Translate

શનિવાર, 12 ઑગસ્ટ, 2017

ગેસ્ટ બ્લોગ : દેશપ્રેમ

    "રાજુ,આ રજાઓમાં તો કાશ્મીર જ જવું છે.તમે પહેલીથી બધી તૈયારી કરી લેજો."રાજુએ કહ્યું"ના,ડાર્લિંગ હજુ કાશ્મીરમાં રોજ છમકલાં થાય છે .દુશ્મનોના હુમલાનો અને આતંકવાદીઓનો ડર હોવાથી ફરવાની મજા ન આવે."ને પછી થોડી જ ક્ષણ રહીને આક્રોશથી બોલી ઉઠ્યો "આપણી સરકાર જ નમાલી છે.એક વાર હુમલો કરીને કાયમ માટે આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવો જોઈએ.પણ ના,આપણી સરકાર તો સખત શબ્દોમાં વિરોધ નોંધાવશે.હુમલાની ટીકા કરશે.દરેક હુમલાને કાયરતાનું પગલું ગણશે.મોટી મોટી ડંફાસો મારશે.એ લોકો સમજતાં નથી કે લાતોનાં ભૂત વાતોથી નથી માનતાં.હું આ જગ્યાએ હોઉં તો........"ત્યાં જ એક મવાલી જેવાં માણસે એની પત્ની ઉષાની છેડતી કરી.થોડેક આગળ જઈ સીટી મારી ને ઉષા સામે ગંદી  હરકતો કરી.ઉષા તો રોષે ભરાઈને સામે થવા ઉભી થઇ.ત્યાં જ રાજુએ કહ્યું "જવા દે ને.આપણે બીજે જતાં રહીએ.આવા નકામાં માણસોને જવાબ આપવામાં એ લોકોને તો કંઈ નુકસાન નથી.આપણે જ ગુમાવવાનું છે."ઉષા તો અવાચક બનીને રાજુને જોતી જ રહી.
         છાશવારે દેશ કઈ રીતે ચલાવવો.દેશને માટે કેવા નિર્ણયો લેવાં દુશ્મનોને કઈ રીતે જવાબ આપવો.આતંકવાદીઓ સામે કઈ રીતે લડવું એ વિષે સલાહ આપનાર ખુદના માટે ક્યારેય કોઈ નિર્ણય લઇ શકતો નથી.એક મામૂલી ગુંડા સામે પણ લડી શકતો નથી.દેશ ચલાવવો એ કંઈ મશ્કરી નથી.સવાસો કરોડ જનતાની જવાબદારી એમનાં શિરે હોય છે.યુદ્ધ કંઈ બધાં જ પ્રશ્નનો હલ નથી.મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરની અને કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકની અકલ્પનીય નરસંહાર જોઈ થયેલી પીડા અવર્ણનીય હતી.જીતીને પણ એ હારી ગયાં હતાં.યુદ્ધમાં આપણા  દેશનાં કંઇક કેટલાએ જવાનોને શહાદત ભોગવવી પડે છે.અનેક નાગરિકોને પણ મોતના ઘાટે ઉતરવું પડે છે.કોઈ એક પગલું લેતાં પહેલાં અનેક પાસાઓનો વિચાર કરવો પડે છે.કંઇક કેટલીએ ગણતરી કરવી પડે છે.હાં !એનો અર્થ એ પણ નથી કે આપણે બંગડી પહેરીને બેસી રહેવું.આપણે આંતરિક રીતે મજબૂત થવાનું છે.દરેક નાગરિકે દેશને મજબૂત બનાવવા શક્ય હોય એ યોગદાન આપવાનું હોય છે.જેની પાસે ધન છે તે ધનથી અને જેની પાસે શક્તિ છે એ તનથી દેશની સેવા કરી શકે છે.અરે એક સાવ સામાન્ય માણસ પણ અનેક રીતે દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે છે.ગંદકી અટકાવી,દવની પ્રદુષણ અટકાવી,કાયદા કાનૂનનું પાલન કરી,કાળા બજાર અને દેશદ્રોહની પ્રવૃતિથી દૂર રહી,પ્રેરણાત્મક વિચારોનો વ્યાપ વધારી,આપણી સંસ્કૃતિનું જતન કરી દેશ માટે ત્યાગ અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત રાખી અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને અપનાવી આપણે દેશ પ્રત્યેનું આપણું ઋણ અદા કરી શકીએ છીએ.જ્હોન એફ.કેનેડીની એ વાત--એ ન પૂછો કે દેશ તમારે માટે શું કરે છે પણ એ પૂછો કે હું દેશ માટે શું કરી શકું છું.સહુએ યાદ રાખવાની છે અને દરેકે પોતાની શક્તિ મુજબ દેશ માટે કંઈ ને કંઈ કરતાં રહેવાનું છે.કદાચ કોઈ કંઈ જ ન કરી શકે એમ હોય તો દેશને બદનામ કરવાનું બંધ કરી દે.દેશવિરોધી પ્રવૃતિને સાથ આપવાનું બંધ કરી દે.દેશ વિષે ઘસાતું બોલવાનું બંધ કરી દે.વારે વારે બીજા દેશની તુલનામાં આપણા દેશમાં કંઈ ન થઇ શકે એવી નિરાશાજનક વાતો કરવાનું બંધ કરી દે,ધર્મના નામે લડવા-ઝઘડવાનું બંધ કરી દે અને ધર્મની સાચી પરિભાષા સમજી લે  તો એ પણ યોગદાન જ ગણાશે.આ મારો દેશ છે.આ દેશનું ગૌરવ એ મારું ગૌરવ છે.બસ,આ જ ભાવના સહુ દિલમાં રાખે તો આપણે એ ઉંચાઈએ પહોંચી જઈએ કે જ્યાં કોઈ આપણી સામે યુદ્ધનો વિચાર જ ન કરી શકે.                                                                                                                                                                                                                                  રોહિત કાપડિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો