પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીનું શિક્ષકદિન નિમિત્તે ભારતભરનાં વિદ્યાર્થીઓને કરાયેલું સંબોધન સાંભળ્યું. ખૂબ
સારું લાગ્યું. હ્રદયથી કહેવાયેલી વાત હંમેશા અસરકારક
હોય છે અને તે
સ્પર્શે છે. મોદીજી સારા
વક્તા છે અને કોઈ
ભાષણ બનાવટી કે રટેલું
આપતાં નથી. તેમણે આ
વક્તવ્યને માત્ર એકતરફી કે
બોલકું ન રહેવા દઈ
વચ્ચે વચ્ચે બાળકોને સીધા
પ્રશ્નો પણ કરી વાર્તાલાપ
સમું અને ક્યાંક હળવી
રમૂજ પણ ઉમેરી રસપ્રદ
બનાવી દીધું. બાળકોનો એક
વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત
કરી શકવાનો સમય ગાળો
(અટેન્શન સ્પાન) બહુ મોટો
હોતો નથી.આથી મોદીજી
એ ખૂબીપૂર્વક તેમનું ભાષણ સત્તરેક
મિનિટનું જ રાખ્યું અને
તેમાં અનેક ઉદાહરણો તેમજ
હળવી વાતો વણી લઈ
ખૂબ અસરકારક બનાવી દીધું.
આ
પ્રસંગની બીજી એક ખાસિયત
એ હતી કે ભારતભરની
અનેક શાળાઓમાં આ વક્ત્વ્ય વિદ્યાર્થીઓ
તેમજ શિક્ષકો જીવંત સાંભળી શકે
એ માટે ખાસ ટી.વી.-વેબ કેમેરા
કે રેડિયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોદીજીએ
શિક્ષકોની મહત્તા સમજાવતાં બાળકોને
દિવસમાં ચાર વાર પસીનો
પાડવાનું આહવાન આપ્યું! કઈ
રીતે? રમતગમતમાં ભાગ લઈ! તેમણે
બાળકોને માત્ર ટી.વી.કે પુસ્તકોમાં જ
ઘૂસી ન રહેતાં બહારનાં
વિશ્વમાં જઈ વિકાસ સાધવાની
વાત કરી. માત્ર ગૂગલ-ગુરુના સહારે માહિતી
ન મેળવતાં જ્ઞાનની સાધના કરવા સલાહ
આપી. તેમણે બાળકોને શિક્ષણ
ક્ષેત્રે પણ રસ લઈ
વૈશ્વિક સ્તરે સારા શિક્ષકોની
માગ પૂરી કરવાં, ભારત
સૌથી સારા શિક્ષકો એક્સ્પોર્ટ
કરી શકે એ સ્વપ્ન
સિદ્ધ કરવા હાકલ કરી.
જેમની
યાદમાં શિક્ષક દિન ઉજવાય
છે એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી એ
સમયગાળાને યાદ કર્યો હતો
જ્યારે આખું ગામ શિક્ષક
કે માસ્તરને એક માનભરી દ્રષ્ટીએ
જોઈ દરેક પ્રશ્ને તેમની
સલાહ માનતું.
બીજી
એક ખૂબ સરસ વાત
તેમણે તેમનાં તાજેતરમાં જ
સંપન્ન થયેલી જાપાન મુલાકાત
વેળાએ એક દંપતિ સાથેની
વાતચીત વિશે કરી. ભારતીય
પતિ અને જાપાનીઝ પત્નીથી
બનેલા એ દંપતિએ મોદીજીને
જાપાનની એક ખૂબ સુંદર
પ્રથા વિશે જાણકારી આપી
જે વિશે યોગાનુયોગ મેં
થોડા સમય અગાઉ જ
ક્યાંક વાંચ્યું હતું કે ત્યાંની
શાળાઓમાં બાળકો જ આખી
શાળાની સફાઈ શિક્ષકો સાથે
મળીને કરે છે. આ
તેમના ચારિત્ર્ય ઘડતરનો ભાગ છે.
કેટલી સુંદર બાબત! એ
દંપતિએ મોદીજીને સલાહ આપી કે
ભારતની શાળામાં પણ આ નિયમ
લાગુ પાડવો જોઇએ.
મોદીજીની
સેન્સ ઓફ હ્યુમર ખૂબ
સરસ છે! તેમણે થોડા
વખત અગાઉ ગુજરાતની એક
ઘટનાને આ સંદર્ભે ટાંકતા
મિડીયા પર હળવો કટાક્ષ
કર્યો. થોડા સમય અગાઉ
ગુજરાતની એક શાળામાં વિદ્યાર્થીઓએ
વર્ગ ખંડની સફાઈ કરી
હતી એ ઘટનાને મિડીયાએ
સાવ ઉંધી રીતે રજૂ
કરી હતી અને આ
સમગ્ર પ્રકરણે બાળમજૂરીના ખોટા લેબલ હેઠળ
જબરો ઉહાપોહ મચાવ્યો હતો.
એ બાબતને યાદ કરી
મોદીજીએ રમૂજ કરી કે
બાળકો પાસે શાળાની સફાઈ
તેમનાં અભ્યાસનાં ભાગ રૂપે દાખલ
કરતાં પહેલાં તેમણે આખી
મિડીયાને ભેગી કરી એ
વિશે સાચી સમજણ આપવી
પડશે!
વાલીઓ-માબાપોએ સમજવું જોઇએ કે
શિક્ષકો દરેક વખતે ખોટાં
નથી હોતા.ક્યારેક તેઓ
તમારા બાળક પાસે તેને
સારા નાગરિક બનાવવા માટે
વિશેષ ઠપકો આપે કે
હળવી સજા પણ કરે
તો પૂરેપૂરી બાબતની તપાસ કર્યા
વગર તેનો વિરોધ નોંધાવવા
માંડશો નહિ.તાજેતરમાં વિરારમાં
ત્રણ વિદ્યાર્થીઓ સાથે ઘટેલી કમનસીબ
ઘટના ધ્યાનમાં લઈ વધુ પડતાં
સંવેદનશીલ બની જઈ સમગ્ર
શિક્ષકસમુદાયને શંકાની નજરે ન
જોવા માંડવામાં જ શાણપણ છે.
મોદીજીએ
શિક્ષકો અને માબાપોને ટેકનોલોજીને
તેમના વિદ્યાર્થી બાળકોના જીવનનો ભાગ બનાવવા
આહવાન આપ્યું અને જો
તેઓ એમ ન કરે
તો એ એક સામાજીક
અપરાધ સમાન ગણાય એમ
કહી ટેકનોલોજીની તાતી જરૂરિયાત પર
વિશેષ ભાર મૂક્યો.
પોતાના
વક્તવ્યમાં એક ચીની કહેવત
પણ ટાંકતા તેમણે કહ્યું
કે વિદ્યાર્થીઓએ વાંચનમાં ખાસ રૂચિ કેળવવી
જોઇએ અને પોતાને જે
ક્ષેત્રમાં રસ હોય તે
ક્ષેત્રનાં સારા સારા મહાનુભાવોના
જીવન ચરિત્ર વાંચવા જોઇએ.
હું
જ્યારે જ્યારે મોદીજીને બોલતાં
સાંભળું છું ત્યારે મને
તેમની છટા સિને અભિનેતા
અમિતાભ બચ્ચન જેવી જણાય
છે!દરેક વાર તેમને
સાંભળી મારો તેમના પ્રત્યે
આદર વધતો જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો