Translate

શનિવાર, 3 માર્ચ, 2018

શ્રીદેવીને આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ


ગત સપ્તાહાંતે હું મારા પરિવાર સાથે દમણની મીરાસોલ હોટેલમાં ઓફિસ પિકનિકની મજા માણી રહ્યો હતો. શનિવારે રાતે પાર્ટી બાદ સૂતા મોડું થયું અને રવિવારની ૨૫મી ફેબ્રુઆરીની સવારે પોણા નવે ઉઠતા વેંત બેડ પર સૂતા સૂતા જ વોટ્સ એપ પર સંદેશ વાંચ્યો કે શ્રીદેવીનું હ્રદય રોગના હૂમલાને કારણે દુબઈમાં અકાળે અવસાન થયું છે. પાછલાં ઘણાં અનુભવોની જેમ આ વખતે પણ આ વોટ્સ એપ પરની સેલીબ્રીટીના મૃત્યુની એક અફવા જ હોય એવી દિલી કામના મેં તેના લાખો ચાહકોની જેમ કરી. પણ આ વખતે આ અફવા નહોતી.મારી જેમ જ સૌને આ ખબરે જબરો આંચકો આપ્યો હશે. આખો દિવસ ટીવી પર,રેડિયો પર,દુકાનોમાં,ગલીઓમાં,ગામડે અને શહેરોમાં શ્રીદેવીના મરણના સમાચાર જ ચર્ચાઈ રહ્યાં. ઓનલાઈન તેની બાળપણથી અત્યાર સુધીની બોલિવુડ યાત્રાની સુંદર સસ્મિત તસ્વીરો વહેતી થઈ અને તેને અપાયેલાં શ્રદ્ધાંજલિનાં સંદેશાઓ સર્વત્ર ફરી રહ્યાં. તેને ખુબ માન અપાયું, તેને ખુબ આદર પ્રાપ્ત થયો. સદમા,ચાંદની,ચાલબાજ,મિ.ઇન્ડિયા વગેરે સુપર ડુપર હિટ ફિલ્મો અને તેની કારકિર્દીની બીજી ઇનિંગમાં આવેલી ઇંગ્લીશ વિંગ્લીશ અને મોમ જેવી ફિલ્મોના ગીતો અને યાદો તેના લાખો ચાહકો વાગોળી રહ્યાં.
અખબારોએ બીજે દિવસે તેને અંજલિ આપતાં, પ્રથમ પાને તેના અવસાનના સમાચાર ગજવ્યાં. બીજા દિવસની બપોર સુધી હજી તેના પરીવારજનો, લાખો પ્રશંસકો અને ચાહકો હજી શોકમાં જ હતાં ત્યાં મિડીઆમાં ધડાકો થયો કે તેનું મોત હ્રદયરોગના હૂમલાને કારણે નથી થયું. મૃત્યુનો મલાજો જાળવતા વાત આટલે થી જ અટકી હોત તો પણ ઠીક હતું. પણ ગીધડાંની જાત સમા મિડીઆએ બે વાત ઉછાળી. શ્રીદેવીનું મોત બાથટબમાં પડી જવાને લીધે અકસ્માતે થયું હતું અને તેના શરીરમાંથી આલ્કોહોલના અંશ મળી આવ્યાં હતાં. હવે આ વાતો આટલી ગજવવાની જરૂર જ નહોતી પણ મિડીઆ કોનું નામ? ચર્ચા અને સ્પર્ધાની હોડમાં મરીમસાલા સાથે અવનવી વાતો અલગ અલગ ચેનલોએ તરતી મૂકી. તેના મોતને હલકું કરી નાંખ્યું આ ઘટના ક્રમે. ગઈ કાલથી આ ખબર લીક થયા સુધીમાં જે માન અને આદર મૃત શ્રીદેવીને પ્રાપ્ત થયાં હતાં તેમાં ઓટ આવી અને એવી ચર્ચાઓ થવા લાગી કે તેણે દારૂ પીધો એટલે તે ભાન ભૂલી અને ગબડી પડતાં તેનું મોત થયું. કેટલાકે બીજી થિયરી ચલાવી તેના પતિએ બાથટબમાં ડૂબાડી તેની હત્યા કરી નાંખી. આ બધી વ્યર્થ, ફાલતુ ચર્ચાઓનો કોઈ અર્થ હતો ખરો? જનાર ચાલ્યું ગયું હતું જેનો શોક પારાવાર હતો તેમાં આવી ફાલતુ ખબરો જ્યારે પરીવારજનોના વાંચવા કે સાંભળવામાં આવી હશે ત્યારે તેમના પર શી વિતી હશે?
મધ્યપ્રદેશની વિધાનસભામાં મૃતકોની યાદી તૈયાર કરાઈ હતી જેમને આદરાંજલિ અપાવાની હતી. શરાબ પીધો હોવાની ખબર આવવાને પગલે આ યાદીમાંથી શ્રીદેવીનું નામ છેલ્લી ઘડીએ બાકાત કરી નંખાયું. શું જેટલા નેતાઓ એ અંજલિ આપવાના હતાં એ મદિરાને સ્પર્શતા પણ નહિ હોય? અહિં હું સુરાપાનનું સમર્થન નથી કરી રહ્યો પણ હજી તો મિડીઆમાં જાતજાતના અહેવાલ આવી રહ્યાં હતાં ત્યાં આવી ઉગ્ર પ્રતિક્રિયા? છેવટે તો તેનું પાર્થિવ શરીર જ્યારે મુંબઈ આવ્યું ત્યારે રાષ્ટ્રધ્વજમાં લપેટી રાષ્ટ્રીય સન્માન સાથે શ્રીદેવીની અંતિમ ક્રિયા કરવામાં આવી પણ મિડીઆ દ્વારા મચાવાયેલો હોબાળો શું જરૂરી હતો? મૃત્યુનો મલાજો પણ મિડિઆ ન જાળવી શક્યું. શ્રીદેવીના પતિ બોની કપૂરે મિડીઆને એક પત્ર લખ્યો છે જેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે :
           તમારી મિત્ર,પત્ની અને બે યુવાન પુત્રીઓની માતાની ખોટ શબ્દો ભરપાઈ કરી શકે નહિ.
            હું મારા પરિવાર, મિત્રો, સહકર્મચારીઓ, શુભેચ્છકો અને મારી શ્રીદેવીના અગણિત ચાહકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું જેઓ ખડકની પેઠે અમારી પડખે ઉભા રહ્યાં છે. ઇશ્વરની મારા પર સદકૃપા છે જેના કારણે મને અર્જુન અને અંશુલાનો સહકાર અને પ્રેમ પ્રાપ્ત થયાં છે જેઓ આ કપરા કાળે મને,ખુશીને અને જહાનવીને મજબૂત પીઠબળ પુરું પાડી રહ્યાં છે. અમે સૌ કુટુંબીજનો સાથે મળી આ ક્યારેય ભરપાઈ નહિ થઈ શકે એવી ખોટનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
            વિશ્વ માટે એ તેમની ચાંદની હતી....શ્રેષ્ઠ અદાકારા...તેમની શ્રીદેવી...પણ મારા માટે એ મારો પ્રેમ, મારી મિત્ર, મારી પુત્રીઓની માતા અને મારી સાથીદાર હતી. મારી પુત્રીઓ માટે એ ધરી સમાન હતી જેની આસપાસ અમારો આખો પરીવાર ઘૂમતો હતો.
            હવે જ્યારે અમે મારી પ્રિય પત્ની અને ખુશી અને જહાનવીની મમ્માને અલવિદા ભણી રહ્યાં છીએ ત્યારે મારી તમને સૌને એક નમ્ર વિનવણી છે. મહેરબાની કરીને અમારી અંગત રીતે શોક વ્યક્ત કરવાની જરૂરને આદર આપો. જો તમારે શ્રીની જ વાત કરવી હોય તો એ જ ખાસ ક્ષણોની વાત કરો જેણે તમને તેની સાથે જોડ્યા હતાં. તે એવી એક અભિનેત્રી હતી અને છે જેની જગા કોઈ ક્યારેય લઈ શકશે નહિ. તેને આ માટે થઈને આદર અને પ્રેમ આપો. એક કલાકારના જીવન પર પડદો ક્યારેય પડતો જ નથી કારણ તેઓ એ રૂપેરી પડદે સદાયે ઝળહળતા રહે છે.
            મારા માટે અત્યારે એક જ ચિંતાની વાત સૌથી વધુ મહત્વની છે અને એ છે કઈ રીતે મારી પુત્રીઓનું રક્ષણ કરવું અને શ્રી વગર જીવન આગળ ધપાવવાનો માર્ગ શોધવો. એ અમારું જીવન હતી, અમારી તાકાત હતી અને અમારા સદાયે ચમકતા સ્મિતનું કારણ હતી. અમે તેને અમાપ પ્રેમ કરીએ છીએ.
            મારા પ્રેમ, તને ચિર શાંતિ પ્રાપ્ત થાઓ... અમારું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહિ હોય...      
-         બોની કપૂર
શ્રીદેવી રુપેરી પડદાની રાણી હતી અને તેણે અનેક હિટ ફિલ્મોમાં પોતાના જાજરમાન અભિનય દ્વારા બોલિવુડમાં અને લાખો સિનેચાહકોનાં હ્રદયમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું જેમાં કોઈ બેમત નથી. શ્રીદેવીને આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ...

ગેસ્ટ બ્લોગ :જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી

આ ગેસ્ટ બ્લોગ લખનાર કિશોર દવેનું ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અવસાન થયું છે.તેમણે થોડા મહિના અગાઉ પોતાનો આ લેખ ગેસ્ટ બ્લોગ તરીકે પ્રકાશિત કરવા મારી સાથે શેર કર્યો ત્યારે ખબર નહોતી કે આ તેમનો છેલ્લો લેખ બની રહેશે. જીવ્યાં ત્યાં સુધી મુખ પર સ્મિત, હ્રદયમાં સતત નવું જાણતા અને શિખતા રહેવાની જિજ્ઞાસા વૃત્તિ અને જીવનના અંત સુધી સતત પ્રવૃત્તિશીલ રહેવાની તેમની સુટેવ એ ૯૭ વર્ષનાં યુવાન કિશોરભાઈની ઓળખાણ હતાં.સ્વ.કિશોરભાઈ સ્વર્ગમાં દેવી-દેવતાઓ સાથે પ્રશ્નોત્તરીની રમત રમતા હશે! તેમનાં આત્માને ઇશ્વર ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના...

**************************************************************

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રણના આંકડાની વિશિષ્ઠતા બતાવી છે તેમાંથી જાણ ખાતર જણાવું તો ત્રણ ગુણ સત્વ-રજસ-તમસ, ત્રણ લોક સ્વર્ગ-પૃથ્વી-પાતાળ, ત્રણ દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ત્રણ અવસ્થા બાળપણ-યુવાની-વૃધ્ધાવસ્થા, ત્રણ કાળ ભૂત-વર્તમાન-ભવિષ્ય, ત્રણ ઋતુ શિયાળો-ઉનાળો-ચોમાસું અને આવા અનેક દાખલા મળી આવે, પણ તેમાં એક નવું, આપણા જીવનમાં વણાઇ ગએલ, સૌથી પરિચિત -  ‘નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી’ જે આજે સામાન્ય માનવી પણ જાણે છે. આજે આપણા જીવનમાં તેનું કેવું સ્થાન છે તે જોઇએ.
            બાળપણ-ઘડપણ વચ્ચે તફાવત હોય તો એટલો જ કે બાળપણ પાસે અફાટ ભવિષ્યકાળ છે. જ્યારે ઘડપણ પાસે ભવ્ય ભૂતકાળ છે. બાળપણ પાસે બેફિકરા દિવસોનો સંચય હોય છે અને ઘડપણમાં વાત્સલ્યનું વળગણ હોય છે. અને તેમાં પણ એક વિશિષ્ઠ જાતનું ગળપણ હોય છે. તેનો સ્વાદ કેવો હોય તે તો તમે કોઇ વૃધ્ધને પૂછશો તો તે કહી શકશે.
સમયની સરી જતી રેતી અને કેલેંડરનાં ફાટતાં પાનાં વચ્ચે જીવનનાં અમૂલ્ય વર્ષો વહી ગયાં તેનો આપણને ખ્યાલ રહેતો નથી, તેના પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. મૃત્યુ ક્યારે આવે છે? કેમ આવે છે? તે પ્રશ્નોનો ઉત્તર આજના દોડતા સમયમાં અને આ સંસારની અનેકવીધ પ્રવૃત્તિમાં ડૂબેલા આપણે તેને વધુ મહત્વ આપતાં નથી. જ્યારે કોઇ માંદગી કે અકસ્માત થાય ત્યારે આપણી આંખો ખૂલે અને થોડી સમજણ પડે કે અરે! આપણે તો આ જીવનના છેડે પહોંચી ગયા છીએ, અને હવે તો આપણો વારો! આપણે કબ-ક્યું ઔર કહાં? ના વિશિષ્ઠ વર્તુળમાં આવી ગયા છીએ ત્યારે આપણને આપણા જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી ‘હમણા જ વાગશે’ નો એહસાસ થાય છે. ત્યારે મોડું મોડું પણ આપણને ભાન થાય છે – કાંઇક વિચારવાનું – એટલું થાય તો પણ બસ છે. પીગળી ગએલ ભૂતકાળમાં નજર કરીએ તો જીવનની કિતાબ કોરી જ રહી ગઈ છે. કે એમાં કાંઇ કામનું લખી જીવન સાર્થક કર્યું છે? નહિતર વળી અફસોસ રહી જશે કે આપણું જીવન તો પૂરના ધસમસતા પાણીમાં વહી ગયું અને છેવટ સમુદ્રમિલનનો સમય આવ્યો ત્યારે જાગ્યા. એટલે હવે સમય થોડો જ બાકી છે તેમાં કંઈક એવું કરીએ કે સમગ્ર જીવન સાર્થક થઈ જાય, કારણકે હવે સમયમાં કોને અગ્રતાક્રમ આપી તેનો અમલ કરીએ કે ‘આપણે કાંઈ નથી કર્યું’ એવો અફસોસ ન રહી જાય.
            વૃધ્ધાવસ્થાના એ સમયમાં જરા આંખો મીંચીને એ વિચારો તમે તમારા કુટુંબ પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે? જીવનમાં યોગ્ય જગ્યાએ દાન-પુણ્ય-સહાનુભૂતિ કે સદભાવનાનો અમલ કર્યો છે, એવા જીવનના અનેક કાર્યો બદલ થોડો સમય ભૂતકાળને ભેદી તેમાંથી યોગ્ય ઉત્તર મેળવવાના પ્રયાસ કરવા જરૂરી છે.
            આજકાલ વર્તમાનપત્રો-સામયિકોમાં વૃધ્ધોને માટે એટલા સૂચન ભર્યા લેખો આવે છે કે કોઇ પણ વૃધ્ધ તેને અનુસરે તો તેને માનસિક શાંતિ જરૂર મળે જ. સ્વભાવને કેવી રીતે કેળવવો – પોતાની જુની ટેવોને બદલી પોતાના સંતાનોના સંસારમાં કેમ અનુકૂળ થઈ રહેવું, સંસારમાં પરિવર્તન આવ્યું છે એ ન્યાયે અત્યારના સંતાનો પોતાની મુશ્કેલીઓનો જાતે નિર્ણય લેવા સક્ષમ છે તે સમયે ‘અમોને કોઇ પૂછતું નથી’ એમ લાગે, પરંતુ એ બધું ‘જતું કરવું’ જોઇએ.સંતાનોએ પણ જાણવું જોઇએ કે આપણે રાત્રે મોડા પડીએ ત્યારે જાગતા રહી આપણી કોઇ વાટ જોતું હશે કે કોઇવાર થાકેલા ઘેર આવીએ ત્યારે માતાપિતાનો હાથ માથે ફેરવતાં – પ્રકૃતિની પૂછા કરતાં હોય એવા પ્રસંગો બને ત્યારે બંને પક્ષે સુખનાં-પ્રેમનાં આંસુ વહેતાં હોય છે. ટૂંકમાં બંને પેઢીએ સંયમ-ઉદારતા-ભક્તિ-વડીલો પ્રત્યેની ફરજ અને સેવાની ભાવના અને હૃદયની સંવેદના વીકસે ત્યારે જ બની શકે.
            જીવનની ત્રણે અવસ્થાઓમાંથી પસાર થયા બાદ આપણે અંતિમ મુકામે પહોંચીએ છીએ ત્યારે ‘સ્વર્ગ ક્યાં છે? કોઇ સ્થળમાં? કોઇ વસ્તુમાં?’ ના. પરંતુ સત્કાર્યોથી-સુંદર સ્વભાવથી જીવનની પરિપૂર્ણતાને પામવી એ જ છે ખરું સ્વર્ગ અને એ જ છે શ્રીરામ અને શ્રીકૃષ્ણની પદરજ જે માથે ચઢાવી તમે જીવન સાફલ્યની અનુભૂતિ કરી શકશો.
            પછી ભલે ને જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી પૂરા જોરથી વાગે કે તેને બદલે મોટો ઘંટ વાગે તો પણ કોઇ ફરક પડતો નથી કારણકે આપણે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર અને સુસજ્જ છીએ, અને પછી ઘંટડીના અવાજની શાંતિ પછી ધીમેથી રંગમંચ પરની જ્વનિકા ખૂલે ત્યારે રંગમંચના ઝાંખા - ભૂરા પ્રકાશમાં – સમાધિમાં પદ્માસનસ્થિત તમે તમે બેઠા હો અને મધુર સંગીતમાં ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ ના સૂર પ્રસરી રહ્યા હોય, એ કેવું અદભૂત-અલૌકિક-અવિસ્મરણીય અને દિવ્ય દૃશ્ય? અસ્તુ...

-       કિશોર દવે

રવિવાર, 18 ફેબ્રુઆરી, 2018

ગુણવત્તા તો શ્રેષ્ઠ જ હોવી ઘટે


ઓફિસ જવા માટે રોજ મારે લાખો મુંબઈગરાની જેમ મુંબઈ લોકલ,બસ કે રીક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરવો પડે તેમજ સ્ટેશન પર બનાવેલ પુલ,સ્કાયવોક્સ,ફુટપાથ વગેરે પર ચાલવું પણ પડે. રોડ પર બધી જગાઓએ અનેકાનેક ચીજવસ્તુઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાપરવી પડે.
ટ્રેનમાં ચડતાં ગિર્દી હોય તો સીટ પર બેસવા મળે. સીટ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં દેખીતી રીતે વધુ સારી હોવી જોઇએ.પણ તેની ગાદીની ગુણવત્તા અંગે ઘણી વાર પ્રશ્ન થાય.સામસામી બેઠકો વચ્ચેનું અંતર પણ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એટલું ઓછું હોય છે કે બારી તરફની બેઠક સુધી પહોંચતા વચ્ચે બેઠેલા પ્રવાસીઓને ખુબ અગવડ થાય. માથા પર ફરતાં પંખાના ઘણી વાર પાંખિયા તૂટેલા હોય તો ઘણી વાર તેના કવર પરની જાળીના તાર તૂટેલા હોય તો ઘણી વાર આવું કોઈ જ કારણ હોવા છતાં પંખો કોણ જાણે કોનાથી નારાજ હોવાને કારણે ચાલુ થાય! પેન્ટના પાછલા ખિસ્સામાં મૂકેલા કાંસકા વડે તેના પાંખિયાને ઘડિયાળના કાંટાની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં ધક્કો મારવા છતાં તે ચાલુ થાય! ક્યારેક એમ કરવા જતાં મહિનાઓથી સફાઈ થઈ હોવાને કારણે પંખાના પાંખિયા પર જમા થયેલી ધૂળ અને કચરો તમારી આંખમાં પડે વધારામાં! ટ્રેનની બારીના કાચ ઘણી વાર એટલા જામ થઈ ગયા હોય કે તમે આખેઆખા ઉભા થઈ તેને નીચો લાવવા મથો તોયે સફળ થાવ! (નવી ટ્રેનમાં જોકે સમસ્યા થોડી હળવી થઈ છે). લાંબા અંતરની ટ્રેનમાં પણ પંખા,લાઈટ અને બારીની દશા કંઈ વધુ સારી હોતી નથી.એમાં ઘણાં ડબ્બાઓમાં હવે મોબાઈલ ચાર્જ કરવાના પોઇન્ટ્સ આપવામાં આવે છે પણ બધાં પોઇન્ટ્સ ચાલુ હોય એવું જોવા મળતું નથી. ગાડીના ડબ્બામાંથી ઉતરી સ્ટેશન પર નજર કરો તો તૂટી ગયેલા કચરાના ડબ્બા જોવા મળશે કે ટિકિટ ઘર નજીક દસ બાર સ્માર્ટકાર્ડ મશીન ખડકાયેલા જોવા મળશે. પણ જો બધાં મશીન ચાલુ હોય તો સૂરજે પશ્ચિમમાંથી ઉગવું પડે! દસ-બારમાંથી માંડ ત્રણ કે ચાર મશીન ચાલુ હશે તેમાંથી પણ ટિકિટ દર વખતે વિના વિઘ્ને પ્રથમ પ્રયાસે બહાર આવશે એવું જરૂરી નથી. સ્માર્ટ કાર્ડ મશીન્સ પહેલાં ટિકિટની કુપન્સ અસ્તિત્વમાં હતી જેના પર મશીનથી વિગતો પંચ કરવાની રહેતી. મોટા ભાગના મશીન્સ પણ ખોડંગાયેલા રહેતાં જેથી ટિકિટ પર રબર સ્ટેમ્પ મારવા માટે સાહીની ડબ્બી અને રબર સ્ટેમ્પ મૂકવામાં આવતાં. સિસ્ટમની વિદાય બાદ શરૂ કરાયેલા સ્માર્ટ કાર્ડસના મશીનની ગુણવત્તામાં પણ પાછલી ભૂલ સુધારાઈ નથી અને હલકી ગુણવત્તા વાળા મશીન્સ અને સોફ્ટવેર પ્રવાસીઓના માથે પટકાવવામાં આવ્યાં છે.
