Translate

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2014

પ્રધાનમંત્રીનું શિક્ષક દિન નિમિત્તે અસરકારક ભાષણ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિક્ષકદિન નિમિત્તે ભારતભરનાં વિદ્યાર્થીઓને કરાયેલું સંબોધન સાંભળ્યું. ખૂબ સારું લાગ્યું. હ્રદયથી કહેવાયેલી વાત હંમેશા અસરકારક હોય છે અને તે સ્પર્શે છે. મોદીજી સારા વક્તા છે અને કોઈ ભાષણ બનાવટી કે રટેલું આપતાં નથી. તેમણે આ વક્તવ્યને માત્ર એકતરફી કે બોલકું ન રહેવા દઈ વચ્ચે વચ્ચે બાળકોને સીધા પ્રશ્નો પણ કરી વાર્તાલાપ સમું અને ક્યાંક હળવી રમૂજ પણ ઉમેરી રસપ્રદ બનાવી દીધું. બાળકોનો એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરી શકવાનો સમય ગાળો (અટેન્શન સ્પાન) બહુ મોટો હોતો નથી.આથી મોદીજી એ ખૂબીપૂર્વક તેમનું ભાષણ સત્તરેક મિનિટનું જ રાખ્યું અને તેમાં અનેક ઉદાહરણો તેમજ હળવી વાતો વણી લઈ ખૂબ અસરકારક બનાવી દીધું.

આ પ્રસંગની બીજી એક ખાસિયત એ હતી કે ભારતભરની અનેક શાળાઓમાં આ વક્ત્વ્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જીવંત સાંભળી શકે એ માટે ખાસ ટી.વી.-વેબ કેમેરા કે રેડિયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોદીજીએ શિક્ષકોની મહત્તા સમજાવતાં બાળકોને દિવસમાં ચાર વાર પસીનો પાડવાનું આહવાન આપ્યું! કઈ રીતે? રમતગમતમાં ભાગ લઈ! તેમણે બાળકોને માત્ર ટી.વી.કે પુસ્તકોમાં જ ઘૂસી ન રહેતાં બહારનાં વિશ્વમાં જઈ વિકાસ સાધવાની વાત કરી. માત્ર ગૂગલ-ગુરુના સહારે માહિતી ન મેળવતાં જ્ઞાનની સાધના કરવા સલાહ આપી. તેમણે બાળકોને શિક્ષણ ક્ષેત્રે પણ રસ લઈ વૈશ્વિક સ્તરે સારા શિક્ષકોની માગ પૂરી કરવાં, ભારત સૌથી સારા શિક્ષકો એક્સ્પોર્ટ કરી શકે એ સ્વપ્ન સિદ્ધ કરવા હાકલ કરી.

જેમની યાદમાં શિક્ષક દિન ઉજવાય છે એવા  ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી એ સમયગાળાને યાદ કર્યો હતો જ્યારે આખું ગામ શિક્ષક કે માસ્તરને એક માનભરી દ્રષ્ટીએ જોઈ દરેક પ્રશ્ને તેમની સલાહ માનતું.

બીજી એક ખૂબ સરસ વાત તેમણે તેમનાં તાજેતરમાં જ સંપન્ન થયેલી જાપાન મુલાકાત વેળાએ એક દંપતિ સાથેની વાતચીત વિશે કરી. ભારતીય પતિ અને જાપાનીઝ પત્નીથી બનેલા એ દંપતિએ મોદીજીને જાપાનની એક ખૂબ સુંદર પ્રથા વિશે જાણકારી આપી જે વિશે યોગાનુયોગ મેં થોડા સમય અગાઉ જ ક્યાંક વાંચ્યું હતું કે ત્યાંની શાળાઓમાં બાળકો જ આખી શાળાની સફાઈ શિક્ષકો સાથે મળીને કરે છે. આ તેમના ચારિત્ર્ય ઘડતરનો ભાગ છે. કેટલી સુંદર બાબત! એ દંપતિએ મોદીજીને સલાહ આપી કે ભારતની શાળામાં પણ આ નિયમ લાગુ પાડવો જોઇએ.

મોદીજીની સેન્સ ઓફ હ્યુમર ખૂબ સરસ છે! તેમણે થોડા વખત અગાઉ ગુજરાતની એક ઘટનાને આ સંદર્ભે ટાંકતા મિડીયા પર હળવો કટાક્ષ કર્યો. થોડા સમય અગાઉ ગુજરાતની એક શાળામાં વિદ્યાર્થીઓએ વર્ગ ખંડની સફાઈ કરી હતી એ ઘટનાને મિડીયાએ સાવ ઉંધી રીતે રજૂ કરી હતી અને આ સમગ્ર પ્રકરણે બાળમજૂરીના ખોટા લેબલ હેઠળ જબરો ઉહાપોહ મચાવ્યો હતો. એ બાબતને યાદ કરી મોદીજીએ રમૂજ કરી કે બાળકો પાસે શાળાની સફાઈ તેમનાં અભ્યાસનાં ભાગ રૂપે દાખલ કરતાં પહેલાં તેમણે આખી મિડીયાને ભેગી કરી એ વિશે સાચી સમજણ આપવી પડશે!

વાલીઓ-માબાપોએ સમજવું જોઇએ કે શિક્ષકો દરેક વખતે ખોટાં નથી હોતા.ક્યારેક તેઓ તમારા બાળક પાસે તેને સારા નાગરિક બનાવવા માટે વિશેષ ઠપકો આપે કે હળવી સજા પણ કરે તો પૂરેપૂરી બાબતની તપાસ કર્યા વગર તેનો વિરોધ નોંધાવવા માંડશો નહિ.તાજેતરમાં વિરારમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે ઘટેલી કમનસીબ ઘટના ધ્યાનમાં લઈ વધુ પડતાં સંવેદનશીલ બની જઈ સમગ્ર શિક્ષકસમુદાયને શંકાની નજરે ન જોવા માંડવામાં જ શાણપણ છે.

મોદીજીએ શિક્ષકો અને માબાપોને ટેકનોલોજીને તેમના વિદ્યાર્થી બાળકોના જીવનનો ભાગ બનાવવા આહવાન આપ્યું અને જો તેઓ એમ ન કરે તો એ એક સામાજીક અપરાધ સમાન ગણાય એમ કહી ટેકનોલોજીની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો.

પોતાના વક્તવ્યમાં એક ચીની કહેવત પણ ટાંકતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વાંચનમાં ખાસ રૂચિ કેળવવી જોઇએ અને પોતાને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રનાં સારા સારા મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચવા જોઇએ.

હું જ્યારે જ્યારે મોદીજીને બોલતાં સાંભળું છું ત્યારે મને તેમની છટા સિને અભિનેતા અમિતાભ બચ્ચન જેવી જણાય છે!દરેક વાર તેમને સાંભળી મારો તેમના પ્રત્યે આદર વધતો જાય છે.

રવિવાર, 31 ઑગસ્ટ, 2014

ગેસ્ટ બ્લોગ : પોલિસ-રસીદ


                                                                        - છાયા કોઠારી

હમણાં થોડાં વખત પહેલા નકલી પોલિસ વિશે આર્ટીકલ વાંચવામાં આવ્યો હતો જેનો સાર હતો કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોને ફરિયાદ કરવી. લગભગ આવો જ એક અનુભવ થોડાં દિવસ પહેલાં થયો.

અમારે ત્યાં આવેલા મહેમાનને લઈને એક હોટેલમાં જમવા જતા હતા. રસ્તા પર એક જગાએ  સિગ્નલથી ગાડી લેફ્ટમાં લીધી. વાતોમાં ધ્યાન ના રહ્યું કે સિગ્નલ યેલો માંથી રેડ થઇ ગયું છે. લેફ્ટ મારતાં જ પોલિસે ગાડી રોકી. એક સિવિલાઇસ્ડ સિવિલિયનની હેસિયતથી ગાડી બાજુ પર લગાવી. હમણાં હમણાં તો ઘણી વાર જોયું છે કે સ્કુટર વાળા પોલિસને ગણકાર્યા વગર જ ભાગી જતા હોય છે. પાણ આપણે શરીફ ની કેટેગરીમાં આવતાં હોઈ ગાડી બાજુ પર લગાવી. બે ઓફિસર ગાડી પાસે આવ્યા. એક ઓફિસર મોબાઈલ પર સુચના આપતો હતો કે આ ગાડી નં.xyz હમણાં જ નીકળી છે. એને આગળ રોકો વગેરે.. એમણે લાઈસન્સ માગ્યું. બે ત્રણ વખત સોરી કહ્યું પણ માનવા જ તૈયાર નહોતા. એમણે કહ્યું ૧૦૦ રૂપીયા આપો, પાવતી ફાડું છું. લાઈસન્સ અને ૧૦૦ રૂપીયા આપતી વખતે મેં કહ્યું “તમે ઈમાનદારી સાથે તમારી ડ્યુટી કરી રહ્યાં છો એટલે આપું છું. રસીદ આપો.” થોડીવાર પછી એક ઓફિસરે લાઈસન્સ પાછું આપ્યું અને જે ઓફિસર મોબાઈલ પર રોફ જાડીને વાત કરતો હતો એણે આવીને કહ્યું આની પાવતી નથી, અમારી પાસે માત્ર જમા કરવાની પાવતી છે. એટલે અમે તેને કહ્યું “આપે પૂરા પૈસા લીધા છે એટલે ઓફિસિયલ રસીદ આપો અથવા પૈસા પાછા આપો. તમને રસીદ વગર પૈસા લેવાનો અધિકાર નથી.” બહુ રકઝક થઇ. પછી ગાડીમાંથી ઉતરીને બાઈક પાસે ઉભેલા ત્રીજા ઓફિસર પાસે જઈને કહ્યું “જો તમારી પાસે યોગ્ય રસીદ બુક ના હોય તો તમે આવી રીતે પૈસા ના ઉઘરાવી શકો.” અને એની પાસે પૈસા પાછા માંગ્યાં. એ તો બિચારો હક્કો બક્કો થઈ ગયો. એને કશી સમજણ જ નહોતી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે. ત્યાં સુધી જે બીજો ઓફિસર હતો એ પેલા મોબાઈલ વાળાને કયારનો “પરત દયા, પરત દયા..” પૈસા પાછા આપવા કહ્યા કરતો હતો. એણે પેલા બાઈક વાળા ઓફિસર ને પણ પૈસા પાછા આપવા કહ્યું. પેલા ઓફિસરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, જેવી બે ૫૦ ની નોટ દેખાઈ કે તરત કોઈ કશું સમજે એ પહેલા એના હાથમાંથી બે નોટ લીધી અને ગાડીમાં બેસીને અમે નીકળી ગયા..

હવે એ પોલિસ નકલી હતી, ખરેખર રસીદ બુક નહોતી...સાચું શું હતું એ તો ખબર નથી. પણ ત્યારે એમાં લાગ્યું કે સાચી રસીદ વગર પૈસા ન અપાય.

વાત વિચારવા જેવી ખરી...

- છાયા કોઠારી

રવિવાર, 24 ઑગસ્ટ, 2014

ગણેશોત્સવની ઈકો-ફ્રેન્ડલી ઉજવણી


દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા સૌના પ્રિય ગણપતિ બાપ્પાની સવારી પધારવાનો સમય આવી ચૂક્યો છે! ગણેશોત્સવના પડઘમ હવામાં ગૂંજી રહ્યા છે. મંડપો બંધાઈ ગયા છે. જે લોકો બાપ્પાની પધરામણી ઘરે કરાવવાના છે તેમણે પણ જોરશોરથી એ માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે.

માત્ર એક નાનકડી અપીલ સૌને કરવાની કે આ વખતે ઉત્સવને બની શકે એટલો ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવશો તો ગણપતિ બાપ્પા તો પ્રસન્ન થશે જ પણ પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધનની દિશામાં પોતાનો નાનકડો ફાળો નોંધાવવાનું પુણ્ય તમે કમાઈ શકશો.

આ અપીલ કરવાનું કારણ એક  જ કે જગત આજે અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ,ઓઝોનમાં ગાબડા,પર્યાવરણનમાં વિષમતા વગેરે. ભારતમાં પણ ઘણી જગાએ ભારે વર્ષાને કારણે પૂર તો કેટલાક ભાગોમાં ભીષણ દુકાળના સમાચાર તમે આજકાલ રોજેરોજ વાંચતા જ હશો. આ બધી મસમોટી આફતો આપણી નાની નાની જાણ્યે અજાણ્યે કરેલી ભૂલોનું  જ પરિણામ છે.

ગણેશોત્સવનો જ દાખલો લઈએ. મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હોય અને તેનું તળાવ, નદી, કૂવા કે દરિયામાં વિસર્જન થાય ત્યારે તેમાં વસતાં જળચર જીવો (પ્રાણી તેમજ વનસ્પતિ)ને ઘણું નુકસાન થાય છે. હવે એમાં આપણને પ્રત્યક્ષ રીતે શું નુકસાન થાય એવો સ્વાર્થી માનવ જાત ને પ્રશ્ન થાય.પણ યાદ રાખો સમગ્ર સજીવ સૃષ્ટિ એક અદ્રષ્ય સાંકળથી જોડાયેલી છે. જેમાં એક સજીવનું અસ્તિત્વ સીધી કે આડકતરી રીતે અન્ય સજીવ પર આધારીત હોય છે.એક આશ્ચર્યજનક હકીકતથી આ વાત સમજવાનો પ્રયાસ કરીએ. જો પૃથ્વી પરની બધી જ મધમાખીઓ ગાયબ થઈ જાય તો માત્ર ચાર વર્ષમાં આખી પૃથ્વી પરથી મનુષ્ય જાતિનું નિકંદન નિકળી જાય! દેખીતું પ્રત્યક્ષ કારણ ન સમજાવા છતાં આ એક સત્ય હકીકત છે. (તમારા માટે એક ક્વિઝ! ચાલો આમ બનવાના કારણ લખી જણાવો!)

ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીમાંથી બનેલી હોય તેવી પસંદ કરી શકાય.મોટા ભાગની ગણપતિની મૂર્તિ વેચતી દુકાનોમાં હવે આ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ખાસ અલગ સેકશન હોય છે.આવી માટીમાંથી બનેલી મૂર્તિ પર્યાવરણ માટે બિલકુલ હાનિકારક હોતી નથી વળી તેના પર કરેલા રંગો પણ રસાયણ માંથી નહિ પરંતુ પ્રાક્રુતિક રીતે બનાવેલા હોય છે.

દર વર્ષે ગણપતિ ઘરે કે મંડપોમાં પધરાવનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એટલું જ નહિ સાર્વજનિક મંડળોમાં પણ જાણે ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની હોડ લાગે છે. જેટલી મૂર્તિઓ સંખ્યા અને  ઉંચાઈમાં વધારે એટલો વધારે પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાશમાં લેવાય અને આ બધી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરાતા પર્યાવરણને થતા નુકસાનનું પ્રમાણ પણ વધારે. આથી મહેરબાની કરી શેંદુ માટી માંથી બનતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ લાવવાનો જ આગ્રહ રાખશો અને જો પ્લાસ્ટર ઓફ પેરીસની જ મૂર્તિ  લાવવી પડે તેમ હોય તો બને એટલી નાની મૂર્તિ લાવવી જેથી એનાથી પર્યાવરણ ને થતું નુકસાન ઘટે.



ઘરે કે મંડપમાં સજાવટ માટેની થીમ પણ ઇકોફ્રેન્ડલી રાખી શકાય. જેમકે ઝાડછોડ કે પુષ્પલતાઓનો આ માટે ઉપયોગ કરી શકાય. થર્મોકોલના તૈયાર મંદિર લાવવાને બદલે ફૂલોથી સજાવેલા બાજઠ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને આરૂઢ કરાવી શકાય.ચૂંદડીઓ કે રંગબેરંગી કપડા કે વપરાશમાં ન હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી સુશોભન કરી શકાય.

મોટે અવાજે લાઉડ સ્પીકરમાં ગીતો વગાડી કે બેન્ડ બાજાના ઘોંઘાટ દ્વારા ધ્વનિપ્રદૂષણ ફેલાવાનું અટકાવી શકાય. વિસર્જન વેળાએ ભપકા કરી, ગંદકી ફેલાવી, બિભત્સ ચેનચાળા કરી નાચવાની જગાએ સરસ મજાના સંદેશા લખેલા બોર્ડ્સ પકડી રેલી કે સરઘસ કાઢી પર્યાવરણ અંગે જાગૃતિ આણી શકાય. પાલિકા દરેક વોર્ડ્સમાં કૃત્રિમ જળાશયો તૈયાર કરે છે તેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પધરાવી શકાય. એમ કરતાં પર્યાવરણને થતું નુકસાન તો અટકશે જ સાથે સાથે તમે પોતે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન થતા જોઈ શકશો અને ગર્દીમાં ધક્કામુક્કીની હાલાકી ભોગવ્યા વગર શાંતિથી ઓછા સમયમાં વિસર્જન વિધિ પતાવી શકશો.

આ બ્લોગ એક અઠવાડિયા અગાઉ લખવાનું કારણ એક જ છે કે હજી સમય છે તમે આ વાંચીને આ વખતની તમારી ગણેશોત્સવની ઉજવણી બને એટલી ઇકો-ફ્રેન્ડલી રીતે કરવાનો વિચાર અમલમાં મૂકી શકો છો.એકાદ વાચક પણ એમ કરશે તો મારો આ પ્રયત્ન લેખે લાગ્યો ગણાશે.