Translate

શનિવાર, 31 ઑગસ્ટ, 2019

શ્રદ્ધાનું પર્વ - ગણેશોત્સવ


  " ગંપતિ બાપ્પા મોલ્યા..."
મારો અઢી વર્ષનો પુત્ર ચહેરા પર અનન્ય હર્ષોલ્લાસના ભાવ સાથે મોટેથી બોલે છે, તેના નાના નાના હાથ પગ, અતિ વહાલો લાગે એવી અદામાં હલાવી નાચે છે અને સૂંઢવાળા દૂંદાળા દેવને તે તરત ઓળખી જાય છે. હજી તેને બરાબર બોલતા નથી આવડતું પણ જન મન ગણ અધિનાયક... પણ એ તેની કાલી ઘેલીભાષામાં ગાવાનો પ્રયત્ન કરે છે અને રાષ્ટ્રગીત પૂરું થયે "ભાલત માતા કી જય..." પણ તે ગીત ગાયું તેના કરતાં બમણાં ઉત્સાહથી પોકારે છે! એણે મોટાઓને અતિ ઉત્સાહથી ગણપતિ બાપ્પા મોર્યા લલકારતા અને રાષ્ટ્રગીત ગાતા સાંભળ્યા છે અને કોઈએ એને તે શીખવાડ્યા વગર એ તેણે શીખી લઈ પોતાની રીતે એ શ્રદ્ધાના નારા કે ગાનમાં પોતાનો સૂર પૂરાવવાનો પ્રયાસ કર્યો છે. આ છે શ્રદ્ધાની તાકાત. શ્રદ્ધા વ્યક્ત કરવાનો સુઅવસર આપણને આપણાં દેશમાં ઉત્સાહથી ઉજવાતા તહેવારો દ્વારા નિયમિત રીતે મળતો રહે છે.
         આવતી કાલે અનેક શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘેર અને સાર્વજનિક મંડપોમાં લોકલાડીલા એવા ગણેશજીની પધરામણી કરશે અને દોઢ, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસે ફરી તેમને વિદાય કરશે પણ અખૂટ રહેશે કે કદાચ પહેલા કરતા જેમાં વધારો થશે એ છે આ એકદંત દેવ પ્રત્યેની તેમની શ્રદ્ધા.
   મારા માસીએ મને ગઈ કાલે પ્રશ્ન કર્યો કે તેમના મિત્ર એવા એક શ્રદ્ધાળુ બહેનને તેમના ઘેર સુમુખ દેવની આ વર્ષે પધરામણી કરવાની ભારોભાર ઇચ્છા છે પણ તેમને કોઈ મહારાજ મળી રહ્યાં નથી જે કપિલ ભગવાનની તેમના ઘેર પધરામણી કર્યા બાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે. બધાં મહારાજ ઓલરેડી બુક્ડ છે! તો શું એ પોતાની મેળે લંબોદર ભગવાનની પધરામણી કરાવી શકે કે પછી શાસ્ત્રોકત વિધિ વગર ગજકર્ણક બાપ્પાની પધરામણી કરીએ તો પાપ લાગે? એ બહેનની શ્રદ્ધામાં ઓટ ન આવે એ હેતુથી કે પછી બીજા કોઈ કારણસર મેં તરત જવાબ તો આપી દીધો કે જો એ બહેન પૂરા ભક્તિભાવથી અને શ્રદ્ધાથી વિકટ દેવની તેમના ઘેર પધરામણી કરવા ઇચ્છતા હોય તો એ તેમણે ચોક્કસ કરવું જોઈએ, ભલે કોઈ મહારાજ શાસ્ત્રોકત વિધિ કરાવવા ઉપલબ્ધ ન થઈ શકતા હોય. તેમના પર કોઈ વિકટ નહીં આવે!
  મને મારા જ ભૂતકાળમાં ગણેશોત્સવની મેં મારા ઘરે કરેલ ઉજવણીની કેટલીક યાદો તાજી થઈ ગઈ. અમે પાંચ - સાત વાર વિઘ્નનાશ દેવની પધરામણી દોઢ દિવસ માટે અમારા ઘેર કરી છે. કેટલીક વાર મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા માટે અને વિસર્જન વિધિ માટે બોલાવ્યાં હતાં તો એક - બે વાર તેમની અપ્રાપ્યતાને લીધે અમારા પાડોશી બ્રાહ્મણ કાકાને (જે ક્રિયાકાંડી નહોતા) બોલાવ્યાં હતાં તો એકાદ પ્રસંગે વિસર્જનની વિધિ વેળાએ ઉથાપન વિધિ મેં પોતે જ સંપન્ન કરી હતી. પહેલા એવો ડર હતો કે આવી વિધિ શાસ્ત્રોકત રીતે મહારાજ કરાવે તો જ પૂજા વિનાયક દેવ સુધી પહોંચે, એમ ન કરીએ તો પાપ લાગે વગેરે. પણ પછી થયું ધૂમ્રકેતુ તો ભાવના ભૂખ્યા છે એટલે સાચા હ્રદયથી તેમની સ્થાપના કરીએ અને પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ એ એમના સુધી પહોંચી જ જતી હોવી જોઈએ! ગણાધ્યક્ષ પાસે ચાલુ રખાતા અખંડ દીવાને લઈને પણ જ્યારે એક વાર એ વિસર્જન પહેલા રામ થઈ ગયેલો (એટલે કે બુઝાઈ ગયો હતો) ત્યારે પારાવાર પસ્તાવો થયો હતો અને છૂપો ડર પણ લાગ્યો હતો કે આવી બન્યુ, હવે તો ભાલચંદ્રના ક્રોધનો ભોગ બનવું પડશે! પણ કદાચ એ પ્રસંગ પછી પણ ગજાનન અમારાથી નારાજ નહોતા થયાં. આવી કંઈ કેટલીયે માન્યતાઓ છે જેમકે ટોપી પહેરીને જ વિનાયકની મૂર્તિ ઘરમાં લાવવાની, તેમને લાવતી વખતે પાછા ફરી નહીં જોવાનું, અમુક મુહૂર્ત સુધી તેમના મુખ પર રૂમાલ ઓઢાડેલો રાખવાનો, તેમને ચોક્કસ દિશામાં જ બેસાડવાના, અખંડ દીવો સતત ચાલુ જ રહેવો જોઈએ,અમુક રીતે જ તેમની પૂજા કરવાની, વિસર્જન દરિયામાં જ કરવાનું, ભગવાનને દર્શનાર્થીઓ એ ભેટ ધરેલી રકમ મહારાજ ને જ આપવાની વગેરે. આ માન્યતાઓ સાથે ડર પણ જોડી દેવામાં આવ્યો છે કે એ પ્રમાણે ન કરીએ તો પાપ લાગે અને ગણરાયાના ગુસ્સાનો ભોગ બનવું પડે. પણ મેં આમાંના ઘણાં ખરાં મુદ્દાઓનું કેટલીક વાર અજાણતા તો કેટલીક વાર જાણી જોઈને ખંડન કર્યું છે. વિસર્જન શરૂઆતના વર્ષોમાં એક-બે વાર દરિયામાં કર્યા બાદ મારામાંનો ઈકો ફ્રેન્ડલી માંહ્યલો જાગી જતાં પછીના વર્ષોમાં હું મૂર્તિ પણ ઈકો ફ્રેન્ડલી જ લાવ્યો છું અને વિસર્જન પણ મેં કૃત્રિમ તળાવમાં જ કર્યું છે. છેલ્લે બે વર્ષ અગાઉ જ્યારે મારા ઘેર વક્રતુંડની પધરામણી કરેલી ત્યારે તો વિસર્જન મારા ઘરે જ નાનકડા ટબમાં કર્યું હતું અને બે-ત્રણ દિવસ બાદ માટી અને એ પાણી મારા છોડવાઓમાં ભેળવી દીધું હતું. હવે મારા હિસાબે તો બધાં જ તહેવારો આપણે આ રીતે ઈકો ફ્રેન્ડલી રીતે ઉજવવા પર જ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. ભેટમાં આવેલી રકમમાંથી પણ કેટલોક ભાગ મહારાજને આપી બાકીની રકમ મેં શાંતિદાન આશ્રમમાં દાનમાં આપી દીધી છે જેથી ત્યાં ત્યજાયેલાં - માંદા - માનસિક કે શારીરિક રીતે અક્ષમ લોકોની સેવામાં હું સહભાગી થઈ શકું.
     મારી આ વિચારસરણીને અનુસરતા જ મેં મારા માસીને સલાહ આપી દીધી કે “તમારા મિત્ર ને કહો ચોક્કસ અને વિના કોઈ ડર સાથે કૃષ્ણપિંગાક્ષ - ગજ્વકત્રની પધરામણી તેમના ઘેર કરે અને કોઈ મહારાજ મળી શકે એમ ન હોય તો ગૂગલ પર ગણેશ સ્થાપનાની વિધિ વાંચી તે મુજબ પોતે જ ગણપતિ બાપ્પાનું સાચા મનથી આહ્વાન કરે અને તેમની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે..અને હા, તેમને ખાસ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ જ લાવવાની ભલામણ કરજો અને વિસર્જન પણ કૃત્રિમ તળાવ કે પોતાના ઘેર જ કરે એવો આગ્રહ સેવજો.“
  ગણપતિ બાપ્પા તેમના સાચા ભક્તો પર તો કોઈ દિવસ નારાજ થાય જ નહીં, એમને નારાજ કે ક્રોધી થવું જ હોય તો એમના મંડપમાં  ગાળો બોલતા કે જુગાર રમતા કે ઝગડાઝગડી કરતા કે દારૂ પી તેમનાં વિસર્જન કે પધરામણી વખતે બેફામ બની નાચતા કે હજારો - લાખો રૂપિયાનો ધૂમાડો કરી મૂર્તિની ઉંચાઈ બાબતે કે મોટા મોટા લાઉડસ્પીકર વગાડી સ્પર્ધા કરી દેખાડામાં માનતા ભક્તો ઘણાં છે! સાચા મનથી તેમની પધરામણી ઘેર કરી સાદાઈથી ઉજવણી કરવા માંગતા કોઈએ બાપ્પાથી ડરવાની જરૂર નથી.
    ઘેર બાપ્પાની મૂર્તિને ડેકોરશન વચ્ચે બેસાડી હોય અને અન્ય દર્શનાર્થીઓ હાજર ન હોય તે સમયે તેમની આંખોમાં આંખો પરોવી કે વિસર્જન વેળાએ બાપ્પાની મૂર્તિ ખોળામાં બેસાડી કે વાહનમાં સંતુલન જાળવવા તેમની મૂર્તિ પકડવાની હોય તે ક્ષણોએ મેં બાપ્પા સાથે સીધી વાતો કરવાનો માનસિક અનુભવ કર્યો છે અને આ લાગણી કંઈક નોખી જ દિવ્યતા, પવિત્રતા અને ધન્યતાનો અનુભવ કરાવે છે. બાપ્પાની આરતી વેળાએ એકાંત નહીં પણ ભીડમાં બાપ્પા સાથે સંપર્કનો અનુભવ પણ જુદો હોય છે, માણવાલાયક હોય છે. આરતી અને ત્યારબાદ ભજન કે ગીતો ગાતાં અને પછી બાપ્પાના નામની રમઝટ બોલાવતા પણ સમાધિ લાગ્યા જેવો અનુભવ થાય છે. ઇશ્વર સાથેનું આવું જોડાણ એ આવા તહેવારોની સૌથી મોટી ફલશ્રુતિ છે. આપણા પોતાનાં ઘેર બાપ્પાની પધરામણી ન કરી હોય તોયે કોઈ મિત્ર કે સગા સંબંધીને ત્યાં જઈ દર્શનનો લહાવો લેવાની મજા ચૂકવા જેવી નથી!
 બોલો ગણપતિ બાપ્પા મોર્યા!!!!

રવિવાર, 25 ઑગસ્ટ, 2019

વિશ્વની અજાયબી સમી ગિલ્બર્ટ હિલ

  
    તમને કહું કે મુંબઈ શહેરની મધ્યમાં છ કરોડ વર્ષ જૂનો ૨૦૦ ફીટ ઉંચો મોનોલિથ પર્વત કે ટેકરો આવેલો છે જેની ઉપર સુંદર મજાનું ગામદેવી માતાનું મંદીર આવેલું છે અને જ્યાં પહોંચી તમે મુંબઈનું એક અલગ જ સ્વરૂપ નિહાળી શકો છો તો કદાચ એ તમારા માન્યા માં જ નહિં આવે બરાબર? પણ આ સત્ય છે! હું જેની વાત કરી રહ્યો છું એ ટેકરા કે મોનોલિથ ખડકનું નામ છે ગિલ્બર્ટ હિલ અને તે મુંબઈના ઉપનગર અંધેરી સ્ટેશનથી માત્ર પંદર-વીસ મિનિટ ચાલીને પહોંચી શકાય એટલા અંતરે આવેલ છે. 

મોનોલિથ શબ્દ લેટીન ભાષાના મોનોલિથસ પરથી ઉતરી આવ્યો છે જેમાં મોનો એટલે સિન્ગલ - એક અને લિથસ એટલે સ્ટોન - પથ્થર એવા અર્થ પરથી મોનોલિથની વ્યાખ્યા એવી થઈ શકે કે એક જ પથ્થર કે ખડકમાંથી બનેલો ટેકરો કે પહાડ. સમગ્ર વિશ્વમાં આવા ગણ્યાંગાંઠયા ભૌગોલિક અજાયબી ગણાતાં પર્વત છે જેમાંનો એક આપણી આટલી નજીક છે - મુંબઈ શહેરમાં આ એક અજબ જેવી વાત છે.

ગિલ્બર્ટ હિલ ૬૧ મીટર કે ૨૦૦ ફીટ ઉંચો કાળા બેસાલ્ટ ખડકનો સ્થંભ જેવો ટેકરો છે જેને વર્ષ ૨૦૦૭માં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ભૂસ્તર શાસ્ત્રીઓના અથાગ પ્રયત્નો બાદ ગ્રેડ - ૨ નો હેરિટેજ સ્ટ્રક્ચરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લગભગ ૬૬૦ લાખ વર્ષ પૂર્વે મેસોઝોઈક યુગમાં એટલે કે જ્યારે પૃથ્વી પર મસમોટા ડાયનાસોર ભ્રમણ કરતા હતાં એ સમયે પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવરસ બહાર નીકળી જમીન પર પથરાયો અને ત્યારે આ ખડકની રચના થઈ. એમ મનાય છે કે આ લાવારસ તે સમયે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ છે તે ભાગો પર આશરે પચાસ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી પથરાયો હતો (માથેરાન ના પશ્ચિમી ઘાટ પણ જેનો ભાગ છે) અને તે જ એ સમયના વનસ્પતિ અને પ્રાણીઓના નિકંદન બદલ જવાબદાર હતો. નિષ્ણાતોના મતાનુસાર આ એક અસામાન્ય ભૌગોલિક અજાયબી સમાન એક જ પથ્થરમાંથી બનેલ ટટ્ટાર ઉભેલો ઉંચો થાંભલા જેવો ખડક છે જે વિશ્વમાં બીજી બે જગાએ જોવા મળે છે - એક અમેરિકાના વ્યોમિંગમાં આવેલ ડેવિલ્સ ટાવર નેશનલ મોનુમેન્ટ અને બીજો અમેરિકાના પૂર્વીય કેલિફોર્નિયામાં આવેલ ડેવિલ્સ પોસ્ટપાઈલ નેશનલ મોનુમેન્ટ.






                ગિલ્બર્ટ હિલને ૧૯૫૨માં ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા વન ધારા હેઠળ નેશનલ પાર્ક જાહેર કરાયો હતો. પણ વખત જતાં વસ્તી વધારાને કારણે માનવ જાતે વનોમાં, પહાડો પર, દરિયામાં એમ બધે અતિક્રમણ કરી પોતાના માટે વસવાટ થઈ શકે એવી વ્યવસ્થા કરવા આ ભૌગોલિક સ્વરૂપોનો વિનાશ નોતર્યો અને ગિલ્બર્ટ હિલ ની આસપાસ પણ છેક તેના પાયા સુધી ઘૂસણખોરી કરી માનવ વસાહતો નું નિર્માણ થયું છે. ગિલ્બર્ટ હિલ એક તરફ મોટી ઝૂંપડપટ્ટીથી તો બીજી તરફ ઉંચી બિલ્ડીંગો દ્વારા ઘેરાઈ ઊભી છે, એમ કહો ને કે ઢંકાઈ ગઈ છે. છતાં પહાડની ઊંચી સાંકડી ટોચ તમે દૂરથી પણ જોઈ શકો છો. ૨૦૦૭માં હેરિટેજ દરજ્જો પામ્યા પછી જો કે ઘૂસણખોરી થોડી ઓછી થઈ ગઈ છે અને ત્યાં આ ધરોહર સાચવવાનો સંદેશ આપતા પાટીયા પણ મુકાયા છે. ગિલ્બર્ટ હિલ ની ટોચ પર બગીચો અને તેની મધ્યે ગામદેવીનું એક સુંદર મંદિર બાંધવામાં આવ્યા છે. ત્યાં સુધી પહોંચવા ખડક ખોદીને સીધા ચઢાણ વાળા દાદરા પણ બનાવાયા છે. 




ઉપર પહોંચ્યા બાદ તમે મુંબઈ નું ચારે તરફથી દર્શન કરી શકો છો 



અને ત્યાં મનને જે અદ્ભુત લાગણીનો અનુભવ થાય છે તેનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં! મેં પરિવાર સાથે બે વાર ત્યાં જઈ સૂર્યાસ્ત જોવાની મજા માણી છે. કદાચ ઘણાં લોકોને આ જગા વિશે માહિતી જ નથી એટલે અહીં ખાસ ગર્દી હોતી નથી અને એટલે પણ અહીં વધુ મજા આવે છે. મંદિર પણ ખૂબ સરસ છે અને તેની જાળવણી ખૂબ સારી રીતે કરાય છે. 


મંદીરની આસપાસ અમને સારી એવી સંખ્યામાં પોપટ અને સમડી જેવા પંખીઓ જોવા મળ્યાં હતાં.બગીચામાં બેસવા માટે બાંકડા પણ મૂકેલા છે એટલે તમે અહિં દોઢ-બે કલાક જેટલો સમય આરામથી પસાર કરી શકો પણ અંધારું થાય એ પહેલા નીચે પાછા ફરી શકાય એ પ્રમાણે સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે.

                જો કે આ વૈશ્વિક અજાયબી સમાન સ્થળે પહોંચતા તમને થોડી તકલીફ પડી શકે છે. અંધેરી સ્ટેશન બહાર થી સીધી ગિલ્બર્ટ હિલની બસ છે પણ તે તમને હિલના બીજે છેડે ઉતારે છે જ્યાં થી ઉપર ચઢવા માટેનો રસ્તો સહેલાઈ થી જડે એમ નથી. તમારે અંધેરી પશ્ચિમ તરફથી રીક્ષા લઇ ગિલ્બર્ટ હિલ ગામદેવી મંદિર એમ ચોખવટ કરવી જેથી રીક્ષા તમને ઝૂંપડપટ્ટીના નાકે ઉતારી શકે. ત્યાંથી સાંકડી ગલીઓ ધરાવતો શોર્ટ કટ લઈ હિલના તળિયે આવેલ ગેટ સુધી પહોંચી શકાય અને પછી પગથીયા ચડી ગિલ્બર્ટ હિલની ટોચ સુધી. ઝૂંપડપટ્ટી નો થોડો ગંદો ગોબરો રસ્તો પસાર કરવો પડે અને પૂછતાં પૂછતાં જવું પડે પણ એક વાર ગિલ્બર્ટ હિલની ટોચ પર પહોંચો એટલે આ બધી અગવડોનું સાટું વળી જાય અને તમારું મન પ્રસન્નતા અનુભવ્યાં વગર રહી ન શકે!

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

ગેસ્ટ બ્લૉગ - શુભ દિવસ કે અશુભ દિવસ ?

માનવીએ કેલેન્ડર (તારીખિયા) બનાવ્યાં. એમાં તારીખો, વાર, મહિનાઓ અને વર્ષો.એમ વિભાજનો કર્યાં. કોઈક દિવસ શુભ માન્યો અને કોઈક દિવસ અશુભ. પંચાંગોમાં પણ શુભ-અશુભ દિવસોના નિશાનો બનાવ્યાં. કોઈક દિવસ આપણને વ્યક્તિગત રીતે માનીતો અને કોઈક દિવસ અણમાનીતો. કોઈક ખૂબ જ સારો અને કોઈક ખૂબ જ ખરાબ. એમ લાગે કે જાણે એ તારીખ કેલેન્ડરમાં આવી જ ન હોત, તો જ સારું થાત. ક્યારેક આપણા પોતાનો, તો ક્યારેક આપણા પ્રિયજનોનો; જન્મદિન, લગ્નતિથિ, તો ક્યારેક કોઈનો મૃત્યુદિન, દરેક વખતે આપણે એ દિવસોની વિશેષતાઓ, ઘટનાઓ પ્રમાણે એ દિવસોમાં સારા-નરસાના ભેદભાવો કર્યાં. વળી કોઈ દિવસ સાર્વજનિક રીતે શુભ કે અશુભ ગણાયો.
આપણે તો માનવ; અને સાથે ભેટ મળેલી અમૂલ્ય વિચારશક્તિ, એને કારણે આપણે આ વિભાજનો કરીને આપણી લાગણીઓ વ્યક્ત કરવાની રીત શોધી લીધી છે.
સૂરજ રોજ જ ઊગે છે, એ જ ઉષ્મા અને તાજગી આપે છે. પણ આપણે એને આપણી માનસિકતા પ્રમાણે અલગ-અલગ રીતે વધાવીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. આપણને ગમતું થાય તો સારો દિવસ, અને ન ગમતું થાય તો ખરાબ દિવસ એવા લેબલો મારીએ છીએ. મૂળમાં તો એની પાછળ આપણી લાગણીઓ, આપણો ઈગો જ રહેલો હોય છે.
કુદરતમાં ઘટતી દરેક ઘટનાઓ; એ પછી આપણને ગમતી હોય કે અણગમતી હોય, આપણા સમગ્ર અસ્તિત્વને સંતુલનમાં રાખવા માટે જ ઘટતી હોય છે. પછી એ આપણું વ્યક્તિગત સંતુલન હોય કે સમગ્ર અસ્તિત્વનું સંતુલન. આ જ હકીકત છે. કદાચ આપણને અમુક ઘટનાઓ અણગમતી બનતી હોય તો, એ આપણે માટે એક શીખ તરીકે મુકવામાં આવેલી હોય છે; એક પ્રયોજન સાથે ગોઠવવામાં આવી હોય છે. આપણે જો અણગમતી ઘટનાઓને અડચણ રૂપે જોઈએ, તો અવશ્ય દુઃખી જ થઈએ; પણ જો આપણે એને એક પડકાર રૂપે જોઈએ અથવા એક પરીક્ષા રૂપે જોઈએ અને એમાંથી રસ્તો કાઢવા માટે સકારાત્મક રીતે પ્રયત્નશીલ થઈએ તો, આપણને એમાંથી બહાર નીકળવાનો રસ્તો તો મળે જ છે, સાથે-સાથે એ અનુભવ, પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયાનો મહામૂલો સંતોષ આપીને જાય છે, કંઇક નવું શીખવીને જાય છે. જીવન તરફ જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપીને જાય છે.
કુદરતનું અવલોકન કરીએ તો આપણને જણાશે કે કુદરતે આવા શુભ-અશુભના કોઈ જ ભેદભાવ નથી કર્યાં. હા, કુદરતે પણ ઋતુઓ બનાવી છે, એમાં પાનખરનો રંગ પણ છે અને વસંતનો રંગ પણ છે. પણ એ કોઈ શુભ અને અશુભ પ્રયોજન માટે નહિ પણ સંતુલનના હેતુ માટે જ બનાવી છે. કુદરતની પોતાના નિયમો શીખવવાની આ એક અનોખી રીત છે. પણ આપણે એને પાનખરના વિષાદ તરીકે અને વસંતના આનંદ તરીકે ઉજવીએ છીએ. પાનખર એટલે જ આવે છે કે, વસંતમાં નવા જોમ સાથે નવી કૂંપળો ફૂટી શકે. પ્રકૃતિ નવપલ્લવિત થઇ શકે. ઋતુઓમાં બદલાવ, એ પ્રકૃતિના નિયમનું એક દર્શન જ છે; એ નિયમ, કે જે આવે છે એણે જવાનું જ છે, પછી એ વસંત હોય કે પાનખર વૃક્ષનો અને ડાળીઓનો; પાંદડાઓ પ્રત્યેનો મોહત્યાગ આપણને પણ શીખવી જાય છે કે ; નવા આવિષ્કાર માટે, નવા અનુભવો માટે, જૂનું ત્યાગવું જ પડે. એમાં દુ:ખની કે પીડાની અનુભૂતિથી ઉપર ઉઠીને કુદરતનો સંકેત સમજીને, જો શીખી શકીએ; તો કંઈ જ અશુભ કે વિષાદ-પ્રેરક નથી. આમ કુદરતનું દર્શન શીખવે છે કે, કંઈ જ સ્થાયી નથી. દરેક પરિવર્તન; એક અન્ય, અનિવાર્ય અને આવશ્યક ઘટનાના ઉદ્ભવ માટેનો સંકેત માત્ર છે. તો પછી શા માટે શુભ-અશુભનાં લેબલો લગાડવા જોઈએ? 
માટે જ દોસ્તો, દરેક દિવસ સ-રસ છે. દરેક દિવસમાં એક નવીનતા, એક નાવીન્ય છે, દરેક દિવસ એ ઈશ્વરે આપણને આપેલી એક અમૂલ્ય ભેટ, એક તક છે, કે જેમાં કોઈક સંદેશ છુપાયેલો છે; જેને વાંચવાનો, સમજવાનો એક મોકો ગોઠવાયેલો હોય છે. આપણે પોતે એને સકારાત્મક રીતે કે નકારાત્મક રીતે સમજીએ છીએ, એ આપણી પોતાની માનસિકતા પર નિર્ભર છે.
દરેક દિવસની એક આગવી વિશેષતા છે. દરેક દિવસ એક બેજોડ અનુભવ છે, એક શીખ છે. જો આપણે; “ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાનો સ્વીકારીએ પડકાર” આ સૂત્ર જીવનમાં અપનાવીને, દરેકે દરેક દિવસ બસ કુદરતનો એક પ્રસાદ છે; જેને સહર્ષ સ્વીકારીને ઉત્તમ રીતે પાર થવાના કર્મમાં ગૂંથાઈ જઈ શકીએ, તો આપણું જીવન જ સ્વયં એક “ગીતા” બની જાય

- સોનલ કાંટાવાલા

શનિવાર, 17 ઑગસ્ટ, 2019

અન્યોને ચીડવવાની કે હલકા ગણવાની વિકૃત મનોવૃત્તિ

    પાયલ તડવી નામની આદિવાસી કુળમાંથી કહેવાતા સભ્ય સમાજમાં ડૉક્ટર બની પોતાનું સ્થાન બનાવવા આવેલી મહત્વકાંક્ષી યુવતિ  મુંબઈ મહાનગરમાં પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં  પ્રવેશ મેળવે છે પણ ઉચ્ચ કુળની કહેવાતી અન્ય ત્રણ સિનિયર ડોક્ટર યુવતિઓ તેને ચેનથી ભણવા કે જીવવા દેતી નથી, સતત મહેણાં-ટોણા મારી તેનું જીવવું હરામ કરી દે છે. તેને સતત અહેસાસ કરાવે છે કે તેનું સ્થાન આદિવાસીઓ વચ્ચે જંગલમાં છે, તેમના કહેવાતા સભ્ય સમાજમાં નહીં, તે ડોક્ટર બનવાને લાયક નથી. તેનું સતત રેગીંગ થાય છે. અંતે પરિસ્થિતી અસહ્ય બનતા છવ્વીસ વર્ષીય પાયલ આત્મહત્યા કરે છે. બે મહિના પહેલા જ મુંબઈમાં બનેલી આ કમનસીબ સત્ય ઘટના છે. અત્યારે તેના મોત પાછળ જવાબદાર એ ત્રણ ઉચ્ચ કુળની જેલમાં ધકેલાઈ ગયેલી ડોક્ટર યુવતિઓ સામે કેસ ચાલુ છે અને પાયલની તેઓએ નાશ કરી નાખેલી સ્યુસાઇડ નોટ પણ ફોરેન્સિક પદ્ધતિથી પાયલના મોબાઇલ ફોનમાંથી મેળવી લેવાઈ છે. હજી તે ત્રણ યુવતીઓએ પાયલ સાથે કરેલી અમાનવીય હરકતોની હકીકતો ધીરે ધીરે છતી થઈ રહી છે. પાયલ તો હવે ડૉક્ટર બની પોતાના પરિવાર કે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું સ્વપ્ન પૂરું કરવા પાછી ફરવાની નથી કારણ એ તો જ્યાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી એવી જગાએ - પરમધામમાં પહોંચી ચૂકી છે, પણ આશા છે કે આ કેસમાં સંડોવાયેલી પાયલના મોત પાછળ જવાબદાર એ ત્રણે ગુનેગાર યુવતિઓને સખતમાં સખત સજા થાય અને સમાજમાં દાખલો બેસે.
   અન્ય એક કિસ્સામાં જળગાંવના નાના શહેરમાંથી આવેલા એક હોશિયાર આશાસ્પદ એન્જિનિયર અને એમ. બી. એ. થયેલા યુવાન અનિકેત પાટીલે એકાદ સપ્તાહ પહેલાં જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું છે. તેના મોત પાછળ જવાબદાર છે તેની ઓફિસના કેટલાક સહકર્મચારીઓ જેઓ સતત અનિકેતને 'ગે' એટલે કે સજાતીય કહી ચીડવતા. અનિકેતે તેના સિનિયર્સને અને એચ. આર. ડિપાર્ટમેંટમાં આ અંગે ફરિયાદ કરી મદદ મેળવવા પ્રયત્ન કર્યો પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. જ્યારે પોતાના પરની પજવણી અસહ્ય બની ત્યારે પચ્ચીસ વર્ષીય
અનિકેતે મોત વ્હાલુ કર્યું.
   બંને કિસ્સાઓમાં એક સામાન્ય બાબત છે કે બંને પીડિતોએ તેમના પર થતો અન્યાય ઘણાં લાંબા સમય સુધી સહન કર્યો હતો અને આ અંગે તેમના સિનિયર્સને કે અન્ય લાગતા વળગતાઓને ફરિયાદ પણ કરી હતી છતાં તેમને કોઈ પ્રકારની મદદ મળી નહોતી. કદાચ તેમાંના કોઈકે આ દિશામાં કોઈક નક્કર પગલાં લીધા હોત તો આજે પાયલ અને અનિકેત જીવતા હોત, પણ બંને એ તેમની સ્યુસાઇડ નોટમાં લખ્યા મુજબ તેમના અનેક પ્રયત્નો છતાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળતાં, આશાનું કોઈ કિરણ બચ્યું ન હોવાનું જણાતા તેમણે અંતિમ પગલું ભર્યું હતું.
  અન્યને તેની કોઈ ખામી કે નબળાઈ ને લઈ ચીડવવું માનવ સમાજમાં ખૂબ સામાન્ય છે. નાનકડા બાળકોથી માંડી યુવાનો કે વયસ્કો સુદ્ધાં સામાને તેની કોઈ ખામી કે નબળાઈ હાઈ લાઇટ કરી તેની મજાક ઉડાવે છે, તેને માનસિક ત્રાસ આપે છે અને એમાંથી વિકૃત આનંદ મેળવે છે. કોઈક વાર સામા પાત્રને ચીડવવાથી એક ડગલું આગળ વધી તેને ધમકાવવામાં પણ આવે છે અને ક્યારેક એથી પણ આગળ વધી પીડિત પર શારીરિક ત્રાસ પણ ગુજારાય છે.
    શું આપણે આપણાં બાળકોને નાનપણથી જ શીખવવું ન જોઈએ કે કોઇને ચીડવવું એ ખોટું છે. ઘણી વાર આપણે પોતે પણ જાણ્યે અજાણ્યે અન્યો ને હલકા ચીતરવામાં કે અન્યોની મજાક ઉડાવવામાં સહભાગી થતાં હોઇએ છીએ. વ્હોટસ એપ પર ઘણી વાર કોઈ જાડી કે ટૂંકી કે કાળી વ્યક્તિના વિડિયો વાયરલ થાય છે કે કોઈ વ્યક્તિની શારીરિક મર્યાદા કે જાતિય પસંદગી ને લગતા જોકસ ફોરવર્ડ કરવામાં આવે છે, આપણે સૌ એનો આનંદ લઈએ છીએ. આ શું સૂચવે છે? કોઈની શારીરિક મર્યાદાને લઈ આ રીતે વિકૃત આનંદ લેવો એ સભ્ય સમાજની નિશાની છે? આપણું વર્તન જોઈને આપણા બાળકો પણ આ રીતે તૈયાર થાય છે અને તેઓ પણ તેમની સાથેની વ્યક્તિઓને ચીડવતા થઈ જાય છે. જ્યારે આપણે તેમને આમ કરતા જોઈએ ત્યારે આપણે તરત તેમને અટકાવવા જોઈએ. તેમને એવું શિક્ષણ અને સંસ્કાર આપવા જોઈએ કે અન્યો ને હલકા કે તુચ્છ ગણવા જોઈએ નહીં કે ક્યારેય કોઈની નબળાઈ કે ખામી ને મુદ્દો બનાવી તેની સતામણી કરવી જોઈએ નહીં.
     સાથે આપણાં બાળકોને માનસિક રીતે મજબૂત બનવાની પણ શિખામણ આપવી જોઈએ. અન્યો તેમની મજાક ઉડાવતા હોય તો તેમની પડખે ઉભા રહી સામા તત્વો સામે પગલાં લેવા જોઈએ. આપણાં બાળકોને અન્યાયનો સામનો ન કરવા શીખવવું જોઈએ.
   આપણી આસપાસ આપણે કોઈને આવા અન્યાયનો ભોગ બનતું જોઇએ કે કોઈ એ અંગે આપણી મદદ મેળવવા પ્રયત્ન કરે ત્યારે આપણો અભિગમ મોટા ભાગના કિસ્સાઓમાં 'આમાં મારે શું?' એવો હોય છે. આ અભિગમ બદલવાની જરુર છે.
     છેલ્લે જેનાં પર આ પ્રકારની માનસિક ત્રાસ ગુજારવાની ઘટના બની રહી હોય તેણે સમજી લેવાની જરૂર છે કે કોઈ સમસ્યા એવી નથી હોતી જેનો હલ ન હોય. પહાડ જેવા જણાતા પ્રોબ્લેમનું પણ કોઈને કોઈ સોલ્યૂશન ચોક્કસ હોય છે. જરૂર છે થોડી ધીરજ, માનસિક સ્વસ્થતા અને મજબૂતાઈની, પોઝીટીવ એટીટ્યુડ કેળવવાની. સારા મિત્રો બનાવો અને તેમને બધી વાત કરો, પરિવારના કોઈ સભ્ય સાથે એવો સંબંધ કેળવો કે તેની સાથે તમે મનની ગમે તે વાત શેર કરી શકો. આવી વ્યક્તિ સાથે સતત સંપર્કમાં રહો અને તેમને તમારી સાથે કૈંક ખોટું થઈ રહ્યું હોય તો તરત તેની જાણ કરો. અન્યાય કરવો પણ ન જોઈએ અને સહન પણ ન કરવો જોઈએ. હેરાન કરતા તત્વો ને ટાળો, એ શક્ય ના હોય તો તેમની ફરિયાદ કરો, એનાથી કંઈ ન વળે તો એ જગા કે નોકરી છોડી દો, પણ આત્મહત્યા એ કંઈ સોલ્યુશન નથી, તેનો વિચાર સુદ્ધા ના કરશો.

