્સએપ
પર અનેક મેસેજીસ આવતા હોય છે. એમાં કેટલાક મેસેજીસ લાંબા પણ હોય છે
પણ એ વાંચવા જેવા
હોય છે. ક્યારેક મોકલનાર પોતે જ ટકોર કરી
દે છે કે આ
સંદેશ લાંબોલચક છે પણ અચૂક
વાંચવા જેવો-હ્રદયસ્પર્શી છે. અને આવા મેસેજીસ હું અચૂક વાંચુ છું. કેટલાક આવા મેસેજીસ વાંચીને મારી આંખોના ખૂણા ભીના પણ થાય છે.
એમાં વાત જ એવી સંવેદનશીલ
હોય એટલે હ્રદયના તાર એ વાંચી ઝણઝણવા
જ રહ્યાં!
શહેરમાં
રહેનારા વ્યસ્ત લોકો સંવેદના ખોઈ બેસતા હોય છે. તેઓ જીવનના નાના નાના આનંદો માણવાનું ચૂકી જતા હોય છે. પણ વ્યસ્તતા વચ્ચેય
પોતાના અંતરાત્મા સાથે થોડો સમય ગાળી, તેને જે ગમે છે
એમાં થોડો સમય પસાર કરી,મન પરનો બોજો
ઘડીક ઉતારી ફોરા થઈ જઈ સંવેદનાને
ધબકતી રાખી શકાય છે.
આપણાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ટી.વી. કે
વોટ્સએપના મેસેજીસમાં જોયા-સાંભળ્યા હશે.તેઓ ઘણી વાર વક્તવ્ય આપતી વેળાએ ભાવુક થઈ જાય છે.
એમનો સાદ ગળગળો થઈ જાય છે.
એ બતાવે છે કે આટલા
વ્યસ્ત, આખા દેશનો ભાર પોતાને માથે લઈને જીવનારા ૫૬ની છાતી ધરાવનારા મોદી પણ એક ઋજુ
,સંવેદનશીલ હ્રદય ધરાવે છે. તેમનો એક વિડીઓ હમણાં
જોવામાં આવ્યો. તમે જાણો છો મોદી સાહેબ
૨૪ કલાકમાં કેટલું સૂએ છે? સામાન્ય રીતે આપણે ૬ થી ૮
કલાકની ઉંઘ લેવી જોઇએ એમ ડોક્ટર્સ કહે
છે.પણ મોદી સાહેબ
માત્ર ૩-૪ કલાક
જ સૂએ છે.તેમને એક
જણે પ્રશ્ન કર્યો કે આટલી ઓછી
ઉંઘ લઈને તેઓ આટલા સ્વસ્થ કઈ રીતે રહી
શકે છે અને આટલા
સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે કઈ રીતે પોતાની
જવાબદારી બખૂબી નિભાવી શકે છે? મોદી સાહેબે હસતા હસતા જવાબ આપ્યો કે આનો શ્રેય
તેઓ યોગ અને મેડીટેશનને આપે છે.યોગ એટલે
કોઈ પણ એક મનગમતી
પ્રવૃતિમાં લીન થઈ જવું તે...મેડીટેશનમાં પણ તમે એક
વસ્તુ પર જ ધ્યાન
કેન્દ્રીત કરો છો, બાકી સઘળું વિસારે પાડી. આનો એક ફાયદો એ
છે કે તમે મુસીબતો
કે સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો એ બધું
થોડા સમય માટે ભૂલી જાવ છો. અને યોગ કે ધ્યાનની ક્રિયા
તમારામાં નવી શક્તિનો સંચાર કરે છે અને તમે
બમણા જોમથી તમારી સમસ્યાઓ કે મુસીબતો સામે
ઝઝૂમી શકો છો.
ફરી પાછા સંવેદનશીલતાના મુદ્દા પર આવીએ. હું કોઈ સુંદર સંગીત રચના સાંભળું કે કોઈ સારી વાર્તા વાંચુ કે ભજવાતી જોઉ ત્યારે પણ મને સંવેદનાતંત્ર ઝણઝણી ઉઠયા નો અનુભવ થાય છે. ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા કોઈ શો માં કોઈ ગરીબ પણ અતિ કૌશલ્યવાન પાત્રની પ્યોર ટેલેન્ટ જોઉ ત્યારે પણ મને અચૂક રડુ આવે છે.ગુઝબમ્પસ કે રૂંવાડા ઉભા થઈ જવાનો આ અનુભવ મારી જેમ ઘણાં સંવેદનશીલ લોકોને થતો હશે. એ સારી બાબત છે. તમારા સંવેદનાના છોડને લીલોછમ રાખવા આથી જ તમારે તમારા શોખ વગેરે માટે થોડો તો થોડો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. પછી ભલે એ વાંચન હોય,લેખન હોય, ડાન્સ હોય,કસરત હોય,સંગીત હોય,ટી.વી.-સિનેમા હોય કે અન્ય કોઈ શોખ કે મનપસંદ બાબત.


