Translate

રવિવાર, 3 જાન્યુઆરી, 2016

માસ્ટર સ્ટોરી ટેલર - સંજય લીલા ભણસાલી

૨૦૧૫ની અતિ ચર્ચાસ્પદ રહેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની જોઈ. ખુબ ગમી. પોતાના નામમાં પિતાના નામને બદલે પોતાની માતાનું નામ લખવું પસંદ કરનાર આ ફિલ્મના સર્જક સંજય લીલા ભણસાલીનો હું ખુબ મોટો ચાહક છું. કહોને હું તેમની કોઈ પણ કૃતિ હોય,તેના પ્રત્યે થોડો પક્ષપાતી છું.

લગભગ બે દસકા અગાઉ આવેલી તેમની સુપરહીટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા આપણી ગુજરાતની ભવાઈને એક કમર્શિયલ હિન્દી ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય ફલક સુધી લઈ જનાર મારા પિતા ઘનશ્યામ નાયકને એ ફિલ્મમાં વિઠ્ઠલ કાકાનું પાત્ર ભજવવાની તક આપી એટલે નહિ પરંતુ તેમની કલા,સંગીત, નૃત્ય દરેક પાસા પ્રત્યેની આગવી સૂઝ અને એ સિનેમાનાં ફલક પર  રજૂ કરવાની તેમની શૈલી અને તેમાં આ પરફેકશનીસ્ટ એવા ફિલ્મસર્જકની માસ્ટરી પર હું ફીદા છું! તેમને હીરો કે હીરોઈનને શ્રેષ્ઠ રીતે પેશ કરતાં આવડે છે. દરેક કલાકાર પાસેથી તેનું શ્રેષ્ઠ કૌવત બહાર કઢાવવાની તેમનામાં કુનેહ છે. ઐશ્વર્યા રાય હમ દિલ દે ચુકે સનમ પછી ક્યારેય એટલી સુંદર કોઈ ફિલ્મમાં લાગી છે? કે તેની એક્ટીંગ અન્ય કોઈ ફિલ્મમાં આટલી સુંદર રીતે પેશ થઈ છે? અજય દેવગન,સલમાન ખાન,રણબીર કપૂર કે પછી રણવીર સિંહ આ બધાં હીરોના પણ શ્રેષ્ઠ પરફોર્મન્સ સંજયભાઈની ફિલ્મમાં જોવા મળ્યા છે. દરેક હીરો કે હીરોઈનનું તેમની ફિલ્મમાં કામ કરવા મળે એવું સ્વપ્ન હોય છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહિ ગણાય. સર્જનાત્મકતા સંજય ભાઈમાં કૂટીકૂટીને ભરેલી છે! અભિવ્યક્તિની તેમની એક આગવી મૌલિક શૈલી છે.
તેમની પ્રથમ ફિલ્મ ખામોશી - ધ મ્યુઝિકલથી જ હું તેમનો પ્રશંસક અને ચાહક બની ગયેલો.આ ફિલ્મ જોતી વખતે હું જેટલું રડ્યો હોઈશ એટલું કદાચ કોઈ અન્ય ફિલ્મ જોતી વખતે નહિ બન્યું હોય. સંજયભાઈની દરેક ફિલ્મ હ્રદયને સ્પર્શી જતી હોય છે.  તેમની દરેક ફિલ્મમાં એક તડપ,એક વ્યથાની કથા હોય છે. પછી એ મૂક નાના-સીમાની ખામોશીમાં રજૂ થયેલી વ્યથા હોય કે હમ દિલ દે ચુકે સનમમાં સલમાનની તડપ,સાવરીયામાં રણબીરનો સાચો પ્રેમ અને વિરહ હોય કે બ્લેકની રાનીની અબોલ વેદના,દેવદાસ-પારો-ચંદ્રમુખીની દેવદાસમાં વર્ણવાયેલી પ્રેમપીડા હોય કે પછી રણવીર-દીપિકાની રામલીલામાં સમાજનાં બંધનોને લીધે ક્યારેય એક ન થઈ શક્યાનો ગમ,ગુઝારીશમાં હ્રિતીકની શારીરીક અક્ષમતાને લીધે મજબૂરી હોય કે મસ્તાનીની અપ્રતિમ પ્રેમ છતાં સમાજ દ્વારા અસ્વીકારને લીધે વેઠવી પડતી એકલતા અને અપાર મુશ્કેલીઓ,યાતનાઓ. કરુણ રસ પણ સંજયભાઈના પ્યાલામાં પીવો ખુબ ગમે છે.ખામોશી, સાવરીયા, બ્લેક, ગુઝારીશ વગેરે ફિલ્મો ભલે બોક્સઓફિસ પર ટંકશાળ પાડવામાં સફળ ન રહી હોય પણ આ બધી ફિલ્મો મારી સૌથી વધુ પસંદીદા ફિલ્મોની યાદીમાં અગ્રસ્થાને છે. સંગીતની પણ સંજયભાઈમાં ગજબની સૂઝ છે.તેમની દરેક ફિલ્મના ગીત મારા મોબાઈલ બદલાવાની સાથે જૂનામાંથી નવા મોબાઈલમાં ટ્રાન્સ્ફર થતાં રહે છે!
તેમની ફિલ્મોમાં રજૂ થતી ભવ્યતા સામે લોકોનો વિરોધ હોય છે. દેવદાસ-પારો અને ચંદ્રમુખીને તેમણે મહેલ જેવી ભવ્ય કોઠીઓમાં બતાવ્યાં તેના કારણે ભારે વિવાદ થયેલો. મારૂં માનવું છે કે એક સર્જક જ્યારે મૂળ હાર્દ જાળવી વાર્તાને પોતાની રીતે રજૂ કરવા થોડી છૂટછાટ લઈ તેને પોતાની આગવી દ્રષ્ટીથી રજૂ કરે તેમાં શા માટે કોઈએ વાંધો લેવો જોઇએ?
ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોય છે.દેવદાસની વાર્તામાં ભવ્યતાનું છોગું ઉમેર્યું એમાં શા માટે કોઈએ વિરોધ નોંધાવવો જોઇએ?મૂળ વાર્તામાં કદાચ પારો અને ચંદ્રમુખી ક્યારેય મળ્યા નહોતાં પણ સંજયભાઈએ તેમને સાથે નચાવ્યાં અને બે સ્ત્રીઓની વેદના વહેંચી સાથે ઉત્સવની જેમ ઉજવવાની અભિવ્યક્તિને લીધે જ તો બોલિવુડને એક શ્રેષ્ઠ ગીતની ભેટ મળી જેમાં બે જાજરમાન અભિનેત્રીઓ એકસાથે સુંદર નૃત્ય કરતી જોવા મળી.
બાજીરાવ-મસ્તાનીમાં પણ પ્રિયંકા અને દીપિકાને પિંગા ગીતમાં એક સાથે નૃત્ય કરતાં દર્શાવાયા છે એ બાબતનો ઘણો વિરોધ થયો છે એમ કહીને કે કાશીબાઈ અને મસ્તાની ક્યારેય એકમેક સમે રૂબરૂ આવ્યાં જ નહોતા અને અશ્લીલ દેખાય તેવા વસ્ત્રો પહેરી નૃત્ય કરવું તો દૂર રહ્યું પણ કાશી બાઈને પગે સહેજ ખોડ હતે અને તેમણે ક્યારેય નાચ કર્યો જ નહોતો.સર્જક તરીકે થોડી છૂટછાટ લઈ,એક જ પતિની બે પત્નીઓ થોડી વાર માટે દુ:ખ અને એકમેક પ્રત્યે વૈમનસ્યની ભાવના ભૂલાવી મહારાષ્ટ્રની લોકપરંપરા દર્શાવતું એક સુંદર ગીત,પરંપરાગત વસ્ત્રો પહેરી રજૂ કરે એમાં શા માટે વિરોધ નોંધાવવો જોઇએ?
