Translate

રવિવાર, 3 ઑગસ્ટ, 2014

પેરેન્ટ્સ મિટીંગ


ગત ગુરૂ પૂર્ણિમાને દિવસે નમ્યાની સ્કૂલમાં પેરેન્ટ્સ મિટીંગ હતી.હું અને અમી બંને તેમાં હાજરી આપવા ગયાં.સ્કૂલ બહાર નોટિસ બોર્ડ પર લખ્યું હતું એક પેરેન્ટ હાજર રહી શકે.મને નવાઇ લાગી.બાળકના માતાપિતા બંનેને તેના અભ્યાસની પ્રગતિ વિષે જાણવામાં રસ હોય તો આવી મર્યાદા શા માટે? મોટા ભાગનાં બાળકોની મમ્મી મિટીંગમાં હાજર રહેવા આવી હતી. જો કે કેટલાક પિતાઓ પણ્ હાજર હતાં એટલે મારો ક્ષોભ જરા ઓછો થયો.

નમ્યા જુનિયર કે.જી.માં ભણે છે. તેનાં ક્લાસ અને અન્ય ત્રણ વર્ગોની પેરેન્ટ્સ મિટીંગ  એક વર્ગમાં રાખવામાં આવી હતી. હવે સમજાયું શા માટે એક પેરેન્ટને હાજર રહેવાની ભલામણ કરાઈ હતી. બધાં ક્લાસ ટિચર્સ અને મોટા ભાગના વિદ્યાર્થેીઓનાં પેરેન્ટ્સ તેમ પ્રિ-સ્કૂલ નાં પ્રિન્સિપલ આવી ગયાં અને મિટીંગની શરૂઆત થવામાં હતી ત્યાં મેં આંગળી ઉંચી કરી કંઈક કહેવા પરવાનગી માગી. હકારમાં પ્રતિભાવ મળતાં મેં કહ્યું,"આજે મિટીંગમાં વિદ્યાર્થેીઓ તો હાજર નથી પણ તેમનાં વતી તેમનાં સર્વે ગુરૂઓને અમારા સૌ પેરેન્ટ્સ તરફથી આજના ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રણામ.”  અને પછી મેંગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ..” શ્લોક ગાયો. સૌ ટીચર્સ અને પેરેન્ટ્સ ખુશ થઈ ગયાં અને સૌની તાળીઓના ગુંજારવથી વર્ગ ખંડ ભરાઈ ગયો.

પછી તો પ્રિ-સ્કૂલ નાં પ્રિન્સિપલે અમને અમારાં બાળકોને શું શું ભણાવવામાં આવ્યું, આવે છે અને આવશે તેની માહિતી આપી. પ્રશ્નોત્તરી સત્રમાં ઘણાં પેરેન્ટ્સે પોતપોતાનાં પ્રશ્નો પૂછી તેનાં ઉત્તર મેળવ્યાં.એક મહિલાએ ચોથી .બી.સી.ડી.નાં અક્ષરોના વળાંક પોતાનું બાળક બરાબર નથી લખી શકતું અને પોતાની શિખવાવાની પદ્ધતિ સ્કૂલનાં ટીચરની શિખવાવાની પદ્ધતિ કરતાં જૂદી હોવાને કારણે બાળક મૂંઝવણ અનુભવતું હોવાની સમસ્યા વર્ણવી. પ્રિન્સિપલે તેનો ઉત્તર અને પોતાની ટીપ્પણી આપ્યાં.  તેમની ચર્ચા પૂરી થતાં મેં પ્રશ્ન પૂછ્યો કે ચાર વર્ષનાં બાળકને જુનિયર કે.જી. સ્તરે હજી પહેલી એ.બી.સી.ડી. નાં બધાં અક્ષરો પણ પૂરાં લખતાં આવડ્યા નથી ત્યાં ચોથી .બી.સી.ડી. શિખવાવાની શરૂઆત કરવી યોગ્ય ગણાય? જવાબ મળ્યો હાલનાં સપર્ધાત્મક જગતમાં ઝડપે બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે.તેમનો અભ્યાસક્રમ વર્ષે મેનેજમેન્ટ બદલાઇ જતાં પરિવર્તન પામ્યો છે અને તે વૈશ્વિક સ્તરનાં અભ્યાસક્રમની હરોળમાં આવે એવો બનાવાયો છે.

પછી તો જાગ્રુત પેરેન્ટ્સે આવાં બીજાં કેટલાક પ્રશ્નો પૂછ્યાં અને તેમનાં મોટેભાગે સંતોષકારક ઉત્તરો પ્રિન્સિપલ તેમજ વર્ગશિક્ષકોએ આપ્યાં અને પછી મહત્વની સૂચનાઓ અપાઈ. તેમાં એક અગત્યની સૂચના હતી કે પેરેન્ટ્સે પોતાનાં બાળકોને સ્કૂલનાં પ્રાંગણમાં પેશાબ કરાવવો. અંગ્રેજી માધ્યમની આટલી સરસ મોટી સ્કૂલમાં પણ પ્રિ-સ્કૂલનાં કેટલાક પેરેન્ટ્સ આવી શરમજનક હરકત કરતાં હોવાની ચોંકાવનારી વાત બહાર આવી. તેમાં એક બાળકનાં પિતાએ સ્કૂલનાં પ્રિન્સિપલ સાથે વાદવિવાદમાં ઉતરી પોતાનું બાળક એવું કરતું હોવા છતાં પોતાને શા માટે આવી સૂચના અપાય છે એવી વાહિયાત દલીલ કરી. સ્પષ્ટ હતું કે સૂચના કોઈક એક જણ માટે નહોતી અને જાહેર માં તેનો ઉલ્લેખ સૌ માટે  સામાન્ય રીતે કરાઈ રહ્યો હતો.પણ પેલા માણસે તેને અંગત રીતે લઈ સ્કૂલનાં પ્રિન્સીપલ સાથે જીભાજોડી શરૂ કરી અને મને ગુસ્સો આવતાં મેં વચ્ચે પડી પેલાં માણસને તેનું વર્તન ખોટું છે એમ જણાવવા પ્રયાસ કર્યો અને તેણે મને કહ્યું,"ખુદ કો હીરો સમજતા હૈ ક્યા? જ્યાદા બોલ મત." પ્રિન્સિપલે તેને ચૂપ કરાવી વ્યર્થ ચર્ચાનો ત્યાં અંત આણ્યો. મને લાગ્યું મારે વ્ચ્ચે પડી બોલવાની જરૂર નહોતી.

પછી તો બીજા કેટલાક મુદ્દાઓ અને સૂચનોની સામાન્ય ચર્ચા થઈ અને પેરેન્ટ્સ મિટીંગ પૂરી થઈ.

સરસ રીતે શરૂઆત પામેલી પેરેન્ટ્સ મિટીંગ ને અંતે થયેલી ક્ષુલ્લક બોલાચાલીએ મારૂ મન થોડું આળું કરી નાખ્યું પણ એક વાતનાં સંતોષ સાથે હું અને અમી પાછાં ફર્યાં કે અમે નમ્યાને યોગ્ય સ્કૂલમાં દાખલ કરી છે જ્યાં સારા શિક્ષકો તેને ઉચ્ચ અભ્યાસ કરાવશે અને આજનાં સ્પર્ધાત્મક જગતનો સામનો કરવાં સક્ષમ બનાવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો