જગતિયું એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પછી તેની પાછળ તેના પરિવારજનો જે દાન કરે
કે સમાજને કે બ્રાહ્મણોને જમાડે
એ ઉત્તર ક્રિયા.
આમ તો જગતિયું
મરણ બાદ જ સદગતની સ્મૃતિમાં
કરાતું હોય છે પણ છેલ્લાં
થોડા સમયમાં એવી કેટલીક ખબરો વાંચવા કે જાણવામાં આવી
છે કે કોઈ વયોવૃદ્ધ
વ્યક્તિના પરિવારજનોએ તે જીવીત હોય
ત્યારે જ તેની સમક્ષ
ગામ કે સમાજને જમાડ્યો
હોય અને તે જીવીત વ્યક્તિનું
ફુલેકું કાઢ્યું હોય. વળી પાછો એક નવો શબ્દ!
ફુલેકું! ફુલેકું એટલે વરઘોડા જેવું સરઘસ. વાજતે ગાજતે વ્યક્તિને ઘોડા પર કે રથમાં
બેસાડી યાત્રા કાઢવી. જો કે આમાં
દેખાડો વધુ હોય.
આજે વાત કરવી છે એવી એક
વરિષ્ઠ વ્યક્તિની જેણે પોતે જ પોતાનું જગતિયું
કર્યું છે. જો કે તેની
ભાવના દેખાડાની નહીં પરંતુ સમાજ સેવાની છે. આ બ્લોગમાં તેમની
વાત પણ તેમના વખાણ
કરવાના હેતુથી નથી કરી રહ્યો પરંતુ સમાજમાં એક દાખલો બેસે
અને કોઈ તેમના સદકાર્ય માંથી પ્રેરણા મેળવે એ જ આ
બ્લોગ લેખનો આશય છે. આ વ્યક્તિનું નામ
છે બિપીન ધારસીભાઈ મહેતા. મૂળ સાવરકુંડલાના બિપીનભાઈ મુંબઈમાં ઘાટકોપર ખાતે રહે છે અને તેમની
વય છે ૭૮ વર્ષ.
બિપીન ભાઈ અને તેમના પત્ની વસુમતી બહેને સાથે મળી ઘણાં સદકાર્યો કર્યા છે પણ તેમના
જ શબ્દોમાં લખું તો તેમણે જાગૃત
અવસ્થામાં ઈશ્વરના આશીર્વાદથી જે અનુભવ્યું છે,
માણ્યું છે અને જે
તેમને સમજાયું છે તેનો નિચોડ
સમાજ સાથે વહેંચવાના એક નમ્ર પ્રયાસ
રૂપે તેમણે જીવતાં જ જગતિયું કર્યું
છે અને તેની જાણ સમાજને કરવા 'આ નયનરમ્ય ધરતીને
અલવિદા કહેતા પહેલાં...' નામનું આઠ પાનાનું પરિપત્ર
છપાવ્યું અને વહેંચ્યું છે જેથી અન્યોને
પણ, તેમણે કરેલા સદકાર્ય કરી સમાજની સેવા કરવાની પ્રેરણા મળે. અહીં પરિપત્રમાં તેમણે વિસ્તારથી જણાવ્યું છે કે જગતિયા
રૂપે કઈ રીતે, કોને
કોને અને કયા હેતુથી તેમણે જીવતેજીવ એક લાખ એક
હજાર રૂપિયાનું દાન કર્યું છે.
કુલ રકમનો લગભગ પચ્ચીસ ટકા જેટલો હિસ્સો એટલે કે પચ્ચીસ હજાર
રૂપિયા તેમણે આર્મી (લશ્કરી દળ) ના ફ્લેગ ડે
ફંડ, નવી દિલ્હીને અર્પણ કર્યા છે દેશની સેવા
બજાવતા સૈનિકોના ચરણોમાં. દેશ પછી આવે માદરે વતન, માતૃભૂમિ, વતન. તેમના મૂળ વતન સાવરકુંડલાના શ્રી વિદ્યા ગુરુ ફાઉંડેશનને અને શ્રી સાવરકુંડલા ગૌશાળા ખાતે તેમણે અગિયાર - અગિયાર હજાર રૂપિયાનું દાન કર્યું છે. તેમનો જન્મ મુંબઈ
ખાતે થયો છે અને તેઓ
વતનમાં પોતાનું એકાદ ઘર પણ ધરાવતા
નથી, છતાં વર્ષમાં એકાદ વખત ત્યાંની મુલાકાત સપરિવાર અચૂક લે છે. ત્યાંની
માટી જાણે તેમને દર વર્ષે એકાદ
વાર પોતાના ભણી ખેંચી જાય છે! ત્યાં આવેલ શ્રી વિદ્યા ગુરુ ફાઉંડેશન એક હોસ્પિટલ ચલાવે
છે જ્યાં નિશુલ્ક દવા, ઓપરેશન અને મફત રહેવાની સગવડ આ સંસ્થા કરે
છે અને તેમને બિપીનભાઈએ ખુશીથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી
રૂપે અગિયાર હજાર રૂપિયા સખાવતમાં આપ્યાં છે. મૂંગા અબોલ પશુઓ પ્રત્યે પણ બિપીનભાઇ ખૂબ
લાગણી ધરાવે છે અને તેથી
મૂંગા અબોલ પશુઓની રક્ષા તેમજ સુંદર દેખભાળ રાખતી ગૌશાળાને તેમણે અગિયાર હજાર રૂપિયા અર્પણ કર્યા છે.
વતન પછી આવે કર્મભૂમિ જે બિપીનભાઈની જન્મભૂમિ
પણ છે - મુંબઈ. તેઓ જૈન કુળમાં જન્મ્યાં છે જેમાં અહિંસા,
સેવા વગેરે તત્વોને ઘણું મહત્વ અપાય છે. આ ધર્મના સિદ્ધાંતોને
અનુસરતા તેમણે મુંબઈના મલાડ ખાતે આવેલ મંદબુદ્ધિના બાળકોના વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા વી. ડી. ઇંડિયન સોસાયટી એમ. સી. ને દસ હજાર
રૂપિયાનું દાન કર્યું છે. વૃક્ષોને બચાવવા તેમજ નવા વૃક્ષો ઉગાડવા માટે કામ કરતી નાના ચુડાસમાની સંસ્થા આઈ લવ મુંબઈને
અગિયાર હજાર રૂપિયા અર્પણ કર્યા છે તેમજ અગિયાર
હજાર રૂપિયા બીજા અર્પણ કર્યા છે પંખીઓની સારવાર
અને તેમના રક્ષણ માટે કામ કરતી ભારતીય વિદ્યા ભવન હોસ્પિટલમાં.
છેલ્લે, સમાજને કેમ ભૂલાય? સામાજિક સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ શ્રી ઘાટકોપર ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ અને શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈ ને તેમણે અગિયાર
- અગિયાર હજાર રૂપિયા દાનમાં આપ્યાં છે.
સારું કામ, ખાસ કરી નિસ્વાર્થ ભાવના સાથે અન્યો માટે કરેલું કામ મનને અનેરી શાતા અને પરમ સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે. બિપીનભાઈ પરિપત્રનું સમાપન કરતા લખે છે કે તેમનું
શમણું સાકાર થઈ રહ્યું છે
તેથી તેઓ ખૂબ હળવાશ અનુભવી રહ્યા છે, હવે ચિંતાને અવકાશ નથી. મુક્ત પંખીની જેમ તેમનું મન ગગનમાં ઉડી
રહ્યું છે. ગીત અને સંગીતના તાલે, બચેલું હવે પછીનું તેમનું શેષ જીવન સંગીતમય બની રહેશે. હવે તેમને મૃત્યુનો ડર નથી, એ
ક્યારે પણ આવે - તેને
આવકાર છે....
બિપીનભાઈ, તમે લાંબુ અને નિરોગી જીવો અને સમાજની સેવા કરતા રહો એવી શુભેચ્છા.