Translate

લેબલ Blog સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Blog સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 ઑગસ્ટ, 2017

ગેસ્ટ બ્લોગ : દેશપ્રેમ

    "રાજુ,આ રજાઓમાં તો કાશ્મીર જ જવું છે.તમે પહેલીથી બધી તૈયારી કરી લેજો."રાજુએ કહ્યું"ના,ડાર્લિંગ હજુ કાશ્મીરમાં રોજ છમકલાં થાય છે .દુશ્મનોના હુમલાનો અને આતંકવાદીઓનો ડર હોવાથી ફરવાની મજા ન આવે."ને પછી થોડી જ ક્ષણ રહીને આક્રોશથી બોલી ઉઠ્યો "આપણી સરકાર જ નમાલી છે.એક વાર હુમલો કરીને કાયમ માટે આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવો જોઈએ.પણ ના,આપણી સરકાર તો સખત શબ્દોમાં વિરોધ નોંધાવશે.હુમલાની ટીકા કરશે.દરેક હુમલાને કાયરતાનું પગલું ગણશે.મોટી મોટી ડંફાસો મારશે.એ લોકો સમજતાં નથી કે લાતોનાં ભૂત વાતોથી નથી માનતાં.હું આ જગ્યાએ હોઉં તો........"ત્યાં જ એક મવાલી જેવાં માણસે એની પત્ની ઉષાની છેડતી કરી.થોડેક આગળ જઈ સીટી મારી ને ઉષા સામે ગંદી  હરકતો કરી.ઉષા તો રોષે ભરાઈને સામે થવા ઉભી થઇ.ત્યાં જ રાજુએ કહ્યું "જવા દે ને.આપણે બીજે જતાં રહીએ.આવા નકામાં માણસોને જવાબ આપવામાં એ લોકોને તો કંઈ નુકસાન નથી.આપણે જ ગુમાવવાનું છે."ઉષા તો અવાચક બનીને રાજુને જોતી જ રહી.
         છાશવારે દેશ કઈ રીતે ચલાવવો.દેશને માટે કેવા નિર્ણયો લેવાં દુશ્મનોને કઈ રીતે જવાબ આપવો.આતંકવાદીઓ સામે કઈ રીતે લડવું એ વિષે સલાહ આપનાર ખુદના માટે ક્યારેય કોઈ નિર્ણય લઇ શકતો નથી.એક મામૂલી ગુંડા સામે પણ લડી શકતો નથી.દેશ ચલાવવો એ કંઈ મશ્કરી નથી.સવાસો કરોડ જનતાની જવાબદારી એમનાં શિરે હોય છે.યુદ્ધ કંઈ બધાં જ પ્રશ્નનો હલ નથી.મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરની અને કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકની અકલ્પનીય નરસંહાર જોઈ થયેલી પીડા અવર્ણનીય હતી.જીતીને પણ એ હારી ગયાં હતાં.યુદ્ધમાં આપણા  દેશનાં કંઇક કેટલાએ જવાનોને શહાદત ભોગવવી પડે છે.અનેક નાગરિકોને પણ મોતના ઘાટે ઉતરવું પડે છે.કોઈ એક પગલું લેતાં પહેલાં અનેક પાસાઓનો વિચાર કરવો પડે છે.કંઇક કેટલીએ ગણતરી કરવી પડે છે.હાં !એનો અર્થ એ પણ નથી કે આપણે બંગડી પહેરીને બેસી રહેવું.આપણે આંતરિક રીતે મજબૂત થવાનું છે.દરેક નાગરિકે દેશને મજબૂત બનાવવા શક્ય હોય એ યોગદાન આપવાનું હોય છે.જેની પાસે ધન છે તે ધનથી અને જેની પાસે શક્તિ છે એ તનથી દેશની સેવા કરી શકે છે.અરે એક સાવ સામાન્ય માણસ પણ અનેક રીતે દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે છે.ગંદકી અટકાવી,દવની પ્રદુષણ અટકાવી,કાયદા કાનૂનનું પાલન કરી,કાળા બજાર અને દેશદ્રોહની પ્રવૃતિથી દૂર રહી,પ્રેરણાત્મક વિચારોનો વ્યાપ વધારી,આપણી સંસ્કૃતિનું જતન કરી દેશ માટે ત્યાગ અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત રાખી અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને અપનાવી આપણે દેશ પ્રત્યેનું આપણું ઋણ અદા કરી શકીએ છીએ.જ્હોન એફ.કેનેડીની એ વાત--એ ન પૂછો કે દેશ તમારે માટે શું કરે છે પણ એ પૂછો કે હું દેશ માટે શું કરી શકું છું.સહુએ યાદ રાખવાની છે અને દરેકે પોતાની શક્તિ મુજબ દેશ માટે કંઈ ને કંઈ કરતાં રહેવાનું છે.કદાચ કોઈ કંઈ જ ન કરી શકે એમ હોય તો દેશને બદનામ કરવાનું બંધ કરી દે.દેશવિરોધી પ્રવૃતિને સાથ આપવાનું બંધ કરી દે.દેશ વિષે ઘસાતું બોલવાનું બંધ કરી દે.વારે વારે બીજા દેશની તુલનામાં આપણા દેશમાં કંઈ ન થઇ શકે એવી નિરાશાજનક વાતો કરવાનું બંધ કરી દે,ધર્મના નામે લડવા-ઝઘડવાનું બંધ કરી દે અને ધર્મની સાચી પરિભાષા સમજી લે  તો એ પણ યોગદાન જ ગણાશે.આ મારો દેશ છે.આ દેશનું ગૌરવ એ મારું ગૌરવ છે.બસ,આ જ ભાવના સહુ દિલમાં રાખે તો આપણે એ ઉંચાઈએ પહોંચી જઈએ કે જ્યાં કોઈ આપણી સામે યુદ્ધનો વિચાર જ ન કરી શકે.                                                                                                                                                                                                                                  રોહિત કાપડિયા

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

'બ્લોગને ઝરૂખેથી...' : પ્રથમ પરિચય

બ્લોગ...

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો. તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.

જન્મભૂમિમાં આવતા અઠવાડિયાથી આપણે શરૂ કરીશું બ્લોગની સફર...'બ્લોગને ઝરૂખેથી' દ્વારા.

હવે હું મારો પણ થોડોઘણો પરિચય આપી દઉં. હું વિકાસ ઘનશ્યામ નાયક ૩૦ વર્ષનો એક યુવાન વ્યવસાયે સોફ્ટ્વેર એન્જીનીયર. મને ઘણાં બધાં શોખ છે. હું જન્મભૂમિમાં છેલ્લાં પાંચ વર્ષથી દર શનિવારે મહેક પૂર્તિમાં 'ઇન્ટરનેટ કોર્નર' નામની કટાર લખું છું. આ ઉપરાંત મને વાંચન, લેખન અને અભિનયનો પણ શોખ છે. હું ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષરદેહ રૂપે' માં હાલમાં અભિનય કરું છું.છેલ્લાં દોઢ વર્ષથી આકાશવાણી પર ગુજરાતી સમાચાર વાંચુ છું.સ્વીમીંગ, ટ્રેકિંગ અને ફરવાનો પણ મને ખૂબ શોખ. આ બધાં શોખ વિશે અને જીવનમાં થતાં રોજબરોજનાં અનુભવો વિષે મને ચર્ચા કરવાનો પણ ભારે શોખ અને તેમાંથી જ જન્મ થયો મારા બ્લોગનો.

http://vikasgnayak.blogspot.com - આ છે મારું બ્લોગ-સરનામું જ્યાં હું છેલ્લા અઢી-ત્રણ વર્ષથી મારા વિચારો, મારાં શોખ, મારી પ્રવૃત્તિઓ, મારા અનુભવો બીજાઓ સાથે વહેંચુ છું. અલબત્ત આ બ્લોગ પર હું અંગ્રેજીમાં લખું છું પણ મૂળ ગુજરાતી હોઈ મારું વિચારવું ગુજરાતીમાં જ ચાલે! તો વિચાર આવ્યો કે શા માટે આ બ્લોગ પર લખેલાં મારા લેખોનો હું મારી માતૃભાષામાં અનુવાદ કરી જન્મભૂમિ દ્વારા મારા વાચકમિત્રો સમક્ષ રજૂ ન કરું? 'ઇન્ટરનેટ કોર્નર' કટારને તો તમે એટલો બધો પ્રેમ આપ્યો કે તેનાં બધાં લેખો-વાર્તાઓનાં ચાર પુસ્તકો 'કથાકોર્નર','મહેક','કરંડિયો' અને 'આભૂષણ' ની બે આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તો હવે 'બ્લોગને ઝરૂખેથી...' ને પણ તમારો આવો ઉત્સાહ અને ઉમળકાભર્યો પ્રતિભાવ જ સાંપડશે એવી આશા સાથે આ નવી કટાર તમારી સમક્ષ રજૂ કરતાં અતિ હર્ષની લાગણી અનુભવું છું.

અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ પ્રકાશિત થશે.

બીજી એક મહત્વની વાત. આ કટાર દ્વારા હું ફક્ત મારા જ વિચારો રજૂ કર્યા કરીશ એવું નથી. પણ અહિં તમારે પણ સક્રિય ભાગ ભજવવાનો છે. જે કામ બ્લોગના વાચકો 'કમેન્ટ' લખીને કરે છે તે કામ તમારે પ્રતિભાવ લખીને કરવાનું છે જે આ જ કટારમાં નિયમિત રીતે બ્લોગ સાથે છપાશે. અહિં છપાયેલ બ્લોગ વિષે, તેના અનુમોદનમાં કે તેના વિરુદ્ધ કંઈક વિચાર આવે તો તરત જન્મભૂમિના સરનામે ટપાલ દ્વારા કે પછી મને મારા ઈમેલ - vikas.nayak@gmail.com પર લખી મોકલાવો અને તે પણ આપણે અહિં છાપીશું. તદુપરાંત તમે પણ કોઈ રસપ્રદ બ્લોગ લખ્યો હોય અને તે તમને બીજા વાચકો સાથે વહેંચવાનું મન થાય તો તે બ્લોગના વેબએડ્રેસ સાથે મોકલી આપશો જે અહિં મહિનામાં એક વાર કે જે પ્રમાણે અમને મળશે તે મુજબ 'ગેસ્ટ-બ્લોગ' તરીકે છપાશે.

તો મિત્રો આવતા અઠવાડિયાથી શરુ કરીએ આપણી બ્લોગ-પરિક્રમા 'બ્લોગને ઝરૂખેથી...'

- વિકાસ ઘનશ્યામ નાયક