Translate

બુધવાર, 24 સપ્ટેમ્બર, 2014

ગેસ્ટ બ્લોગ : નાના ઘર દીવડાની વાત

- સુજાતા શાહ
 
એક નાના ઘર દીવડાની વાત કરવાની ઈચ્છા થાય છે. મારી સહેલીની પુત્રી પૌલા જયારે લગ્ન કરી સયુંકત કુટુંબમાં આવી ત્યારે એક કુતરો પણ કુટુંબનો સભ્ય હતો. પૌલાએ બીજા  સભ્યોની જેમ બ્રૂનોનું મન જીતી લીધું.
         
એક વાર પાસેના મકાનમાં એક બિલાડીનું બચ્ચું મૃતપાય પડ્યું હતું. પૌલાને જાણ થતાં તે ત્યાં દોડી ગયી. કાગડાઓની જમાત તેને ઘેરી વળી હતી. પૌલા, બચ્ચાને ઘરે લઇ આવી, દૂઘ આપી સ્વસ્થ કર્યું . રાતે તેને એક નાના બોક્ષ માં મૂકી મકાન માં મૂકી આવી.. તેના ઘરે કુતરો હતો તેથી બિલાડીની કેમ રાખી શકાય? સાસુજીએ સલાહ આપીકે આમ નીચે બચ્ચાને  રાખવું   તો જોખમભર્યું છે. તે બચ્ચું ઘરે આવ્યું,ડોક્ટરને બોલવી તેની સારવાર  કરાવી.બિલાડી વિષે પૌલાને  ઝાઝી માહિતી હતી પ્રેમ બધું શીખવી  દેતું હોઈ છે.
       
સહુના આશ્ચર્ય વચ્ચે  કુતરાની અને તેની દોસ્તી જામી ગયી.હવે તે પૌલાના ઘરની સદસ્ય બની ગયી.પેડર રોડ પર,
જ્યાં પૌલા રહે છે,રસ્તા ની બિલાડીને મદદની જરૂર હોઈ ત્યારે લોકો પૌલાને ખબર આપે છે  અને પૌલા મદદ માટે દોડી જાય છે.  હવે,  તેને બિલાડીને અપાતી પ્રાથમિક સારવાર વિષે જાણકારી છે તેથી તે પોતાનાથી બનતી  સારવાર આપે છે. પ્રાણીઓના ડોક્ટર પાસે જરૂરી સારવાર કરાવે છે. તેને લાગેકે  બિલાડી રસ્તા પર રહેશે તો સાજી નહિ થઇ શકે તો તેને પોતાના ઘરે રાખી સારવાર કરે છે. તે તંદુરસ્ત થઇ જાય પછી તેને એડોપ્શન માટે પ્રયત્ન કરે છે. પૌલા કહે છે," કુતરા પાળનારા ઘણા મળી જાય પરંતુ બિલાડી પાળનારા મળવા મુશ્કેલ છે.તેને માટે સમાજમાં પ્રવર્તી ગેરસમજ જવાબદાર છે. બિલાડી પણ કુતરા જેટલી પ્રેમાળ છે માત્ર તેની પ્રેમ દર્શાવવાની રીત જુદી છે." તેના પ્રયત્નોથી થોડી  બિલાડીઓન ઘર મળ્યા છે. તેની પાસે હાલ પાંચ બિલાડીઓ છે.પૌલાના બાળકો બિલાડીઓ  સાથે રમે અને કાળજી રાખે.
       
પૌલાની સાથે તેના પતિ કપિલ રોજ સવારે પેડર રોડ પર નીકળી રસ્તા પરની પંદરથી વધુ
બિલાડીઓને દૂધ તથા ખાવાનું આપે છે. બિલાડીઓને કેવીરીતે શોધો ના જવાબમાં પૌલા કહે છે,"દરેક બીલાડીઓનો પોતાનો વિસ્તાર  નિશ્ચિત હોઈ છે. અમે  જઈ બૂચાકારીએ અથવા દૂધની બોટલ હલાવી અવાજ કરીએ એટલે ત્યાની બિલાડીઓ દોડતી આવી જાય." બિલાડીઓની જરૂર  મુજબ  સારવાર પણ કરે અને ડોક્ટરને  બોલાવી સામાન્ય રીતે આપવામાં આવતા ઇન્જેકશનો અપાવે. આવા  સુંદર કાર્યની સરાહના કરનાર કરતા વખોડનારા વધારે હોય  છે. પૌલા સ્વચ્છતાની પૂરેપૂરી સભાનતા સાથે કામ કરે છે.
બિલાડીઓને ખાવાનું આપવાના પાત્રો ઘરે જાતે સાફ કરે છે.આપણાં બંધારણે પ્રાણીઓ  પર કરુણાનો અધિકાર આપ્યો છે અને કાયદો પણ પ્રાણીઓના કલ્યાણના પક્ષમાં છે હકીકત પૌલા સારી રીતે જણાતી હોવાથી લોકોના વિરોધ છતાં તેનું કાર્ય શાંતિથી આગળ ધપાવે છે. હા, ક્યારેક એવું બને કે ધણી મહેનત કરી બિલાડીને સાજી કરી હોય, પણ આતો રસ્તાની બિલાડી,અકસ્માતે મૃત્યુ થાય ત્યારે કોઈ સ્વજન ગુમાવ્યા જેવી લાગણી થાય.
             
પૌલાને સહકાર માત્ર પોતાના પરિવારનો. તેને કોઈ સામાજિક  સંસ્થાનું પીઠબળ નથી કે નથી કોઈ નાણાકીય સહાય. ઘર દીવડો સ્વબળે પ્રગટ્યો છે અને આંધીતુફાન વચ્ચે પણ પોતાની જ્યોત અખંડ રાખી શક્યો છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

પર્યાવરણ સબંધી જાગરૂકતા અતિ આવશ્યક બનતી જાયછે. સહુએ યથા શક્તિ પ્રયત્ન કરવાની જરૂર છે.
મારા આવા નમ્ર પ્રયાસ વિષે તમને જણાવતા હર્ષ અનુભવું છું. કચરાનું ભીના તથા સુક્કામાં  વિભાજન  કરવું હિતાવહ હોવા છતાં કેટલા લોકો કરે છે? ભીના  કચરામાંથી ઘણી સરળતાથી ઘરે ખાતર બનાવી શકાય  છે. વાતની મને જાણ હતી પરંતુ પદ્ધતિ વિષે અજાણ હતી. મારી એક સહેલીએ મને શ્રી અનીલ રંગલાનીનો ફોન નંબર આપ્યો. અનિલભાઈ વ્યવાસિક ધોરણે કાર્ય કરે છે.
           
અનિલભાઈએ મને બે મોટ્ટા કૂંડા આપ્યા. એકને માથે એક રહે તેવા. ઉપર ઢાકણ.સાથે ખાસ પ્રકારે બનાવેલા મિશ્રણના પડીકા આપ્યા. મિશ્રણ કાળી માટી જેવું છે. જેમાં જરૂરી bectariya  તથા નારીયલના રેસાનો ભૂકો વિગેરે  નાખી મિશ્રણ તૈયાર કરેલું છે. પધ્ધતિ ઘણી સરળ છે. પ્રથમ કૂંડામાં લીલો/ભીનો કચરો નાખો. તેને કોઈ નક્કામી વસ્તુની મદદથી ફેલાવી દો.તેની ઉપર મિશ્રણ હાથથી ભભરાવી થર કરો.બસ, રોજના કચરાનો એક થર, એના ઉપર મિશ્રણ એક થર.
પ્રથમ કૂંડું ભરાઈ જાય એટલે તેને નીચે મૂકી ખાલી કૂંડું ઉપર મૂકી તે ભરતા જાઓ. નીચેના કૂંડાને
કશું કરવાનું નહિ. જે કાઈ કરવાનું છે તે કુદરત કરશે. ધીમે ધીમે કચરો માટીના રૂપમાં ફેરવાઈ જશે.
માટે કૂન્ડાના કચરાને બેથી ત્રણ મહિના લાગશે.
           
સારી વાત છે કે આટલો કચરાનો સંગ્રહ હોવા છતાં વાસ નથી આવતી, કીડા નથી થતા.
જે ખાતર તૈયાર થશે તેનો ઉપયોગ નવા ખાતર બનાવવામાં થઇ શકે છે. જેમ પહેલી વાર દૂધનું દહીં બનાવવા બીજાનું મેળવણ લાવવું પડે પણ એક વાર આપણું દહીં તૈયાર થઇ ગયું પછી તેનાથી ફરી દહીં બનાવી શકી તેવું. કુદરત પણ કમાલ છે ને! દૂ:ખની વાત છે કે કોઈને કચરાનું વિભાજન કરવું ગમતું નથી  ,બહેનો ભણેલી હોવા છતાં  છતાં ભીનો કચરો શેને
કહેવાય અને સુક્કો કયો તેની  જાણકારી પણ ઘણા ને નથી હોતી. કામ સરળ બનાવવા એટલું ધ્યાનમાં રાખવાનું કે જે ઈશ્વર સર્જિત છે તે બધું ભીનું અને માનવ સર્જિત છે તે બધું સુક્કું. કોને પડી છે આમ કચરો છૂટો પડવાની?
કુદરતનું લીધેલું કુદરતને પાછું આપવાનો વ્યાયામ છે. તેના બદલામાં કુદરત અઢળક આપે છે.
રોજ સવારે અમારા મકાનના કચરાના મોટ્ટા ડબ્બામાંથી સુક્કો કચરો વીણતા યુવાનોને જોઈ હૈયું
વલોવાઈ જાય છે. વ્યવસ્થિત રીતે સહુ કચરો છૂટો પાડે અને સુક્કો કચરો વેચીએ તો મકાન
સાફ કરવાવાળા નો પગાર નીકળી જાય અને તે ઉપરાંત પૈસા બચે. સુંદર ખાતર મળે જે મકાનના
બગીચાને હરિત અને સ્વસ્થ રાખે.
મારા નમ્ર પ્રયાસમાં સહભાગી થવાનું સૌને નીમત્રણ છે.
-
સુજાતા શાહ.
નં:૯૯૨૦૨૨૫૨૮૦.

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

નેચરવર્લ્ડ

વ્હોટ્સ એપ પર હું એક ગૃપ નો મેમ્બર છું જેનું નામ છે 'નેચર વર્લ્ડ'. પ્રકૃતિપ્રેમી અને ‘વસુંધરા ગ્રીનક્લબ’ નામની પર્યાવરણની દિશામાં કાર્ય કરતી સંસ્થાના સ્થાપક જયેશ હરસોરાએ બનાવેલ આ ગૃપમાં વ્હોટ્સ એપની ૫૦ સભ્યોની મર્યાદાને લીધે માત્ર પચાસેક સભ્યો જ સમાવિષ્ટ છે પણ બધાં જ કુદરતને ભરપૂર ચાહનારાઓ અને તેમાંના ઘણાંખરાં પોતપોતાના કાર્યક્ષેત્રે નિપુણતા ધરાવતા વિશેષજ્ઞ છે. એક વકીલ તો ત્રણ-ચાર પત્રકાર,એક જીવશાસ્ત્રના પ્રખર અભ્યાસુ તો એક વનસ્પતિશાસ્ત્રના, સાપ અને પ્રાણીઓને બચાવનાર એક બિઝનેસમેન તો એક કોલેજના વાઈસ પ્રિન્સિપલ, એક નૃત્ય નિર્દેશક તો એક માનવસંસાધન વ્યવસાયિક, એક હું આઈ.ટી.પ્રોફેશનલ તો એક ઇન્ટિરીયર આર્કીટેક્ટ, એક ભૂતપૂર્વ મેયર તો એક એમ્બ્ર્યોલોજીસ્ટ, એક નિવૃત્ત સી.ઈ.ઓ. તો કેટલીક ગૃહિણીઓ. વિધવિધ ક્ષેત્રના આ હૈયેથી તરવરતા નવયુવાન સભ્યોને એક તાંતણે જોડનાર સામાન્ય તંતુ છે કુદરત અને તેના માટે કંઈક કરી છૂટવાની ભાવના. આખો દિવસ આ ગૃપમાં કુદરતને લગતા મુદ્દાઓની, પર્યાવરણને લગતી સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો, પ્રાણીઓ અને વનસ્પતિને લગતી બાબતોની ચર્ચા સાથે સાંપ્રત સામાજીક વિષયોની અને મોટે ભાગે મૂડને હળવો કરી નાંખે એવી રમૂજી ટૂચકા કે શાયરીઓની આપલે ચાલુ જ હોય. માહિતી સાથે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ તેમજ જીવજંતુઓના વહેંચાતા રંગબેરંગી ફોટાઓનું પણ મને જબરૂં આકર્ષણ!


નાસિકમાં રહેતા નિવૃત્ત પ્રકૃતિપ્રેમી અને મળવા જેવા રમૂજી રમેશ ઐયર અન્કલના અદભૂત બંગલાની આ ગૃપના ઘણાં સભ્યો એક કરતાં વધુ વાર મુલાકાત લઈ ચૂક્યા છે. તેમના બંગલાને અદભૂત એટલા માટે કહ્યો કારણકે તે હરિયાળી અને રંગબેરંગી વિવિધ પ્રકારના પુષ્પોથી ઘેરાયેલો છે. બંગલાના આંગણામાં જ તેમનું નાનકડું સ્વરચિત તળાવ જેમાં સાપ,માછલી અને દેડકા તેમજ અનેક જળજીવો સહઅસ્તિત્વ ધરાવે. બંગલામાં ત્રણ શ્વાન રમેશજીનાં સંતાનોની જેમજ તેમની સાથે રહે. રસ્તે રઝળતી કૂતરીની સુવાવડ પણ રમેશજી હોંશે હોંશે કરાવે કે રસ્તામાં કોઈ પશુ કે પંખી જખમી થયેલું મળે કે નાસિકમાંથી કોઈ પણ તેમનો આ માટે સંપર્ક કરે તો તેઓ ખડેપગે સેવા માટે હાજર.તેમનાં ઘરના એક ખાસ ખૂણે બારી પાસે પક્ષીઓ માટે બનાવાયેલી ખાસ જગાએ દિવસભર કંઈ કેટલાયે આપણે તો જૂજ જ જોયા હોય તેવા પક્ષીઓ આંટાફેરા કરે! રમેશજીના પત્ની ઉમા પણ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓફિસર હોવાં છતાં પતિના પ્રકૃતિ સંલગ્ન કાર્યોમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લે. તેમનાં બે સંતાનો ઘરથી દૂર પણ તેમની માફક જ પ્રકૃતિથી નજીક જીવે છે! આ તો થઈ 'નેચર વર્લ્ડ'ના એક ગૃપ મેમ્બરની વાત.આવી તો દરેક સભ્યની અનોખી વાત!

આ ગૃપની પહેલી બેઠક ગત જૂન માસની પાંચમી તારીખે ‘વિશ્વ પર્યાવરણ દિવસે’ યોજાઈ હતી જેમાં વ્યસ્ત હોવાને કારણે હું હાજર નહોતો રહી શક્યો.પણ ગત મહિને ગોરેગામની પ્રજ્ઞાબોધિની હાઈ સ્કૂલમાં યોજાયેલી આ ગૃપની બીજી બેઠકમાં હું જોડાયો અને ઘણાં ગૃપ મેમ્બર્સને રુબરુ મળ્યો. કેટલાક ખાસ અતિથિ વિશેષને જયેશભાઈએ આ બેઠકમાં આમંત્ર્યા હતા.તેમને સાંભળાવાની અને જ્ઞાન-માહિતીની આપલે કરવાની મજા આવી.અતિથી વિશેષમાં 'ટ્રીન્કેટ' જાતિનો બિનઝેરી સાપ પણ હશે તેની અમને કલ્પના નહોતી! રમેશજી અને અભિજીત નાસિકથી આ સાપને એક પ્લાસ્ટીકની બરણીમાં મૂકી અહિ લઈ આવ્યાં હતાં.આમ તો આ જાતિના સાપ શાંત હોય છે પણ અમારી બેઠકમાં અતિથી વિશેષ બનીને આવેલ આ સાપ એટલો આક્રમક અને અમને મળવા આતુર કે એ બરણી તોડી તેમાંથી બહાર નિકળી અમારી વચ્ચે એક બેન્ચ પર બેસી ગયો!
                                                   


એકાદ સભ્યનું ધ્યાન ગયું અને બેઠક થોડી વાર માટે બાજુએ રહી ગઈ અને દરેક જણ આ સાપને નિરખવામાં મશગૂલ થઈ ગયાં! બે-ત્રણ પ્રોફેશનલ સાપ પકડનાર હાજર હોવાથી તેમણે સાપને હાથમાં પકડી લઈ અમને સૌને તેને સ્પર્શવાનો મોકો આપ્યો! અમને જાણ કરાઈ કે એ સાપણ ગર્ભવતી હોવાથી વધુ આક્રમક છે અને તેને વધુ છંછેડવી નહિ! અમે તેના ફોટા પાડ્યા અને મારા સહિત કેટલાકે તેને નિષ્ણાતોના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય રીતે હાથમાં પણ લીધી! કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચતા હોઇએ એ રીતે તેના લીસ્સા સુંવાળા સુંદર ભાત ધરાવતાં શરીરને સરકાવતા રહેવું પડે તો સાપ આસાનીથી ભયભીત થયાં વિના તમે પકડી શકો!
પણ આવા અખતારા એકલા હોવ ત્યારે કરવા નહિ કારણ તમે જાણતા હોતા નથી કે સાપ ઝેરી છે કે બિનઝેરી. છતાં જો તમે ક્યાં સાપ જુઓ કે તે તમારા ઘરે કે ઓફિસમાં આવી ચડે તો તો ડરી ગયા વગર અને ગભરાઈ કે અકળાઈ ગયા વગર તેના પર ડોલ કે અન્ય કોઈક વાસણ મૂકી, સર્પમિત્ર એવા કોઈ નિષ્ણાતને બોલાવવા જેથી તેઓ તેને પકડી યોગ્ય ઠેકાણે મૂકી આવે.સાપ કે અન્ય કોઈ જીવને કદાપિ મારી નાખવો નહિ કારણ તમારા જેટલો જ જીવવાનો હક દરેક જીવને છે. કોઈ પણ પ્રાણી તમારા પર કારણ વગર હૂમલો કરતું નથી તેને તમારા તરફથી ભય મહેસૂસ થાય ત્યારે જ તે સ્વબચાવ માટે તમારા પર હૂમલો કરે છે કે ડંખ મારે છે કે તમને કરડી જાય છે. બેઠક બાદ પાછા ફરતી વખતે રમેશજી અને અભિજીતે એ ટ્રીન્કેટ સાપણને યોગ્ય જગાએ જંગલ જેવા તેના માટે સુરક્ષિત વિસ્તારમાં છોડી મૂકી.

બેઠકમાં પર્યાવરણને લગતાં અનેક મુદ્દાઓની માહિતીસભર ચર્ચા થઈ. કેટલાક અગત્યનાં નિર્ણયો લેવાયાં. પ્રજ્ઞાબોધિની સ્કૂલના પ્રિન્સિપલે પણ આવીને અમને સૌને સંબોધ્યા અને તેમની શાળા પર્યાવરણ ક્ષેત્રે કેટલી કાર્યરત છે અને કઈ રીતે તેમનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ્સ થકી આંતરરાષ્ટ્રીય સહાય મેળવી પર્યાવરણ સંવર્ધન અને જાળવણી માટે કાર્યશીલ છે તેની વિગતો ચર્ચી.અમે સ્કૂલની અગાશીમાં બનાવાયેલ અનેક ઉપયોગી વનસ્પતિ ધરાવતાં હરિતબાગની મુલાકાત લીધી. છેલ્લે અમે સૌએ સાથે મળી પોતપોતાની સાથે લાવેલ નાસ્તાની ઉજાણી કરી અને રમેશજીએ સૌ માટે નાસિકથી ખાસ પોતાના ઘરના ઉદ્યાનમાંથી લાવેલ રોપા ભેટ આપ્યાં.

 
અત્યાર સુધીમાં અમે ઘણી ટ્રેક્સ કરી, ઘણાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવતા અને જ્ઞાન-માહિતી પૂરા પાડતાં કાર્યક્રમો શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેટ જગતમાં- ઓફિસ વગેરેમાં આપ્યાં, ગણેશ ચતુર્થી બાદ દરિયાકાંઠાની સ્વચ્છતા માટે કાર્યક્રમ અને આવા અનેક અન્ય અભિયાન હાથ ધર્યાં. ટૂંક સમયમાં જયેશ ભાઈ 'નેચર વર્લ્ડ'ને એક એન.જી.ઓ. તરીકે રજીસ્ટર કરાવવા અને એક પર્યાવરણ સંબંધી હેલ્પલાઈન શરૂ કરવા ઉત્સુક છે. નેચરવર્લ્ડનો બ્લોગ પણ બનાવાયો છે (http://nurturenature365.blogspot.com) અને આ ગ્રુપનું ઇમેલ આઈડી છે : nurturenature365@gmail.com

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2014

પ્રધાનમંત્રીનું શિક્ષક દિન નિમિત્તે અસરકારક ભાષણ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિક્ષકદિન નિમિત્તે ભારતભરનાં વિદ્યાર્થીઓને કરાયેલું સંબોધન સાંભળ્યું. ખૂબ સારું લાગ્યું. હ્રદયથી કહેવાયેલી વાત હંમેશા અસરકારક હોય છે અને તે સ્પર્શે છે. મોદીજી સારા વક્તા છે અને કોઈ ભાષણ બનાવટી કે રટેલું આપતાં નથી. તેમણે વક્તવ્યને માત્ર એકતરફી કે બોલકું રહેવા દઈ વચ્ચે વચ્ચે બાળકોને સીધા પ્રશ્નો પણ કરી વાર્તાલાપ સમું અને ક્યાંક હળવી રમૂજ પણ ઉમેરી રસપ્રદ બનાવી દીધું. બાળકોનો એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરી શકવાનો સમય ગાળો (અટેન્શન સ્પાન) બહુ મોટો હોતો નથી.આથી મોદીજી ખૂબીપૂર્વક તેમનું ભાષણ સત્તરેક મિનિટનું રાખ્યું અને તેમાં અનેક ઉદાહરણો તેમજ હળવી વાતો વણી લઈ ખૂબ અસરકારક બનાવી દીધું.

પ્રસંગની બીજી એક ખાસિયત હતી કે ભારતભરની અનેક શાળાઓમાં વક્ત્વ્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જીવંત સાંભળી શકે માટે ખાસ ટી.વી.-વેબ કેમેરા કે રેડિયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોદીજીએ શિક્ષકોની મહત્તા સમજાવતાં બાળકોને દિવસમાં ચાર વાર પસીનો પાડવાનું આહવાન આપ્યું! કઈ રીતે? રમતગમતમાં ભાગ લઈ! તેમણે બાળકોને માત્ર ટી.વી.કે પુસ્તકોમાં ઘૂસી રહેતાં બહારનાં વિશ્વમાં જઈ વિકાસ સાધવાની વાત કરી. માત્ર ગૂગલ-ગુરુના સહારે માહિતી મેળવતાં જ્ઞાનની સાધના કરવા સલાહ આપી. તેમણે બાળકોને શિક્ષણ ક્ષેત્રે પણ રસ લઈ વૈશ્વિક સ્તરે સારા શિક્ષકોની માગ પૂરી કરવાં, ભારત સૌથી સારા શિક્ષકો એક્સ્પોર્ટ કરી શકે સ્વપ્ન સિદ્ધ કરવા હાકલ કરી.

જેમની યાદમાં શિક્ષક દિન ઉજવાય છે એવા  ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી સમયગાળાને યાદ કર્યો હતો જ્યારે આખું ગામ શિક્ષક કે માસ્તરને એક માનભરી દ્રષ્ટીએ જોઈ દરેક પ્રશ્ને તેમની સલાહ માનતું.

બીજી એક ખૂબ સરસ વાત તેમણે તેમનાં તાજેતરમાં સંપન્ન થયેલી જાપાન મુલાકાત વેળાએ એક દંપતિ સાથેની વાતચીત વિશે કરી. ભારતીય પતિ અને જાપાનીઝ પત્નીથી બનેલા દંપતિએ મોદીજીને જાપાનની એક ખૂબ સુંદર પ્રથા વિશે જાણકારી આપી જે વિશે યોગાનુયોગ મેં થોડા સમય અગાઉ ક્યાંક વાંચ્યું હતું કે ત્યાંની શાળાઓમાં બાળકો આખી શાળાની સફાઈ શિક્ષકો સાથે મળીને કરે છે. તેમના ચારિત્ર્ય ઘડતરનો ભાગ છે. કેટલી સુંદર બાબત! દંપતિએ મોદીજીને સલાહ આપી કે ભારતની શાળામાં પણ નિયમ લાગુ પાડવો જોઇએ.

મોદીજીની સેન્સ ઓફ હ્યુમર ખૂબ સરસ છે! તેમણે થોડા વખત અગાઉ ગુજરાતની એક ઘટનાને સંદર્ભે ટાંકતા મિડીયા પર હળવો કટાક્ષ કર્યો. થોડા સમય અગાઉ ગુજરાતની એક શાળામાં વિદ્યાર્થીઓએ વર્ગ ખંડની સફાઈ કરી હતી ઘટનાને મિડીયાએ સાવ ઉંધી રીતે રજૂ કરી હતી અને સમગ્ર પ્રકરણે બાળમજૂરીના ખોટા લેબલ હેઠળ જબરો ઉહાપોહ મચાવ્યો હતો. બાબતને યાદ કરી મોદીજીએ રમૂજ કરી કે બાળકો પાસે શાળાની સફાઈ તેમનાં અભ્યાસનાં ભાગ રૂપે દાખલ કરતાં પહેલાં તેમણે આખી મિડીયાને ભેગી કરી વિશે સાચી સમજણ આપવી પડશે!

વાલીઓ-માબાપોએ સમજવું જોઇએ કે શિક્ષકો દરેક વખતે ખોટાં નથી હોતા.ક્યારેક તેઓ તમારા બાળક પાસે તેને સારા નાગરિક બનાવવા માટે વિશેષ ઠપકો આપે કે હળવી સજા પણ કરે તો પૂરેપૂરી બાબતની તપાસ કર્યા વગર તેનો વિરોધ નોંધાવવા માંડશો નહિ.તાજેતરમાં વિરારમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે ઘટેલી કમનસીબ ઘટના ધ્યાનમાં લઈ વધુ પડતાં સંવેદનશીલ બની જઈ સમગ્ર શિક્ષકસમુદાયને શંકાની નજરે જોવા માંડવામાં શાણપણ છે.

મોદીજીએ શિક્ષકો અને માબાપોને ટેકનોલોજીને તેમના વિદ્યાર્થી બાળકોના જીવનનો ભાગ બનાવવા આહવાન આપ્યું અને જો તેઓ એમ કરે તો એક સામાજીક અપરાધ સમાન ગણાય એમ કહી ટેકનોલોજીની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો.

પોતાના વક્તવ્યમાં એક ચીની કહેવત પણ ટાંકતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વાંચનમાં ખાસ રૂચિ કેળવવી જોઇએ અને પોતાને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રનાં સારા સારા મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચવા જોઇએ.

હું જ્યારે જ્યારે મોદીજીને બોલતાં સાંભળું છું ત્યારે મને તેમની છટા સિને અભિનેતા અમિતાભ બચ્ચન જેવી જણાય છે!દરેક વાર તેમને સાંભળી મારો તેમના પ્રત્યે આદર વધતો જાય છે.