બાજીરાવ-મસ્તાની ફિલ્મની વાત કરું તો સંજયભાઈની અન્ય ફિલ્મોની જેમ જ અહિં પણ એકે-એક ફ્રેમ પડદા પરથી આંખ હટાવવાનું મન ન થાય એટલી સુંદર રીતે રજૂ થઈ છે.ભવ્ય સેટ્સ, ઓથેન્ટીસીટી, વસ્ત્રો, પાત્રોની બોલચાલની રીત, તે સમયની પરંપરાઓ આ બધું એટલી મનમોહક રીતે પેશ થયું છે કે એ દરેક પાસા માટે સંજયભાઈને દાદ આપ્યાં વગર ન રહી શકાય.
લાક્ષણિક મરાઠી ઢબે સંવાદ બોલતો રણબીર ફિલ્મના દરેક દ્રષ્યમાં છવાઈ જાય છે.કાશીબાઈના પાત્રને પ્રિયંકા ચોપ્રા દ્વારા ખુબ સારી રીતે ન્યાય અપાયો છે તો દીપિકા પણ મસ્તાનીના પ્રેમ અને શૌર્ય-ખુમારીને અતિ કાબેલિયતપૂર્વક પશ કરવામાં સફળ રહી છે. નકારાત્મકતાની ઝાંય ધરાવતું માથે સાચે બોડુ કરાવેલ તન્વી આઝમી દ્વારા ભજવાયેલું બાજીરાવની મા નું પાત્ર કે બાજીરાવના માનીતા પ્રધાનના પાત્રમાં મિલિન્દ સોમણ, બાજીરાવના ભાઈ અને મોટા પુત્રની ભુમિકાઓ ભજવતા હિન્દી ફિલ્મક્ષેત્રે ઓછા જાણીતા કલાકારો દરેકનું પાત્રાલેખન પણ અતિ સુંદર રીતે થયું છે.
યુદ્ધ સમયે બાજીરાવ જ્યારે મસ્તાનીને મદદ કરવા જાય છે ત્યારે શિંગડા પર દીવા લગાડાયેલા એકસાથે દોડતાં અસંખ્ય બળદોનું દ્રષ્ય હોય કે એન્ટ્રી સમયે હરણીની જેમ ભાગી રહેલી પ્રિયંકાના મોટી સુંદર રંગોળી પર પગ પડી જતાં પોતાને જ ટપલી મારવા વાળો સીન, પાણીમાં ચાલી દીપિકાને અને અન્ય એક દ્રષ્યમાં રઝા મુરાદને મળવા જઈ રહેલ રણબીર કે તોફાનમાં ભારે વર્ષા- મસ્તાનીને મળવા જઈ રહેલ બાજીરાવ, પુણેમાં રાજાનો મહેલ કે શીશઘર કે મસ્તાની મહલ,દરેક ગીત અને દરેક નૃત્ય,આ ફિલ્મનું દરેકેદરેક પાસુ દર્શકના મન પર અમીટ-ઘેરી છાપ છોડી જાય છે.ફિલ્મનો અંતિમ સીન દેવદાસના છેલ્લા સીન જેટલીજ ઉત્કટતા અને લાગણીઓથી સભર બન્યો છે.
મુસ્લીમ હોવા છતાં મસ્તાની બાઈ ગુડી પડવાના દિવસે મસ્તાની મહેલની અગાશીમાં પવિત્ર ગુડી મુકે છે કે પછી મરાઠી પરંપરાગત નવવારી સાડીમાં સજ્જ થઈ કંકુ-હળદરનો ચાંલ્લો લગાડી કાશીબાઈને મળવા જાય છે.આ બધી બારીકાઈથી જોવા-નોંધવા લાયક ચીજો વિરોધકારોને નહિ દેખાતી હોય?

