તમને કહું કે મુંબઈ શહેરની મધ્યમાં છ કરોડ વર્ષ જૂનો ૨૦૦ ફીટ ઉંચો મોનોલિથ પર્વત કે ટેકરો આવેલો છે જેની ઉપર સુંદર મજાનું ગામદેવી માતાનું મંદીર આવેલું છે અને જ્યાં પહોંચી તમે મુંબઈનું એક અલગ જ સ્વરૂપ નિહાળી શકો છો તો કદાચ એ તમારા માન્યા માં જ નહિં આવે બરાબર? પણ આ સત્ય છે! હું જેની વાત કરી રહ્યો છું એ ટેકરા કે મોનોલિથ ખડકનું નામ છે ગિલ્બર્ટ હિલ અને તે મુંબઈના ઉપનગર અંધેરી સ્ટેશનથી માત્ર પંદર-વીસ મિનિટ ચાલીને પહોંચી શકાય એટલા અંતરે આવેલ છે.
મોનોલિથ શબ્દ લેટીન ભાષાના મોનોલિથસ પરથી ઉતરી આવ્યો છે જેમાં મોનો એટલે સિન્ગલ - એક અને લિથસ એટલે સ્ટોન - પથ્થર એવા અર્થ પરથી મોનોલિથની વ્યાખ્યા એવી થઈ શકે કે એક જ પથ્થર કે ખડકમાંથી બનેલો ટેકરો કે પહાડ. સમગ્ર વિશ્વમાં આવા ગણ્યાંગાંઠયા ભૌગોલિક અજાયબી ગણાતાં પર્વત છે જેમાંનો એક આપણી આટલી નજીક છે - મુંબઈ શહેરમાં આ એક અજબ જેવી વાત છે.
ગિલ્બર્ટ હિલ ૬૧ મીટર કે ૨૦૦ ફીટ ઉંચો કાળા બેસાલ્ટ ખડકનો સ્થંભ જેવો ટેકરો છે જેને વર્ષ ૨૦૦૭માં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ભૂસ્તર શાસ્ત્રીઓના અથાગ પ્રયત્નો બાદ ગ્રેડ - ૨ નો હેરિટેજ સ્ટ્રક્ચરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લગભગ ૬૬૦ લાખ વર્ષ પૂર્વે મેસોઝોઈક યુગમાં એટલે કે જ્યારે પૃથ્વી પર મસમોટા ડાયનાસોર ભ્રમણ કરતા હતાં એ સમયે પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવરસ બહાર નીકળી જમીન પર પથરાયો અને ત્યારે આ ખડકની રચના થઈ. એમ મનાય છે કે આ લાવારસ તે સમયે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ છે તે ભાગો પર આશરે પચાસ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી પથરાયો હતો (માથેરાન ના પશ્ચિમી ઘાટ પણ જેનો ભાગ છે) અને તે જ એ સમયના વનસ્પતિ અને પ્રાણીઓના નિકંદન બદલ જવાબદાર હતો. નિષ્ણાતોના મતાનુસાર આ એક અસામાન્ય ભૌગોલિક અજાયબી સમાન એક જ પથ્થરમાંથી બનેલ ટટ્ટાર ઉભેલો ઉંચો થાંભલા જેવો ખડક છે જે વિશ્વમાં બીજી બે જગાએ જોવા મળે છે - એક અમેરિકાના વ્યોમિંગમાં આવેલ ડેવિલ્સ ટાવર નેશનલ મોનુમેન્ટ અને બીજો અમેરિકાના પૂર્વીય કેલિફોર્નિયામાં આવેલ ડેવિલ્સ પોસ્ટપાઈલ નેશનલ મોનુમેન્ટ.
ગિલ્બર્ટ હિલને ૧૯૫૨માં ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા વન ધારા હેઠળ નેશનલ પાર્ક જાહેર કરાયો હતો. પણ વખત જતાં વસ્તી વધારાને કારણે માનવ જાતે વનોમાં, પહાડો પર, દરિયામાં એમ બધે અતિક્રમણ કરી પોતાના માટે વસવાટ થઈ શકે એવી વ્યવસ્થા કરવા આ ભૌગોલિક સ્વરૂપોનો વિનાશ નોતર્યો અને ગિલ્બર્ટ હિલ ની આસપાસ પણ છેક તેના પાયા સુધી ઘૂસણખોરી કરી માનવ વસાહતો નું નિર્માણ થયું છે. ગિલ્બર્ટ હિલ એક તરફ મોટી ઝૂંપડપટ્ટીથી તો બીજી તરફ ઉંચી બિલ્ડીંગો દ્વારા ઘેરાઈ ઊભી છે, એમ કહો ને કે ઢંકાઈ ગઈ છે. છતાં પહાડની ઊંચી સાંકડી ટોચ તમે દૂરથી પણ જોઈ શકો છો. ૨૦૦૭માં હેરિટેજ દરજ્જો પામ્યા પછી જો કે ઘૂસણખોરી થોડી ઓછી થઈ ગઈ છે અને ત્યાં આ ધરોહર સાચવવાનો સંદેશ આપતા પાટીયા પણ મુકાયા છે. ગિલ્બર્ટ હિલ ની ટોચ પર બગીચો અને તેની મધ્યે ગામદેવીનું એક સુંદર મંદિર બાંધવામાં આવ્યા છે. ત્યાં સુધી પહોંચવા ખડક ખોદીને સીધા ચઢાણ વાળા દાદરા પણ બનાવાયા છે.
ઉપર પહોંચ્યા બાદ તમે મુંબઈ નું ચારે તરફથી દર્શન કરી શકો છો
અને ત્યાં મનને જે અદ્ભુત લાગણીનો અનુભવ થાય છે તેનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં! મેં પરિવાર સાથે બે વાર ત્યાં જઈ સૂર્યાસ્ત જોવાની મજા માણી છે. કદાચ ઘણાં લોકોને આ જગા વિશે માહિતી જ નથી એટલે અહીં ખાસ ગર્દી હોતી નથી અને એટલે પણ અહીં વધુ મજા આવે છે. મંદિર પણ ખૂબ સરસ છે અને તેની જાળવણી ખૂબ સારી રીતે કરાય છે.
મંદીરની આસપાસ અમને સારી એવી સંખ્યામાં પોપટ અને સમડી જેવા પંખીઓ જોવા મળ્યાં હતાં.બગીચામાં બેસવા માટે બાંકડા પણ મૂકેલા છે એટલે તમે અહિં દોઢ-બે કલાક જેટલો સમય આરામથી પસાર કરી શકો પણ અંધારું થાય એ પહેલા નીચે પાછા ફરી શકાય એ પ્રમાણે સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે.
જો કે આ વૈશ્વિક અજાયબી સમાન સ્થળે પહોંચતા તમને થોડી તકલીફ પડી શકે છે. અંધેરી સ્ટેશન બહાર થી સીધી ગિલ્બર્ટ હિલની બસ છે પણ તે તમને હિલના બીજે છેડે ઉતારે છે જ્યાં થી ઉપર ચઢવા માટેનો રસ્તો સહેલાઈ થી જડે એમ નથી. તમારે અંધેરી પશ્ચિમ તરફથી રીક્ષા લઇ ગિલ્બર્ટ હિલ ગામદેવી મંદિર એમ ચોખવટ કરવી જેથી રીક્ષા તમને ઝૂંપડપટ્ટીના નાકે ઉતારી શકે. ત્યાંથી સાંકડી ગલીઓ ધરાવતો શોર્ટ કટ લઈ હિલના તળિયે આવેલ ગેટ સુધી પહોંચી શકાય અને પછી પગથીયા ચડી ગિલ્બર્ટ હિલની ટોચ સુધી. ઝૂંપડપટ્ટી નો થોડો ગંદો ગોબરો રસ્તો પસાર કરવો પડે અને પૂછતાં પૂછતાં જવું પડે પણ એક વાર ગિલ્બર્ટ હિલની ટોચ પર પહોંચો એટલે આ બધી અગવડોનું સાટું વળી જાય અને તમારું મન પ્રસન્નતા અનુભવ્યાં વગર રહી ન શકે!
ગિલ્બર્ટ હિલ પરનો લેખ ખૂબ માહિતીસભર રહ્યો. વાંચી મને ત્યાં જવાનું મન થઈ ગયું! આટલી રસપ્રદ માહિતી વહેંચવા બદલ આભાર.
જવાબ આપોકાઢી નાખો