ગેસ્ટ બ્લૉગ : જૂની રંગભૂમિનો સૂર્યાસ્ત - શ્રી વિનયકાંત દ્વિવેદીને શ્રદ્ધાંજલિ

     આજે સભાગૃહમાં ત્રણ બેલ પછી નાટક શરૂ થાય છે એમ જૂની રંગભૂમિ પર ત્રણ ઘંટડી વગાડવામાં આવતી અને ત્રીજી ઘંટડી બાદ પોટાશના ભડાકા સાથે નાટકની શરૂઆત થતી. જૂની રંગભૂમિનું કોઈક નાટક સ્વર્ગમાં શરૂ થયું લાગે છે પહેલી ઓગષ્ટથી એટલે વિનુભાઈ ને ઈશ્વરે ત્યાં બોલાવી લીધા. વિનુભાઈ એટલે વિનયકાંત પ્રભુલાલ દ્વિવેદી. આજની પેઢીનો કોઈ યુવાન કદાચ પૂછી શકે એ કોણ પણ કાલની અને એનાથી જૂની પેઢીના કોઈને મારે કદાચ વિનયકાંત દ્વિવેદીનો પરિચય આપવો નહીં પડે. વિનુભાઈ એટલે જૂની રંગભૂમિ એવું રૂપક અતિશયોક્તિભર્યું નહીં ગણાય.
    જૂની રંગભૂમિના ભીષ્મ પિતામહ સ્વ. શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીએ અનેક લોકપ્રિય નાટકોનું સર્જન કર્યું, અનેક લોકચાહના પામેલા ગીતોનું સર્જન કર્યું. અનેક હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમના નાટકો પરથી બની. અનેક નામી કલાકારો તેમની કલમથી પ્રસિદ્ધિ પામ્યાં. એમના સુપુત્ર એટલે દેવી ગાયત્રીના પરમ ઉપાસક એવા વિનયકાંત દ્વિવેદી.
  ૧૯૭૮માં શ્રી દેશી નાટક સમાજ સંસ્થા મુંબઈ (ભાંગવાડી, કાલબાદેવી) ખાતે બંધ થઈ. ૧૯૮૧માં શ્રી મુકુંદ ગોરડીયા, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી રસિક ભાઈના સહકારથી વિનુભાઈએ "સંભારણાં" નામની નાટય સંસ્થા શરૂ કરી અને સંભારણાંનો પ્રથમ નાટય પ્રયોગ તેજપાલ ઓડીટોરીયમ ખાતે ૨૬ - માર્ચ - ૧૯૮૧ ના રોજ રજૂ થયો જેમાં સંગીત સંચાલન શ્રી સુરેશકુમાર શાહે કર્યું, પ્રકાશ સંચાલન શ્રી ભૌતેશ વ્યાસે સાંભળ્યું. સનત વ્યાસ અને સોહાગ દીવાનનો સાથ મળ્યો અને મારા અને મારા પિતાશ્રી સ્વ. પ્રભાકર કીર્તિ એ પણ તેમાં ભાગ ભજવ્યો અને એ શો સુપર હિટ રહ્યો.
ત્યારબાદ અનેક નાટકો રજૂ થયા,નાટ્ય ગીતોની કેસેટ - ડી. વી. ડી. બહાર પડ્યા. તેમાં મુખ્ય કલાકારો હતાં - મહેશ્વરી, રજની શાંતારામ, રંગલાલ નાયક, ઘનશ્યામ નાયક, રૂપકમલ, મનોરમા, કેશવલાલ નાયક, ડી. શાંતારામ, સૂર્ય કુમાર, લીલી પટેલ, ભૈરવી શાહ, ઉમા જોશી, અરવિંદ વેકરિયા, તન્મય વેકરિયા, જગદીશ શાહ, કિશોર ભટ્ટ, ગિરીશ દેસાઈ, જયંત ભટ્ટ, ભાસ્કર દવે, શાંતિલાલ નાયક, સરયૂ શાહ, ચંદ્રકાંત ચૈતન્ય નયના આપ્ટે, શ્રીકાંત સોની, મહેશ ભટ્ટ, ગૌરી રાવલ, ભાવના ત્રિવેદી, શરદ શર્મા, હિંમત જોશી, નિરૂપમા જોશી, રક્ષા દેસાઈ. આ બધા કલાકારોએ વિનુભાઈને જૂની રંગભૂમિ ૧૯૮૧ બાદ પણ જીવતી રાખવામાં સહયોગ આપ્યો.
વિનુભાઈ પોતે નિર્માતા, દિગ્દર્શક, લેખક - કવિ કે કલાકાર ન હોવા છતાં જૂની રંગભૂમિને જીવતી રાખવામાં તેમનું યોગદાન અમાપ અને અજોડ રહ્યું.
વિનુ ભાઈ નું અન્ય નોંધનીય પ્રદાન એટલે લગભગ છ દાયકાના ગુજરાતી સુપરહિટ નીવડેલા લોકપ્રિય ગીતોનું રસપ્રદ માહિતી સાથેનું પુસ્તક 'મીઠા ઉજાગરાં'.
જૂની રંગભૂમિના ઇતિહાસના છેલ્લા પાના સમા શ્રી વિનયકાંત દ્વિવેદીને નત મસ્તકે ભાવભીની શ્રદ્ધાંજલિ.
  - ઘનશ્યામ નાયક

બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ?

    આમ તો ઘણાં વર્ષોથી હું નેટ બેંકિંગ કે મોબાઇલ વૉલેટ જેવા સાધનો દ્વારા જ સઘળાં નાણાંકીય વ્યવહારો ઓનલાઇન પતાવું છું અને મને યાદ પણ નથી કે છેલ્લું લાઇટ, ટેલિફોન કે પાણીનું બિલ મેં જાતે બહાર જઈને ક્યારે ભર્યું હતું. પણ વર્ષના વચલા દહાડે એકાદ વાર બેંકમાં પ્રત્યક્ષ જવાનું થાય. આવો એક મોકો થોડા દિવસ પહેલાં આવ્યો.
    પબ્લિક પ્રોવિડેંટ ફંડનું પંદર વર્ષની મુદ્દતનું ખાતું વ્યક્તિ જીવનમાં એક જ વાર ખોલાવી શકે છે જે ટેક્સ સેવિંગ અને લાંબા ગાળાના નાણાં રોકાણ માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મારું તો આ અકાઉન્ટ ઓલરેડી પંદર વર્ષનો સમય ગાળો પૂરો કરી ચૂક્યું છે અને મેં તેની મુદત બીજા પાંચ વર્ષ માટે લંબાવી છે. પણ મારા અઢી વર્ષના બચ્ચા માટે હું રોકાણનું એક સાધન શોધી રહ્યો હતો અને મને વિચાર આવ્યો કે પત્નીનું પી. પી. એફ. અકાઉન્ટ નથી ખોલાવ્યું  તો આ વિકલ્પનો ઉપયોગ કરવા દે. મારું અને પત્નીનું સેવિંગ્સ અકાઉન્ટ જે બેંકમાં છે ત્યાંજ પત્નીના નામે પી. પી. એફ. અકાઉન્ટ ખોલવાનો નિર્ણય કર્યો જેથી ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા હું પુત્ર માટે જે સેવિંગ્સ કરું તે એમાં જમા કરાવી શકાય. સરકારી ખાતાઓ જેવા કે પી. પી. એફ., એન. એસ. સી., પોસ્ટ ખાતું વગેરે અત્યાર સુધી ઓનલાઇન સુવિધા આપતા નહોતા પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે હવે પી. પી. એફ. અકાઉન્ટ તો તમે ખાનગી બેંકમાં પણ ખોલાવી શકો છો અને ઘણી રાહત થઈ! કારણ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જઈ નાણાકીય વ્યવહારો કરવાનું ઘણું આકરું લાગે છે! એક તો ત્યાં લાંબી કતાર હોય, પાસ બુક અપડેટ કરાવવા જાવ તો પ્રિંટર કામ ન કરતું હોય, દીકરી નમ્યાના સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ના મલાડની પોસ્ટ ઓફીસના ખાતામાં ચેક જમા કરાવવા જાઓ તો પંદરેક દિવસ પછી બોરીવલી હેડ ઓફિસમાં ચેક ક્લિયર થાય પછી જ તેની એંટ્રી પાસબુકમાં અપડેટ થાય - આ બધી સમસ્યાઓના કટુ અનુભવ પછી નિર્ણય જ કર્યો છે કે બને ત્યાં સુધી નાણાકીય વ્યવહારો ઓનલાઇન પતાવવા. આથી પી.પી. એફ. અકાઉન્ટ ઓનલાઇન ઓપન થઈ શકશે અને તેમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી શકાશે એ માહિતી એ ઘણી રાહત આપી! થોડી ઘણી ઔપચારીકતાઓ બાદ ખાતું ખૂલી ગયું અને પાસબુક વગેરે કુરિયર દ્વારા ઘેર આવી ગયા પણ પ્રથમ વાર પાસબુક અપડેટ કરાવવા એક વાર બેંક માં જવું જ પડે એવી સ્થિતી ઉભી થઈ અને હું નાનકડા હિતાર્થ ને લઈ જઈ પહોંચ્યો બેંકની ઘર નજીક આવેલી બ્રાંચ પર. આ એક આનંદ તમને બેંકમાં જવાથી મળી શકે ખરો - બચ્ચું હોય તો એને સાથે લઈ જવાનો! બેંકના કર્મચારીઓ સહિત કેટલાક ગ્રાહકોએ પણ એને રમાડ્યો, બેસવા ખુરશીની વ્યવસ્થા કરી આપી! બહાર કાળઝાળ ગરમી હતી પણ બેંક બ્રાંચમાં એ. સી. હતું એટલે થોડી રાહત થઈ. જો કે લાંબી કતાર હતી. એક સિનિયર સિટીઝન કતારમાં ઉભા હતાં, જે લાંબી લાંબી પ્રશ્નોત્તરી કરી બેંક કર્મચારીનો કંટાળો વધારી રહ્યા હતાં. તેમને નાણાં તેમના કોઈક પરિવારજનને વિદેશ મોકલવા હતાં અને તે માટે ની કોઈ માહિતી તેમની પાસે નહોતી. ખાસ્સી ધીરજ દાખવી આખરે બેંક કર્મચારીએ તેમની બધી શંકાઓ દૂર કરી. તેમની પાસબુક પણ અપડેટ કરી આપી. આ દરમ્યાન મને 'બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ' આ વિશે વિચાર આવ્યો અને આજના બ્લોગનું બીજ ત્યાં ત્યારે રોપાયું!
    બંને પદ્ધતિઓના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. પ્રત્યક્ષ જાઓ ત્યારે તમે ત્યાં નવા સંપર્ક બનાવો છો, ચાલી ને જાઓ તો કસરત થાય એ ફાયદો, સમય પસાર ન થતો હોય તો વ્યસ્ત થઈ જવાનો એક સરસ વિકલ્પ. પણ જેને સમયની મારામારી હોય, વ્યસ્તતા કેડો ન મૂકતી હોય એને માટે નેટ બેંકિંગ ઉત્તમ વિકલ્પ છે. ઘેર બેઠા નાણાં ટ્રાન્સફર કરી શકો, ચેક બુક મંગાવી શકો, બિલ ભરી શકો, અન્ય નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકો, ઘેર બેઠા અકાઉન્ટ સ્ટેટમેંટ પ્રિંટ કરી શકો વગેરે વગેરે. તમારું કામ સરળતાથી પતી જાય. થોડી સાવધાની રાખવી પડે જેમકે ખાનગી કમ્પ્યુટર પરથી જ લોગ ઈન કરવાનું, પાસવર્ડ કોઈ સાથે શેર નહીં કરવાનો, ઓનલાઇન ફ્રોડ થી બચવાનું વગેરે. આ બધું ધ્યાન રાખો તો ઘેર બેઠા બેંક ના વ્યવહારો પતાવી શકો. મને તો આ જ રીત ગોઠી ગઈ છે!
   દીકરી નમ્યાનું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પણ મારે તો ટ્રાન્સફર કરી નાખવું હતું જેથી ટિપિકલ સરકારી ઓફીસ જેવી પોસ્ટ ઓફીસ માં જવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવી ઓનલાઇન બધા વ્યવહારો પતાવી શકાય પણ જાણ થઈ કે હજી આ અકાઉન્ટ ટ્રાન્સફર કરવું શકય નથી, નવું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલી શકો પણ જૂનું ટ્રાન્સફર કરવું હાલ માં શકય નથી. જેવું એ શક્ય બનશે કે હું વહેલામાં વહેલી તકે એ કરી નાખીશ!
 તમને કઈ પદ્ધતિ ગમે — પ્રત્યક્ષ જવાની કે નેટ બેન્કિંગ વાળી?