મહારાષ્ટ્રના એક મહાન યોદ્ધા વિશે આ ફિલ્મના માધ્યમથી આજની પેઢીને માહિતગાર કરાવવા બદલ તેમજ મરાઠી પાર્શ્વભૂમિ ધરાવતી એક ઉમદા ફિલ્મ બોલિવુડને ભેટ આપવા માટે સંજય લીલા ભણસાલીને સલામ!

ગેસ્ટ બ્લોગ : આંસુ


- વર્ષા તન્ના


મનના દાબડામાં ક્યાંક છૂપાવેલ એવા કૂકા જે ટૂંટિયુંવાળીને બેઠા છે તે ક્યારેક દાબડામાંથી નીકળીને  મનના આંગણમાં આપણી સાથે રમવા આવે છે  તો ક્યારેક આપણે તેને બોલાવીએ છીએ  આ કૂકા એટલે આપણા આંસુ.

હદયની સંવેદનાનો સંઘેડાઘાટ ઉતાર એ આપણા આંસુ છે. નિખાલસ હદયનું આખેઆખું ચિત્ર આ આંસુમાં કોતરાઇ જાય છે. આંસુએ  આપણા હદયની સંવેદના ભલે હોય છતાં આંખ એ એનું સરનામું છે.શબ્દ અને મૌન વચ્ચેની લિપિ કે રવ છે આ આંસુ.

કોઇક વખત આંસુ મલકે છે તો કોઇક વખત આંસુ છલકે છે. હરખ અને પ્રસન્નતાના વાઘા પહેરીને પણ આંસુ ઊભરાય છે. તો કોઇવાર વેદનાના સરોવરના કમળ બની ખીલે છે આંસુ. 

આંખોને આપણે દરિયો કહીએ તો તેમાં આંસુની ભરતીને ઓટ આવ્યા કરે છે. તેને આભના શશીના કિરણો સાથે દોસ્તી નથી. પણ મનની સંવેદનાની સાથે ગોઠડી કરે છે. આમ જૂઓ તો આંસુએ માનવીને આપેલું ઈશ્વરનું વરદાન છે. લાગણીને વ્યક્ત કરવાની ભાષા છે જે મૌનમાં ઘૂંટાઇને સુગંધિત બને છે.

આંસુ એ આદ્ર હદયની નિશાની છે. આંસુમાં ગંગાજળની પવિત્રતા છે. જ્યારે હદયથી પસ્તાવો થાય છે ત્યારે આપોઆપ આંખ છલકાઇ જાય છે. તેને રોકવા માટે શબ્દો તો નકામા પડે છે. પાંપણની દીવાલ પણ રોકી શકતી નથી. તે બધા બંધન તોડી છલકાઇ જ જાય છે. અને જ્યારે  આ પવિત્રતા પણ છેતરાઇ જાય છે ત્યારે મગરના આંસુ બને છે. અને આ આંસુ નથી પણ મૌનની ગરિમાને હરી લેતો સુનામી છે.

કેટલાય આંસુ પાછળ ઉષાની કોમળતાં હોય છે.  તો કેટલાય આંસુ દરિયાને કિનારે આવેલા ખડક જેવા જડ એટલેકે  કઠણ હોય છે. તેમાં કશો બદલો લેવાની ભાવના આપોઆપ કોતરાઇ જાય છે. ત્યારે તેની પવિત્રતાની ગાંઠ છૂટી જાય છે અને તે મેલા થાય છે. આમ આંસુ તે આપણા હદયની લિપિ છે. હદયને વાંચવા માટે  આંસુને સમજવા જરૂરી છે. શબ્દોની રમતથી સામેવાળી વ્યક્તિને છેતરી શકાય છે. આંસુ    ઘણી વખત આવો ખેલ ઉઘાડો પાડી દે છે. હા, પણ એક વાત છે કે આંસુ હરખના હોય કે દુ:ખના કે કોઇપણ પ્રસંગના પણ તેનાથી તેની પવિત્રતા ઓછી નથી થતી. આપણે ત્યાં આજે ગંગા મેલી થઇ ગઇ છે તેને મેલી કરવાવાળા પણ આપણે જ છીએ. તેવીજરીતે મગરના આંસુ વહાવી આપણે આંસુની પાવનતાને મેલી કરીએ છીએ. બાકી આંસુ તો ક્યારેય અપવિત્ર હોય નહીં. કારણકે તે હદયના ઊંડાણથી ઉદભવી આપણી નજરને એક નવી દ્રષ્ટિ આપે છે

 આંસુ એ ઇશ્વરનું એવું વરદાન છે. જેનાથી દરેક વ્યક્તિ પોતપોતાની લાગણી આલેખે છે. ભલે તે કિનારે આવતી બધી વસ્તુને પોતાનામાં સમાવી લે છતાં આ વરદાન સૌ કોઇ ચાહે છે. છતાં કેટલાકને મળતું નથી તે એક વૈજ્ઞાનિક વિષય છે.  આપણે તેને વૈજ્ઞાનિક નહીં બનાવતાં માત્ર હદયિક બનાવીએ તો તેની લિપિ જરૂર ઉકેલી શકીશું.


- વર્ષા તન્ના