Translate

રવિવાર, 28 ડિસેમ્બર, 2014

અક્સ્માત કરી ભાગી જશો નહિ...

૧૮મી ડિસેમ્બર ૨૦૧૪ ના ગુરુવારને બપોરે બે વાગે મલાડ પશ્ચિમના સદાયે ટ્રાફિકથી ધમધમતા એસ.વી.રોડ પર એન.એલ.હાઈસ્કૂલ પાસે મારા પિતા ઘનશ્યામ નાયક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.બોરિવલી તરફથી ગોરેગામ પૂરપાટ વેગે જઈ રહેલા એક સ્કૂટરે તેમને જોરથી ટક્કર મારી. કોમેડી ટી.વી.સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના તેમના લોકપ્રિય નિવડેલા નટુકાકાના પાત્રે તેમને બક્ષેલી ખ્યાતિને પરિણામે સડક પર સારી એવી ભીડ જમા થવા લાગી. નહિતર રસ્તા પર અક્સ્માત થાય ત્યારે પોલીસકેસની જંજાળથી બચવા લોકો લોહીલૂહાણ હાલતમાં પડેલી વ્યક્તિનો જીવ બચાવવા તેને નજીકની હોસ્પિટલ સુધી લઈ જવાનું પસંદ કરતા નથી અને અક્સ્માત થયો હોય ત્યાં ટોળું જમા થતું નથી. સ્કૂટર પર સવાર બે નવયુવાન ભીડ જોઈ ગભરાઈ ગયા કે પછી તેમના સ્કૂટરે મારેલી જોરદાર ટક્કરને કારણે બેહોશ થઈ સડક વચ્ચે ઢળી પડેલા નટુકાકાના કાનમાંથી વહેવા માંડેલા લાલ લોહીના રંગે તેમને ડરાવી મૂક્યા કારણ જે હોય તે પણ તેઓ એ દૂર્ઘટના સ્થળે કોઈ તેમને પકડી મેથીપાક ચખાડે એ પહેલા નટુકાકાને એ જ હાલતમાં પડતા મૂકી ત્યાંથી રફૂચક્કર થઈ ગયાં.

મારા પિતાના પુણ્યપ્રતાપે અને સદનસીબે અહિ બે-ત્રણ વાત એવી બની જેણે મારા પિતાને નવજીવન બક્ષ્યું.એક આ અકસ્માત બન્યો ત્યારે સામાન્ય રીતે ટ્રાફીકથી ભરેલા રહેતાં એ માર્ગ પર અન્ય કોઈ વાહન તે સમયે સ્કૂટરની પાછળ નહોતું આવી રહ્યું.બીજું એ અકસ્માત અમારા પાડોશમાં ઓફિસ ધરાવતાં દિલીપ છાટબારે નજરે નિહાળ્યો અને તેઓ સમયસૂચકતા વાપરી મારા પિતાને રીક્ષામાં બેસાડી હોસ્પિટલ વેળાસર પહોંચાડી શક્યાં.

આવી કોઈ ઘટના જીવનમાં બને ત્યારે જ સમજાય કે ઇશ્વર જેવું કંઈક ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે અને તે આપણને ઘણી વાર મસમોટી આફતમાંથી ઉગારી લે છે. પપ્પા એ સમયે બેન્કમાંથી રોકડ રકમ ઉપાડી ઘેર પાછા ફરી રહ્યા હતા.એ રકમ પણ દેવદૂત બનીને આવેલા દિલીપભાઈએ મારા ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દીધી અને અમારા માથે આવેલી એ શૂળીની ઘાત સોયથી ગઈ.પપ્પાને ગંભીર બ્રેન હેમરેજ થતાં થતાં રહી ગયું.કાનમાંથી પુષ્કળ લોહી વહી જતાં તેમને ભારે અશક્તિ આવી ગઈ હ તી અને આ બ્લોગ લખાઈ રહ્યો છે ત્યારે એ દૂર્ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેઓ હોસ્પિટલના બિછાને મગજ પર થયેલ અસરને કારણે વેદના સહી રહ્યા છે પણ માત્ર આ વિશે લખી સહાનુભૂતિ મેળવવા હું આ અનુભવ નથી વર્ણવી રહ્યો.

રોડ અકસ્માતની ઘટના વખતે મોટેભાગે કોઈ તો અક્સ્માત સર્જનાર વાહનનો નંબર નોંધી લેતું જ હોય છે.મારા પિતાને ટક્કર મારનાર સ્કૂટરનો નંબર પણ ત્રણ-ચાર જણે નોંધી લીધેલો અને મારા સુધી પહોંચાડેલો અને મેં એ નંબર પોલીસ સાથે શેર કરી ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો પણ મારા પિતાની એ દિશામાં આગળ વધવાની બિલકુલ ઇચ્છા ન હોવાના નિર્ણયને મેં માન આપ્યું છે અને હું હવે એ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવાનો નથી.

પણ મારે સંદેશ પહોંચાડવો છે એ બે યુવકો સુધી જેઓ મારા પિતાને રસ્તા પર તેમના કોઈ વાંકગુના વગર તેમને આટલી મોટી સજા આપી એ મરે છે કે જીવે છે તેની પણ દરકાર કર્યા વગર કાયરતાપૂર્વક ભાગી ગયાં.

પહેલો સંદેશ તો એ કે તમે પરીપક્વતા દાખવી વાહન અતિ ઝડપે ન હંકારશો. Speed thrills but it also kills. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની જગાએ વાહન સામે તમારા પરિવારની કે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ પણ હોઈ શકે છે એ યાદ રાખો. બીજો સંદેશ એ કે તમારા વાહન દ્વારા અકસ્માત થાય ત્યારે ભાગી જવાની બદલે અક્સ્માતનો ભોગ બનેલ વ્યક્તિને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાની સૌજન્યતા દાખવો.સમયસર મળેલી સારવાર એ વ્યક્તિનો જાન બચાવી શકે છે.એમ કરીને તમે તમારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચિત કરી શકો છો.પણ જો તમે ભાગી જવાની કાયર વ્રુત્તિ દાખવશો તો એટલું યાદ રાખજો કે કદાચ એ ઘટના સમયે તમે સફળતાપૂર્વક ભાગી જઈ શકશો પણ ઇશ્વરના ન્યાયથી તમે ક્યારેય ક્યાંય નહિ ભાગી શકો અને તમને તમારો પોતાનો અંતરાત્મા જીવનભર ડંખ્યા કરશે અને ચેનથી જીવવા નહિ દે.

ત્રીજો સંદેશ મારે સમાજમાં માતાપિતાઓને આપવો છે કે તમે તમારા નવયુવાન પુત્ર કે પુત્રીને તે પરિપક્વ ન થાય ત્યાં સુધી વાહન ન અપાવશો.જુવાનીના જોશમાં તે ક્યારે વાહન ચલાવવાની સુરક્ષિત સ્પીડલિમિટ ઓળંગી પોતાનો કે અન્ય કોઈનો મૂલ્યવાન જીવ જોખમમાં મૂકી દેશે તે કહી શકાય નહિ.

છેલ્લો સંદેશ, જ્યારે પણ તમે રસ્તા પર કે ગમે ત્યાં કોઈ અકસ્માત જુઓ ત્યારે માત્ર તમાશો જોનાર મૂક સાક્ષી બની રહેતાં,પોલીસકેસની જંજાળથી ડર્યા વગર, મારા પિતાને હોસ્પિટલ સુધી લઈ જનાર દિલીપભાઈની જેમ અક્સ્માતનો ભોગ બનેલી વ્યક્તિને નજીકની હોસ્પિટલભેગી કરજો. શક્ય છે તમારી મદદને કારણે કોઈનો જીવ બચી જાય. આનાથી મોટી પુણ્ય કમાવાની તક જીવનમાં બીજી નહિ મળે.

ભગવાનની સદકૃપા અને મહેરબાનીથી કદાચ તમે આ બ્લોગ વાંચતા હશો ત્યાં સુધી તો મારા પિતા હોસ્પિટલમાંથી ઘરે પાછા આવી ચૂક્યા હશે એ માટે ઇશ્વરનો અને તેમના ચાહકવર્ગની દુઆઓનો આભાર પ્રગટ કરવા મારી પાસે શબ્દો નથી પણ હું આશા રાખું છું કે જે શબ્દો મેં આ બ્લોગમાં લખ્યા છે તે જરૂર પેલાં બે યુવકો અને તેમનાં પરિવારો સુધી પહોંચે અને તેઓ એમાંથી બોધપાઠ લે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો