Translate

શનિવાર, 31 ઑગસ્ટ, 2019

શ્રદ્ધાનું પર્વ - ગણેશોત્સવ


  " ગંપતિ બાપ્પા મોલ્યા..."
મારો અઢી વર્ષનો પુત્ર ચહેરા પર અનન્ય હર્ષોલ્લાસના ભાવ સાથે મોટેથી બોલે છે, તેના નાના નાના હાથ પગ, અતિ વહાલો લાગે એવી અદામાં હલાવી નાચે છે અને સૂંઢવાળા દૂંદાળા દેવને તે તરત ઓળખી જાય છે. હજી તેને બરાબર બોલતા નથી આવડતું પણ જન મન ગણ અધિનાયક... પણ એ તેની કાલી ઘેલીભાષામાં ગાવાનો પ્રયત્ન કરે છે અને રાષ્ટ્રગીત પૂરું થયે "ભાલત માતા કી જય..." પણ તે ગીત ગાયું તેના કરતાં બમણાં ઉત્સાહથી પોકારે છે! એણે મોટાઓને અતિ ઉત્સાહથી ગણપતિ બાપ્પા મોર્યા લલકારતા અને રાષ્ટ્રગીત ગાતા સાંભળ્યા છે અને કોઈએ એને તે શીખવાડ્યા વગર એ તેણે શીખી લઈ પોતાની રીતે એ શ્રદ્ધાના નારા કે ગાનમાં પોતાનો સૂર પૂરાવવાનો પ્રયાસ કર્યો છે. આ છે શ્રદ્ધાની તાકાત. શ્રદ્ધા વ્યક્ત કરવાનો સુઅવસર આપણને આપણાં દેશમાં ઉત્સાહથી ઉજવાતા તહેવારો દ્વારા નિયમિત રીતે મળતો રહે છે.
         આવતી કાલે અનેક શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘેર અને સાર્વજનિક મંડપોમાં લોકલાડીલા એવા ગણેશજીની પધરામણી કરશે અને દોઢ, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસે ફરી તેમને વિદાય કરશે પણ અખૂટ રહેશે કે કદાચ પહેલા કરતા જેમાં વધારો થશે એ છે આ એકદંત દેવ પ્રત્યેની તેમની શ્રદ્ધા.
   મારા માસીએ મને ગઈ કાલે પ્રશ્ન કર્યો કે તેમના મિત્ર એવા એક શ્રદ્ધાળુ બહેનને તેમના ઘેર સુમુખ દેવની આ વર્ષે પધરામણી કરવાની ભારોભાર ઇચ્છા છે પણ તેમને કોઈ મહારાજ મળી રહ્યાં નથી જે કપિલ ભગવાનની તેમના ઘેર પધરામણી કર્યા બાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે. બધાં મહારાજ ઓલરેડી બુક્ડ છે! તો શું એ પોતાની મેળે લંબોદર ભગવાનની પધરામણી કરાવી શકે કે પછી શાસ્ત્રોકત વિધિ વગર ગજકર્ણક બાપ્પાની પધરામણી કરીએ તો પાપ લાગે? એ બહેનની શ્રદ્ધામાં ઓટ ન આવે એ હેતુથી કે પછી બીજા કોઈ કારણસર મેં તરત જવાબ તો આપી દીધો કે જો એ બહેન પૂરા ભક્તિભાવથી અને શ્રદ્ધાથી વિકટ દેવની તેમના ઘેર પધરામણી કરવા ઇચ્છતા હોય તો એ તેમણે ચોક્કસ કરવું જોઈએ, ભલે કોઈ મહારાજ શાસ્ત્રોકત વિધિ કરાવવા ઉપલબ્ધ ન થઈ શકતા હોય. તેમના પર કોઈ વિકટ નહીં આવે!
  મને મારા જ ભૂતકાળમાં ગણેશોત્સવની મેં મારા ઘરે કરેલ ઉજવણીની કેટલીક યાદો તાજી થઈ ગઈ. અમે પાંચ - સાત વાર વિઘ્નનાશ દેવની પધરામણી દોઢ દિવસ માટે અમારા ઘેર કરી છે. કેટલીક વાર મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા માટે અને વિસર્જન વિધિ માટે બોલાવ્યાં હતાં તો એક - બે વાર તેમની અપ્રાપ્યતાને લીધે અમારા પાડોશી બ્રાહ્મણ કાકાને (જે ક્રિયાકાંડી નહોતા) બોલાવ્યાં હતાં તો એકાદ પ્રસંગે વિસર્જનની વિધિ વેળાએ ઉથાપન વિધિ મેં પોતે જ સંપન્ન કરી હતી. પહેલા એવો ડર હતો કે આવી વિધિ શાસ્ત્રોકત રીતે મહારાજ કરાવે તો જ પૂજા વિનાયક દેવ સુધી પહોંચે, એમ ન કરીએ તો પાપ લાગે વગેરે. પણ પછી થયું ધૂમ્રકેતુ તો ભાવના ભૂખ્યા છે એટલે સાચા હ્રદયથી તેમની સ્થાપના કરીએ અને પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ એ એમના સુધી પહોંચી જ જતી હોવી જોઈએ! ગણાધ્યક્ષ પાસે ચાલુ રખાતા અખંડ દીવાને લઈને પણ જ્યારે એક વાર એ વિસર્જન પહેલા રામ થઈ ગયેલો (એટલે કે બુઝાઈ ગયો હતો) ત્યારે પારાવાર પસ્તાવો થયો હતો અને છૂપો ડર પણ લાગ્યો હતો કે આવી બન્યુ, હવે તો ભાલચંદ્રના ક્રોધનો ભોગ બનવું પડશે! પણ કદાચ એ પ્રસંગ પછી પણ ગજાનન અમારાથી નારાજ નહોતા થયાં. આવી કંઈ કેટલીયે માન્યતાઓ છે જેમકે ટોપી પહેરીને જ વિનાયકની મૂર્તિ ઘરમાં લાવવાની, તેમને લાવતી વખતે પાછા ફરી નહીં જોવાનું, અમુક મુહૂર્ત સુધી તેમના મુખ પર રૂમાલ ઓઢાડેલો રાખવાનો, તેમને ચોક્કસ દિશામાં જ બેસાડવાના, અખંડ દીવો સતત ચાલુ જ રહેવો જોઈએ,અમુક રીતે જ તેમની પૂજા કરવાની, વિસર્જન દરિયામાં જ કરવાનું, ભગવાનને દર્શનાર્થીઓ એ ભેટ ધરેલી રકમ મહારાજ ને જ આપવાની વગેરે. આ માન્યતાઓ સાથે ડર પણ જોડી દેવામાં આવ્યો છે કે એ પ્રમાણે ન કરીએ તો પાપ લાગે અને ગણરાયાના ગુસ્સાનો ભોગ બનવું પડે. પણ મેં આમાંના ઘણાં ખરાં મુદ્દાઓનું કેટલીક વાર અજાણતા તો કેટલીક વાર જાણી જોઈને ખંડન કર્યું છે. વિસર્જન શરૂઆતના વર્ષોમાં એક-બે વાર દરિયામાં કર્યા બાદ મારામાંનો ઈકો ફ્રેન્ડલી માંહ્યલો જાગી જતાં પછીના વર્ષોમાં હું મૂર્તિ પણ ઈકો ફ્રેન્ડલી જ લાવ્યો છું અને વિસર્જન પણ મેં કૃત્રિમ તળાવમાં જ કર્યું છે. છેલ્લે બે વર્ષ અગાઉ જ્યારે મારા ઘેર વક્રતુંડની પધરામણી કરેલી ત્યારે તો વિસર્જન મારા ઘરે જ નાનકડા ટબમાં કર્યું હતું અને બે-ત્રણ દિવસ બાદ માટી અને એ પાણી મારા છોડવાઓમાં ભેળવી દીધું હતું. હવે મારા હિસાબે તો બધાં જ તહેવારો આપણે આ રીતે ઈકો ફ્રેન્ડલી રીતે ઉજવવા પર જ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. ભેટમાં આવેલી રકમમાંથી પણ કેટલોક ભાગ મહારાજને આપી બાકીની રકમ મેં શાંતિદાન આશ્રમમાં દાનમાં આપી દીધી છે જેથી ત્યાં ત્યજાયેલાં - માંદા - માનસિક કે શારીરિક રીતે અક્ષમ લોકોની સેવામાં હું સહભાગી થઈ શકું.
     મારી આ વિચારસરણીને અનુસરતા જ મેં મારા માસીને સલાહ આપી દીધી કે “તમારા મિત્ર ને કહો ચોક્કસ અને વિના કોઈ ડર સાથે કૃષ્ણપિંગાક્ષ - ગજ્વકત્રની પધરામણી તેમના ઘેર કરે અને કોઈ મહારાજ મળી શકે એમ ન હોય તો ગૂગલ પર ગણેશ સ્થાપનાની વિધિ વાંચી તે મુજબ પોતે જ ગણપતિ બાપ્પાનું સાચા મનથી આહ્વાન કરે અને તેમની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે..અને હા, તેમને ખાસ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ જ લાવવાની ભલામણ કરજો અને વિસર્જન પણ કૃત્રિમ તળાવ કે પોતાના ઘેર જ કરે એવો આગ્રહ સેવજો.“
  ગણપતિ બાપ્પા તેમના સાચા ભક્તો પર તો કોઈ દિવસ નારાજ થાય જ નહીં, એમને નારાજ કે ક્રોધી થવું જ હોય તો એમના મંડપમાં  ગાળો બોલતા કે જુગાર રમતા કે ઝગડાઝગડી કરતા કે દારૂ પી તેમનાં વિસર્જન કે પધરામણી વખતે બેફામ બની નાચતા કે હજારો - લાખો રૂપિયાનો ધૂમાડો કરી મૂર્તિની ઉંચાઈ બાબતે કે મોટા મોટા લાઉડસ્પીકર વગાડી સ્પર્ધા કરી દેખાડામાં માનતા ભક્તો ઘણાં છે! સાચા મનથી તેમની પધરામણી ઘેર કરી સાદાઈથી ઉજવણી કરવા માંગતા કોઈએ બાપ્પાથી ડરવાની જરૂર નથી.
    ઘેર બાપ્પાની મૂર્તિને ડેકોરશન વચ્ચે બેસાડી હોય અને અન્ય દર્શનાર્થીઓ હાજર ન હોય તે સમયે તેમની આંખોમાં આંખો પરોવી કે વિસર્જન વેળાએ બાપ્પાની મૂર્તિ ખોળામાં બેસાડી કે વાહનમાં સંતુલન જાળવવા તેમની મૂર્તિ પકડવાની હોય તે ક્ષણોએ મેં બાપ્પા સાથે સીધી વાતો કરવાનો માનસિક અનુભવ કર્યો છે અને આ લાગણી કંઈક નોખી જ દિવ્યતા, પવિત્રતા અને ધન્યતાનો અનુભવ કરાવે છે. બાપ્પાની આરતી વેળાએ એકાંત નહીં પણ ભીડમાં બાપ્પા સાથે સંપર્કનો અનુભવ પણ જુદો હોય છે, માણવાલાયક હોય છે. આરતી અને ત્યારબાદ ભજન કે ગીતો ગાતાં અને પછી બાપ્પાના નામની રમઝટ બોલાવતા પણ સમાધિ લાગ્યા જેવો અનુભવ થાય છે. ઇશ્વર સાથેનું આવું જોડાણ એ આવા તહેવારોની સૌથી મોટી ફલશ્રુતિ છે. આપણા પોતાનાં ઘેર બાપ્પાની પધરામણી ન કરી હોય તોયે કોઈ મિત્ર કે સગા સંબંધીને ત્યાં જઈ દર્શનનો લહાવો લેવાની મજા ચૂકવા જેવી નથી!
 બોલો ગણપતિ બાપ્પા મોર્યા!!!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો