Translate

રવિવાર, 31 ઑગસ્ટ, 2014

ગેસ્ટ બ્લોગ : પોલિસ-રસીદ


                                                                        - છાયા કોઠારી

હમણાં થોડાં વખત પહેલા નકલી પોલિસ વિશે આર્ટીકલ વાંચવામાં આવ્યો હતો જેનો સાર હતો કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોને ફરિયાદ કરવી. લગભગ આવો જ એક અનુભવ થોડાં દિવસ પહેલાં થયો.

અમારે ત્યાં આવેલા મહેમાનને લઈને એક હોટેલમાં જમવા જતા હતા. રસ્તા પર એક જગાએ  સિગ્નલથી ગાડી લેફ્ટમાં લીધી. વાતોમાં ધ્યાન ના રહ્યું કે સિગ્નલ યેલો માંથી રેડ થઇ ગયું છે. લેફ્ટ મારતાં જ પોલિસે ગાડી રોકી. એક સિવિલાઇસ્ડ સિવિલિયનની હેસિયતથી ગાડી બાજુ પર લગાવી. હમણાં હમણાં તો ઘણી વાર જોયું છે કે સ્કુટર વાળા પોલિસને ગણકાર્યા વગર જ ભાગી જતા હોય છે. પાણ આપણે શરીફ ની કેટેગરીમાં આવતાં હોઈ ગાડી બાજુ પર લગાવી. બે ઓફિસર ગાડી પાસે આવ્યા. એક ઓફિસર મોબાઈલ પર સુચના આપતો હતો કે આ ગાડી નં.xyz હમણાં જ નીકળી છે. એને આગળ રોકો વગેરે.. એમણે લાઈસન્સ માગ્યું. બે ત્રણ વખત સોરી કહ્યું પણ માનવા જ તૈયાર નહોતા. એમણે કહ્યું ૧૦૦ રૂપીયા આપો, પાવતી ફાડું છું. લાઈસન્સ અને ૧૦૦ રૂપીયા આપતી વખતે મેં કહ્યું તમે ઈમાનદારી સાથે તમારી ડ્યુટી કરી રહ્યાં છો એટલે આપું છું. રસીદ આપો. થોડીવાર પછી એક ઓફિસરે લાઈસન્સ પાછું આપ્યું અને જે ઓફિસર મોબાઈલ પર રોફ જાડીને વાત કરતો હતો એણે આવીને કહ્યું આની પાવતી નથી, અમારી પાસે માત્ર જમા કરવાની પાવતી છે. એટલે અમે તેને કહ્યું આપે પૂરા પૈસા લીધા છે એટલે ઓફિસિયલ રસીદ આપો અથવા પૈસા પાછા આપો. તમને રસીદ વગર પૈસા લેવાનો અધિકાર નથી. બહુ રકઝક થઇ. પછી ગાડીમાંથી ઉતરીને બાઈક પાસે ઉભેલા ત્રીજા ઓફિસર પાસે જઈને કહ્યું જો તમારી પાસે યોગ્ય રસીદ બુક ના હોય તો તમે આવી રીતે પૈસા ના ઉઘરાવી શકો. અને એની પાસે પૈસા પાછા માંગ્યાં. એ તો બિચારો હક્કો બક્કો થઈ ગયો. એને કશી સમજણ જ નહોતી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે. ત્યાં સુધી જે બીજો ઓફિસર હતો એ પેલા મોબાઈલ વાળાને કયારનો “પરત દયા, પરત દયા..” પૈસા પાછા આપવા કહ્યા કરતો હતો. એણે પેલા બાઈક વાળા ઓફિસર ને પણ પૈસા પાછા આપવા કહ્યું. પેલા ઓફિસરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, જેવી બે ૫૦ ની નોટ દેખાઈ કે તરત કોઈ કશું સમજે એ પહેલા એના હાથમાંથી બે નોટ લીધી અને ગાડીમાં બેસીને અમે નીકળી ગયા..

હવે એ પોલિસ નકલી હતી, ખરેખર રસીદ બુક નહોતી...સાચું શું હતું એ તો ખબર નથી. પણ ત્યારે એમાં લાગ્યું કે સાચી રસીદ વગર પૈસા ન અપાય.

વાત વિચારવા જેવી ખરી...

- છાયા કોઠારી

રવિવાર, 24 ઑગસ્ટ, 2014

ગણેશોત્સવની ઈકો-ફ્રેન્ડલી ઉજવણી


દર વર્ષની જેમ વર્ષે પણ આપણા સૌના પ્રિય ગણપતિ બાપ્પાની સવારી પધારવાનો સમય આવી ચૂક્યો છે! ગણેશોત્સવના પડઘમ હવામાં ગૂંજી રહ્યા છે. મંડપો બંધાઈ ગયા છે. જે લોકો બાપ્પાની પધરામણી ઘરે કરાવવાના છે તેમણે પણ જોરશોરથી માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે.

માત્ર એક નાનકડી અપીલ સૌને કરવાની કે વખતે ઉત્સવને બની શકે એટલો ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવશો તો ગણપતિ બાપ્પા તો પ્રસન્ન થશે પણ પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધનની દિશામાં પોતાનો નાનકડો ફાળો નોંધાવવાનું પુણ્ય તમે કમાઈ શકશો.

અપીલ કરવાનું કારણ એક  કે જગત આજે અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ,ઓઝોનમાં ગાબડા,પર્યાવરણનમાં વિષમતા વગેરે. ભારતમાં પણ ઘણી જગાએ ભારે વર્ષાને કારણે પૂર તો કેટલાક ભાગોમાં ભીષણ દુકાળના સમાચાર તમે આજકાલ રોજેરોજ વાંચતા હશો. બધી મસમોટી આફતો આપણી નાની નાની જાણ્યે અજાણ્યે કરેલી ભૂલોનું   પરિણામ છે.

ગણેશોત્સવનો દાખલો લઈએ. મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હોય અને તેનું તળાવ, નદી, કૂવા કે દરિયામાં વિસર્જન થાય ત્યારે તેમાં વસતાં જળચર જીવો (પ્રાણી તેમજ વનસ્પતિ)ને ઘણું નુકસાન થાય છે. હવે એમાં આપણને પ્રત્યક્ષ રીતે શું નુકસાન થાય એવો સ્વાર્થી માનવ જાત ને પ્રશ્ન થાય.પણ યાદ રાખો સમગ્ર સજીવ સૃષ્ટિ એક અદ્રષ્ય સાંકળથી જોડાયેલી છે. જેમાં એક સજીવનું અસ્તિત્વ સીધી કે આડકતરી રીતે અન્ય સજીવ પર આધારીત હોય છે.એક આશ્ચર્યજનક હકીકતથી વાત સમજવાનો પ્રયાસ કરીએ. જો પૃથ્વી પરની બધી મધમાખીઓ ગાયબ થઈ જાય તો માત્ર ચાર વર્ષમાં આખી પૃથ્વી પરથી મનુષ્ય જાતિનું નિકંદન નિકળી જાય! દેખીતું પ્રત્યક્ષ કારણ સમજાવા છતાં એક સત્ય હકીકત છે. (તમારા માટે એક ક્વિઝ! ચાલો આમ બનવાના કારણ લખી જણાવો!)

ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીમાંથી બનેલી હોય તેવી પસંદ કરી શકાય.મોટા ભાગની ગણપતિની મૂર્તિ વેચતી દુકાનોમાં હવે પ્રકારની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ખાસ અલગ સેકશન હોય છે.આવી માટીમાંથી બનેલી મૂર્તિ પર્યાવરણ માટે બિલકુલ હાનિકારક હોતી નથી વળી તેના પર કરેલા રંગો પણ રસાયણ માંથી નહિ પરંતુ પ્રાક્રુતિક રીતે બનાવેલા હોય છે.

દર વર્ષે ગણપતિ ઘરે કે મંડપોમાં પધરાવનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એટલું નહિ સાર્વજનિક મંડળોમાં પણ જાણે ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની હોડ લાગે છે. જેટલી મૂર્તિઓ સંખ્યા અને  ઉંચાઈમાં વધારે એટલો વધારે પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાશમાં લેવાય અને બધી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરાતા પર્યાવરણને થતા નુકસાનનું પ્રમાણ પણ વધારે. આથી મહેરબાની કરી શેંદુ માટી માંથી બનતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ લાવવાનો આગ્રહ રાખશો અને જો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ  લાવવી પડે તેમ હોય તો બને એટલી નાની મૂર્તિ લાવવી જેથી એનાથી પર્યાવરણ ને થતું નુકસાન ઘટે.



ઘરે કે મંડપમાં સજાવટ માટેની થીમ પણ ઇકોફ્રેન્ડલી રાખી શકાય. જેમકે ઝાડછોડ કે પુષ્પલતાઓનો માટે ઉપયોગ કરી શકાય. થર્મોકોલના તૈયાર મંદિર લાવવાને બદલે ફૂલોથી સજાવેલા બાજઠ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને આરૂઢ કરાવી શકાય.ચૂંદડીઓ કે રંગબેરંગી કપડા કે વપરાશમાં હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી સુશોભન કરી શકાય.

મોટે અવાજે લાઉડ સ્પીકરમાં ગીતો વગાડી કે બેન્ડ બાજાના ઘોંઘાટ દ્વારા ધ્વનિપ્રદૂષણ ફેલાવાનું અટકાવી શકાય. વિસર્જન વેળાએ ભપકા કરી, ગંદકી ફેલાવી, બિભત્સ ચેનચાળા કરી નાચવાની જગાએ સરસ મજાના સંદેશા લખેલા બોર્ડ્સ પકડી રેલી કે સરઘસ કાઢી પર્યાવરણ અંગે જાગૃતિ આણી શકાય. પાલિકા દરેક વોર્ડ્સમાં કૃત્રિમ જળાશયો તૈયાર કરે છે તેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પધરાવી શકાય. એમ કરતાં પર્યાવરણને થતું નુકસાન તો અટકશે જ સાથે સાથે તમે પોતે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન થતા જોઈ શકશો અને ગર્દીમાં ધક્કામુક્કીની હાલાકી ભોગવ્યા વગર શાંતિથી ઓછા સમયમાં વિસર્જન વિધિ પતાવી શકશો.

બ્લોગ એક અઠવાડિયા અગાઉ લખવાનું કારણ એક છે કે હજી સમય છે તમે વાંચીને વખતની તમારી ગણેશોત્સવની ઉજવણી બને એટલી ઇકો-ફ્રેન્ડલી રીતે કરવાનો વિચાર અમલમાં મૂકી શકો છો.એકાદ વાચક પણ એમ કરશે તો મારો પ્રયત્ન લેખે લાગ્યો ગણાશે.

મંગળવાર, 19 ઑગસ્ટ, 2014

દેશભક્તિ એટલે શું?

       ૧૫મી ઓગષ્ટે આપણો સ્વતંત્રતા દિવસ ગયો. હજી સ્વતંત્રતા દિવસની સુવાસ ઓસરી નથી...એક દેશભક્તિની લહેર આપણને સૌને સ્પર્શી ગઈ, જે હજુ મારા વિચારોમાં ઘૂમરાઈ  રહી છે.

       દેશભક્તિ એટલે શું વિશે મેં થોડું મનન કર્યું. સ્વતંત્રતા દિવસ પહેલા જ વ્હોટ્સ એપ પર લોકોએ પોતાનાં ડિસ્પ્લે પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજનું પિક્ચર મૂકી દીધેલું તો એ દિવસે સવારથી દેશભક્તિના સંદેશાઓની જાણે અવિરત વર્ષા થતી રહી! રાષ્ટ્રગીતના પણ અનેક સ્વરૂપ જોવાં-સાંભળવા મળ્યાં.એક મિત્રે આપણે જાણીએ છીએ તેના કરતાં ચારગણું મોટું ઓરિજિનલ રાષ્ટ્રગીત મોકલ્યું તો બીજા મિત્રે માત્ર સિનેજગત સાથે સંકળાયેલી મહિલાઓ પર ચિત્રીત રાષ્ટ્રગીત મોકલાવ્યું. જો કે એ દરેક સ્વરૂપે રાષ્ટ્રગીત માણતી વખતે મારા શરીરમાંથી એક અજબના સ્પંદનની લહેર પસાર થતી મેં અનુભવી.

મુંબઈના લગભગ દરેક સભાગૃહ અને સિનેમાહોલમાં શો શરૂ થયા પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને તેના સન્માનમાં દરેક પ્રેક્ષક આદરપૂર્વક ઉભો થઈ જાય છે.મને જોવું ગમે છે. જોઈ અને ત્યારે બધાં વચ્ચે ઉભા રહી હું પણ એ ક્ષણો દરમ્યાન  ગૌરવ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી અનુભવું છું.
જ્યારે ભારત કોઈ મહત્વની ક્રિકેટ મેચ જીતે કે અન્ય કોઈ મોટા રમતોત્સવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતે ત્યારે પણ હું અનેક ભારતીયો સહિત પ્રકારના રાષ્ટ્રીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવું છું. તાજેતરમાં સમાપન પામેલ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પંદર સુવર્ણ સહિત કુલ ચોસઠ મેડલ્સ મેળવી એકંદરે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું ખબર વાંચીને મારી છાતી ગદગદ ફૂલી હતી. અભિનવ બિન્દ્રા,સુશીલ કુમાર, વિજેન્દર સિંઘ, મેરી કોમ વગેરે રમતજગત ક્ષેત્રે કે સુશ્મિતા સેન,ઐશ્વર્યા રાય,લારા દત્તા વગેરે સૌંદર્ય ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા ત્યારે પણ મારા સહિત લાખો ભારતીયોએ ગૌરવ મિશ્રિત હર્ષની લાગણી અનુભવી હશે. કોઈ બિનનિવાસી ભારતીય પણ વિદેશમાં કોઈ સિદ્ધી હાંસલ કરે તો અહિં બેઠા બેઠા આપણું સર ફક્રથી ઉંચું થઈ જાય છે! સુનિતા વિલિયમ્સ કે કિરણ  દેસાઈએ અવકાશ અને સાહિત્ય ક્ષેત્રે કે અમર્ત્ય સેને ઇકોનોમિક્સ વિશ્વમાં પોતપોતાની કારકિર્દીની મહાન સફળતા પ્રાપ્ત કર્યાના ખબર વાંચી આપણે સૌએ બેહદ ખુશીનો અનુભવ નહોતો કર્યો?

આનું ઉલટું પણ એટલું સાચુ છે. જ્યારે કોઈ વિદેશી સત્તા ભારત માટે ખરાબ બોલે કે તેનું અપમાન કરે ત્યારે આપણને ક્રોધ આવે છે અને આપણે દુ:ખી પણ થઈ જતા હોઇએ છીએ.

શું દેશભક્તિ છે?

ના...મારા મતે દેશભક્તિ આથી કંઈક વિશેષ છે.

મારા મતે દેશભક્તિ એટલે દેશને આદર આપવા સાથે તેને વધુ બહેતર બનાવવામાં આપણાથી બને એટલું યોગદાન આપવું ભલેને સાવ નાનકડું કેમ હોય. વિશ્વ આખું હાલમાં ગ્લોબલ વોર્મિંગ,આર્થિક સંકટ,વસ્તી વધારા અને સામે શુદ્ધ પાણી તેમજ ઉર્જાનાં પ્રાપ્ય કુદરતી સ્રોતોમાં થઈ રહેલો ઘટાડો વગેરે જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આપણે એક સાચા જવાબદાર નાગરિક તરીકે સરકાર આપણાં દેશની પ્રગતિ માટે અને ઉપર જણાવેલી સમસ્યાઓના નિરાકરણ માટે જે જે પ્રયત્નો કરે છે તેમાં યથાશક્તિ આપણો ફાળો નોંધાવવો જોઇએ.

બ્રિટીશ રાજમાંથી આઝાદી મળ્યે કેટલાક દસકા પસાર થઈ ચૂક્યા છે. હવે સમય છે સ્વાવલોકન નો. આપણે શું મેળવ્યું છે આટલાં વર્ષોમાં? અનેક કુરબાનીઓ,બલિદાનોના ભોગે અને અપાર કષ્ટો વેઠ્યા બાદ આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી. આપણે યાદ રાખવાનું છે.આઝાદીની મજા માણવાની સાથે સાથે આપણા મહાન રાષ્ટ્ર પ્રત્યે આપણી કેટલીક ફરજો છે જે આપણે એક પુખ્ત જવાબદાર નાગરિક બની અદા કરવાની છે.

દુબઈ કે સિંગાપોરની સ્વચ્છતાના ઉદાહરણ આપતા આપણે થાકતા નથી અને ત્યાં જઈએ ત્યારે ત્યાં સ્વચ્છતા જાળવવાની પણ આપણે દરકાર રાખીએ છીએ.પણ આપણાં દેશ કે શહેરને સ્વચ્છ રાખવા આપણે શું કરીએ છીએ? અહિ આપણે જ્યાંત્યાં કચરો નાખીએ છીએ. ગમે ત્યાં થૂંકતા કે મૂતરતા જરા પણ શરમાતા કે અચકાતા નથી.સરકાર સ્વચ્છતા અભિયાનો હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પણ જ્યાં સુધી આપણે જા ગૃત થઈ આવી બાબતોમાં સહકાર આપતાં નહિ થઈએ ત્યાં સુધી આપનો દેશ સ્વચ્છ અને સુઘડ રાષ્ટ્ર તરીકેની છબી ધરાવવામાં સફળ થઈ શકશે નહિ.

આપણે પાણી કે વિજળી જેવા અતિ કિંમતી સ્રોતો વાપરતી વખતે ક્ષણમાત્ર માટે પણ વિચાર કરીએ છીએ? હું ઘણી વાર જોઉં છું લોકો પાણીનો નળ ખુલ્લો રાખી વહેતા પાણીએ બ્રશ કરતાં કે ઊલ ઉતારતાં હોય છે, સ્ત્રીઓ વાસણ કે કપડા ધોતી હોય છે.રસોઈ કરતી વખતે કે શાકભાજી,અનાજ વગેરે ધોવા પાણીનો અવિચારી વપરાશ થાય છે અને પછી વધેલું પાણી પણ ઝાડછોડમાં કે અન્ય વપરાશ (જેવા કે ગાડી ધોવા કે જાજરૂમાં)માં લેવાની જગાએ ઢોળી દેવાય છે. જાહેર જગાઓએ  લોકો પાણીનો બેફામ ઉપયોગ કરતાં હોય છે.પાણી પીધા પછી કે તેનો વપરાશ થઈ ગયા બાદ પણ નળ ખુલ્લો કે અધખુલ્લો છોડી દેતા હોય છે.વિદર્ભના ગામોમાં કે જ્યાં દુકાળ છે વિસ્તારોની મુલાકાત લો તો જોવા અને જાણવા મળે કે પાણીની કિંમત શી છે. વિજળીના વપરાશમાં પણ અવિચારીપણું જોવા મળે છે.જરૂર હોય ત્યારે પણ લાઈટ કે પંખાની સ્વિચ ચાલુ હોય. ટી.વી.કોઈ જોતું હોય તે ઓરડામાં વ્યર્થ ચાલુ હોય. .સી. વગેરે ઉપકરણોની મેન સ્વિચ પણ જ્યારે તે વપરાશમાં હોય ત્યારે ચાલુ રાખીએ તો વિજળી વપરાયા કરે છે તેની કેટલા જણને ખબર હોય છે?આવી નાની નાની વાતો આપણે ધ્યાનમાં રાખવી જોઇએ.

રસ્તાઓ પર આપણે જોઇએ છીએ કે ક્યારેક કલાકો સુધી ટ્રાફીક જામ હોય છે. શા માટે? કેટલાક લોકોની ટ્રાફીકના નિયમોની ઐસી કી તૈસી કરવાની આદતને કારણે.સાવ ટૂંકા અંતરે જવા માટે પણ આપણે વાહનોનો ઉપયોગ કરી શરીર અને પર્યાવરણ બંને બગાડતા હોઇએ છીએ.કાર પુલિંગ કે જાહેર વાહનવ્યવસ્થાના ઉપયોગ દ્વારા પણ અસરકારક રીતે ટ્રાફીક અને પ્રદૂષણ બંને ઘટાડી શકાય છે અને આમ કરવાથી ઇંધણ અને તેની બચત દ્વારા પૈસામાં પણ બચત થઈ શકે છે.

દેશભક્તિ મારા મતે માત્ર દેશ પ્રત્યે આદર દાખવી વ્યક્ત થઈ જતી નથી પણ એમાં તમારા અન્ય દેશબાંધવો પ્રત્યે આદર અને દરકારની ભાવના નો પણ સમાવેશ થઈ જાય છે.આપણે આપણાં પાડોશીઓની પણ પરવા કરતાં નથી ત્યાં દેશબાંધવો પ્રત્યે કોઈ પ્રકારની ભાવના તો દૂરની વાત થઈ ગઈ.આપણે સ્વાર્થી બની ગયાં છીએ.મોટે ભાગે લોકો પોતાની અને પોતાના કુટુંબીજનોની પરવા કરતાં જોવા મળે છે.પણ ખરી દેશભક્તિवसुधैव कुटुम्बकम् (આખું વિશ્વ એક કુટુંબ સમાન છે)ની ભાવનામાં રહેલી છે.આપણે ધર્મ,જાતિ-પેટાજાતિ,વંશ,ભાષા અને લિંગભેદના ઝઘડા ભૂલીને માનવતાને સર્વોચ્ચ અગ્રિમતા આપવી જોઇએ.જો આપણે આમ કરીશું તો આતંકવાદ અને તેના જેવી અન્ય મસમોટી સમસ્યાઓ ઉકેલવામાં પણ ઘણી મોટી રાહત અને સફળતા પ્રાપ્ત થશે.

ચાલો સૌ સાથે મળીને આપણાં દેશને ખરા અર્થમાં બધી બદીઓની બેડીઓમાંથી સ્વતંત્ર કરવાના ભગીરથ કાર્યમાં આપણો ફાળો નોંધાવવાની પ્રતિજ્ઞા લઈએ...આઝાદી દિન સાચા અર્થમાં ઉજવીએ...