Translate

રવિવાર, 29 જૂન, 2014

વર્ષગાંઠની અનોખી ઉજવણી 'ડિઝાયર સોસાયટી'ની બાળકીઓ સાથે…


તેર નાનકડી દેવદૂત સમી છોકરીઓ. સૌથી નાની કોમલ સાડા ત્રણ વર્ષની. બીજી વર્ષા વર્ષની. સૌથી મોટી છોકરીની ઉંમર પણ માત્ર તેર-ચૌદ વર્ષ. કોડીલી કન્યાઓ અને જીવંતતાથી ભરેલી પણ કદાચ ઇશ્વરને તેમની પોઝીટીવીટી એટલી ગમી ગઈ કે તેમણે બધી કન્યાઓને વધુ એક પોઝીટીવ ટેગ આપી દીધું - એચ.આઈ.વી. પોઝીટીવ. ગયો તો હતો મારી નાનકડી પરી નમ્યાની ચોથી વર્ષગાંઠ તેમની સાથે ઉજવી તેમની એક સાંજ ખુશીથી ભરી દેવા પણ મને નહોતી ખબર કે અમારા સૌ માટે પણ જીવનની એક યાદગાર આનંદમય સાંજ બની રહેશે!

નમ્યાની પહેલી વર્ષગાંઠ મારા ઘરે પરિવારજનો,થોડાં મિત્રો અને પાડોશનાં બાળકો સાથે ઉજવી હતી પણ પછી એવો વિચાર આવ્યો કે જે બધાં આમંત્રિતો હતાં તે બધાં ઇશ્વરકૃપાથી પૈસેટકે અને અન્ય રીતે સુખી હતાં. તો હવે થી નમ્યાની વર્ષગાંઠ એવી રીતે ઉજવવી જેથી તે પણ કેક કાપવાની સાથે સાથે સમાજનાં કોઈક રીતે વંચિત સભ્યો સાથે પોતાની ખુશી શેર કરી તેમનાં જીવનમાં થોડો ઉમંગ-ઉલ્લાસ ભરી શકે અને નાનપણથી સારા કાર્યો કરવામાં પરોવાઈ શકે, સુસંસ્કારી બની શકે.

આથી તેની બીજી વર્ષગાંઠ દયાવિહાર અનાથાલયના બાળકો સાથે,ત્રીજી વર્ષગાંઠ ડ્રીમ્સહોમની કન્યાઓ સાથે મનાવી. હવે વર્ષે પચ્ચીસમી જૂને તેની ચોથી વર્ષગાંઠ પણ અલગ રીતે કોઈક નવી જગાએ ઉજવવાની ઇચ્છા હતી આથી એકાદ પખવાડિયા અગાઉથી મેં ઓનલાઈન સર્ચ આદરી દીધી અને મને ગોરેગામના 'ડિઝાયર સોસાયટી'ની વિગતો પ્રાપ્ત થઈ.

રવિબાબુ નામના યુવાને વર્ષ ૨૦૦૪માં હૈદરાબાદ ખાતે મૂળ સંસ્થા 'ડિઝાયર સોસાયટી'ની સ્થાપના કરી જે નોન-પ્રોફીટ વોલ્યન્ટરી ઓર્ગેનાઈઝેશન છે અને એચ.આઈ.વી./એઈડ્ઝ થી પીડિત બાળકોના સ્વાસ્થ્ય વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. બાળકોમાં માબાપ દ્વારા તરછોડાયેલા કે સેક્સ વર્કર્સ,ટ્રક ડ્રાઈવર્સ વગેરેના બાળકો કે જાતિય શોષણથી પીડિત ગરીબ બાળકોનો સમાવેશ થાય છે.

ગોરેગામના ઉન્નત નગર ખાતે એક્માળના બેઠા ઘાટના બંગલામાં 'ડિઝાયર સોસાયટી'ની તેર બાળકીઓ રહે છે. લતા નામની મહારાષ્ટ્રીયન યુવતિ ઓફિસનું કામ સંભાળે છે.અન્ય એક યુવતિ સવાર-સાંજ રસોઈ બનાવવાનું કામ કરે છે. એક યુવક બહારનું અને ડોનેશન વગેરે મેળવવાનું કામ સંભાળે છે.અન્ય બે-ચાર યુવતિઓ કેર ટેકર્સ તરીકે સેવા આપે છે. બાળકોને ખાસ પ્રકારનો સ્વાસ્થ્ય વર્ધક ખોરાક આપવો પડે છે. તમે બહારનું કંઈ ખાવાનું તેમના માટે લઈ જઈ શકો નહિ.આથી અમે માત્ર કેક મંગાવી હતી. તમે તમારી પસંદની વાનગી બાળકો માટે અમુક ખર્ચની રકમ આપી બનાવડાવી શકો છો. મેં નમ્યાની વર્ષગાંઠ નિમિતે પનીરનું શાક અને મીઠાઈમાં રસગુલ્લાનો સમાવેશ કરવા જણાવ્યું હતું.

સાંજે સાડા વાગ્યાની આસપાસ હું નમ્યા,અમી,મારી બે બહેનો અને  જે નમ્યાને ખૂબ ચાહે છે એવા અમારા પાડોશી દંપતિ - સંતરૂદાદા અને  કિનુબા સાથે 'ડિઝાયર સોસાયટી' જઈ પહોંચ્યો. કેક મેં ઓનલાઈન ઓર્ડર કરી સીધી ત્યાં મગાવી લીધી હતી. જઈને તરત પહેલાં બધી બાળકીઓને અમે પ્રેમપૂર્વક તેમને   મળ્યાં. દરેક સાથે હસ્તધૂનન કર્યું.

સમાજમાં એચ.આઈ.વી./એઈડ્ઝ દર્દીઓ અંગે ખોટો ભય છે. વ્યાધિ અંગે અનેક ખોટી ધારણાંઓ પ્રવર્તે છે. જેમકે આવાં દર્દીઓને અડવાથી રોગ આપણને પણ થઈ જાય વગેરે. પણ રોગ અડવાથી ફેલાતો નથી. જો એચ.આઈ.વી./એઈડ્ઝ ધરાવતાં દર્દીનું લોહી આપણાં શરીરમાં જાય (જેમકે તેનાં શરીર પર ઘા પડ્યો હોય અને લોહી નિકળતું હોય અને તમારા શરીર પર પણ ખુલ્લો ઘા હોય અને તમારૂં લોહી દર્દીનાં લોહીનાં સંપર્કમાં આવે) તો રોગ આપણને પણ થવાની શક્યતા રહેલી છે.
 

 

 




 
'ડિઝાયર સોસાયટી'ની દરેક બાળકી ઉત્સાહ-ઉમંગથી છલકાતી હતી.તેમની સાથે ઓળખાણ કરી જ્યારે તેમને જણાવ્યું કે નમ્યાના દાદા તારક મહેતા સિરિયલમાં આવતાં નટુકાકા છે ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો.શૂટીંગની વ્યસ્તતાને કારણે તે અમારી સાથે જોડાઈ ન શક્યા હોવાની વાત કરી ત્યારે તેમણે મારી પાસે વચન લઈ લીધું કે મારે તેમને બધાને એક વાર નટુકાકા સાથે ચોક્કસ મેળવવાં! પછી તો અમે કેક કાપી અને ત્યાર બાદ અમે મકાનનાં પહેલા માળે જઈ ગોળાકારે બેઠાં. તેમણે અમારા માટે ખાસ તૈયાર કરેલું સ્વાગત ગીત ગાયું,પ્રાર્થના ગાઈ અને અમે પરિચય રમત શરૂ કરી!

દરેક બાળકીએ ઉત્સાહ ભેર પોતપોતાનો પરિચય આપ્યો,મોટા થઈ પોતાને શું બનવું છે તેની વાત કરી,પોતાના પ્રિય ભણવાના વિષય અંગે માહિતી આપી અને તેમના શોખ અને ફેવરેટ હીરો-હીરોઈનનાં નામ જણાવ્યાં! મોટા ભાગની બાળકીઓને ડોક્ટર બનવાની ઇચ્છા હતી.તો એકને શિક્ષિકા,એક ને સિંગર અને બે ને ડાન્સર બનવાની ઇચ્છા હતી! કદાચ મેં મારા ફેવરેટ હેરો-હીરોઈન હ્રિતિક રોશન અને ઐશ્વર્યા રાય ગણાવ્યાં એટલે તેમાંની ચાર-પાંચ જણીઓએ પણ તેમને પોતાના મનપસંદ કલાકાર ગણાવ્યાં!પણ એક-બે જણે ટાઈગર શ્રોફને પોતાનો ફેવરેટ હીરો જણાવ્યો ત્યારે મને સાનંદ આશ્ચર્ય થયું! નમ્યાના પરિચય વેળાએ તેને પૂછ્યું "તારે મોટા થઈને શું બનવું છે?" અને તેણે નિર્દોષ ભાવે જવાબ આપ્યો "મમ્મી" અને અમે સૌ હસી હસીને બેવડ વળી ગયાં! પછી તો જેણે સિંગર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેની પાસે ગીત ગવડાવ્યું અને જેને ડાન્સર બનવું હતું તેની પાસે ડાન્સ કરાવ્યો! તેઓ અદભૂત ટેલેન્ટ ધરાવતાં હતાં. નમ્યાને પણ જરાયે અતડું કે નવું નહોતું લાગતું. પણ બરાબર ખીલી હતી! તેણે પોતાનો મનપસંદ ગરબો "લીલી લેંબડી રે...લીલો નાગર વેલ નો છોડ..." ગાયો અને પોતાના તાલે તે બરાબર ઝૂમી! ડાન્સ શરૂ થતાં આખું વાતાવરણ મસ્તી ભર્યું બની ગયું અને બધી બાળકીઓ ડાન્સમાં જોડાઈ ગઈ. અમે પણ ડાન્સ કર્યો અને પછી તો બાળકીઓએ સામેથી ફરમાઈશ કરી તેમનાં મનપસંદ ગીતો પર ડાન્સ કર્યો!

ડાન્સ શરૂ હતો દરમ્યાન બે-ત્રણ ક્ષણ માટે હું ગંભીર બને ગયો અને મને વિચાર આવ્યો શા માટે ભગવાને ફૂલ જેવી બાળકીઓને આવી વ્યાધિ આપી હશે? લતાનાં જણાવ્યા અનુસાર તેમના આયુષ્ય અંગે કંઈ કહી શકાય નહિ. તે વીસ-ત્રીસ વર્ષ પણ જીવે કે કદાચ ચાલીસની વય સુધી પણ પહોંચી શકે.પણ તેમની રોગ-પ્રતિકાર શક્તિ અતિ ક્ષીણ હોવાથી તેમણે તબિયત પ્રત્યે ખૂબ સભાન રહેવું પડે.

બીજો એક વિચાર રવિ બાબુ અને લતા તથા અન્ય ત્રણ-ચાર કેર ટેકર્સની સેવાભાવી પ્રકૃતિ વિશે આવ્યો અને તેમના પ્રત્યે આભાર અને ઉપકાર ભાવથી મન ભરાઈ આવ્યું. કેવી નિસ્વાર્થ અને મહાન સેવા તેઓ કરી રહ્યાં છે! માણસના સ્વરૂપમાં તેઓ ફરીશ્તા છે.

ધરાઈને ડાન્સ કર્યા બાદ દરેક બાળકીને મેં તેમના માટે ખાસ તેમની ઉંમર ધ્યાનમાં લઈને પસંદ કરેલી ભેટ આપી અને તેમનાં ચહેરા પર ખુશી અને સંતોષનાં ભાવ જોઈ અમારી સાંજ પણ અવિસ્મરણીય બની ગઈ! ત્યાંથી ખસવાનું મન નહોતું થતું.પણ સમય થઈ ગયો હતો તેમનાં જમવાનો અને અમે ભાવપૂર્વક 'ફરી મળીશું'ના સાદ સાથે તેમની વિદાય લીધી.

તમારે પણ બાળકીઓને મળવું હોય તો લતાનો સંપર્ક 9619537455 નંબર પર અથવા 'ડિઝાયર સોસાયટી'ની ઓફિસમાં 6500 7771 નંબર પર કરી શકો છો.
 
Videos related to this Blog can be seen at :

 
 

રવિવાર, 22 જૂન, 2014

ગેસ્ટ બ્લોગ : મારો પથ્થર- પ્રેમ


- મોહિત શાહ
ફતેહપુર-સીક્રી સ્થિત ચોતરફ સમાકાર જળખંડોની વચ્ચે એક અનૂઠું સ્થળ છે. સંગીત સમ્રાટ તાનસેનની રિયાઝ- બેઠક એકાદ ચાંદની રાતે શાંત મને અને સ્પંદનોની બારી ખુલ્લી રાખીને બેઠક પર બેસવા જેવું છે! પથ્થરો તમને રણઝણાવે તો કહેજો! આવશ્યકતા છે ફક્ત અલૌકિક સંગીતના તાર સાથે દિલનાં એકતારાના સાયુજ્યની, પથ્થરના અણુએ અણુમાં વ્યાપ્ત  યુગો-યુગોથી સંગ્રહીત પુદ્દ્ગલોના અહેસાસની. પુદ્દગલ એક એવું ગૂઢ તત્વછે જે અનુભવી શકાય છે. કોઈ એક વસ્તુ કે વ્યક્તિના ચલાયમાન થયા બાદ એમના અસ્તિત્વના આણ્વિક પડ્છાયા કે અંશો જે તે સ્યળ પર શ્વસે છે, વસે છે વૈજ્ઞાનિક ચકાસણીએ પાર ઉતરેલું સત્ય છે. ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ પામેલ અદ્દ્ભુત સત્ય

સ્પર્શ દઈ જળ જ્યારે વહી જાતું હશે,

પથ્થરો ને કંઈક તો થાતું હશે ! 

પથ્થરોને અલગ અલગ પોત હોય છે તેમ અલાયદું ગોત્ર પણ હોતું હશે? પરમાણુકક્ષાએ કદાચ જવાબ શક્ય છે. સદીઓ જૂના શિલ્પને સ્પર્શતી વખતે તે કાળની, તે અવિરત ચાલતાં ને કંડારતા હાથોની પથ્થર સ્થિત મૂર્તિને બહાર કાઢવાની મથામણને જરૂરથી અનુભવવી જોઈએ. પૃથ્વી જેટલા જૂના ખડકો, પથ્થરો! ઝીણવટથી જોશો તો નાનકડી પૃથ્વી જણાશે! અડીખમ શિવલિંગ બનીને સદૈવ પૂજનીય પાષાણ હોય કે અસાધારણ નાજુકાઈ ધરાવતા દેલવાડાનાં દહેરાંની છ્તો -કમાનોમાં શ્વસતો સંગેમરમર! કઠોરતા અને ઋજુતા એક સમાન રીતે ઓતપ્રોત છે. પથ્થરોમાં સદીપુરાણા કિલ્લાઓના કાંગરે બેસીને કાન સરવા રાખજો  હર હર  મહાદેવ 'નો જયઘોષ પડઘાશે. આજના દ્રશ્યમાન જગતને અહીં સુધી પહોચાડવા માટે વજ્ર જેવા પથ્થરોનો ફાળો અનન્ય છે. વિચારી જોજો અખૂટ પાષાણ સંપત્તિ સાથે જનમ્યાં છીએ આપણે સૌ પૃથ્વીવાસીઓ.

 હા મને પથ્થરોથી પ્રેમ છે. એનાં ખરબચડા પણાંથી પ્રીત છે. નદીતટે આકસ્મિક રીતે પ્રાપ્ય અદકેરાં આકારના પથ્થરો કંઈકેટલી યાત્રાઓ અને પરક્મ્મા કરીને થાક ઉતારતાં હશે, અંદાજ પણ છે ? સ્થિરતા તેમનાં સ્વભાવમાં છે અને અડગપણું તેમનાં રંગસૂત્રોમાં. આપણી સૂર્યમાળામાં ૯૯% દ્ળ એકલો સૂર્ય ધરાવે છે. બાકીના ૧% માં વિશાળ વાયુ-વાદળા ધરાવતાં રાક્ષસી ગ્રહો અને પુરાંત ખાતે પૃથ્વીનો તો ઉલ્લેખ માત્ર!   બીજી રીતે  જોતાં  નક્કર ધરતી ધરાવતાં જૂજ ગ્રહોમાંનો એક આપણો ગ્રહ અને આપણે સૌ એનાં સંતાનો ! આટ આટલી અલભ્યતાનું મૂળ તત્વ છે ચોમેર પથરાયેલી પાષાણ જેવી જીજીવિષા, અને તેનાં ભિન્ન ભિન્ન પ્રકારો. એક થિયરી પ્રમાણે એક જ  દ્રવ્ય ધરાવતાં હોવાને કારણે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું, ગ્રહમાળાઓ અને આકાશગંગાઓ રચાઈ ત્યારે પૃથ્વી સ્થિત અમુક ખનિજો જે-તે ગ્રહનાં અમુક અંશો લઈને જનમ્યા.  જેમકે હીરા ,પોખરાજ, નીલમ વગેરે, જેનું પગેરું જ્યોતિષ -જગતમાં નીકળે છે.

મારો નાનકડો પથ્થર સંગ્રહ છે. મુલાકાત લીધેલ સ્થળની યાદગીરી રૂપે લીધેલું  સ્મૃતિચિન્હ.  જે-તે સ્થળનું નામ વગેરે લખીને મારાઝેનડાઈનીંગ ટેબલનાં કાચ નીચે મેં ગોઠવેલ  પથ્થર-ફેમીલી’ મારી અદકેરી અસ્કયામત છે. પથ્થર વીણતાં પહેલાં હું તેનો એક સ્પષ્ટ અને નૈસર્ગિક ફોટોગ્રાફ લઈ લઉં છું, તેના સહ-સાથીઓ જોડે! મિત્રો પણ મને સહાયભૂત થાય છે વિવિધ સ્થળો નાં સ્મ્રતિચિન્હો પહોચાડવામાં. અલગ સ્વભાવ ધરાવતાં કુંટુંબીજનોની   માફક અસમાન ઉછેર દર્શાવતાં પથ્થરો. મારી પાસે હિમાલયથી આણેલાં પથ્થરો પણ છે જે નાનાં  છે પણ હિમાલયનો અંશ તો ધરાવે છે  એટલું જાણવું પૂરતુ છે એની મહત્તા સમજવા. માનસરોવરથી એક મિત્રએ આણેલ શંકર- ગણેશ રૂપી પથ્થર-રત્નોને મેં મારાં ઘરનાં મંદિરમાં સ્થાપિત કરેલ છે. અનાયાસે મળેલ પરમ પિતા- પુત્ર ની જોડીએ મને એક નિતાંત શાતા આપી છે-   હદયપૂર્વકની કબૂલાત છે. રેખાઓ ઉકેલવા માટે હૈયાઉલકત  જોઈએ. મનુષ્યનાં ચહેરા પરની રેખાઓ કે પાષાણોમાં અંકિત યુગવંદનાની અમીટ રેખાઓ…

- મોહિત શાહ

રવિવાર, 15 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૪)

          એ પછીના દિવસે મુન્નારને વિદાય આપી ઠેકડી જવા તૈયાર થયાં. મુંબઈથી જે બધું બે દિવસમાં જોવાનું આયોજન કરી આવ્યો હતો તે હવે અડધા દિવસમાં જોવાનું હતું અને પછી ઠેકડી પહોંચવાનું હતું.પણ ઘણી વાર આયોજનવાળી યોજના કરતાં અણધારી ઘટના વિશેષ આનંદદાયી અને અવિસ્મરણીય બની રહે એવું થતું હોય છે અને અહિ એમજ બન્યું.સહેલાણીઓના ધાડાં જ્યાં ઉમટતાં હોય છે એવી બધી મુન્નારની પ્રખ્યાત જગાઓ જોઈ જેવીકે ઇકો પોઇન્ટ,બ્લોસમ ગાર્ડન,મડુપટ્ટી ડેમ,પોઠેન્મેડુ લેક વગેરે.પણ એક દિવસ પહેલાં પેલાં પહાડની ટોચે જોયેલાં ચા-કોફીના બગીચા,પેલું ગણેશ મંદિર અને એલેવુર લેક જેવી મજાતો ક્યાંય ન આવી!

          એ પછી તો ઠેકડી ગયાં.ત્યાં પણ સ્ટર્લિંગ રીસોર્ટમાં જ રોકાણ કરવાનું હતું.અહિ મુન્નાર જેવી ભવ્યતા નહોતી પણ સગવડ અને સૌંદર્યની અહિ પણ કમી નહોતી.અહિ હોટલેની રૂમ આખી લાકડાની બનેલી હતી અને તેમાં રહેવાની પણ એક અલગ મજા આવી.વળી અહિ સ્વિમીંગ પુલ હતો તેમાં બે દિવસ દરમ્યાન બે-ત્રણ વાર સ્વિમિંગ કરવાની મજા પણ માણી.જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સાંજે કેરળના કેટલાક ભાગમાં ફેલિન વાવાઝોડાની અસર થઈ હતી જેથી ઠેકડીમાં પણ મૂસળધાર વરસાદ વરસ્યો!જે સાવ અણધાર્યું અને ઓચિંતુ હતું! પણ અમારો કાર્યક્રમ આ વરસાદને લીધે જરાયે ખોરવાયો નહોતો જાણે કેરળે અમારા જેવા મોંઘેરા મહેમાનોની સગવડ સાચવવા જ,અમે ઠેકડી અમારી હોટલે પહોંચી ગયાં એ બાદ જ વરસાદ વરસાવ્યો!મોડી સાંજે અમે કેરળના અતિ-વિખ્યાત એવા કથકલી લોકનાટ્ય- નૃત્યની મજા માણી. આપણાં ગુજરાતની ભવાઈ અને કેરળનાં કથકલી વચ્ચે ઘણું ઘણું સામ્ય છે.કથકલીમાં પણ પાંચ તત્વોનો સમાવેશ હોય છે : નાટ્ય એટલેકે અભિનય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને વસ્ત્રપરિધાન કે મેક અપ. ખાસ પ્રકારની આયુર્વેદિક માટીમાંથી પાંચ રંગો તૈયાર કરાય છે જે કથકલી કલાકારો પોતાના મોઢે ચોપડે છે. રંગોનું પણ ખાસ મહત્વ હોય છે.જેમકે નાયક (કૃષ્ણ કે અર્જુન કે ઇન્દ્રનો પુત્ર) લીલા રંગનો મેક અપ લગાડે. ખલનાયક (રાવણ કે કંસ) કાળું મહોરૂ ધારણ કરે વગેરે. દસથી પંદર કિલો વજન ધરાવતો ખાસ પ્રકારનો ઘાઘરા જેવો વેશ કથકલી કલાકારે પહેરવો પડે છે.તેને તૈયાર થતાં જ બે-ત્રણ કલાક થઈ જાય અને એ માટે તેણે અન્ય ત્રણ ચાર સહાયકોની મદદ લેવી જ પડે.આટલા ભારે વસ્ત્રો અને ભપકાદાર મેક અપ બાદ આખી આખી રાત સુધી મંદિર કે જાહેર સ્થળે કથકલી ભજવાય તેમાં કલાકારો ઉત્સાહ ભેર પોતાનો ભાગ ભજવે. મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય.કલાકારોએ અહિ બોલવાનું ન હોય માત્ર હાવભાવ, હાથ અને આંગળીની વિવિધ મુદ્રાઓ અને નૃત્ય દ્વારા પોતાનો ભાગ ભજવવાનો.મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય. નૃત્યનાટીકાની  જેમ મંચ પર ગાનારા અને સંગીત વાદ્યો વગાડનારા કલાકારો જુદા બેઠા હોય. સ્ત્રી પાત્રો પણ આપણી ગુજરાતની ભવાઈની જેમ અહિ પુરુષો જ ભજવે.                               

          બીજે દિવસે ઠેકડીમાં આવેલ પેરિયાર નેશનલ પાર્કની મુલાકાત લીધી.અહિં ઉંચા વિશાળ વૃક્ષો વચ્ચે પથરાયેલા જંગલમાં ચાલવાની મજા આવી.પેરિયાર સરોવરમાં પણ નૌકા વિહારનો આનંદ માણ્યો.અહિં એલેપીના બેકવોટર્સ જેટલી મજા ન આવી પણ અહિની વિશેષતા હતી સરોવર વચ્ચે થોડે થોડે અંતરે ગોઠવેલા હોય તેવા લાગતાં, ઝાડનાં થડનાં પાન કે ડાળીઓ વગરનાં ઠૂઠાં!આવા અસંખ્ય ઠૂઠાં પેરિયાર સરોવરને અનોખું સૌદર્ય પ્રદાન કરી રહ્યાં હતાં.એ ઠૂઠાંમાંના કેટલાક પર વિદેશી બગલા જેવાં પક્ષીઓએ માળા બાંધ્યા હતાં તેમાંથી આ પંખીઓ સરોવરમાં ડૂબકી મારી માછલી પકડી ફરી માળામાં જઈ પોતાનાં બચ્ચાને ખવડાવતાં હતાં એ દ્રષ્ય જોવાની ખૂબ મજા પડી.


          પાછા ફર્યાં બાદ ઠેકડીના આયુર્વેદિક બગીચામાં ફર્યાં અને તેજાના-મરીમસાલાની ખરીદી કરી.સાંજે બજારમાં અન્ય ચીજ-વસ્તુઓ-ખાવાપીવાની સામગ્રી તેમજ ભેટસોગાદો ખરીદ્યા અને કેરળની એ છેલ્લી સાંજે થાનસીર પૂછીપૂછી અમને ‘ચેલ્લારકોવીલ’ નામની અદભૂત જગાએ લઈ આવ્યો.

          અહિ અમે મિનિ-ટ્રીકીંગ કરી પહાડની ટોચ જેવા ભાગે ગયાં જ્યાંથી કેરળ-આંધ્રપ્રદેશ અને તામિળનાડુ ત્રણે રાજ્યોની સરહદ દેખાતી હતી.અહિથી એક સુંદર જળધોધ પણ દ્રષ્યમાન થતો હતો.અમારી કેરળની છેલ્લી સાંજ અમે આ સુંદર જગાએ વિતાવી અને પાછા હોટલ આવી સામાન વગેરે બાંધવા માંડ્યો.

          એ પછીની સવારે તો ઠેકડીથી વહેલા કોચી આવવા માટે નિકળી ગયાં અને રસ્તામાં રબરની ખેતી જોઈ.લાંબા ઝાડના થડ પર જમીન પાસે કોપરાની કાછલી જેવી વાડકી બાંધી હોય અને પ્લાસ્ટીકનું કવર વાડકીની ઉપર તરફ એ રીતે વીંટાળેલું હોય કે વરસાદનું પાણી કે અન્ય કચરો તેમાં ન પડે અને ઝાડમાંથી નિકળતો રબરનો રસ વાડકીમાં જ એકઠો થાય!         

 


 



          પછી તો વિમાનમાં બેસી ફરી મુંબઈ આવી ગયાં.વિમાનમાંથી કેરળની ભૂમિના,બેકવોટર્સનાં,ત્યાંના મંદિરો અને મકાનોનાં છેલ્લાં દર્શન કર્યાં અને મન જાણે આ બધાંથી દૂર થવાની એક અગમ્ય લાગણીથી ભરાઈ ગયું.ખેર ચલતે રહેનેકા નામ ઝિંદગી હૈ!

          કેરળ પ્રવાસમાં સૌંદર્ય તો માણ્યું જ પણ સાથે સાથે કંઈ કેટલુંયે જાણ્યું,જોયું અને મનના કચકડામાં કાયમ માટે કેદ કરી લીધું!જીવન ભર એ મધુર સ્મૃતિઓ બની સચવાઈ રહેશે!

 (સંપૂર્ણ) 

રવિવાર, 8 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - 3)

           ચારેક કલાકની મુસાફરી બાદ મુન્નાર પહોંચાય એમ હતું.મુન્નાર હવા ખાવાનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે અને તે ડુંગરાળ પ્રદેશમાં ટોચે આવેલું હોવાથી રસ્તો ગોળાકારે ઉપર ચડતો હતો તો ક્યારેક વાંકોચૂંકો થઈ આગળ વધતો હતો. માર્ગમાં એકાદ બે સરસ મજાનાં જળધોધ જોવા મળ્યાં. ત્રણેક કલાક મુસાફરી બાદ એક જગાએ થાનસીરે ગાડી રોકી અને ત્યાં હાથી સવારી થતી હોવાનું જણાવ્યું.મેં મારી પત્ની તથા પુત્રીએ એક હાથી પર તો મારી બંને બહેનોએ બીજા હાથી પર બેસી આ અદભૂત અનુભવની મજા માણી. મુન્નાર તરફ પહોંચવામાં હજી વાર હતી. મને આવી મુસાફરીમાં કોઈ તકલીફ પડતી નથી.પણ મારા અને મારી સૌથી મોટી બહેન સિવાયના ત્રણ સભ્યોને પેટમાં ગડબડ શરૂ થઈ અને ઉલટી થવા માંડી. સાંજ પડી ગઈ હતી અને અંધારૂ થઈ ગયું હતું.ઉંચાઈ વધતી ગઈ તેમ તેમ ઠંડી પણ વર્તાવા માંડી હતી.પહેલી વાર એવું જોયું કે પોણા સાતે સાંજે તો કાળો ડિબાંગ અંધકાર છવાઈ ગયો હતો અને સાત વાગે તો ચંદ્ર દર્શન થઈ ગયાં!અમારે જ્યાં ઉતારો કરવાનો હતો તે સ્ટર્લિંગ રીસોર્ટ તો મુન્નારના મુખ્ય શહેરથી પણ બાવીસેક કિલોમીટર દૂર વધુ ઉંચાઈએ હતી.
           આખરે અમે થાકીને લોથપોથ થઈ સ્ટર્લિંગ પહોંચ્યા.પણ એ દિવસે દેવદિવાળી હતી તેથી સ્ટર્લિંગનું આંગણું સુંદર મજાની મોટી વર્તુળાકાર રંગોળીથી સુશોભિત હતું અને આંગણે દિવા પણ ઝળહળી રહ્યાં હતાં.રીસેપ્શન પાસે હોલની મધ્યમાં પણ ઉંચો ધાતુનો દિપક પ્રજ્વલિત કરાયો હતો.થાક ત્યાંનું વાતાવરણ જોઈ અડધો તો ઉતરી ગયો અને અડધો રૂમમાં પહોંચી ગરમ પાણીથી સ્નાન કરી ઉતારી દીધો. ત્યાંની હોટલમાં ખાવાનું મોંઘું પણ સ્વાદિષ્ટ હતું. રાતે ઉંઘ પણ ઘસઘસાટ આવી.
           બીજે દિવસે સવારે ઉઠતાં વેંત સરસ મજાની મોટી કાચની બારીમાંથી બહારનાં સુંદર કુદરતી દ્રષ્યે મનને તાજગીથી અને સ્ફૂર્તિથી ભરી દીધું.તૈયાર થઈ ચાનાસ્તો પતાવી બહાર આવ્યાં ત્યારે ખબર પડી કે કેરળભરમાં બે દિવસની વાહનોની હડતાળ છે એટલે હોટલ કે તેની આસપાસનાં વિસ્તાર સિવાય ક્યાંય ફરવા જઈ શકાશે નહિ.આ સાંભળી અન્ય કોઈ સ્થળે હોત તો બધી મજા મરી જાત, પણ આ જગાને અહિની આબોહવાની તાસીર હતી કે અમારા મૂડમાં ઝાઝું પરિવર્તન આવ્યું નહિ.મેં થાનસીરને બોલાવ્યો અને અમે બે જણ ચાલીને બે કિલોમીટર દૂર આવેલાં એ.ટી.એમ. મશીન સુધી પહોંચી ગયાં. વાહન હોટલની બહાર લઈ જતાં થાનસીરનો જીવ ચાલતો નહોતો કારણ નવી નક્કોર ગાડીને કોઈ તોફાની તત્વો મળી જાય અને નુકસાન પહોંચાડે તે પરવડે તેમ નહોતું. આથી અમે ચાલીને ગયાં.પણ વાહનોની હડતાળને લીધે એ.ટી.એમ મશીનમાં પૈસા ખલાસ થઈ ગયાં હતાં અને તે પૂરવા કોઈ બે દિવસ આવી શકે એમ નહોતું! અમે પાછા ફર્યાં.રસ્તામાં મારી પત્ની, દિકરી અને બહેનો મળ્યાં. એક જગાએ અડધો કલાક બેસી અમે આસપાસની લીલીચાનાં બગીચાને જોવાની મજા લીધી તેમજ અન્ય કુદરતી સુંદરતા માણી. ફરી હોટલે પાછાં ફર્યાં. બગીચાની લીલીછમ ઘાસની ચાદર પર મૂકેલા, ચાર પુખ્ત વ્યક્તિઓ સૂઈ શકે એવડા મોટા ગોળાકાર સોફા પર સૂતા સૂતા હું બપોરના ખુશનુમા વાતાવરણમાં છૂટા છવાયા વાદળો ભર્યા ભૂરા આકાશ સામે તાકી રહ્યો હતો. ત્યાં પરિવારજનોએ જમવા જવાનું સૂચન કર્યું અને મેં એ વધાવી લીધું.સ્ટર્લિંગમાં જ જમ્યાબાદ ફરી બગીચામાં આવી આરામ ફરમાવ્યો.પત્ની અને બહેનોએ અન્ય સહેલાણી સ્ત્રીઓ સાથે હોટલ દ્વારા આયોજિત રસોઈ શીખવાના સેશનમાં પેસ્ટ્રી અને કેક બનાવતાં શીખી અને મેં અને મારી દિકરીએ તે ધરાઈને ખાધાંયે ખરાં! સાંજે નજીકનાં એક જળધોધ સુધી ચાલતાં ફરવા ગયાં અને ત્યાં પગ પલાળવાની અને ફોટા પાડવાની મજા માણી.અમદાવાદથી આવેલ એક વયોવૃદ્ધ દંપતિ સાથે પરિચય કેળવાયો અને પછીતો તેઓ પોતાની ગાડીમાં અમને સ્ટર્લિંગ સુધી મૂકી ગયાં.સાંજ પડતાં વાહનોની સ્થાનિક અવરજવર સહેજ ખુલી હતી.પણ બીજે દૂર ફરવા જઈ શકાય એમ નહોતું. આખો દિવસ આરામમાં વિતાવ્યા બાદ બીજી રાત પણ સરસ વિતી.
                                           
           મૂળ કાર્યક્રમ મુન્નારમાં બે દિવસ અને પછી ઠેકડી ખાતે ત્રણ દિવસ વિતાવવાનો હતો.પણ વાહનોની હડતાળના કારણે તેમાં ફેરફાર જરૂરી બન્યો જે અમારા માટે સારો અને ફાયદાકારી જ નિવડ્યો.મુન્નારમાં આબોહવા અને જોવાલાયક સ્થળ વધુ પ્રમાણમાં અને વધુ સારા હોવાને લીધે અમારા માટે આ ફેરફાર આશિર્વાદ સમાન બની રહ્યો. ત્રીજે દિવસે સવારે હોટલ બહાર થોડી સ્થાનિક જીપો જાણે અમારા માટે જ આવીને ઉભી રહી.વાહન વ્યવહાર તો હજી મુખ્ય શહેર ભણી શરૂ થયો નહોતો પણ આ જીપો અલગ દિશામાં પહાડો વચ્ચે ખાનગી રસ્તાઓ પરથી ચા-કોફીના બગીચા જોવા લઈ જવા આવી હતી. ખાડા-ટેકરા વાળા અતિ અઘરાં રસ્તે જીપ ચલાવી કેસરી લૂંગી પહેરેલો એ યુવાન ડ્રાઈવર અમને સ્વર્ગમાં લઈ આવ્યો હોય તેવી અનુભૂતિ થઈ.ગાઢ ધૂમ્મસ વચ્ચે કડકડતી ઠંડી સાથે અહિ આવ્યા બાદ પાછા ફરવાનું મન જ ન થાય.’કોલુમુક્કલાઈ’ નામનાં આ સ્થળે આવેલ વિશ્વના સૌથી વધુ ઉંચાઈએ આવેલ ચા-કોફીના બગીચા જોયાં અને આ અવિસ્મરણીય અનુભવ બાદ પાછાં ફરતાં ત્યાંના સ્થાનિક શાળાએથી છૂટેલાં બાળકોને હાથ હલાવી સ્મિત કરતાં પાછાં ફરતાં હતાં એ વેળાએ મારૂં ધ્યાન એક મંદિર પર ગયું અને મેં જીપ થોભાવી ત્યાં મંદિરની બહાર ગણપતિની કાળી પ્રતિમા સામે હાથ જોડી પ્રાર્થના કરી.ગજબની અનુભૂતિ થઈ મને એ વેળાએ.આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલું હતું.તેનું ધરાઈને પાન કર્યા બાદ જીપવાળો અમને 'એલેવુર લેક' નામનાં તળાવ પાસે લઈ આવ્યો.

 

 


આ જગાએ પથરાયેલી કુદરતી સુંદરતાનું વર્ણન કરવા પણ શબ્દો ઓછા પડે.ઉંચા નિલગીરી વૃક્ષો,લીલું સ્વચ્છ પાણી અને ઝાડ પરથી ખરેલાં પત્તાથી ઘેરાયેલી ભૂમિ પર બેસી મનુષ્ય કોઈ અન્ય જ વિશ્વમાં આવી ગયો હોય તેવું ભાસે!અમે ખાસ્સો અડધો-પોણો કલાક અહિ આરામથી બેસીને વિતાવ્યો.થાનસીર અને જીપવાળાએ અમને ઉઠાડ્યા ન હોત તો મને લાગે છે અમે તો રાતે પણ અહિ જ સૂઈ જાત!ખેર સમયનું ચક્ર તો ફરતું જ રહે છે.જીપવાળાનો તેની ઘૂંટણ સુધી ઉંચે ચડાવેલી લૂંગીની લાક્ષણિક અદામાં ફોટો પાડ્યા બાદ નિયત કર્યા હતાં તે કરતાં પચાસ રૂપિયા વધુની ખાસ ટીપ આપી વિદાય કર્યો અને સ્ટર્લિંગ પાછા ફર્યાં.અહિ મોડી સાંજે ગરબા-દાંડિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમાં થાકી જઈએ એટલી હદે અમે સૌ ગરબે ઘૂમ્યાં!કેરળનીદક્ષિણ ભારતીય ભૂમિ પર મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતની ઓળખસમા ગરબાની બોલાવેલી એ રમઝટ અમને કાયમ યાદ રહેશે! ત્રીજી રાત પણ ખૂબ સારી રીતે વિતી.
        

(ક્રમશ:)

રવિવાર, 1 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૨)


ઘેરથી પૂર્વાયોજન કર્યાં મુજબ કેરળનાં અમારા બીજા દિવસે મેં કુમારકોમ અને અલેપી ફરવા જવાનું નક્કી કર્યું હતું.રસ્તામાં જો પેલા મેગેઝીનમાં જેમના વિશે માહિતી હતી તેમાનાં કોઈ મંદિર આવે તો અમને દર્શન કરાવવાની મેં થાનસીરને ભલામણ કરી.તેણે હકારમાં માથું ધુણાવ્યું. અને તે અમને વાઈકોમ નામની જગાએ પ્રખ્યાત એવા શિવમંદિરમાં લઈ આવ્યો. કેરળના મોટા ભાગનાં મંદિરોમાં પુરુષોએ શરીરનાં ઉપરના ભાગે કંઈ પણ પહેર્યા વગર જ પ્રવેશ કરવો પડે છે.એ નિયમને અનુસરતાં મેં પણ ખમીસ કાઢીને શિવલિંગના દર્શન કર્યાં વિશાળ મંદિરના પ્રાંગણમાં કોઈ ઉત્સવ ચાલતો હોઈ ભીડ હતી.અહિં લાંબી દંતશૂળ ધરાવતાં પ્રશિક્ષીત હાથી જોવા મળ્યાં જેને ખાસ ઉત્સવો કે પ્રસંગોએ શણગારીને આખા શહેરમાં ફેરવાય છે તેમજ હાથીઓ વચ્ચે સ્પર્ધાઓ પણ યોજાય છે.સમય વધુ ન હોવાથી ઝડપથી દર્શન પતાવી અમે આગળ વધ્યાં.
કેરળમાં વિશ્વની સૌથી વિશાળ બેકવોટર્સ નામે ઓળખાતી અજાયબ માનવ વસવાટ ધરાવતી કુદરતી જળવસાહત જોવા મળે છે.બેકવોટર્સ એટલે નદીની બાજુમાં તેના પ્રવાહને લીધે બંધિયાર પાણી અને તેની વચ્ચે થોડી ઘણી જમીન.અહિ પણ પાણીની વચ્ચે એક આખી નાનકડી દુનિયા વસે છે.શાળાએ બાળકો હોડીમાં બેસીને જાય તો સવારે પીવાનું પાણી ભરવા ઘરની સ્ત્રી પણ પોતાનું નાનકડું હોડકું લઈ નિકળી પડે.દવાખાનું પણ તરતી હોડી અને પાણીની વચ્ચે આખું મોટું સ્ટેડિયમ પણ ખરૂં! અહિં જાતજાતની હોડી તમે ભાડે કરી બેકવોટર્સ માં નૌકાવિહારની તદ્દન અનોખી અને અદભૂત અનુભૂતિ કરી શકો છો.હોડી નાનકડી બે વ્યક્તિઓ જ બેસી શકે એવડી પણ હોય અને સો માણસોનો કાફલો પણ સમાવી શકે એવી દ્વિમાળી પણ હોય,સાદી છાપરા વગરની પણ હોય અને આખી વાતાનુકૂલિત હરતી ફરતી હોટલસમી પણ હોય. અમે શિકારા જેવી માથે છાપરૂં ધરાવતી પણ પ્રમાણમાં ખુલ્લી એવી એક હોડી પસંદ કરી.તેમાં પાંચ ખુરશીઓ અને આગળના ભાગમાં સરસ ગાદી ગોઠવેલી હતી.આરામથી બેઠાબેઠા તો, ઘડીક ગાદી પર આખું શરીર લંબાવી અમે આ નદીયાત્રા ધરાઈ ધરાઈને પાંચ કલાક માણી.નાસ્તો પણ કર્યો. આસપાસનું નદીની વચ્ચો વચ્ચ વસવાટ કરતાં લોકોની દૈનિક ક્રિયાઓ નિહાળી વિસ્મયપૂર્વક આ સાવ નોખા અનુભવને અમે જીવ્યાં! વચ્ચે પાછી એેક ટપરી જેવી હોટલમાં ચા પીવા પણ રોકાયાં. ત્યાં હોટલચલાવતા યુવાને એક બાજ પક્ષી પાળ્યું હતું.તેને એ પ્રવાસીઓના ખભે બેસાડી ઓર એક અપૂર્વ અનુભવની મજા માણવાની તક પૂરી પાડતો.મેં અને મારી બહેને પણ ખભે આ બાજ પક્ષી ખભે બેસાડી તેની સાથે ફોટા પડાવ્યાં ને તેના મખમલી પીંછા પર મેં તો હાથ પણ ફેરવ્યો! હોટલ માલિકની પત્ની હોટલની ઓરડી પાછળ ખુલ્લી જગામાં આઈસબોક્સમાં ગોઠવેલી મૃત માછલીઓના શરીર પર બરફનો ભૂક્કો પાથરી રહી હતી. નૌકાવિહાર, બાજના સામીપ્ય બાદ મારી ત્રણ વર્ષની દિકરી માટે આ ફરી એક નવો તદ્દન જુદો જ આશ્ચર્યકારક નઝારો હતો. તેના ચહેરા પરના સુંદર હાવભાવ જોઈ પેલી સ્ત્રીએ તેને તેડી લીધી ને સાવ નજીકથી માછલીઓ બતાવી.ચાપાણી પતાવ્યા બાદ અમે ફરી હોડીમાં ગોઠવાયા અને શરૂ થયો નૌકાવિહારનો મધ્યાંતર પછીનો બીજો તબક્કો. વર્ષના ચોક્કસ દિવસોએ અહિં હોડીઓની સ્પર્ધા યોજાય છે જેમાં સેંકડો લોકો ખાસ પ્રકારની લાંબી સાંકડી હોડીઓમાં બેસી ભાગ લે છે.આવી એક હોડીમાં એક સાથે એકમેકની પાછળ કુલ સો એક જણ બેસી હલેસાં મારી હોડી શક્ય એટલી ઝડપે દોડાવે અને જે હોડી સૌથી વધુ ઝડપે નિયત સ્થળે પહેલી પહોંચી જાય તે વિજેતા ઘોષિત થાય. આ સ્પર્ધાનું ધાર્મિક મહત્વ પણ હોય છે અને તે જોવા હજારો લોકો બેકવોટર્સ પાસે તેમજ તેની વચ્ચે આવેલા સ્ટેડિયમમાં જમા થાય છે.અમે આવી એક બે ખાલી હોડીઓ જોઈ અને તે જોઈ પણ અમે રોમાંચિત થઈ ઉઠ્યાં.અમારી હોડી ચલાવનાર અહિનાં સ્થાનિક રહેવાસી અન્નાએ અમને આ બધી રસપ્રદ માહિતી ઉત્સાહભેર કહી સંભળાવી.
પછી અમે એક ફાઈવ સ્ટાર હોટલ જોઈ જે પાણીની વચ્ચોવચ્ચ ખાસા મોટા વિસ્તારમાં પથરાયેલી હતી. અન્નાએ જણાવ્યું થોડા વખત અગાઉ શાહરૂખ ખાન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તેમજ તેમનો પરિવાર અહિં થોડા દિવસ રહ્યાં હતાં.એ હોટલના દરેક રૂમની બહારની ઓસરી જેવો ભાગ સીધો બેકવોટર્સ પાસે ખુલતો હતો.સુંદર લાગતું હતું એ આખી હોટલનું બેકવોટર્સ વચ્ચે રચાતું ચિત્ર!
પછી તો અમે ગોળ તરાપામાં માછીમારી કરતાં આંધ્રપ્રદેશથી અહિ આવેલા માછીમારો પણ જોયાં અને બેકવોટર્સની બીજી બાજુ લીલાછમ ખેતરો પણ દીઠાં.અમે બતક વગેરે પક્ષીઓ પણ તરતાં દીઠાં તો પાણી પર તરતી લીલા રંગના ફૂલો જેવી લાગતી વનસ્પતિ પણ દીઠી.આસપાસ અલ્પ કે વિપુલ સંખ્યામાં અલગ અલગ પ્રકારની હોડીઓમાં અમારી જેમજ બેકવોટર્સની સહેલગાહ માણી રહેલા સહેલાણીઓ પણ દીઠા અને હોડી બનાવી રહેલાં કે અન્ય કામોમાં વ્યસ્ત બેકવોટર્સ પર જ રહેતાં સ્થાનિક લોકો પણ દીઠાં.
ખૂબ મનભાવી અને આનંદદાયી એવા આ એલેપીના બેકવોટર્સમાં નૌકાવિહારના અનુભવ બાદ અમે ત્યાંના એક દરિયાકાંઠે ગયાં જ્યાં સૂર્યાસ્ત જોવાની મજા માણી.પ્રમાણમાં ચોખ્ખા એવા આ બીચ પર ઠીક ઠીક ભીડ હતી.અન્ય દરિયાકાંઠાઓની જેમજ અહિં પણ લોકો ઘોડેસવારી,ઉંટસવારી,ચકડોળ વગેરેની મજા માણી રહ્યાં હતાં.પણ અમે માત્ર દરિયાકાંઠાની લીસ્સી રેતી પર બેસવાનું પસંદ કર્યું અને મેં અને મારી નાનકડી દિકરીએ રેતીમાં હાથ-પગ ઝબોળી રેતીના કિલ્લા બનાવ્યાં અને દરિયાનાં પાણીમાં ગયા વગર ધરાઈને દરિયાકાંઠાના વાતાવરણને માણ્યું.
ત્યાંથી અમે ગયાં રાતવાસા માટે ફોર્ટ કોચી વિસ્તારમાં આવેલાં અમારા બીજા હોમસ્ટે 'અલાન્સ ઇન્ન' ભણી. 'અલાન્સ ઇન્ન'માં એક યુવા દંપતિ ત્રણ ઓરડા ધરાવતાં વિશાળ ઘરનું માલિક અને અમારું યજમાન હતું. તેમણે પણ અમારી સારી એવી સરભરા કરી.અહિં 'થોમસ ઇન્ન' જેવી અલાયદા માળે રૂમ્સની સગવડ નહોતી અને ઘરની બહાર વરંડામાં સમારકામ પણ ચાલી રહેલું હોવાને કારણે આગલી રાત જેટલી મજા ન આવી.અહિં નજીકમાં ગઈ કાલ જેવી શુદ્ધ શાકાહારી હોટલ ન હોવાને લીધે જમવામાં પણ ખૂબ મજા ન આવી. વળી એક રૂમ, યજમાન દંપતિના રૂમની પડખે જ હોવાથી તેમની બિનશાકાહારી રસોઈ-તેલમસાલાની વાસ મારી બહેનથી સહન થતી નહોતી આથી થોડી તકલીફ પડી પણ રાત ઝડપથી પસાર થઈ ગઈ.
સવારે જો કે અલાન્સ ઇન્નના વરંડાનું દ્રષ્ય સારૂં હતું. આસપાસ તેમણે સારાએવા ઝાડછોડ રોપ્યાં હતાં અને તેઓ વરંડામાં બગીચા જેવું બનાવી રહ્યાં હતાં.ચા-સાથે બ્રેડટોસ્ટનો નાસ્તો કરતાં હતાં ત્યાંજ લાલ પૂંછડી ધરાવતી સરપબામણી કે સાપની માસીના દર્શન થયાં અને મને અને મારી દિકરીને તેનું નિરીક્ષણ પાડવાની અને તેના ફોટા પાડવાની મજા પડી ગઈ.ગામડામાં એવું કહેવાય છે કે જે છોકરી સરપબામણીની લાલ પૂંછડીને અડી લે તેના હાથે ખૂબ સરસ રોટલા કે રોટલી બને છે!મેં મારી પત્ની અને બહેનોને એમ કરવા જણાવ્યું પણ તેઓ ટાપટીપમાંથી ઉંચા આવે તો ને! અને મારી દિકરી તો સરપબામણીને જોઈ ત્યારથી અડવા ઉંચીનીચી થઈ રહી હતી પણ પાછો તેને ડર એટલો જ લાગે અને એ નાનું પ્રાણી પણ અતિ ચપળ એટલે એક જગાએ ઉભું થોડું રહેવાનું?
‘અલાન્સ ઇન્ન’ ને આવજો કહી અમે મુન્નાર જતાં પહેલાં ફોર્ટ કોચી વિસ્તારમાં ઘણાં ચર્ચ આવેલાં છે તે જોયાં અને કેરળનું આકર્ષણ ગણાતી વિશાળ ચાઈનીઝ ફિશિંગ નેટથી થતી માછીમારી જોઈ. લાકડાના ચારેક થાંભલાઓ વચ્ચે શંકુ આકારે મોટી માછલી પકડવાની જાળ ભરાવેલી હોય જેના એક છેડે ભરાવેલું દોરડું ઢીલું કરો અને દરિયા તરફ જાઓ એટલે જાળ પાણીમાં ઉતરે અને એ દોરડું પાછું ખેચી જાળ પાણીની બહાર કાઢો એટલે જાળના શંકુ આકારને લીધે જાળમાં સપડાયેલી  માછલીઓ આપોઆપ વચ્ચેનાં ભાગમાંથી એક વાસણ માં ઠાલવી લેવાય. આ રીતે વિશિષ્ટ રીતે થતી માછીમારી જોવા વિદેશીઓના ટોળેટોળા દરિયા કાંઠે ઉભા રહે.મને પણ એ જોવામાં ભારે રસ પડ્યો. ત્યારબાદ એક સંગ્રહાલય અને સિનેગોગ તરીકે ઓળખાતા અતિ જૂના પણ ખૂબ સારી રીતે જળવાયેલા જ્યુઈશ ધર્મસ્થળની મુલાકાત લીધી. થોડી ઘણી ચીજ્વસ્તુઓની ખરીદી કરી અને પછી એક વિશાળ મંદિરમાં ગયાં જ્યાં એક જ મૂર્તિની દિવસના જુદે જુદે સમયે ત્રણ અલગ અલગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. સવારે એક રંગના,બપોરે બીજા રંગના અને સાંજે ત્રીજા રંગના વસ્ત્રોમાં માતાજીની મૂર્તિની પૂજા થાય.લાલ વસ્ત્રોમાં લક્ષ્મીજી તરીકે,સફેદ વસ્ત્રોમાં સરસ્વતી તરીકે અને જાંબલી કે ગુલાબી વસ્ત્રોમાં દુર્ગા તરીકે રોજ મંદિરમાં એક્જ મૂર્તિની અર્ચના-આરાધના કરવામાં આવે. અહિં પણ મેં પરંપરા અનુસાર શર્ટ કાઢીને માતાજીનાં દર્શન કર્યાં. ભદ્રકાળીની તેમજ પાર્વતીની અન્ય મૂર્તિઓ ધરાવતાં દેરા તથા એક જૂની વાવ નાં પણ આ મંદિરમાં દર્શન કર્યાં. અમે ગયાં એ દિવસે કોઈ ઉત્સવ ચાલતો હતો એટલે દક્ષિણ ભારતીય ભાષામાં શાસ્ત્રીય સંગીત સાથે લાઉડસ્પીકરમાં માતાજીના સ્તુતિ-સ્તવનનું પઠન થઈ રહ્યું હતું જે વાતાવરણને અનેરા ભક્તિભાવથી ભરી દેતું હતું. અહિંથી દર્શન કર્યા બાદ રસ્તામાં એક શુદ્ધ શાકાહારી હોટલમાં જમ્યાં અને પછી બપોરની નિદ્રા ખેંચતા ખેંચતા મુન્નાર તરફ અમારી યાત્રા આગળ વધારી.
(ક્રમશ:)