Translate

રવિવાર, 18 જાન્યુઆરી, 2015

એનાકોન્ડાના પેટમાં !


#EatenAlive હેશટેગ ટ્વીટર પર એકાદ મહિના પહેલાં,આઠમી-નવમી ડિસેમ્બરે ટ્રેન્ડ થઈ રહ્યું હતું અને તેણે લોકોમાં સારી એવી ઉત્કંઠા જગાવી હતી. પોઉલ રોસોલિ નામના  અમેરિકન સાહસિક સાપપ્રેમી અને પર્યાવરણની જાળવણી માટે કામ કરનારા નિસર્ગવિદ્દ  યુવાને એક ચેલેન્જ ઉપાડી - જીવતા એક એનાકોન્ડા સાપના પેટમાં પહોંચી જવાની! આ આખું અભિયાન ડિસ્કવરી ચેનલ દ્વારા ‘Eaten Alive' નામે પ્રસિદ્ધ કરાયું અને તેનું જીવંત પ્રસારણ ટી.વી. પર પ્રદર્શિત કરાયું. પોઉલે શા માટે જીવના જોખમે આવું અજબ અભિયાન હાથ ધર્યું?

પોઉલ રોસોલિ એક એવો પર્યાવરણવાદી અને સાપ અંગે સંશોધન કરનાર યુવાન છે જેણે પોતાની કારકિર્દી મહાકાયગ્રીન એનાકોન્ડા’નો અભ્યાસ કરવા માટે સમર્પિત કરી દીધી છે. ગ્રીન એનાકોન્ડા ઉષ્ણ કટિબંધમાં આવેલા દક્ષિણ અમેરિકાના ગાઢ અમેઝોન  જંગલોમાં મળી આવતી અજગર જેવા મોટા સાપની એક જાતિ છે. એવું માનવામાં આવે છે કે શબ્દ એનાકોન્ડા તામિળ શબ્દ અનાઈ-કોન્દ્રા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છેહાથીનો હત્યારો’. ગ્રીન એનાકોન્ડા વિશ્વનાં મોટામાં મોટા અને  સૌથી શક્તિશાળી શિકારી  સાપ ગણાય છે. તે મોટે ભાગે દેડકા, માછલી, મગર, બતક તેમજ અન્ય પક્ષીઓ, કાચબા વગેરે ખાય છે. એક એનાકોન્ડા સાપની સરેરાશ લંબાઈ ૬.૧ મીટર કે ૨૦ ફૂટ જેટલી હોય છે તો તેનું વજન ૩૦૦ પાઉન્ડ કે લગભગ દોઢસો કિલો જેટલું હોય છે. તે એક સાથે ૨૪ થી ૩૫ બચ્ચાને જન્મ આપે છે જે જંગલમાં દસથી બાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.


પોઉલ રોઝોલિએ દાયકા કરતાં પણ વધુ સમય પશ્ચિમ અમેઝોનના જંગલોનો અભ્યાસ કરીને પેરૂવિઅન વરસાદી જંગલો અંગે જાગૃતિ આણવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જે મહાકાય ગ્રીન એનાકોન્ડા સાપોનો કુદરતી આવાસ છે. પોઉલના કહેવા પ્રમાણે બધાં જાણે છે કે અમેઝોનના વર્ષાવનો કેટલાં મહત્વનાં છે અને છતાં તેઓ અદ્રષ્ય થઈ રહ્યાં છે તરફ લોકો દુર્લક્ષ સેવી રહ્યાં છે.પોતાના અમઝોન હરિત જંગલોને બચાવવાનાં પ્રયાસ રૂપે મહત્તમ લોકોનું દિશામાં ધ્યાન ખેંચવા પોઉલે ગ્રીન એનાકોન્ડાનો કોળિયો બને જવાનું ગતકડું હાથ ધર્યું

અભિયાન માટે લગભગ બે મહિના પોઉલે તેનાં અન્ય સંશોધક સાથીઓ સાથે અમેઝોન જંગલોમાં  રાતદિવસ કાદવકીચ્ચડ અને કળણમાં ખાંખાંખોળા કરી ગાળ્યાં. તેમની છૂપાં જંગલોમાં સફર ગહન, ભયાનક છતાં મંત્રમુગ્ધ કરી દેનારી હતી. વિસ્તારને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તરતા જંગલ તરીકે ઓળખે છે. તરતા જંગલોમાં ગ્રીન એનાકોન્ડા જીવે છે અને પોતાનો વંશવેલો આગળ ધપાવે છે અને તરતા જંગલો  જ સહેલાઈથી હાથમાં આવનારા ભવ્ય સાપોને જોવા અને તેમનો અભ્યાસ હાથ ધરવાનું એક માત્ર સ્થળ છે. અગાઉ રોઝોલિ માત્ર એક વાર રહસ્યમય ભાસતાં જંગલોમાં ૨૫ થી ૨૭ ફૂટ લાંબા એવા વિશ્વના અત્યાર સુધીના કદાચ સૌથી મોટા સાપને પકડી શક્યો હતો જે તેને તરતા જંગલોના ઠેઠ તળિયા સુધી ખેંચી ગયેલો પણ તે સમયે તેને હાથતાળી આપી છટકી ગયેલો.અને તેને વિચાર સ્ફૂર્યો કે વખતે જો સાપ તેને મળી જશે તો પોતે સામેથી તેને પોતાને જીવતો ખાઈ જવા કે ગળી જવા આહ્વાન આપશે.

આવા પડકારજનક અભિયાન દ્વારા લોકોને આંચકો આપીને તેણે વરસાદી વનોને અને ગ્રીન એનાકોન્ડાને બચાવવાનું નક્કી કર્યું. રોઝોલિને સાપના મોઢામાં થઈ તેનો કોળિયો બની મસમોટા સાપના પેટમાં જઈ તેનો વધુ અભ્યાસ કરવો હતો આથી તેણે પોતાના અન્ય પ્રાણી શાસ્ત્રી વૈજ્ઞાનિકો સાથે મળીને ખાસ પ્રકારનો પોષાક તૈયાર કર્યો જનાથી તે પોતે સાપના પેટમાં ગૂંગળાઈ જાય અને જેનાથી સાપના આંતરીક અવયવોને પણ નુકસાન પહોંચે. ખાસ પ્રકારના પોષાકમાં રોઝોલિ શ્વાચ્છોશ્વાસ લઈ શકે તેમજ અન્યો સાથે વાતચીત કરી શકે એવી સિસ્ટમ્સ બેસાડેલી હતી તેમજ વિડીયો કેમેરા પણ જડેલા હતાં. એનાકોન્ડા પોતાના શિકારના ભક્ષણ પહેલાં તેને ભીંસમાં લે છે અને અત્યાર સુધી ભીંસનું દબાણ ૯૦ psi  જેટલું  નોંધાયેલું  છે  જે  એક મોટી સ્કૂલ બસ કોઈની છાતી પર ચડી જાય ત્યારે નિર્માણ થાય એટલું હોય છે. દબાણના વધુ તલસ્પર્શી અભ્યાસ માટે અને તેના શિકારની પદ્ધતિ અંગે વધુ જ્ઞાન મેળવવા તેમજ તેની ખાવાની આદતોનો તેમજ તેના આંતરીક અવયવોની કાર્ય પદ્ધતિનો વધુ અભ્યાસ કરવા માટે થઈને પણ રોઝોલિને એનાકોન્ડાના પેટમાં પહોંચી જવાનું શ્રેષ્ઠ લાગ્યું.
છેવટે પોઉલ અને તેમની ટીમ વીસેક ફૂટ લાંબી એક એનાકોન્ડા સાપણને ખોળવામાં સફળ રહ્યાં. જ્યારે રોઝોલિ સાપણ નજીક ગયો ત્યારે તરત તે કંઈ તેને ખાવા તૈયાર થઈ ગઈ નહિ.પહેલાં તેણે છટકી જવા પ્રયાસ કર્યો પણ તેને થોડી છંછેડી ત્યાર બાદ તેણે પોતાનો બચાવ કર્યો અને રોઝોલિને ભીંસમાં લેવાનું શરૂ કર્યું.રોઝોલિ તેના ખાસ પોશાકમાં હતો અને એક તબક્કે સાપણે રોઝોલિના હેલ્મેટ પર પોતાના પહોળા જડબા બેસાડવાનો પ્રયાસ કર્યો.તેના હાથ પરની સાપણની ભીંસ એટલી બધી સખત હતી કે રોઝોલિને લાગ્યું જાણે હમણાં તેનો હાથ શરીરેથી જુદો પડી જશે.રોઝોલિની ટીમ આ બધું સલામત અંતરે થી નિહાળી રહી હતી અને તેની સાથે સંપર્કમાં પણ હતી.તેમને ચિંતા થવા માંડી જ્યારે તેમણે નોંધ્યું કે રોઝોલિના શ્વાચ્છોશ્વાસ દબાણભર્યાં બનવા લાગ્યાં અને તેના હ્રદયની ગતિ મંદ થવા લાગી.છેવટે ભીંસ અસહ્ય થવા માંડતા રોઝોલિએ ટીમને મદદ માટે સાદ પાડ્યો અને તેને ઉગારી લેવાયો.

PETA સહિતની પ્રાણીઓના હક્ક પર કામ કરતી સામાજિક સંસ્થાઓએ સાપની ભારે સતામણી થઈ છે એવો આરોપ મૂકી રોઝોલિ પર સખત ટીકાઓનો વરસાદ વરસાવ્યો.રોઝોલિને જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી.પણ તે ડગ્યો નથી. આ શો જીવંત નિહાળી રહેલા લોકોએ પણ છેતરાયાની અને તેમનો સમય શો જોવામાં બરબાદ થયાની લાગણી અનુભવી! કદાચ પોઉલ સાપનો કોળિયો બની મરણ પામ્યો હોત તો તેમને સમય સાર્થક થયાની અને રોમાંચની લાગણી અનુભવાઈ હોત! કેવી વિચિત્રતા! પણ આપણે મનુષ્યો આવા છીએ!

ખેર લોકોને મજા આવી હોય કે આવી હોય ,પોઉલનો પણ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરવાની મુરાદ બર આવી હોય કે ન આવી હોય પણ લોકોમાં અભિયાન બાદ ચોક્કસ ગ્રીન એનાકોન્ડા અને અમેઝોનનાં અમેઝિંગ વરસાદી જંગલો અંગે થોડીઘણી જાગૃતિ આવી ચોક્કસ!

1 ટિપ્પણી:

  1. પોઉલ રોઝોલિએ એનાકોન્ડાના પેટમાં પહોંચીને સંશોધન કરવા માટે જાનની બાજી લગાવવાનું જે સાહસ કર્યું એનો કોઈ વિકલ્પ નથી. સંપૂર્ણ માહિતી તમે જે રીતે પ્રસ્તુત કરીને વાચકોને આ ઘટનાથી અવગત કરાવ્યાં એ ખરેખર કાબિલેતારીફ છે. બ્લોગને ઝરૂખેથી દર સપ્તાહે ખુબ જ નવી નવી રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે.
    - રાજન પ્રતાપ , વડોદરા

    જવાબ આપોકાઢી નાખો