આ વર્ષે ૩૧ ડિસેમ્બરની ૨૦૧૪ની છેલ્લી રાતની ઉજવણી અમદાવાદમાં સપરિવાર સી.જી.રોડ પર કરી.પહેલી વાર વર્ષની છેલ્લી રાતે હું મુંબઈ બહાર હતો.ઘણાં વર્ષો બાદ ૩૧ ડિસેમ્બરની રાત ખાસ રીતે ઉજવી.મજા આવી.
ભીડ હોય ત્યાં મને આમ તો ખાસ મજા ન આવે પણ અહિં વાત જુદી હતી.આખા અમદાવાદની ભીડ જાણે આ સ્ટ્રીટ પર ઉતરી આવી હતી.મોટા ભાગની જનતા યુવા વર્ગની હતી.બેચલર્સની સંખ્યા કપલ્સ કરતાં વધુ હશે પણ ઉત્સાહની માત્રા બધામાં એકસરખી જણાતી હતી.
બીજી એક ખાસ વાત એ હતી કે અહિ લગભગ સોએ સો ટકા જનતા ગુજરાતી હતી.આ વિસ્તાર અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક ગણાય છે.તેથી જ કદાચ એ રાતે પણ મોટા ભાગનું ક્રાઉડ સભ્ય અને સારૂં જણાતું હતું.મોટા ભાગનાં યુવાનો 'ભોપુ' પિપુડા વગેરે વગાડી ઘોંઘાટ મચાવી રહ્યાં હતાં છતાં એ અરૂચિકર લાગી રહ્યું નહોતું.
ગિર્દીમાં ઘણી યુવતિઓ હોવા છતાં યુવાનો આછકલાઈ કે હલકાઈનું પ્રદર્શન કરતાં નહોતાં.મારી સાથે પણ પત્ની,દિકરી અને પિત્રાઈ ભાઈ,ભાભી સહિત યુવાન ભાણી પણ હતી છતાં તે રસ્તા પર આટલી ભીડ હોવા છતાં અસલામતી કે ડર અનુભવતી નહોતી.
રસ્તા પર ફુગ્ગાવાળા તેમજ ચાઈનિઝ લેન્ટર્ન્સ એટલે કે ઉતરાણમાં આપણે જે કંદિલ ઉડાવી છીએ તે વેચવા વાળાઓની સારી એવી ભીડ હતી.ઠેર ઠેર માથા પર શેતાનને હોય એવા શિંગડા પહેરી ફરી રહેલાં યુવાનો નજરે ચડતાં હતાં.આ શિંગડામાં લાલ રંગની લાઈટ ચાલુબંધ થયા કરે!મને વિચાર આવ્યો શા માટે લોકો શેતાનની આવી નિશાની માથે ચડાવી ફરતાં હશે? આ જોઈ વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલ ઓનિડા ટી.વી.ની જાહેરાતનો એમ્બેસેડર એવો પેલો શિંગડા ધરાવતો શેતાન યાદ આવી ગયો.જો કે એ શેતાનને તો પૂંછડી પણ હતી.સારૂં થયું લાલ લાઈટ ધરાવતાં શિંગડા વાળા સાધનના સર્જકને બનાવતી વેળાએ એ યાદ નહિ આવ્યું હોય નહિતર એ રાતે કંઈ કેટલાયે પૂંછડાધારી યુવાનો જોવા પડ્યા હોત! આટલી બધી ગિર્દીમાં અનેકનાં પૂંછડાં એક્બીજા સાથે અટવાયાં હોત અને અંધાધૂંધી સર્જાવા પામી હોત!
થોડાં ઘણાં ખાવાપીવાના સ્ટોલ્સ પણ હતાં જ્યાં ઠીક ઠીક ભીડ જામી હતી.ગુજરાતીઓ હોય ત્યાં ખાણીપીણીના સ્ટોલ્સ ન હોય એવું બને?!રસ્તાને બે ભાગમાં વહેંચતા ડીવાઈડરની બંને બાજુએ સરખી ભીડ હતી પણ છતાં લોકો સહેલાઈથી ચાલી શકે એટલી જગા હતી અને કોઈકોઈને ભટકાતું નહોતું.
ઊતરાણ માં આપણે નાની મીણબત્તી કે દિવો મૂકી જે કંદિલ મોડી સાંજે કે રાતે આકાશમાં ઉંચે ચડાવીએ છીએ તેના કરતાં સહેજ મોટા કદનાં,આકાશમાં ઉંચે ઉડતા પેરેશૂટ બલૂન આકારનાં લાલ,પીળા ને વાદળી લેન્ટર્ન્સ ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી,તેમાં તળિયે અગ્નિ પ્રગટાવી હવામાં છોડી દેતાં નજરે ચડતાં હતાં.કેટલાક કંદિલ હવામાં સફળતાથી ઉંચે ચડી આકાશ ભણી ગતિ કરતાં અને લોકો હર્ષોલ્લાસથી ચિચિયારીઓ પાડી તેને વધાવી લેતાં તો કેટલાક કંદિલ હવાને જ કારણે અગ્નિની જ્યોત તેની કિનારીને સ્પર્શી જતાં બળી જતાં કે આસપાસના ઝાડમાં અટવાઈ કે ભીંત પર ભટકાઈ આકાશ ભણી દોટ મૂકવામાં નિષ્ફળ જતાં. આ સાધન પાછળ કામ કરતો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે બળતા દિવાને કારણે તેની આસપાસની હવા ગરમ અને હલકી બને તેથી એ ઉંચે ચડે ઉપર લેન્ટર્નના ગોળાકાર રંગીન કાગળને લીધે તેને છટકી જવાની જગા ન મળે અને આથી એ હવા લેન્ટર્નને ફુગ્ગાની જેમ ફુલાવે અને ઉપર તરફ ખેંચી જાય.
બરાબર ૧૨ વાગે હર્ષોલ્લાસ ભરી ચિચિયારીઓ સાથે લોકોએ વાતાવરણ ગજવી દેતા વર્ષ ૨૦૧૪ને પ્રેમપૂર્વક વિદાય આપી અને વર્ષ ૨૦૧૫નું ઉમળકા ભેર ઉષ્માભેર સ્વાગત કર્યું! એ ઘડીએ અનેક લોકોએ આકાશમાં ફુગ્ગા છોડ્યાં તો ઘણાં લોકોએ એકસાથે રંગબેરંગી કંદિલ છોડ્યાં. એક સાથે આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરતાં એ રંગીન કંદિલોએ નયનરમ્ય દ્રષ્ય સર્જ્યું. ઘણાંએ હેપ્પી ન્યુ યર ની ચિચિયારીઓના નાદથી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું તો ઘણાં આ ભાવપૂર્ણ દ્રષ્યનાં માત્ર મૂક સાક્ષી બની હર્ષ અને અનેરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં.
૧૨ વાગતા સાથે આતશબાજીનો નજારો પણ જોવા મળ્યો પણ લોકોમાં જોવા મળી રહેલ આનંદોત્સાહ આગળ તેનો પ્રભાવ પણ ફિક્કો લાગતો હતો.અમે દોઢેક કિલોમીટર ચાલ્યા હોઇશું પણ જરાય થાક લાગ્યો નહોતો.એકાદ વાગ્યા સુધીમાં તો ભીડ વિખરાઈ પણ ગઈ.નવા વર્ષનું આવું અલગ રીતે કરેલું સ્વાગત મને ગમ્યું.આશા છે આ જ ઉત્સાહ,ઉમંગ અને હર્ષ વર્ષ ભર છવાયેલાં રહે!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Hi Vikas Ghanshyam Nayak, Good description, please also write the same in English for the benefit of those who do not read Gujarati. Some 20 years ago when I first visited C G Road with my office colleagues , it was around 11 pm in the night & we witnessed many teenage girls coming to ice-cream parlor on their bikes & without any fear they had good time at almost midnight. Ahmadabad was found safe for girls at that time also."
જવાબ આપોકાઢી નાખો- Nishidh Gandhi