સ્ટેશનથી બહાર આવવા પુલ ચડી તેના પર થોડું ચાલો એટલે આજુબાજુ ગંધાતા છાપરાં કે થોડા વધુ આગળ જાઓ એટલે ઝૂંપડપટ્ટી કે અન્ય ગંદકી-અસ્વચ્છતાનું પ્રદર્શન થાય. પુલ પર થઈ કરોડોના ખર્ચે બનેલાં સ્કાયવોક પર આવો એટલે અધવચ્ચે તૂટેલી ટાઈલ્સ કે ખાડા-ટેકરા વાળાં તળીયા પર ચાલવું પડે. રાતે સ્કાય વોક્સ પર ઘણી જગાએ ઘોર અંધારું જોવા મળે. ટ્યુબલાઈટ્સ હોય પણ ઉડી ગયેલી અથવા ખરાબ થઈ ગયેલી. સ્કાય વોક્સના ઉંચા પગથિયાની મોટા ભાગની ટાઈલ્સ પણ તૂટી ગયેલી. ખરું જોત તો સ્કાય વોક્સ પરથી ચડવા ઉતરવા બધે એસ્કેલેટર્સ હોવા જોઇએ પણ ગણી-ગાંઠી જગાઓએ આવા એસ્કેલેટર્સ મૂકાયા હોવા છતાં તે ચાલુ હોતા કે કરાતા નથી.
સ્કાયવોકથી ઉતરી બસમાં ચડો એટલે ત્યાં પણ કંઈ સ્થિતી બદલાઈ જાય.માલિકીની કંપનીએ ટિકિટો માટે કંડક્ટર્સને મશીન તો આપી દીધાં પણ તેની ગુણવત્તા એટલી હલકી કે આવા હજારો મશીનો કરોડો રૂપિયાના નુકસાન છતાં પાછા ખેંચી લેવાનું વિચારાઈ રહ્યું છે અને ફરી જૂની પ્રિ-પ્રિન્ટેડ ટિકિટ્સની સિસ્ટમ ચાલુ કરાશે. કેટલીક બસોમાં તો શરૂ થઈ પણ ગઈ છે. ટિકિટનું મશીન કદાચ ટિકિટ છાપી શક્તું હોય તો પણ એમાં ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ એપ્સથી ટિકિટ લેવા માટે જરૂરી વાઈ-ફાઈ ચાલુ હોય નહિ એટલે કેશ-લેસ ટ્રાવેલ કરવાનું સ્વપ્ન સિદ્ધ થઈ શકે નહિ!
તમને વિચાર આવશે કે ઉપર કરી એ બધી ફરીયાદો કરવાનો આશય શું? તો ચર્ચા છેડવાનો હેતુ આપણે જે કામ કરી છીએ કે જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી છીએ તેમાં ક્યાંય કચાશ રાખીએ વિચાર ગ્રહણ કરવાનો છે. જેમ આપણે હલકી ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુ કે સેવા વાપરી ક્યારેય સંતુષ્ટ કે ખુશ નથી થતાં તેમ આપણાં દ્વારા બનાવાતી વસ્તુ કે સેવા શ્રેષ્ઠ હોય તો સામી વ્યક્તિ કે ગ્રાહકને પણ આપણે ફરીયાદની તક પૂરી પાડીશું.
હવે હલકી ગુણવત્તાયુક્ત પદાર્થ કે સેવાના અનુભવની સરખામણી મેટ્રોમાં ટ્રાવેલ કરતી વખતે થતાં અનુભવ સાથે કરો કે હવાઈ મુસાફરી કરતી વખતે હવાઈમથકે કે વિમાનમાં થતાં અનુભવ સાથે કરો. અનુભવ ચોક્કસ શ્રેષ્ઠ અને અવિસ્મરણીય હશે!
 જ્યારે પસંદગી કરવાનું આપણાં હાથમાં હોય ત્યારે આપણે હલકી ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુ વાપરવી શા માટે? નવી વસ્તુ સર્જતા હોઇએ કે ખરીદતા હોઇએ ત્યારે વપરાતો કાચો માલ સામાન કે ઇન્ગ્રેડિયન્ટ્સ સારામાં સારી ગુણવત્તા વાળા વાપરીએ જેથી તેમાંથી બનનારું એન્ડ પ્રોડક્ટ પણ શ્રેષ્ઠ બની રહે.
ટ્રેનની સીટની ગાદી કે પંખા કે બારીના કાચ હોય કે સ્માર્ટ કાર્ડનું મશીન કે તેનું હાર્ડવેર કે સોફ્ટવેર, સ્કાયવોકની ટાઈલ્સ કે ટ્યુબલાઈટ્સ્નો કોન્ટ્રાક્ટ સંભાળતી મેન્ટેનન્સ કંપનીની સેવા કે બસની ટિકિટનું મશીન હોય કે તેમાં અપાતી વાઈફાઈની સેવા - બધામાં સરકાર કે નિર્ણય લેવાનો હક્ક ધરાવતી સત્તા કે કંપની ભ્રષ્ટાચારને તાબે થવાનું નક્કી કરી કદાચ થોડી વધુ મોંઘી સેવા કે ચીજવસ્તુની પસંદગી કરે તો આપણને કોઈ ફરીયાદ કરવાનો મોકો મળે. ભારત પણ વિદેશોની જેમ સ્વચ્છ અને શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે. તમે જ્યારે આવી કોઈ બાબતમાં નિર્ણયકર્તા હોવ અથવા તમારે પોતાને માટે કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે શ્રેષ્ઠ વસ્તુની પસંદગી કરવાનો આગ્રહ રાખશો અને તેનો અમલ કરશો તો મારી લેખ લખ્યાંની મહેનત લેખે લાગશે!

