Translate

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

ગેસ્ટ બ્લૉગ - શુભ દિવસ કે અશુભ દિવસ ?

માનવીએ કેલેન્ડર (તારીખિયા) બનાવ્યાં. એમાં તારીખો, વાર, મહિનાઓ અને વર્ષો.એમ વિભાજનો કર્યાં. કોઈક દિવસ શુભ માન્યો અને કોઈક દિવસ અશુભ. પંચાંગોમાં પણ શુભ-અશુભ દિવસોના નિશાનો બનાવ્યાં. કોઈક દિવસ આપણને વ્યક્તિગત રીતે માનીતો અને કોઈક દિવસ અણમાનીતો. કોઈક ખૂબ જ સારો અને કોઈક ખૂબ જ ખરાબ. એમ લાગે કે જાણે એ તારીખ કેલેન્ડરમાં આવી જ ન હોત, તો જ સારું થાત. ક્યારેક આપણા પોતાનો, તો ક્યારેક આપણા પ્રિયજનોનો; જન્મદિન, લગ્નતિથિ, તો ક્યારેક કોઈનો મૃત્યુદિન, દરેક વખતે આપણે એ દિવસોની વિશેષતાઓ, ઘટનાઓ પ્રમાણે એ દિવસોમાં સારા-નરસાના ભેદભાવો કર્યાં. વળી કોઈ દિવસ સાર્વજનિક રીતે શુભ કે અશુભ ગણાયો.
આપણે તો માનવ; અને સાથે ભેટ મળેલી અમૂલ્ય વિચારશક્તિ, એને કારણે આપણે આ વિભાજનો કરીને આપણી લાગણીઓ વ્યક્ત કરવાની રીત શોધી લીધી છે.
સૂરજ રોજ જ ઊગે છે, એ જ ઉષ્મા અને તાજગી આપે છે. પણ આપણે એને આપણી માનસિકતા પ્રમાણે અલગ-અલગ રીતે વધાવીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. આપણને ગમતું થાય તો સારો દિવસ, અને ન ગમતું થાય તો ખરાબ દિવસ એવા લેબલો મારીએ છીએ. મૂળમાં તો એની પાછળ આપણી લાગણીઓ, આપણો ઈગો જ રહેલો હોય છે.
કુદરતમાં ઘટતી દરેક ઘટનાઓ; એ પછી આપણને ગમતી હોય કે અણગમતી હોય, આપણા સમગ્ર અસ્તિત્વને સંતુલનમાં રાખવા માટે જ ઘટતી હોય છે. પછી એ આપણું વ્યક્તિગત સંતુલન હોય કે સમગ્ર અસ્તિત્વનું સંતુલન. આ જ હકીકત છે. કદાચ આપણને અમુક ઘટનાઓ અણગમતી બનતી હોય તો, એ આપણે માટે એક શીખ તરીકે મુકવામાં આવેલી હોય છે; એક પ્રયોજન સાથે ગોઠવવામાં આવી હોય છે. આપણે જો અણગમતી ઘટનાઓને અડચણ રૂપે જોઈએ, તો અવશ્ય દુઃખી જ થઈએ; પણ જો આપણે એને એક પડકાર રૂપે જોઈએ અથવા એક પરીક્ષા રૂપે જોઈએ અને એમાંથી રસ્તો કાઢવા માટે સકારાત્મક રીતે પ્રયત્નશીલ થઈએ તો, આપણને એમાંથી બહાર નીકળવાનો રસ્તો તો મળે જ છે, સાથે-સાથે એ અનુભવ, પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયાનો મહામૂલો સંતોષ આપીને જાય છે, કંઇક નવું શીખવીને જાય છે. જીવન તરફ જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપીને જાય છે.
કુદરતનું અવલોકન કરીએ તો આપણને જણાશે કે કુદરતે આવા શુભ-અશુભના કોઈ જ ભેદભાવ નથી કર્યાં. હા, કુદરતે પણ ઋતુઓ બનાવી છે, એમાં પાનખરનો રંગ પણ છે અને વસંતનો રંગ પણ છે. પણ એ કોઈ શુભ અને અશુભ પ્રયોજન માટે નહિ પણ સંતુલનના હેતુ માટે જ બનાવી છે. કુદરતની પોતાના નિયમો શીખવવાની આ એક અનોખી રીત છે. પણ આપણે એને પાનખરના વિષાદ તરીકે અને વસંતના આનંદ તરીકે ઉજવીએ છીએ. પાનખર એટલે જ આવે છે કે, વસંતમાં નવા જોમ સાથે નવી કૂંપળો ફૂટી શકે. પ્રકૃતિ નવપલ્લવિત થઇ શકે. ઋતુઓમાં બદલાવ, એ પ્રકૃતિના નિયમનું એક દર્શન જ છે; એ નિયમ, કે જે આવે છે એણે જવાનું જ છે, પછી એ વસંત હોય કે પાનખર વૃક્ષનો અને ડાળીઓનો; પાંદડાઓ પ્રત્યેનો મોહત્યાગ આપણને પણ શીખવી જાય છે કે ; નવા આવિષ્કાર માટે, નવા અનુભવો માટે, જૂનું ત્યાગવું જ પડે. એમાં દુ:ખની કે પીડાની અનુભૂતિથી ઉપર ઉઠીને કુદરતનો સંકેત સમજીને, જો શીખી શકીએ; તો કંઈ જ અશુભ કે વિષાદ-પ્રેરક નથી. આમ કુદરતનું દર્શન શીખવે છે કે, કંઈ જ સ્થાયી નથી. દરેક પરિવર્તન; એક અન્ય, અનિવાર્ય અને આવશ્યક ઘટનાના ઉદ્ભવ માટેનો સંકેત માત્ર છે. તો પછી શા માટે શુભ-અશુભનાં લેબલો લગાડવા જોઈએ? 
માટે જ દોસ્તો, દરેક દિવસ સ-રસ છે. દરેક દિવસમાં એક નવીનતા, એક નાવીન્ય છે, દરેક દિવસ એ ઈશ્વરે આપણને આપેલી એક અમૂલ્ય ભેટ, એક તક છે, કે જેમાં કોઈક સંદેશ છુપાયેલો છે; જેને વાંચવાનો, સમજવાનો એક મોકો ગોઠવાયેલો હોય છે. આપણે પોતે એને સકારાત્મક રીતે કે નકારાત્મક રીતે સમજીએ છીએ, એ આપણી પોતાની માનસિકતા પર નિર્ભર છે.
દરેક દિવસની એક આગવી વિશેષતા છે. દરેક દિવસ એક બેજોડ અનુભવ છે, એક શીખ છે. જો આપણે; “ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાનો સ્વીકારીએ પડકાર” આ સૂત્ર જીવનમાં અપનાવીને, દરેકે દરેક દિવસ બસ કુદરતનો એક પ્રસાદ છે; જેને સહર્ષ સ્વીકારીને ઉત્તમ રીતે પાર થવાના કર્મમાં ગૂંથાઈ જઈ શકીએ, તો આપણું જીવન જ સ્વયં એક “ગીતા” બની જાય

- સોનલ કાંટાવાલા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો