Translate

રવિવાર, 12 માર્ચ, 2017

યુદ્ધ અને કોલેજોના પ્રાંગણમાં ચાલતી રાજકારણીય પ્રવૃત્તિઓની નિરર્થકતા

દસમા ધોરણમાં ગુજરાતી બાલભારતીમાં શ્રી માધવ રામાનુજ રચિત એક પંક્તિનું એક મુક્તક કાવ્ય ભણવામાં આવતું હતું. એટલું અસરકારક અને ચોટદાર કે હજી સ્મૃતિમાં અકબંધ છે. કાવ્યના શબ્દો હતા :
" એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો તો ટેન્ક પર માથુ મૂકી ઉંઘી લઉ."
યુદ્ધની નિરર્થકતા અને સૈનિકના થાક અને કંટાળાને આટલી ચોટદાર રીતે રજૂ કરવાનું આનાથી વધુ સારી રીતે અને ઓછા શબ્દોમાં શક્ય નથી.
                ગુરમહેર કોર દિલ્હી યુનિવર્સીટીની મહિલાઓ માટેની લેડી શ્રીરામ કોલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતી વીસેક વર્ષીય યુવતિ છે. મૂળ જલંધરની ગુરમહેરના પિતા મનદીપ સિંઘ ભારતીય સૈનિક હતા અને તેઓ ૧૯૯૯ના પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં જમ્મુ-કાશ્મીર ખાતે શહીદ થયા હતાગુરમહેરનું નામ હાલમાં બે કારણો સર ખાસ્સુ ચર્ચાસ્પદ બન્યું છે. એક તેણે યુદ્ધની નિરર્થકતાને લઈ એપ્રિલ ૨૦૧૬માં એક વિડીઓ સંદેશ પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો જેમાં લખ્યું હતું "મારા પિતાની હત્યા માટે પાકિસ્તાન જવાબદાર નથી, યુદ્ધ જવાબદાર છે." પોસ્ટકાર્ડ્સ  ફોર  પીસ નામની એક ચેરીટેબલ સંસ્થાની એમ્બેસેડર હોવાથી ગુરમહેરે વિડીઓ મેસેજ બનાવી અને ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. વાત દસેક મહિના જુની છે અને ત્યારે વિડીઓની એટલી ચર્ચા નહોતી થઈ જેટલી હાલમાં વિડીઓ ફરી સોશિયલ નેટવર્ક પર સક્રીય થતા જોરશોરમાં થઈ રહી  છે વિડીઓ ફરી લાઈમલાઈટમાં આવવા પાછળ બીજું કારણ જવાબદાર છે જેને લઈને ગુરમહેરનું નામ ચર્ચાસ્પદ બન્યું છે. બીજું કારણ છે ગુરમહેરનું 'સેવ ડીયુ કેમ્પેન' (દિલ્હી યુનિવર્સીટી બચાવો અભિયાન) જે તેણે પડતું મૂકી દીધું છે કારણ એમાં ભાગ લેવા બદલ તેને હત્યા અને રેપની ઓનલાઈન ધમકીઓ મળી છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં દિલ્હીના રામજસ કોલેજના પ્રાંગણમાં પંકાયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ (એમને વિદ્યાર્થીઓ કહેવા કે નહિ પણ પ્રશ્ન છે?) ઉમર ખાલીદ અને શહેલા રશીદને એક સેમિનારમાં ભાગ લેવા આમંત્રણ અપાયેલું જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થાના કાર્યકરોએ વિરોધ કર્યો અને બખેડાએ હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું. .બી.વી.પી. ના કાર્યકરો દિલ્હી યુનિવર્સીટીના પ્રાંગણમાં આચરેલી કથિત હિંસાના વિરોધમાં ગુરમહેરે ફરી એક સંદેશ ઓનલાઈન વહેતો મુક્યો અને મુદ્દાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને તેની ચર્ચામાં અનેક બૌધ્ધિકો, સેલીબ્રીટીઝ અને રાજકારણીઓ જોડાયા. છેવટે ગુરમહેરને હત્યા અને રેપની ધમકીઓ મળતા તે કેમ્પેન છોડી પોતાના ઘર ભણી રવાના થઈ ગઈ.
                 યુદ્ધ જેવી નિરર્થક અને વિનાશકારી બીજી કોઈ ઘટના હોઈ શકે નહિ એમાં બેમત નથી. ગુરમહેરનો દસેક માસ અગાઉ બનાવાયેલો અને ઓનલાઈન પોસ્ટ થયેલો સાડા ચારેક મિનિટનો વિડીઓ મેં પોતે પણ જોયો છે.એમાં દર્શાવાયેલ એકે એક પોસ્ટકાર્ડ મેસેજ સાથે હું સહમત છું. પિતાને  બે વર્ષની વયે ગુમાવ્યાની વેદના અને માટે જવાબદાર યુદ્ધ અંગેના વિચારો કોઈનામાં પણ સહાનુભૂતિ જન્માવ્યા વગર રહે નહિ. વિડીઓમાં ગુરમહેર સ્વીકારે છે કે પહેલા તે પાકિસ્તાનને અને બધાં મુસ્લીમોને ધિક્કારતી હતી. વર્ષની વયે તો એક બુરખાધારી મહિલાને ચાકુ મારવાની પણ તેણે કોશિશ કરી હતી કારણ તેને એવું લાગ્યું હતું કે તેના પિતાની હત્યા પાછળ મહિલા જવાબદાર છે!પણ તેની માતાએ તેને સમજાવ્યું કે તેના પિતાની હત્યા પાકિસ્તાને નહિ, યુદ્ધે કરી હતી.છેવટે તેને સત્ય સમજાયું અને તે પણ પિતાની જેમ સૈનિક બની ગઈ - ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય માટેની સૈનિક! કહે છે જો બંને દેશો વચ્ચે યુદ્ધ નહિ થાય તો તેના પિતા જેવા અનેક પિતાઓની હત્યા નહિ થાય.તે બંને દેશોની સરકારોને ઢોંગ કરવાનું બંધ કરવા કહે છે અને સાચી સમસ્યાનો હલ લાવવા સૂચન કરે છે.બે વિશ્વયુદ્ધો પછી ફ્રાન્સ અને જર્મની મિત્રો બની શકતા હોય,જાપાન અને અમેરિકા પોતાના ભૂતકાળને ભૂલી જઈ વિકાસની દિશામાં સાથે આગળ વધી શકતા હોય તો આપણે શા માટે નહિ? તે ભારત અને પાકિસ્તાનના નેતાઓને પડકાર આપે છે, કહે છે કે આપણે થર્ડ વર્લ્ડ પ્રકારની નેતાગિરી સાથે ફર્સ્ટવર્લ્ડ કન્ટ્રી બનવાનું સ્વપ્ન સેવી શકીએ નહિ,માટે ઉઠો અને બંને દેશો વચ્ચે સુમેળ સ્થાપવાના કામમાં લાગી જાવ.રાષ્ટ્ર પ્રેરીત આતંકવાદ હવે બહુ થઈ ગયો,રાષ્ટ્ર પ્રેષિત જાસૂસો પણ હવે બહુ થઈ ગયા,રાષ્ટ્ર સર્જીત નફરતની પણ હવે હદ આવી ગઈ,સરહદની બંને પાર હદથી વધુ લોકો મરી ચૂક્યા,બસહું એવા વિશ્વમાં જીવવા ઇચ્છું છું જ્યાં કોઈ ગુરમહેર કોર પોતાના પિતાની યાદમાં કણસતી હોય.હું એકલી નથી,મારા જેવા બીજા ઘણાં છે. #ProfileForPeace સંદેશ સાથે છેલ્લે ગુરમહેર શાંતિ ઇચ્છતા દરેક જણને વિડીઓ શેર કરવા અનુરોધ કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બધી સમસ્યાઓનો હલ છે. હિંસા ક્યારેય અંતિમ પર્યાય હોઈ શકે નહિ. યુદ્ધ કોઈ સમસ્યાનું નિરાકરણ બની શકે નહિ એવા સત્ય વિચારોને રજૂ કરતા વિડીઓને જોયા બાદ માલૂમ થાય કે ગુરમહેરના મુદ્દાને મિડીઆએ ખોટી રીતે ઉછાળ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે તો આપણાં પ્રયત્નો ચાલુ છે, પ્રધાનમંત્રી પણ માટે અનેક પહેલ કરી ચૂક્યા છે, બંને દેશના નાગરીકોતો શાંતિ ઇચ્છે છે પણ પાકિસ્તાનના કેટલાક નાપાક તત્વો શાંતિ અને સુલેહ ઇચ્છતા નથી. પાકિસ્તાનના સામાન્ય નાગરીકો તો ભારતની આમ જનતા જેવા છે. પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓ અને ત્યાંના કેટલાક અસામાજીક તત્વો બંને દેશ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો બંધાય એવું થવા નથી દેતા. ગુરમહેરના વિધાનનું અર્થઘટન જો કે વિડીઓ ઓનલાઈન પોસ્ટ થયો ત્યારે ઉંડાણ પૂર્વક કરાયું નહોતું. પણ તાજેતરમાં વિદ્યાર્થીઓ અને .બી.વી.પી. વચ્ચેના સંઘર્ષ સમયે વિડીઓ મિડીઆ દ્વારા ફરી ફરતો કરાયો અને તેનું પિષ્ટપેષણ કરાયું.
દિલ્હી યુનિવર્સીટીના કેમ્પસની વાત કરીએ તો ત્યાંનું વાતાવરણ ચોક્કસ અતિ દૂષિત જણાય છે. પાછળ મેલું રાજકારણ અને ભ્રષ્ટ ગંદા રાજકારણીઓ જવાબદાર છે.વિદ્યાલય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેનું પવિત્ર સ્થળ છે નહિ કે રાજકારણના કાવાદાવા શિખવા માટેના અખાડા. હકીકત દિલ્હી યુનિવર્સીટી અને જે.એન.યુ. જેવી શિક્ષણ સંસ્થાના સત્તાવાળાઓ ભૂલી ગયા લાગે છે.

સરકારે હવે મુદ્દે ઘટતું કરવું રહ્યું. વિદ્યાલયોના પ્રાંગણમાં ચાલતી તમામ રાજકારણીય પ્રવૃત્તિ સદંતર બંધ કરી દેવી જોઇએ.વિદ્યાર્થીઓને માત્ર વિદ્યા અપાવી જોઇએ, તેમના કુમળા મન પર અસર થાય એવી પ્રવૃત્તિઓ, એવા સંગઠનો, એવા કાર્યક્રમો બિલકુલ થવા દેવા જોઇએ નહિ. કન્હૈયા કુમારો, ઉમર ખાલીદો, શહેલા રસીદો જેવા યુવાનો ભ્રમિત થઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાય છે માટે કેમ્પસમાં યોજાતા ભડકાવનારા કાર્યક્રમો જવાબદાર છે. વિદ્યાર્થી સંગઠનો પણ રાજકારણ તરફ ઝોક ધરાવનાર હોય અને માત્ર વિદ્યા કે શિક્ષણને લગતી બાબત માટે બનાવાય અને સંકળાય એનું ધ્યાન જે તે કોલેજના પ્રિન્સિપલ અને મેનેજમેન્ટે રાખવું જોઇએ. દિલ્હીની કોલેજોમાં વ્યાપી ગયેલો સડો વહેલામાં વહેલી તકે દૂર કરવો આવશ્યક છે નહિતર ભારતની યુવાપેઢીને ભરખી જનાર સાબિત થઈ શકે છે.

શનિવાર, 11 માર્ચ, 2017

પરીક્ષાના દિવસો



                                                               - નીતિન વિ મહેતા.

આપણા દેશમાં વર્ષના બર મહિનાઓ સાથે કઈંક ને કઈંક  વિશિષ્ઠ્તાઓ જોડાએલી છે. કેટલાકમહિનાઓમાં તહેવારો કે ઉત્સવોનું સામ્ય  જોવા મળે છે. વર્ષના ત્રણસો પાંસઠ  દિવસો દરમિયાન અનેક ઉત્સવોની રજાને કારણે કામના કલકો ઓછા થઈ જાય છે, પરિણામે શિક્ષણ ક્ષેત્રે વિધ્યાર્થીઓ ને ઘણું  સહન કરવું પડે છે. શાળા કોલેજોમાં કોર્સ અધુરા રહી જાયછે,જે અંતે વિધ્યાર્થીઓએ જાતે અથવા ટ્યુશન શિક્ષકની મદદ લઈ પૂરા કરવા પડે છે.
                           જાન્યુઆરી માસથી થએલ નવા વર્ષના પ્રારંભનો આનંદ વિધ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી સુધી ટકી રહે છે, કારણ ફેબ્રુઆરી થી મે માસના દિવસો એટલે ગંભીરતા પૂર્વક ભણવાના અને પરીક્ષાનાદિવસો. ઘરમાં પરિવાર જનો તથા શાળામાં શિક્ષકો દ્વારા વિધ્યાર્થીના મનમાં પરીક્ષા વિષે એક પ્રકારનો હાઉ ઊભો કરવામાં આવે છે,જેનેલીધે કેટલાક નબળા વિધ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર પેદા થાય છે.
                    એક જમાનામાં વિધ્યાર્થીઓને કડક સૂચના આપવામાંઆવતી કે પરીક્ષા દરમિયાન ચોટલી બાંધીને વાંચવું અભ્યાસ સિવાય બીજે કશે ધ્યાન આપવું નહીં, એમાં જો કોઈ વિધ્યાર્થી નપાસ થાય તો તેને ઠપકો આપવામાં આવતો,જેની અસર તે વિદ્યાર્થીના માનસ પર પડતી, પરિણામે અનેક નકારાત્મક ઘટના બનતી, પરંતુ હવે સમય બદલાયો છે અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણમાં પણ અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. એમ કહેવાય છે કે શિક્ષણ એક એવું શક્તિશાળી શસ્ત્ર છે કે તેના દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવી શકાય છે
                     આ પરીક્ષાના દિવસોમાં માત્ર વિધ્યાર્થીઓ જ નહીં માતા પિતા અને શિક્ષકો પણ ઉદ્વેગનો અનુભવ કરતા હોય છે એક તો કોર્સ પૂરા કરવાનો, પ્રશ્ન પત્રો તૈયાર કરવાનો ઉત્તરો તપાસવાનો ઉદ્વેગ તો બીજી તરફ વાલિઓ પણ પોતાના સંતાનોની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી સતત તાણમાં રહેતા હોય છે.નોકરી કરતી મહિલાઓને તો આદિવસોમાં રજા પણ લેવી પડે છે.એકંદરે બધા જ પરેશાન રહે છે. અમે ભણતા ત્યારે અમને પણ પરીક્ષાનો ભય સતાવતો હતો, પણ આજે હવે સમજાય છે કે એ પરીક્ષા કરતાં જીવનની ડગલે ને પગલે થતી કસોટી ઘણી આકરી હોય છે, તેમાં ય સફળતા નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે.
                      વિધ્યાર્થીઓને એ ગૂઢ સમજણ આપવાની જરૂર છે કે પરીક્ષા પળ ભર છે, શિક્ષણ શાશ્વત છે. ઘણા માર્ક સાથે પાસ થઈ જવાશે, પણ જીંદગીમાં પણ અનેક કસોટીઓનો સામનો કરવાનો રહેશે ત્યારે શિક્ષણનું મૂલ્ય સમજાશે.માટે પરીક્ષાને હળવાશ ભરી ગંભીરતાથી લેવી. માનનીય વડા પ્રધાન શ્રી નરેંદ્ર મોદીનું સૂચન પણ નોંધવું રહ્યું કે જૂની પરંપરા તોડીને પરીક્ષાને પણ ઉત્સવની જેમ મનાવવામં આવે. ભારેખમ રહેવાને બદલે હળવા ફૂલ થઈ પરીક્ષા આપવાની માનસિકતા કેળવવી જોઈએ.
                     ઝાડની ડાળી પર બેસનારું પંખી ક્યારેય પવનને લીધે હલતી ડાળીથી ડરતું નથી,કારણ તેને પવન કરતાં પોતાની પાંખો પર વધારે વિશ્વાસ છે એમ પોતાનમાં વિશ્વાસ હશે તો પરીક્ષાનો ભય દૂર થઈ જશે.
               દરેક સફળતા પર તમારું નામ હશે, 
              તમારા પગલાં પર,  દુનિયાના સલામ હશે. 
              મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરશો તો,
              એક દિવસ સમય પણ તમારો ગુલામ હશે”   
                     દરેક વિધ્યાર્થીને આ સાથે સુભેચ્છા આપી વિરમું છું. 
                                                                   

                                                                                         નીતિન વિ મહેતા. 

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2017

પોકીમોન ગો!

વર્ષ ૨૦૧૬ના જુલાઈ માસમાં વિધિવત લોન્ચ થઈ વિશ્વભરમાં ધૂમ મચાવનાર ચર્ચાસ્પદ વર્ચ્યુઅલ રીયાલીટી ગેમ 'પોકીમોન ગો' હવે ભારતમાં પણ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકાય છે અને મારી જેમ તેના અનેક ચાહકોને ઘણાં સમયથી તેનું રીતસરનું ઘેલુ લાગ્યું છે! અને શા માટે ન લાગે? આ રમત છે જ એટલી મજેદાર અને અન્ય મોબાઈલ કે વિડીઓ ગેમ્સ કરતાં તદ્દન નોખી! ચાલો જોઇએ કઈ રીતે. પ્રથમ તો આ રમત રમવા માટે તમારી પાસે સારી ક્ષમતા ધરાવતો સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને જી.પી.એસ. જોઇએ. એ રમવા માટે તમારે બહારના જગતમાં ચાલવું પડે, જાતે - પોતાના પગે! રમત લોકપ્રિય થયા બાદ જોકે ફ્લાયીંગ જી.પી.એસ. જેવી અન્ય એપ્સ દ્વારા એ ઘેર બેઠા ચીટીંગ કરીને પણ રમવાનું શક્ય બન્યું પણ ખરી મજા તો તમે ખુલ્લામાં ચાલવા અને નવો પોકીમોન પકડો ત્યારે જ આવે!
નિયાન્ટીક લેબ્સ નામની વિડીઓ ગેમ્સ બનાવતી કંપની દ્વારા બનાવાયેલી આ ગેમ અત્યાર સુધી પાંચસો મિલિયન કરતા વધુ લોકો દ્વારા ડાઉનલોડ થઈ ચુકી છે અને તે રમતા રમતા લોકોએ પગે ચાલીને કાપેલું કુલ અંતર પ્રુથ્વીથી પ્લુટો સુધીનાં અંતર કરતા પણ વધુ નોંધાયું છે!
            અગાઉ ઇન્ગ્રેસ નામની સફળ મોબાઈલ ગેમ સર્જનાર અને વર્ષ ૨૦૧૫ના અંતિમ મહિનાઓ દરમ્યાન 'પોકીમોન ગો' મોબાઈલ ગેમ બનાવવાના લક્ષ્ય સાથે ગૂગલમાંથી જ જુદી થઈ સ્વતંત્ર કંપની બનનાર ચાર-પાંચ વર્ષ જૂની નિયાન્ટીક લેબ્સના નિષ્ણાત એન્જિનિયર્સે રાત-દિવસ મહેનત કરી થોડા જ મહિનાઓમાં આ ગેમ તૈયાર કરી અને તેને સફળતાપૂર્વક તબક્કાવાર વિશ્વના ૯૦ કરતા વધુ દેશોમાં લોન્ચ કરી પણ તેની પાછળ રહેલા તેના મૂળ સર્જક જહોન હેન્કની પ્રેરણાત્મક ગાથાનું તો આખું એક પુસ્તક પણ થઈ શકે એટલી રસપ્રદ એની દાયકાઓભરી મહેનતની કહાણી છે.
વિધિવત લોન્ચના ત્રણેક મહિના પહેલા સૌ પ્રથમ જાપાનમાં ગેમ-રસિયા સામાન્ય લોકોને પોકીમોન ગો ના ફિલ્ડ ટેસ્ટીંગ માટે આમંત્રણ અપાયું,ત્યાર બાદ ફીલ્ડ ટેસ્ટીંગનો વ્યાપ વધારી ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ અને અમેરિકાની જનતાનો પણ તેમાં સમાવેશ કરાયો.હજારો ચાહકોએ લોન્ચ પહેલા આ રમત રમી ફીડબેક આપ્યો અને તેના આધારે ગેમમાં જરૂરી સુધારાવધારા કરાયા,નવા ફીચર્સ ઉમેરાયા અને આખરે જુલાઈ ૨૦૧૬માં આ ગેમ વિધિવત લોન્ચ કરાઈ અને જાણે મોબાઈલ ગેમ્સની દુનિયામાં એક તોફાન મચી ગયું.જોતજોતામાં જગ પ્રસિદ્ધ થઈ ગયેલી આ રમતે આબાલવૃદ્ધ સૌકોઈમાં પોતાનું અનોખું આકર્ષણ જમાવ્યું.
આ રમતની એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કર્યા બાદ તમે તમારું ગૂગલ અકાઉન્ટ તેની સાથે લિન્ક કરી આ રમતમાં 'પોકીમોન ટ્રેનર' બની રમત રમવાની શરૂઆત કરી શકો છો.તેમાં રમતની એપ શરૂ કરી લોગિન કર્યા બાદ તમારે ઉભા થઈ ઘરની બહાર ચાલવા જવાનું અને તમને રસ્તામાં મળશે પોકીમોન્સની ફોજ!નાનકડા આ કાલ્પનિક જીવો આખી પ્રુથ્વી પર બધે જ ફેલાયેલા છે.તમે જેમ જેમ ચાલતા જવ તેમ તેમ માર્ગમાં ચોક્કસ સ્થળોએ તમને જુદી જુદી જાતના પોકીમોન્સ ભટકાતા જાય જેના પર તમારે ગેમમાં અવેલેબલ પોકીબોલ્સ થ્રો કરવાનો અને પોકીમોન પકડાઈ જાય અથવા ભાગી છૂટે!
ભૂમિ,અગ્નિ,વાયુ વગેરે અલગ અલગ જાતના જુદી જુદી જાતના પોકીમોન્સ પહેલી વાર પકડો એટલે તમારા અંગત પોકીડેક્સમાં એ પોકીમોન સચિત્ર સ્વરૂપે નોંધાઈ જાય.એક જ જાતના કેટલાક ચોક્કસ પોકીમોન ભેગા કરી તેને પછી તમે તેની જ જાતિના વધુ બળવાન પોકીમોનમાં ઇવોલ્વ કરી શકો.જેમ જેમ વધુ ચાલો એટલે કિલોમીટર નોંધાતા જાય અને બે, પાંચ કે દસ કિલોમીટર ચાલ્યા બાદ તમારી એગ-બાસ્કેટમાં જમા થયેલા એગ્સ પણ હેચ થઈ તેમાંથી નવો પોકીમોન જન્મી તમારા પોકીડેક્સમાં નોંધાઈ જાય.જેમ જેમ વધુ પોકીમોન્સ જમા થતા જાય તેમ તેમ તમારો સ્કોર વધતા એક પછી એક લેવલ ઉંચુ થતું જાય અને આવા પાંચ લેવલ પાર કર્યા બાદ તમે રમત વધુ ઉત્સુકતા અને ઉત્સાહથી રમી શકો કારણ ત્યાર બાદ તમારે વિશ્વમાં રચાયેલી ત્રણ ટીમ પૈકી એકમાં જોડાઈ તમારો અવતર ધારણ કરવાનો રહે અને તમે પોકીજીમમાં લડવા સક્ષમ થઈ જાવ! દસ સ્તરો ધરાવતા આ પોકી જીમ્સ તમારી આસપાસ ચોક્કસ જગાઓએ રચાયેલા હોય અને તેના પર કબ્જો જમાવવા ત્રણે ટીમ્સ - લાલ,પીળા અને ભૂરા રંગની ઓળખ સાથે કમર કસે!તમારા પોકીમોન્સને તમે પોકીજીમના ખાલી સ્તરે બેસાડી તેને ટ્રેન કરી શકો અથવા હરીફ ટીમના પોકીમોન સાથે લડવા માટે સ્થાપિત કરી શકો.એ પોકીમોન થાકી ને હારી જાય એટલે કે તેની બધી શક્તિ ખર્ચાઈ જાય એટલે તમે એને રીવાઈવ જેવા સાધનનો ઉપયોગ કરી અને શક્તિવર્ધક દવાના ઘૂંટડા પાઈ ફરી સજીવન અને સશક્ત બનાવી શકો.પોકીબોલ્સ,એગ્સ,શક્તિવર્ધક દવા,રીવાઈવ સાધન વગેરે જેવી સામગ્રી તમને રસ્તામાં પોકીજીમ્સ જેવાજ અન્ય કાલપનિક વર્ચ્યુઅલ પોકીસ્ટોપ્સ પર મળી રહે.તમારે વધુ ને વધુ ચાલતા રહેવું પડે અને વધુમાં વધુ પોકીસ્ટોપ્સની મુલાકાત લેવી પડે જેથી વધુમાં વધુ પોકીબોલ્સ અનેઆધનો એકઠા કરી તમે વધુમાં વધુ પોકીમોન્સ પકડી શકો અને ઉંચા લેવલ્સ ઝડપથી પાર કરી ગેમને વધુ રસપ્રદ બનાવી શકો.
વેલેન્ટાઈન વીક દરમ્યાન ક્લીફેરી,એગ્ઝીગ્યુટર કે જિગ્લીપફ જેવા ગુલાબી પોકીમોન્સ તો હેલોવીન દરમ્યાન હોન્ટેડ કે ગેન્ગર જેવા ભૂતિયા પોકીમોન્સ સર્વત્ર છવાયેલા જોવા મળે તો ક્રિસમસ જેવા ખાસ પ્રસંગોએ તમે ઓછું ચાલી વધુ લાભ મેળવી શકો એવા ફેરફાર રમતમાં હંગામી ધોરણે કરવામાં આવે.આ તો ઠીક પણ તમે જ્યારે તમે ભેગા કરેલા પોકીમોન્સનું લિસ્ટ ચકાસતા હોવ ત્યારે જે તે પોકીમોન તેને મોબાઈલ સ્ક્રીન પર સ્પર્શતા જે રીતે પ્રતિભાવ આપે એ ક્યુટ એનિમેશન્સ જોઈ તમે વિવિધ પોકીમોન્સના ચાહક ન બની જાવ તો જ નવાઈ!

અગાઉ જુદી જુદી જાતના દોઢસો જેટલા પોકીમોન્સ આ રમતમાં હાજર હતાં પણ બે દિવસ જ અગાઉ તેમાં વધુ ૮૦ સેકન્ડ જનરેશન પોકીમોન્સનો અને નવા રસપ્રદ ફીચર્સનો આ ગેમના લેટેસ્ટ વર્ઝનમાં ઉમેરો કરાયો છે. આ ગેમ અન્ય મોબાઈલ રમતો કરતા જુદી અને સારી એટલા માટે છે કે તે તમને ઘરમાં એક ખૂણે બેસી કલાકો બરબાદ કરવા પ્રેરતી નથી પણ બહારના જગતમાં જઈ ચાલવા પ્રેરે છે જેથી શરીરને કસરત મળે છે.વિશ્વના કંઈ કેટલાયે લોકો આ રમત રમતા રમતા જીવનમાં અગાઉ ક્યારેય ન ચાલ્યા હોય એટલું ચાલી ચૂક્યા છે!લોકોએ ગ્રુપમાં ભેગા મળી આ રમત રમવાની શરૂઆત કરતાં લોકોમાં સમૂહજીવનની ભાવના કેળવાઈ છે અને કેટલાક તો પરીવારો સાથે આ ગેમ રમવા નિકળતા તેમની વચ્ચે નિકટતા વધી છે.પોકીસ્ટોપ્સ અને પોકીજીમ્સ જે તે પ્રદેશનાં વિશિષ્ટ મહત્વ ધરાવતા સ્થળોએ (જેવા કે સ્મારકો,સંગ્રહસ્થળો,મંદીરો,દરીયા કિનારા,પ્રખ્યાત ઇમારતો વગેરે) ઉભા કરાતા લોકો અગાઉ ક્યારેય આ જગાઓએ ન ગયા હોય પણ પછી વારંવાર જતા થયા હોય એવા કિસ્સા નોંધાયા છે!કેટલાયે સ્થાનિક ઉદ્યોગોને આ રમતને કારણે વેગ મળ્યાના દાખલા પણ નોંધાયા છે.રમતી વખતે માર્ગમાં અક્સ્માત ન થાય તેની ચોકસાઈ રમનારે રાખવી જ જોઇએ તેમજ વધુ પડતો સમય રમતમાં આપી જીવનની અન્ય અગત્યતાઓ પ્રત્યે ધ્યાન ન આપવા જેવી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખવી જ જોઇએ તો આ રમત તમને ચોક્કસ ખુબ સારા મનોરંજન સાથે શરીરને જરૂરી કસરત પૂરી પાડશે!