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018

ગેસ્ટ બ્લોગ : મનનું જોમ , માતાપિતાની ભલમનસાઈનો બદલો


-         ઈલા પુરોહીત

જો જો મન એક વાર મહેકતા શીખી લેશે પછી તેને ક્લેશ, કકળાટ, તારું-મારું, દ્વેષ, ઇર્ષા  આવું આવું કચરાપટ્ટી જેવું કશુંય પસંદ નહીં પડે એ પાક્કું. એને તો ઝીણીઝીણી કીડીયુંની હારેહારે સફારીની સફર કરવી ગમશે. ભલેને “ઉંબરો ડુંગર” જેવડો થયો. તોય તે ઘર બેઠા ગણતરીની સેકંડમાં રોકેટની ઝડપે અંતરીક્ષમાં જઈ આવશે. એથીય આગળ વધીને બધા ગ્રહોની સાથેસાથે સૂરજદાદાની પરિક્રમા પણ પૂરી કરશે. પ્રાચીન, અર્વાચીન, નવું, જૂનું બધુંય ‘ધૂળધોયા’ ની જેમ ઘડીના છઠ્ઠા ભાગમાં નેનો ક્રાફ્ટમાં ઘૂમી વળશે.
અરે! આજસુધી જે જે જોયું, અનુભવ્યું એ તો ઠીક પણ ન જોયેલી ભાતીગળ આખી દુનિયાનો કલ્પનાની પાંખે ચડીને સાક્ષાત્કાર કરી લેશે. અરે, આ ‘મન મહારાજની પૂરી તાકાતની આપણને પૂરી ખબર જ નથી. ભૈયા, મગતરાને મહાકાય અને મહાકાયને મગતરૂં કૌશલ ધરાવે છે આ મન મહાશય. સચ્ચી, આ તનમનનો તાલમેલ વાલિયા ભીલ ને ઋષિ વાલ્મિકી સર્જી શકે જ ને. અમથું  એને થોડું જ પવનથીય વધુ વેગવંત, જોમવાન કહ્યું છે? જેમ શરીરની તંદુરસ્તી માટે ઔષધિ તેમ નિરોગી મન માટે સદપ્રવૃત્તિ લાભકારક છે. વળી જિંદગીને ધીરે ધીરે  જી રે  જી રે  સમાધાન કરી લ્યો. ઉલઝો મત. સુલઝો ભાઈ! નાની નાની બેકાર વાતોમાં આવી સરસ જિંદગીને નર્ક ન કરો. જીવન  કદરૂપું ન ઘડો. જો જો , ધ્યાન રાખજો. દાળ શાકમાં મીઠું વધારે ઓછું પડ્યું, જમવાનું બગડ્યું આ મેટરની પચ્ચી જીવવાની આખેઆખી મઝા બગાડી નાખશે. થોડું સહન કરતાં શીખો. કહે છે ને, “ટેક ઇટ ઇઝી.” આપણી ગૃહસ્થી ક્દરૂપી ન બની જાય એ અંગે ખાસ ચોકન્ના રહો. ક્યારેક કોઈ મનોવૃત્તિની પ્રવૃત્તિ કાંઈ ગડબડ કરે એને રોકો, ચૂપ કરો. અચ્છાઈ, ભલાઈ, સચ્ચાઈ આપણા સુખક્રર્તા, દુખહર્તા ગણેશજી છે. સત્કર્મને ગણેશ પૂજન સમજો.
એક વાર આ મન બેબાકળું થઈને બુદ્ધિને પૂછી બેઠું કે આ સુખ, દુખ, હાનિ, લાભ, ચડતી, પડતી શું છે? રાગ- દ્વેષ, તારું-મારું, પારકું-પોતાનું ગતકડું શું છે? ભાવ ભજવે છે વગેરે વગેરે પ્રશ્નો જોઇને આ આખા બખડજંતર વિષે બુદ્ધિ પણ ભારે વિચારમાં પડી કે આ બધું  સીધેસીધું  કોને અસર કર્તા છે? અને અસરગ્રસ્તની સહાયતાર્થે શું પગલાં ભરવા જરૂરી છે? બુદ્ધિએ ચિત્તને ઢંઢોળ્યું. અરે ચિત્તજી, મન મુંઝવણના ઉકેલનો ઉપાય ગોતોજી. ચતુર ચિત્તે આખી ફાઈલ સ્ટડી કરી અને શુદ્ધાત્મા સાથે મિટીંગ કરી. સુખી દુખી જીવનની ઘટમાળનો પ્રશ્ન ઉકેલવાની કોશીશ કરી, જેની ટૂંકી નોંધ આ પ્રમાણે છે.
સૃષ્ટિચક્રમાં તાલમેલના અભાવે જ્ઞાન વિજ્ઞાનમાં ઉણા ઉતર્યાથી,વળી શરીરને જ “હું” સમજી બેસવાથી તથા શ્રદ્ધા અને સંયમને નજર બહાર ગણવાથી અને ખાસ તો કુદરતે બક્ષેલા માનવપણાની કદર ન કરવાથી આ દરેકેદરેક ધૂપ-છાંવ, ખુશી-ગમ, પ્યાર-નફરત જેવા દ્વન્દ્વો મનને પરેશાન કરે છે. આમાં ભાગ્ય – નસીબ, બાબા-ભૂવા બિચારા શું કરી શકે? ભાઈ, સુનો મનજી ભાઈ, આખી બાજી તમારા જ હાથમાં છે. મરજી આપકી!
******************************************************************************
શ્રીમાન અને શ્રીમતી વિજયપત સિંઘાનીયાજીની એક સરસ વિડીઓ ક્લીપ વોટ્સએપ પર જોવામાં આવી.રેમન્ડના પ્રમોટર એવા પિતા શ્રી શેઠ વિજયપત સિંઘાનીયા અને પુત્ર ગૌતમ સિંઘાનીયા વચ્ચેની અદાલતી કારવાઈનું સામાન્ય સહજયોગે વિશ્લેષણ થવા જાય છે. જ્યારે આ જાજરમાન પરિવારમાં પુત્ર-જન્મોત્સવ પ્રથમવાર મનાવાયો હશે,જ્યારે એ પ્રથમ સંતાનની પાપાપગલીએ માતાપિતાને ઠુમક ચલત રામચંદ્રની યાદ અપાવી હશે,પુત્રનો શાળાનો પ્રથમ દિવસ વગેરે વગેરે..આજ સુધીની આ આનંદની ક્ષણો - ત્યારની અને આજની અસમાન પરિસ્થિતી. દુ:ખ થાય છે પિતાની આજની મન:સ્થિતી કલ્પીને.અરે ,જે માવતર ,પછી ભલે એ ગરીબ હોય કે ધનવાન,રાજા હોય કે રંક,પોતપોતાની સહજ-સામાન્ય શક્તિ કરતાં ઘણું વધારે સંતાન માટે વિચારે અને વાપરે છે.તેની સંતાન મોટું થઈ આવી અવદશા કરે? જેને આધારે આપણે પગે ચાલતા શીખ્યાં,જેને કારણે એ ફોર એપલ થી માંડી માણસની ભાષા બોલતા શીખ્યાં.આ બધું સુખ-શુભ ભૂલી કોર્ટ-કાયદાને જંગે ચડી કરોડોનો ધુમાડો કરવો આ ક્યાંનું ડહાપણ છે?
-         ઈલા પુરોહીત