Translate

રવિવાર, 13 જૂન, 2010

S.S.C નું પરિણામ

ટૂંક સમયમાં જ S.S.C નું પરિણામ જાહેર થવાનું છે.કેટલાંય વિદ્યાર્થીઓ સરસ માર્ક્સ સાથે ખૂબ સારા ટકા મેળવશે તો કેટલાક મહેનત કરી હોવા છતાં ધાર્યા ગુણાંક પ્રાપ્ત કરી શકશે નહિં.ક્યાંક હર્ષની ચિચિયારીઓ સંભળાશે તો ક્યાંક ડૂસકા અને રૂદનને કારણે વાતાવરણ ગંભીર હશે. દસમું ધોરણ એટલે કે S.S.C.ને શાળાજીવનનું સૌથી મહત્વનું વર્ષ ગણવામાં આવે છે.અને આજનાં સ્પર્ધાત્મક યુગમાં માતાપિતા પોતાના બાળક પાસેથી પહાડ જેટલી અપેક્ષાઓ રાખતા હોય છે.એમાં મરો થઈ જાય છે બાળકનો.તેની રસરૂચી હોય કે ન હોય પણ ગોખેલું ઓકી તેની પાસેથી S.S.Cમાં તે સારા માં સારા માર્ક મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેથી તે સારી એવી એકાદ પ્રતિષ્ઠીત કોલેજમાં એડમિશન મેળવી એન્જિનીયર કે ડોક્ટર બનવા ભણી આગળ વધી શકે.
પણ જો કદાચ ના જાહેર થયેલા પરિણામમાં તમારા સંતાનના ધાર્યા ટકા ન આવે કે તે નાપાસ થાય તો મહેરબાની કરી તેને જાકારો ન આપશો.તેની પડખે ઉભા રહેશો.તેના આત્મવિશ્વાસની જ્યોત બૂઝાઈન જાય એનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ, તમે પણ ધ્યાન આપજો કે S.S.C.નું પરિણામ જ કંઈ સર્વસ્વ નથીં. S.S.C પરિણામમાં જ દુનિયા પૂરી થઈ જતી નથી. ઉલટું આ પછી જ તો એક નવી શરૂઆત થવાની છે તો તેનું સ્વાગત ગમગીનીથી શીદને કરવું?
આજકાલ નાપાસ થવાને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કર્યાના સમાચાર અવારનવાર અખબારોમાં વાંચવા મળે છે.પણ આ તો નરી કાયરતાની નિશાની છે. એમ કંઈ શાળાની કે ની પરિક્ષામાં નાપાસ થયા એટલે અતિ મૂલ્યવાન એવા જીવનનો અંત આણી દેવાનો? આ તો કેવું મૂર્ખતાભર્યું પગલું?આનાથી ન તો જાન ગુમાવનારને કંઈ હાંસલ થાય છે ન તો તેના પરિવારજનોને.ઊલટું બન્ને પક્ષ ગુમાવે જ છે.આત્મહત્યા કરનાર મહામૂલું જીવન અને પરિવારજનો પોતાનો પરિવારનો એક સભ્યં ી પરિક્ષામાં હોય કે પછી જીવનમાં કોઈ પણ તબક્કે મળેલી બીજી કોઈ નિષ્ફળતા - કોઈ નિષ્ફળતા એટલી મોટી નથી હોતી કે જેને કારણ થઈ તમે જીવન ખતમ કરી નાંખવા જેવું અંતિમ પગલું ભરી બેસો.
બીજી એક મહત્વની વાત કરવાનું મન થાય છે.ક્યાંક વાંચેલું કે ઇશ્વર તમને એ નથી આપતા જે તમે ઇચ્છતા હોવ, પણ એ તમને એ આપે છે જે તમારા માટે સારું હોય, યોગ્ય હોય. મારું પોતાનું ઉદાહરણ ટાંકુ તો આજથી સોળ વર્ષ પહેલા, દર વર્ષે શાળામાં પ્રથમ આવવા છતાં S.S.Cમાં હું શાળામાં પ્રથમ તો શું દ્વિતીય પણ ન આવી શક્યો. ત્રીજા સ્થાને રહી મેં ૯૦.૮૫ % માર્ક્સ મેળવ્યા. આ પરિણામ કોઈ જ રીતે ખરાબ કે ઓછું ન હોવા છતાં મેરિટ લીસ્ટ સાત માર્કથી છેટું રહી ગયું અને હું ખૂબ દુ:ખી થઈ ગયો. પણ હિંમત ન હારી માતાપિતાના સંપૂર્ણ સહયોગ અને આશિર્વાદથી નજર ઉંચી જ રાખી, આગળ ભણવા અને સારી કારકિર્દી બનાવવામાં. ગુજરાતી માધ્યમમાં ભણવા બદલ હું આજે પણ કોઈ જાતની નાનમ નથી અનુભવતો અને મને એ વાતનું ગૌરવ છે.માતૃભાષામાં ભણવાને કારણે જ હું નેવું ટકા કરતા પણ વધુ માર્કસ S.S.Cમાં મેળવી શક્યો અને એ વાત મને આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ ક્યાંય અંતરાયરૂપ નથી બની અને બારમામાં પણ સારા ટકા મેળવી એન્જિનયીરીંગ અને પછી M.B.A. સુધીની મજલ કાપી અને સારી પ્રતિષ્ઠીત કંપનીમાં નોકરી મેળવી શક્યો. જીવનમાં કોઈ પણ પગલે તમારું ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ કે નિરાશ થયા વગર તેને ઇશ્વરનો સંકેત ગણી સ્વીકારી લો અને અધિક મહેનત કરી આગળ ધપવા માંડો. એ જ સફળ થવાની સાચી રીત છે.
પરિણામની રાહ જોઈ રહેલા, બધાં ના વિદ્યાર્થીઓને મારા All The Best અને મિત્રો, યાદ રાખજો કે S.S.C.નું પરિણામજ જીવનનો અંત નથી બલ્કે એ તો એક શરૂઆત છે. આથી તમારું ધાર્યું પરિણામ આવે તો તો સારું જ છે પણ જો એ તે પ્રમાણે ન આવે તો નિરાશ થવાની જરાય જરૂર નથી.'કરતા જાળ કરોળિયો' વાળી કવિતા યાદ કરી ફરી પાછા મચી પડો મહેનત કરવા અને ઓછા માર્ક્સ આવે તો જીવનમાં આગળ ઘણી બીજી પરિક્ષાઓ આવશે જ્યાં તમને ફરી તક પ્રાપ્ત થશે મહેનત કરી સારું પરિણામ મેળવવાની. ઇશ્વરમાં શ્રદ્ધા રાખો.

મંગળવાર, 1 જૂન, 2010

અસરકારક સંદેશવ્યવહાર

થોડા સમય અગાઉ પાઠશાલા નામની હિન્દી ફિલ્મ જોઈ.મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં હોય છે તે પ્રમાણે ફિલ્મની શરૂઆત પહેલા ફિલ્મ તેમજ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓના નામ સ્ક્રીન પર દર્શાવવાની શરૂઆત થઈ.એક સાથે ત્રણ વસ્તુઓ આ દરમ્યાન ચાલુ હતી.આ ફિલ્મના મુખ્ય કલાકારો સહિત તમામ લાગતા વળગતાઓ ( દિગ્દર્શક, નિર્માતા, પાર્શ્વગાયકો, ન્રુત્ય દિગ્દર્શકો, એડિટર વગેરે વગેરે) જેમણે આ ફિલ્મ બનાવવા ૨-૩ વર્ષ કે તેથી પણ વધુ સમય સુધી રાત-દિવસ એક કરીને મહેનત કરી હતી તે સૌના નામ સ્ક્રીન પર લાલ અક્ષરોમાં અલપ ઝલપ થઈ રહ્યાં હતાં.નામો પાછળ બેકગ્રાઉન્ડમાં તાજેતરમાં વર્તમાનપત્રોમાં છપાયેલા શિક્ષણ ક્ષેત્રને લગતાં, મોટા ભાગના નકારાત્મક પ્રકારના સમાચારો (જેવા કે ફલાણા વિદ્યાર્થીએ કરેલો આપઘાત, ઢિકણા શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા તેનું મ્રુત્યુ થયુ,વિદ્યાર્થીની પર શિક્ષક દ્વારા બળાત્કાર વગેરે વગેરે)ની ક્લિપીંગ્સ દર્શાવવામાં આવી રહી હતી, જેમાં ઘણી બધી માહિતી સ્ક્રીન પર પ્રેક્ષકો માટે પળવાર માટે સ્ક્રીન પર આવી પૂરે પૂરી વંચાય એ પહેલા અદ્રષ્ય થઈ જતી હતી.અને આ બે પ્રક્રિયાની સાથે સાથે જ ફિલ્મનું સુમધુર શિર્ષક ગીત ફિલ્મના ટાઈટલ સાથે જ વાગી રહ્યું હતું.આમ માહિતીઓનો ઓવરલોડ પ્રેક્ષકો સમક્ષ ઝીંકાઈ રહ્યો હતો. હવે સામાન્ય માનવી એક વખતે એક જ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો હોય છે.મારું ધ્યાન ટાઈટલમાં દર્શાવાઈ રહેલી સમાચારોની ક્લિપીંગ્ઝ વાંચવામાં રહી ગયું હોવાથી આ ફિલ્મ સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓના નામ વાંચવાના હું ચૂકી ગયો.
ફિલ્મ પત્યા બાદ આપણા પ્રેક્ષકોમાં ધરપત હોતી નથી આથી ફિલ્મને અંતે પણ, ઘણી વાર દર્શાવાતા નામો વાંચવા તો દૂર રહ્યું, ક્લાયમેક્સનો સીન જોવા માટે પણ તમારે સીટ પરથી ઉભા થઈ જવું પડે.અને કેટલીયે વાર થિયેટરવાળાઓ પણ ફિલ્મ પૂરી થયા બાદ તરત નામો દર્શાવવાનું ચાલુ રાખવાને બદલે પડદો પાડી દેતા હોય છે.
પાઠશાલા ફિલ્મ જોયા બાદ હજી સુધી મને ખબર નથી આ ફિલ્મ કોણે ડિરેક્ટ કરી હતી?ન તેના નિર્માતા કોણ હતા એ હું જાણી શક્યો છું.આ એક મોટી કમ્યુનિકેશન ફેઇલ્યર હતી - સંદેશ વ્યવહારની નિષ્ફળતા અને બિન અસરકારક્તાનું સચોટ ઉદાહરણ.
આ વાતની સરખામણી તાજેતરમાં જ જોયેલી બીજી એક ફિલ્મ સાથે કરવાનું મન થાય છે.ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને ક્રેડિટ કઈ રીતે આપવી તેનાં એક ઉત્ક્રુષ્ટ ઉદાહરણસમી શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ફિલ્મ એટલે 'વેલ ડન અબ્બા'!
આ ફિલ્મની કેન્દ્રિય વિષયવસ્તુ 'કૂવા'ના ચિત્ર સાથે ફિલ્મના દરેક નાના મોટા કલાકારના સાચા નામ તેના ફિલ્મમાં ભજવેલા પાત્રના નામ સાથે ફિલ્મના ટાઈટલમાં દર્શાવવામાં આવ્યા હતા.કેટલી સુંદર રીત!આ રીતે ફિલ્મે પોતાની સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓને યોગ્ય ક્રેડિટ પણ આપી ગણાય.પ્રેક્ષકો જાણી પણ શકે કે ફિલ્મમા કયું પાત્ર ભજવનાર વ્યક્તિ કોણ છે અને તેનું વાસ્તવિક નામ શું છે.(સિવાય કે તે રાજીવ ભાટિયા બની જનાર અક્ષય કુમાર કે સંજીવ કુમાર બની જનારા હરિભાઈ ઝરીવાલા હોય!)
મારે મતે અસરકારક સંદેશવ્યવહારનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ સાથે સંદેશ વ્યવહાર કે કમ્યુનિકેશન કરી રહ્યા હોવ ત્યારે એ સફળ થયેલું ત્યારે જ ગણાય જો તમારો સંદેશ, તમારી વાત એ વ્યક્તિ કે સમૂહ સમજી શકે, સંપૂર્ણ રીતે જાણી શકે.
કોર્પોરેટ જગતમાં પણ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન આપતી વખતે તમે તેનું બેકગ્રાઉન્ડ અતિ ભડક કે ભપકાદાર પસંદ કર્યુ હોય તો તમારી મૂળ વાત, કેન્દ્રિય મુદ્દો ક્યાંક ખોવાઈ જાય છે અને સામે બેઠેલી વ્યક્તિઓનું ધ્યાન ફક્ત પ્રેઝેન્ટેશનનાં ભપકાદાર રંગો કે કરામતોમાં જ વિશેષ રહેવા પામે છે.
હું આશા રાખું છું કે પ્રિય બ્લોગવાચક, તમને મારી વાત બરાબર સમજાઈ અને મારું આ કમ્યુનિકેશન સફળ અને અસરકારક રહ્યું હોય!

રવિવાર, 23 મે, 2010

ગેસ્ટ બ્લોગ : ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી !

Blog URL : http://govindmaru.wordpress.com/2010/05/07/d-panchal/

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.
ધાર્મીક સ્થળોની આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.
મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)
આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

-દીનેશ પાંચાલ (નવસારી)

બુધવાર, 19 મે, 2010

મોટરમેનોની હડતાળને લીધે રઝળી પડ્યાનો અનુભવ

એ દિવસે સવારે જ મહેસાણાથી બોરિવલી રાણકપુર એકસ્પ્રેસ દ્વારા આવતી વેળાએ જબરદસ્ત કંટાળાનો અનુભવ થયો.વિરારથી બોરિવલી સુધી સામાન્ય રીતે ફાસ્ટ લોકલમાં અડધો કલાક લાગે તેની જગાએ રાણકપુર એકસ્પ્રેસે પૂરા કલાક કરતાં પણ વધુ સમય લીધો. મલાડ મારે ઘેર પહોંચી ફ્રેશ થઈ વાંદ્રામાં આવેલી મારી ઓફિસ પહોંચતા સુધીમાં સાડાબાર-એક જેવો સમય થઈ ગયો આથી સાંજે ઓફિસેથી મોડા જ નિકળવુ પડે એવી પરિસ્થિતી નિર્માણ થઈ.છતાં પોણા આઠ સુધી સમય કેમેય કરીને પસાર કર્યા બાદ ઓફિસની બસ દ્વારા વાંદ્રા પહોંચવાનું નક્કી કર્યુ.પણ હંમેશની જેમ એક-બે મિનિટ મોડા પડતા બસ ચૂકી જવાયું અને ત્યાં રસ્તા પર ચાલતી વખતે જ ઓફિસમાંથી એક મિત્રનો ફોન આવ્યો કે લોકલ ગાડીઓ મોટરમેનોની હડતાળને કારણે બંધ છે આથી મારે હાઈવે પરથી સીધી મલાડ જતી બસ પકડી લેવી.પણ મેં તેની વાત ગણકારી નહિં.
મને એમ કે સ્ટેશન પહોંચી એકાદ ટ્રેન તો મળી જ જશે.આમેય ગિર્દી ધરાવતી ટ્રેનમાં ચઢવા-ઉતરવા હું સારી રીતે ટેવાયેલો જ છું.પણ ટ્રેનો સાવ જ બંધ જ થઈ જશે એવી મેં કલ્પના કરેલી નહિં.સ્ટેશને પહોંચી બાંકડે બેસી અખબાર વાંચવું શરૂ કર્યું,ટ્રેનની રાહ જોતા જોતા. પણ આખું અખબાર વાંચી રહ્યા બાદ પણ ટ્રેન આવી નહિં.રેલ્વે અનાઉન્સમેન્ટ હવે મેં ગંભીરતાથી સાંભળવાની શરૂઆત કરી.રેલવેવાળા પ્રવાસીઓને વાંદ્રા સ્ટેશન બહાર ખાસ શરૂ કરાયેલી બેસ્ટની બસ સેવાનો લાભ લેવીનું કહી રહ્યા હતા.મને ખૂબ નવાઈ લાગી.લગભગ સવા આઠે વાંદ્રા બસ ડેપોથી મેં ખીચોખીચ ભરેલી બસ અંધેરી જવા માટે પકડી.જવું હતું તો મલાડ સુધી પણ વાંદ્રા ડેપોથી કોઈ બસ સીધી મલાડ સુધી નહતી અને સ્ટેશનથી ડેપો વચ્ચે નજીવુ અંતર હોવા છતા અહિં બસ સુધી પહોંચતા જ મને દસ મિનિટ જેવો સમય લાગ્યો.એક બાઈક વાળાએ તો તેના બાઈકનું પૈડુ મારા પગ પર ચડાવવામાં કંઈ બાકી જ રાખ્યુ નહોતુ, પણ મારા સદનસીબે મને જરાય ઇજા પહોંચી નહિં.આટલી ગિર્દીમાં હું એની સાથે જીભાજોડી પણ શું કરું.બસ વાંદ્રા ડેપોથી જ શરૂ થતી હોઈ મને ચડવા તો મળી ગયું પણ ખૂબ ભીડ અને ગરમીને કારણે અન્ય બધા પ્રવાસીઓની જેમ જ મારી પણ હાલત ખરાબ થઈ ગઈ.
વાંચવાનો ભારે શોખ એટલે જન્મભૂમિની રવિપૂર્તિ મધૂવન કાઢી આટલી ગરમી અને ગિર્દીમાં પણ ઉભા ઉભા વાંચવાનું શરૂ કરી દીધુ.ખભે લટકાવેલી બેગ સાથે અગવડતા પડી રહી હતી.સાથે જ બેગ પર આટલી ભીડમાં કોઈ ચીરો મારી પાકીટ ચોરી લેશે એવો ભય પણ સતત લાગ્યા કર્યો. આમ છતા પાસેની સીટ પર બેસેલા મારા જેવા જ યુવાન સહપ્રવાસીની મારી બેગ તેના ખોળામાં રાખવાની દરખાસ્ત મેં ખબર નહિં શા માટે નકારી કાઢી!'મારી બારીએથી','કોફી હાઉસ' અને 'આસવ' વાંચી કાઢ્યા ત્યાં કંડક્ટર મહોદય આવી પહોંચ્યા અને મેં જેમ તેમ કરી બેગમાંથી પૈસા કાઢી ટિકિટ કઢાવી.બસની બારીમાંથી બહાર નજર નાંખતા બસ-સ્ટોપ પર, બીજી બસોમાં લોકોના ટોળેટોળા નજરે પડ્યા.મોટરમેનોની હડતાળની સજા મુંબઈગરાઓ ભોગવી રહ્યા હતા.વેસ્ટર્નથી સેન્ટ્રલ કે વેસ્ટર્નમાં જ ચર્ચગેટથી બોરિવલી કે વિરાર સુધી જવા ઇચ્છતા હજારો,સોરી, લાખો લોકો અટવાઈ ગયા હતા.
ખૂબ ગરમી લાગી રહી હોવાથી પરસેવો ખૂબ થતો હતો પણ એના ટીપાં પાસે જ નીચે બેઠેલા સહપ્રવાસી પર પડે એ પહેલા મેં રૂમાલથી મોં લૂછી કાઢ્યું.મહા મુસીબતે અંધેરી આવ્યું અને હું બસમાંથી માંડ માંડ ઉતરી શક્યો. વિચાર આવ્યો સ્ટેશન નજીક જ છે તો લાવ જોવાદે કદાચ ટ્રેન શરૂ થઈ ગઈ હોય અથવા ખાસ અંધેરીથી શરૂ થવાની હોય ને મને બેસીને (!) ઘેર જવા મળે.પણ મારી આ આશા ઠગારી નિવડી.અંધેરી પર વિરાર જવા માટેની લોકલ લાગેલી તો હતી પણ ખીચોખીચ ભરેલી અને તે આગળ વધવાનું નામ નહોતી લઈ રહી.ફરી પાછો હું રસ્તા પર આવી ચાલવા લાગ્યો.
મલાડ જતી એક-બે બસ દેખાઈ પણ એમાં ગિર્દી જોઈ મેં નક્કી જ કરી લીધું કે હવે તો રિક્ષા જ પકડી લેવી.પણ ખાલી રીક્ષાયે મળવી તો જોઇએને?ખેર મેં આગળ ચાલવા માંડ્યુ. મારી સાથે બીજા ઘણા લોકો ચાલી ને આગળ જઈ રહ્યા હતા. કેટલાક મારી જેમ રીક્ષા પણ શોધી રહ્યા હતા.ચાલતા ચાલતા મને વિચાર આવ્યો શું હડતાલ એક જ રસ્તો છે મોટરમેનો પાસે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાનો?તેમની હડતાળને લીધે આમ લાખો લોકો રસ્તા પર રઝળી જાય એ યોગ્ય કહેવાય?સરકાર પાસે આનો કોઈ વિકલ્પ હોવો જોઇએ. અને આ હડતાળ પણ સાવ અણધારી અને ઓચિંતી તો નહોતી જ મોટરમેનો એ અગાઉ તેની જાહેરાત કરી હતી તો પછી સરકારે કેમ આગોતરા પગલા ન લીધા?દોઢ-બે દિવસ પછી આપેલી કાનૂની ધારા લગાડવાની ચિમકી આટલા સમય બાદ કેમ અપાઈ?કેટલાય મોટોરમેનો ને ઉપવાસ પર ઉતરી હોસ્પિટલ ભેગા ય થવું પડ્યુ.પગાર વધારો બધાને જોઇએ છે પણ ક્યારેય કોઈ ગંભીરતાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાનું વિચારે છે ખરા?બીજી બાજુ સરકારે પણ કર્મચારીઓની હાલત વિષે વિચારવું જોઇએ.એક અખબારમાં વાંચ્યા મુજબ મોટરમેનો પાસે ઓવરટાઈમ કરાવી ૧૪-૧૫ કલાક સુધી કામ ખેંચવામાં આવે છે જે અમાનુષી છે.વધારાના મોટરમેનોને શા માટે ભરતી કરવામાં આવતા નથી?સાથે જ સરકારે પ્રોએક્ટીવ બનવાની પણ જરૂર છે.આગોતરી જાણ કર્યા બાદ મોટરમેનો હડતાલ પર ઉતરે અને લગભગ બે દિવસ બાદ,લાખો પ્રવાસીઓ હાલાકી ભોગવી લે છે ત્યાર બાદ,કેટલાય પ્રવસીઓને ઘણા બધા રૂપિયાનું નુક્સાન થઈ ગયા બાદ સરકારને SEMA ધારા લાગુ પાડવાનું સુઝે છે,આ ચિમકી જો પહેલા જ આપી દેવાઈ હોત તો હડતાલની નોબત જ ન આવત.
ખેર આ બધા વિચારો કરતા કરતા,થાકેલો અને પરસેવે રેબઝેબ હું અંધેરી થી પગપાળા મલાડ તરફ જઈ રહ્યો હતો,એ આશા સાથે કે મને રિક્ષા મળી જાય.મારી નજર કોઈક પરિચિત નો ચહેરો પણ શોધી રહી હતી વાહનચાલકોની ભીડમાં.રખે ને કોઈ ઓળખીતુ મળી જાય તો મને લિફ્ટ મળી જાય.પણ મારા નસીબમાં એ રાતે ચાલવાનું લખ્યું હશે!એકાદ કિલોમીટરનું અંતર ચાલતા ચાલતા કપાઈ ગયું.રસ્તામાં અનેક લોકોને મેં ફોર-વ્હીલર કારમાં કે પછી સ્કૂટર,બાઈક્સ પર એકલા આગળ વધતા જોયા.તેઓ રસ્તા પર બાજુમાં ચાલી રહેલા મારા જેવા લોકોની દયનીય સ્થિતી જોઈ રહ્યા હતા પણ કોઈ કોઈને મદદ કે લિફ્ટ ઓફર કરી રહ્યું નહોતું.શું એમાના કોઈએ કાર-પુલિંગ શબ્દ નહિ સાંભળ્યો હોય?કેટલાય એકલા રિક્ષામાં બેસી જઈ રહેલા પ્રવાસીઓને તો મેં ટ્રાફિકમાં તેમની રિક્ષા અટકતા પૂછ્યું પણ ખરું કે તેઓ મલાડ તરફ જઈ રહ્યા છે? પણ કોઈએ હા ના પાડી.છેવટે જોગેશ્વરી પાસે એક રિક્ષા ખાલી થતી જોઈ જે બે કારખાનામાં કામ કરતા બે માણસોએ પકડી લીધી હતી.પણ મેં તેમને વિનંતી કરી કે મને પણ તેમની સાથે બેસવા દે.તેઓ મલાડ જ જઈ રહ્યા હતા અને રિક્ષા વાળો પણ ભલો માણસ હતો જે પરિસ્થિતી નો લાભ લઈ વધુ પૈસા પડાવી લેવાની વ્રુતી ધરાવતો ન હતો અને તે મીટરથી મલાડ આવવા તૈયાર થઈ ગયો.
વાતો વાતોમાં ખબર પડી કે તેઓ બંને કિંગસર્કલ પાસે ક્યાંક કામ કરતા હતા પણ અટવાઈ જતા મલાડ તેમના કોઈ સગાવહાલાને ત્યાં રોકાઈ જવા જઈ રહ્યા હતા.તેમાનાં એકનો આખો પરિવાર પણ ક્યાંક ફસાઈ ગયો હતો અને તે સતત તેમની સાથે મોબાઈલ પર વાત કરી સંપર્કમાં રહેતો હતો.આવા તો કંઈ કેટલાય લોકો-વ્રુદ્ધો-અપંગો-બાળકો-પરિવારો એ રાતે અટવાઈ ગયા હશે. આખરે મલાડ આવ્યું પેલા બે જણને સ્ટેશન પાસે ઉતરવું હતું આથી તેઓ ઉતરી જાય ત્યાર બાદ હું રીક્ષા વધુ આગળ લઈ જઈશ એમ મેં નક્કી કર્યું પણ સ્ટેશનથી થોડે દૂર રીક્ષા બગડી અને અમારે ત્રણે જણે ત્યાં જ ઉતરી જવું પડ્યુ.(આભાર ભગવાનનો કે રીક્ષા અધવચ્ચે ન બગડતા મલાડ નજીક જ બગડી!)મેં રીક્ષાવાળાને પાંચ રૂપિયા વધુ આપી પેલા બીજા બે જણનો આભાર માન્યો અને ચાલવા માંડ્યુ મારા ઘર તરફ. આ અનુભવ ક્યારેય નહિં ભૂલાય!

રવિવાર, 25 એપ્રિલ, 2010

નારીત્વનો મહિમા વધારતી એક સન્નારી...

અગાઉ એક બ્લોગમાં મારા એક ઓફિસના મિત્ર અને સહકર્મચારી અનિલ જવાહરાની અને તેમના મોજીલા-ગમતીલા સ્વભાવની વાત કરેલી.આજે આ બ્લોગમાં એવી એક મહિલા વિષે વાત કરવી છે જે બીજી અનેક સ્ત્રીઓને પ્રેરણા મળી શકે એવી રીતે જીવન જીવી રહી છે. નામ છે એનું ડિમ્પલ ઉપાધ્યાય. ડિમ્પલ એટલે મારી બહેન તેજલની સૌથી નિકટતમ સખી.હું તેને મારા બાળપણના સમયથી ઓળખું.હું મારા થી છ વર્ષ મોટી મારી બહેન તેજલ અને તેની જ સમવયસ્ક ડિમ્પલ સાથે જ મોટો થયો છું.ડિમ્પલ એટલે એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ.તેને તેનાથી નાની બીજી ત્રણ બહેનો અને ચારે છોકરીઓ તેમના માતાપિતાને ખૂબ વહાલી.આજે ડિમ્પલ તેના પતિ અને તેમની બે જુવાન પુત્રીઓ સાથે સુખપૂર્વક જીવે છે.પણ હું તો ડિમ્પલને તે પોતે એક નાની બાળકી હતી ત્યારથી ઓળખું.

હવે મને જણાવવા દો કે આ ડિમ્પલ પર આખો એક બ્લોગ શા માટે? હું ડિમ્પલને માન આપું છું અને તેની પ્રશંસા કરું છું તેના અત્યુત્સાહી અને ધગશ તેમજ ઝિંદાદિલી ભર્યા સ્વભાવને લીધે.તે હંમેશા સ્ફૂર્તિ અને પોઝીટીવિટીથી છલકતી જોવા મળે.તે શાળાજીવન દરમ્યાન ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીની હતી અને તેણે કોમર્સમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો.તે મારી બહેનની શ્રેષ્ઠ મિત્ર હોવાથી તેણે મારી બહેનના કપરા કાળ વખતે હંમેશા તેને સાથ આપ્યો છે.તે આજે પણ સદાય મારી બહેનના પડખે ઉભી રહેવા તૈયાર અને તેણે દરેક યોગ્ય સમયે મારી બહેનને જરૂરી સાચી સલાહ આપી છે.આજે પણ તેઓ સાથે શોપિંગ કરવા કે ફરવા કે દૂરના કોઈ મંદિરે દર્શન કરવા ઘણી વાર જોડે જાય.

ડિમ્પલમાં બીજાયે ઘણાં શીખવા લાયક ગુણો ભર્યા છે.તે બોલ્ડ છે.તે એક આધુનિક નારી છે.તે ડ્રાઈવિંગ પણ કરી જાણે છે અને સ્વિમિંગ શિખવાનીયે ઇચ્છા ધરાવે છે.તે પોતાની સ્કૂટી પર દિકરીને ટ્યુશન મૂકવા પણ જાય અને ક્યારેક પિતાની કાર પણ ફેરવે.તે શેર ની લેવેચમાં પણ ખાસ્સો રસ ધરાવે અને એમાંથી સારુ એવું કમાઈ પણ લે છે.(મેં ક્યાંક વાંચેલુ કે ભલે ઓછી સ્ત્રીઓ શેરબજારમાં રસ લે છે પણ જેઓ રસ લે છે તે બધી પુરુષો કરતાં ઘણું સારુ કમાઈ જાણે છે!મારી એક ઓફિસની મિત્રની માતાએ પણ નિવૃત્ત થયા બાદ શેરોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને ફક્ત સેસાગોઆ જેવી એક મજબૂત કંપનીના શેરમાં રોકાણ થકી કરેલી કમાણીમાંથી મારી મિત્રના લગ્ન અને તેના ભાઈની વિદેશમાં અભ્યાસની ફીનો ખર્ચ કાઢી લીધો!) ડિમ્પલ તેના પિતાને તેમના વ્યવસાયમાં પણ મદદ કરે અને ઘરનાં બધા કામોયે ઝપાટાબંધ, કુશળતા અને ખૂબી પૂર્વક નિભાવી જાણે.તે પોતાની નાની બહેનો માટે પણ પ્રેરણાનો સ્રોત બની રહી છે.એક સારી પુત્રી,સારી બહેન,સારી માતા,સારી પત્નિ અને સારી સખી એમ બધી ભુમિકાઓ ડિમ્પલ સુંદર રીતે જીવી જાણે છે.

હું જ્યારે ડિમ્પલને મળું ત્યારે તે કંઈક નવું શિખતી હોય!તે મને નિયમિત રીતે નવા માં નવા સોફ્ટ્વેર વિષે કે સારી સારી વેબસાઈટ વિષે અને ઇન્ટરનેટ વિષે પ્રશ્નો પૂછ્યા કરતી હોય છે.તે એક ઉત્સાહી વિદ્યાર્થીનીની જેમ મારી પાસે બેસી ઇન્ટરનેટ ના પાઠ તેના રોજબરોજના ઉપયોગ માટે તેમજ બિઝનેસ માટે શિખી હતી અને મારી સાથે બેસીને જ તેણે પોતાનું પહેલું ઇમેલ આઈડી પણ બનાવ્યુ હતું. તેણે અનેક નાનામોટા વ્યવસાય કર્યા છે.તેણે સૌંદર્ય પ્રસાધનોના માર્કેટીંગ થી માંડી બ્યુટી ટ્રીટમેંટ આપવાના અનુભવ પણ લીધા છે.તેણે પોતાના વ્યવસાયને લગતા અને બીજા પણ ઘણા રસપ્રદ વિષયો પર સેમિનાર અટેન્ડ કર્યા છે.તે ક્યારેક સાડીમાં પણ સજ્જ થયેલી જોવા મળે તો ક્યારેક કોર્પોરેટ વુમનના પ્રોફેશનલ લિબાસમાં પણ દેખાય!

છેલ્લે હું જ્યારે તેને મળ્યો ત્યારે તે અકાઉંટીંગના 'ટેલી' પેકેજ શિખવાના વર્ગમાં જોડાઈ હતી.મેં તેને પૂછ્યું હવે આ શા માટે? તો તેણે જવાબ આપ્યો:મેં 'ટેલી' વિષે ખૂબ સાંભળ્યુ હતુ અને મારે જાણવુ હતું કે એમાં એવું શું છે જેથી તે સારું એવું લોકપ્રિય છે.બી.કોમના દિવસોમાં હું અકાઉંટીંગ તો શીખી જ હતી તો મને થયું લાવ મારી કોમ્પ્યુટર કુશળતાનો પણ કંઈક સારો ઉપયોગ કરવા દે!

ડિમ્પલ હંમેશા કંઈક નવુ કરવાની કે શિખવાની વેતરણમાં જ હોય!તેને મેં ક્યારેય ઘરમાં નવરી બેઠેલી તો જોઈ જ નથી.તે માત્ર એક સામાન્ય ગૃહિણી ન બની રહેતાં સતત પોતાનું જ્ઞાન વધારતી રહે છે અને તેને ઉપયોગમાં પણ મૂકે છે.તે કસરત પણ કરે છે,યોગા પણ અને સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણે છે.તેની દિકરીઓને ભણાવવાનો પણ ક્યારેક વારો આવે તો ડિમ્પલબેન એ માટે તૈયાર!તો ક્યારેક તેની દિકરીઓ માટે સ્કૂલનો કોઈક પ્રોજેક્ટ પણ તૈયાર કરવાનો હોય તો ડિમ્પલ ગૂગલ અને બીજા શક્ય એટલા પર્યાય વાપરી તે યોગ્ય સમયે તૈયાર કરી નાંખે.ડિમ્પલના પતિ જયવંત ઉપાધ્યાય પણ પોતાની પત્નિને ખૂબ ચાહે છે અને ડિમ્પલ જેવી પત્ની મેળવવા બદલ ગૌરવ અનુભવે છે.

શાબાશ ડિમ્પલ !હું ઇચ્છુ છું કે મારી પત્ની,માતા,બહેનો અને આ બ્લોગ વાંચનાર દરેક મહિલા તારી પાસેથી કંઈક શીખે અને સ્ત્રીત્વનો મહિમા વધારે...!

સોમવાર, 19 એપ્રિલ, 2010

શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવ

ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.સામાન્ય લાંબા અંતરની ટ્રેનમાં દ્વિતીય વર્ગની બેઠક શ્રેણીની ૨૦૦ રુપિયાથી ઓછી કિંમતની ટીકીટ લઈને તમે આઠ-નવ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો જ્યારે એ.સી. ચેરકાર શ્રેણીની શતાબ્દીની પોણા સાતસો રૂપિયાની ટીકીટ લઈને પણં તમે છ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો.પણ આ એક અનુભવલીધા બાદ તમે સમજી શકશો કે ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.(અને ખિસ્સાને પરવડે તો આ શતાબ્દીનો પ્રવાસ ચોક્કસ માણવા લાયક ખરો!)
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.

બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.

ગુરુવાર, 15 એપ્રિલ, 2010

સંગીત

કોઈ મને પૂછે કે મને શેનો શેનો શોખ છે તો મારા જવાબમાં સંગીત અચૂક હોય! સંગીતનો શોખ કદાચ મને ગળથૂથીમાં મળ્યો છે એમ કહી શકાય.મારા વડદાદા,દાદા,પિતા અને કાકાઓ સૌ સંગીતના રસિયા જ નહિં પણ વ્યવસાયિક ધોરણે પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે.હું ભલે હજી સુધી વ્યવસ્થિત તાલીમ લઈ સંગીત શીખી શક્યો નથી પણ એક દિવસ ચોક્કસ વ્યવસ્થિત તાલીમ લઈ ગાતા અને એકાદ વાજિંત્ર વગાડતા શિખવાની ઇચ્છા મારા મનમાં હજી સચવાઈને પડેલી છે ખરી!

સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.

એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.

કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!

મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.