Translate

રવિવાર, 14 જૂન, 2015

માલિકની સ્વતંત્રતા કે ગ્રાહકનો હક્ક?


ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે.લોકશાહી એટલે લોકો દ્વારા,લોકો માટે અને લોકો વડે ચાલતું રાષ્ટ્ર.પણ મને લાગે છે આ વ્યાખ્યા લોકોએ પોતપોતાની રીતે મૂલવી તેનું ઘણી જગાઓએ ખોટું અર્થઘટન કર્યું છે.તાજેતરમાં ઉપરાછાપરી બનેલી કેટલીક ઘટનાઓ વિષે આજે આ સંદર્ભે વાત કરવી છે.
થોડા વખત અગાઉ એક મુસ્લીમ યુવકને એક ખાનગી કંપનીએ પોતાને ત્યાં નોકરી આપવા માટે તેની જાતિ-ધર્મને લઈને ગેરલાયક ઠેરવ્યો. હવે આ મારા મતે એક વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે. હું પોતે માનવતા ને જ સાચો ધર્મ ગણતો હોવા છતાં કદાચ આ મુદ્દે એવું માનું છું કે એક એમ્પ્લોયેર તરીકે મારે કોને એમ્પ્લોય કરવા કે નોકરીએ રાખવા એની સંપૂર્ણ પસંદગીનો હક્ક મને હોવો જોઇએ. સરકારી કે જાહેર કંપનીમાં બધાંને રોજગાર માટે લાયકાત અને ગુણવત્તાને આધારે સમાન તક મળવી જોઇએ એ સમજી શકાય એવી વાત છે પણ ખાનગી કંપનીમાં મારે કોને તક આપવી અને કોને નહિ એનો પૂરેપૂરો અધિકાર મને હોવો જોઇએ.કાયદો આ અંગે શું કહે છે તે કોઈ જાણકાર વાચક મિત્ર લખી જણાવશે તો આનંદ થશે.
બીજો પણ એક આવો જ મુદ્દો થોડા સમય અગાઉ છાપે ચડ્યો હતો. એક માંસાહારી પરિવારે કોઈ બિલ્ડરે તેની આહાર કરવાની રીત-પસંદગીને કારણે તેને ઘર ન વેચવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી.અહિ પણ માલિકને તેની વસ્તુ કોને વેચવી અને કોને નહિ તે નક્કી કરવાનો હક્ક ન હોવો જોઇએ? મારે કદાચ કોઈને ઘર વેચવાનું હોય કે ભાડે આપવાનુ હોય તો મારી અંગત વિચારસરણીને અનુસરતાં હું કોઈ માંસાહારીને પણ એ આપું પણ કોઈની વિચારધારા ભિન્ન હોય અને એ માલિક તરીકે ચોક્કસ રીતભાત ધરાવતી વ્યક્તિને પોતાનું ઘર વેચવા ન ઇચ્છે તો એ વાતનો વિરોધ શા માટે નોંધાવવો જોઇએ? ભારતમાં દેશના દરેક નાગરિકને ગમે તે રાજ્યમાં રહેવાની છૂટ હોવી જોઇએ એમાં ના નહિ પરંતુ હું મારા ઘરમાં કે સોસાયટીમાં કોને પ્રવેશ આપું ને કોને નહિ એ નક્કી કરવાનો અધિકારતો મારો જ હોવો જોઇએને? હું પોતે મારી ઓફિસમાં ભલે મારા માંસાહારી મિત્ર સાથે એક જ ટેબલ પર તેની બાજુમાં બેસી ભોજન લેતો હોઉં પણ જ્યારે વાત જાહેર વિતરણની ન હોય,જ્યાં વાત કોઈ ઘર જેવી મોટી વસ્તુ કે સેવા વેચવાની હોય ત્યારે માલિકને ગ્રાહક પસંદ કરવાની છૂટ હોવી જોઇએ એમ મને લાગે છે. આ વિશે પણ કાયદો શું કહે છે તે જાણવું રસપ્રદ થઈ રહેશે.
સોમનાથ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ અપાશે.એ વાત વાંચી વિચાર આવ્યો અહિં આ વાત ખોટી છે.મંદિર એટલે ભગવાનનું ધામ.એ ભલે કોઈ ટ્રસ્ટ દ્વારા ચલાવાતું હોય કે એનો કોઈ માલિક હોય પણ મંદિરમાં કોઈ ચોક્કસ જાતિ કે ધર્મનાં લોકોને જ પ્રવેશ આપવો એ યોગ્ય નથી.ઇશ્વર આવો કોઈ ભેદભાવ કરતા કે માનતા નથી તો પછી મનુષ્યે શામાટે તેના ધામમાં પ્રવેશ માટે કોઈ પ્રકારની બંધી કે ધારાધોરણ રાખવા જોઇએ?
મરાઠી પરીવારને ચોક્કસ સોસાયટીમાં માંસાહાર કરતા હોવાને લીધે ઘર ન અપાયું એ વાતનો વિરોધ નોંધાવનાર સૌએ સોમનાથ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવાની વાત નો પણ એટલો જ ઉગ્ર વિરોધ નોંધાવવો જોઇએ.પણ એ વિશે ઝાઝી ચર્ચા થઈ નથી કે કોઈ ફરિયાદ પણ કદાચ નોંધાઈ નથી.
આજે ચર્ચેલા મુદ્દાઓ થોડા પેચીદા છે અને એ અંગે દરેકની માન્યતા જુદી જુદી હોઈ શકે છે પણ કાયદાના જાણકાર કોઈ વાચકમિત્ર આ અંગે પ્રકાશ પાડશે તો સૌને જાણવા મળશે કે આ અંગે કાયદો શું કહે છે.

રવિવાર, 7 જૂન, 2015

યાદ રાખવાની સરળ અસરકારક પદ્ધતિ


શાળા ઉઘડવાનો સમય શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થશે અને ફરી આવશે પરીક્ષાઓ અને ભણેલું યાદ રાખવાની મોસમ! હું શાળામાં હતો ત્યારે અમને ઇતિહાસ-ભૂગોળ અને ગુજરાતી વિષયો અતિ રસપ્રદ રીતે શિખવતા મારા પ્રિય શિક્ષક સી.ડી.આશર સાહેબે સૂચવેલી ભણેલું યાદ રાખવાની એક અતિ અસરકારક પદ્ધતિ આજે આ બ્લોગ દ્વારા સૌ સાથે શેર કરીશ. વિદ્યાર્થીઓને તો એ કામમાં લાગશે જ પણ આપણને સૌને પણ એ રોજબરોજનાં જીવનમાં નાનીમોટી અનેક વસ્તુઓ-વાતો યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પદ્ધતિ છે યાદ રાખવાની બાબતને આપણી મનપસંદ અન્ય વાત-વસ્તુ કે ઘટના સાથે જોડી દેવાની. આમ કરવાથી મૂળ વસ્તુનું આ નવી બાબત સાથે જોડાણ અસરકારક રીતે મગજમાં જડાઈ જશે અને પાછું યાદ કરવાની વેળા આવ્યે સાથે જોડેલી બાબતને લઈને મૂળ વાત  સહેલાઈથી યાદ કરી શકાશે.

 ઉદાહરણ દ્વારા આ વાત વધુ સારી રીતે સમજી શકાશે. મારા ગુરૂ શ્રી આશર સાહેબે ભણાવેલ કેટલાક પાઠ બે દાયકા કરતાં વધુ સમય વિતી જવા છતા હજી આજે પણ યાદ છે એની જ વાત કરું. ભૂગોળમાં એ હકીકત યાદ રાખવાની હતી કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. પણ કઈ દિશાથી કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમ થી પૂર્વ તરફ? આ યાદ રાખવું અઘરૂ છે - કન્ફ્યુઝિંગ છે. પણ આશર સાહેબે આ એવી રીતે યાદ કરાવ્યું કે જીવન ભર ભૂલી નહિ શકાય! તેમણે આ યાદ રાખવા સરળ મંત્ર આપ્યો 'પૃથ્વી પપૂ'! રમૂજી વાતો સરળતાથી યાદ રહેતી હોય છે! પપૂ એટલે પસ્ચિમ થી પૂર્વ તરફ! હવે 'પ્રુથ્વી પપૂ' એ રીતે આ ભૌગોલિક ઘટના યાદ રાખીએ પછી એ ભલા કોઈ રીતે ભૂલી શકાય?!

બીજો આવો જ ભૂગોળનો એક પાઠ પવન ક્યારે કઈ દિશાથી કઈ દિશા તરફ વહે છે એ યાદ રાખવા માટેનો હતો. શબ્દો 'દિદજ' અને 'રાજદ' યાદ રાખવા અતિ સરળ છે જે એ માહિતી સંગ્રહે છે કે પવન દિવસે દરિયા તરફથી જમીન તરફ (દિદજ) અને રાતે જમીન તરફથી દરિયા તરફ વાય છે.    

આમ ઘણાં બધાં શબ્દો કે વસ્તુઓનો સમૂહ ક્રમમાં યાદ રાખવાનો હોય ત્યારે તે દરેક નાં પ્રથમ અક્ષર ચોક્કસ ક્રમમાં યાદ રાખવાથી એ આખો સમૂહ તેના મૂળ ક્રમમાં યાદ રાખવાનું સરળ થઈ પડે છે.મેઘધનુષનાં સાત રંગ 'જાનીવાલીપીનાલા' (જાંબલી,નીલો,વાદળી,લીલો,પીળો,નારંગી અને લાલ) (English માં VIBGYOR) શબ્દ યાદ રાખી સરળતાથી યાદ રાખી શકાય છે.  

કેટલીક વાર જોડાણ વિરોધી કે નકારાત્મક સ્વરૂપનું પણ હોઈ શકે છે.જેમકે ગુજરાતી  વ્યાકરણમાં ચોપાઈ અને દોહરો છંદ પૈકી  ચોપાઈ માં ચોવીસ અંક ન હોય એટલે પંદર અંક વાળો છંદ ચોપાઈ અને ચોવીસ અંક વાળો દોહરો એમ યાદ રાખી શકાય.

આજ રીતે કોઈક તારીખ કે આંકડા યાદ રાખવાના હોય ત્યારે તેને તમારા કે તમારા મિત્ર,સ્નેહીજન વગેરેનાં જન્મતારીખ કે અન્ય કોઈ મહત્વનાં અંક સાથે જોડી સહેલાઈથી યાદ રાખી શકાય છે.જેમકે ૧૯૫૭ની સાલ હું કઈ રીતે યાદ રાખીશ?૧૯ મારી જન્મ તારીખ છે અને તેને ત્રણ સાથે ગુણતા ૫૭ આવે! એટલે ૧૯૫૭ યાદ રાખવા હું આ યુક્તિ યાદ રાખીશ. ‘૨૦૯૧૦૭૫૬૪૩’ આવો મોટો નંબર મારો કોઈ અગત્યનો ખાતા નંબર હોય તો તે યાદ રાખવા મોટા ભાગના મુંબઈના ટેલિફોન નંબર જેમ ૨ થી શરૂ થાય છે તેમ આ નંબર પણ '૨' થી શરૂ થાય છે પછી '૦૯' અને '૧૦' ક્રમમાં આવતી સંખ્યાઓ ત્યાર બાદ આવતા '૭૫૬૪૩'  મારા ઘરના ફોન નંબરનાં છેલ્લાં પાંચ અંક છે એમ યાદ રાખી હું આ આખો મોટો નંબર  યાદ રાખી શકીશ.

કયા મહિનામાં ૩૧ અને કયા મહિનામાં ૩૦ દિવસ આવે એ યાદ રાખવા હાથની મૂઠ્ઠી વાળી આંગળીને પંજા સાથે જોડતાં ભાગમાં છેડે જ્યાં ટેકરો બને તે ૩૧ દિવસનો મહિનો અને જ્યાં ખાડો કે ખાંચો આવે ત્યાં ૩૦ (અથવા  ફેબ્રુઆરીમાં ૨૮ કે ૨૯) દિવસ આવે.જાન્યુઆરીથી ગણવાની શરૂઆત કરો અને ચકાસો!જૂલાઈ પર એક હાથની મૂઠ્ઠીની ગણતરી ૩૧ દિવસનાં  મહિના સાથે પૂરી થાય એટલે બીજા હાથની પણ ૩૧ દિવસના ઓગષ્ટ સાથે શરૂ! ૩૧ કે ૩૦ કેટલા દિવસનો મહિનો એ અનિયમિત ક્રમમાં આવતા મહિનાનાં દિવસોને લીધે યાદ રાખવું અટપટું બની જાય પણ હાથની મૂઠ્ઠી વાળી આ તરકીબથી એ સરળતાથી યાદ કરી શકાય.

આમ ઘટના,નંબર,વાત કે વસ્તુને અન્ય યાદ રહી જાય  એવી અન્ય  બાબત સાથે સાંકળી તેને સરળતાથી યાદ રાખી શકાય છે.

રવિવાર, 31 મે, 2015

ગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવતર પ્રયાસ


                                                                        -  ડૉ.વંદનાચોથાણી

નિસર્ગ પાસે જવાથી મનુષ્યનું મન શાંત થાય છે.

ખળખળ વહેતું ઝરણું,દરિયાનો ઘુઘવાટ, જંગલનાંપક્ષીઓના કલરવથી માનસનું હ્રદય પુલકીત થાય છે. તણાવમુક્ત થવાનો સૌથી આસાન રસ્તો એટલે નિસર્ગનો સંસર્ગ કરવો. મૃદુતાનો ગુણ મનુષ્યમાં કેળવવાનો રાજમાર્ગ તેમની કિશોરાવસ્થામાં તેમને જીવંતસૃષ્ટિનાં ઉછેર, સંવર્ધન કે સુશ્રુષામાં રોકવામાં આવે તે છે. આવો જ એક પ્રયોગ વેલાસ-શ્રીવર્ધન અને તેના આજુબાજુનાં ગામોમાં થાય છે.

શનિ-રવિની રજાનો સદુપયોગ કરવા અમે શનિવારની સવારે શ્રીવર્ધન તરફ જવા નીકળ્યા. વેલાસ-શ્રીવર્ધન કોંક્ણમાં આવેલું અતિ સુંદર દરિયાકિનારાની નજીક આવેલું ગામ છે. જે મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર છે. ત્યાં "સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર મંડળ" નામની એક બિનસરકારી સંસ્થા છે જે  દરિયાઈ કાચબા(Turtle) ઉછેર કેન્દ્ર ચલાવે છે. તેમણે દરિયાકિનારે ૩૦x૩૦ ફુટની જગ્યામાં જાળી બાંધી છે. તેમાં ખાડો કરીને દરિયાઈ કાચબાનાં ઈંડાને સંભાળીને મૂકે છે. આ ઈંડા દરિયાકિનારાની અલગ-અલગ જગ્યાઓ પરથી શોધીને લાવવામાં આવે છે. માદા દરિયાઈ કાચબો એક વખતમાં લગભગ ૮૫ થી ૧૫૦ ઈંડા મૂકે છે. આ ઈંડા ભેગા કરીને તેઓ ત્યાં ખાડા ખોદીને સુરક્ષિત રીતે તેમાં મૂકે છે અને એના ઉપર કેટલા ઈંડા આ ખાડામાં મુક્યા છે અને કઈ તારીખે મુક્યા છે તેની કાપલી લાકડીમાં ભરાવે છે.  કુલ ઈંડામાંથી ૪૫-૫૦% બચ્ચા જન્મે છે. ૧૦૦૦ બચ્ચામાંથી એક જ બચ્ચુ પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. તેમની પુખ્ત ઉંમર એટલે ૧૫ થી ૧૮વર્ષ. આ બાદ તે જ્યાં જન્મ્યું હોય એ જ જગ્યા પર આવીને પાછું ત્યાં જ ઈંડા મૂકે છે. તેમનો જીવતા રેહવાનો અને પુખ્ત ઉંમર સુધી પહોચવાનો દર ખૂબ જ ઓછો છે. તેથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં વેલાસમાં એક ઉત્સવ ઉજવાય છે જેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો, દરિયાઈ કાચબાનું રક્ષણ કરવાનો અને ઈંડાને સુરક્ષિત જગ્યામાં મૂકવાનો કે જ્યાંથી શિકારીઓ જેવા કે કુતરા, સાપ, નોળિયા, કાગડાઓ, બાજપક્ષી અને મનુષ્યથી તેમને બચાવી શકાય.  ૨-૩ મહિનામાં ઇંડામાંથી  દરિયાઈ કાચબાનું બચ્ચુ બહાર આવે છે, જે તે ખાડામાંથી નીકળીને સપાટી પર આવે છે. નિસર્ગ મિત્ર મંડળના સ્વયંસેવકો ખાડા ઉપર સુંડલો ઢાંકે છે. જે સવારે ૭વાગ્યે અને સાંજનાં ૬ વાગ્યે ખોલે છે અને જુએ છે કે કેટલા બચ્ચા બહાર આવ્યા છે. આ સમયે મુલાકાતીઓ બહારથી જાળીમાંથી જોઈ શકે છે. જો બચ્ચા બહાર નીકળ્યા હોય તો સુંડલામાં નાખીને તેઓ દરિયાકિનારા પર પાણીથી ૧૦૦-૧૫૦ ફુટ બચ્ચાને બહાર મૂકે છે. જ્યાંથી નૈસર્ગિક રીતે જ બચ્ચાઓ દરિયા તરફ ચાલવાનું શરૂ કરે છે અને દરિયામાં જાય છે. મુલાકાતીઓ આજુબાજુથી આ સુંદર દ્રષ્ય-ઘટના જુએ છે,  ફોટો ક્લિક કરે છે અને વીડિયો રેકૉર્ડિંગ કરે છે.

આ ગામમાં પર્યટકોને રહેવા માટે હોમસ્ટે (સ્થાનિક રહેવાસીઓના ઘરમાં રહેવાની સગવડ) છે. એટલે ગામનાં રહેવાસીઓના ઘરે જ ૧૦-૧૫ પર્યટકો રહે છે. ત્યાં ૨ વખત જમવાનું, ૨ વખત ચા અને સવારનો નાસ્તો રૂ|.૪૫૦માંઆપેછે.  આ અભિનવ પ્રયાસને ટાટા કન્સલટન્સી સર્વીસીઝ સંસ્થાનો સારો એવો સહકાર સાંપડ્યો છે. 

- ડૉ.વંદનાચોથાણી