અમારા ફેમિલી ડોક્ટરના ક્લિનિકમાં બેઠો હતો.ડોક્ટર સાથે વાતચીત શરૂ કરું એ પહેલા ડોક્ટરની કેબિનમાં એક દક્ષિણ ભારતીય સ્ત્રી પ્રવેશી.જ્યારે કોઇએ ડોક્ટરને માત્ર પૈસા ચૂકવવાના હોય કે માત્ર કંઈક સંદેશ આપવાનો હોય ત્યારે જ આ રીતે એક પેશન્ટની હાજરીમાં બીજું પેશન્ટ પ્રવેશ કરતું હોય છે.તે દક્ષિણ ભારતીય સ્ત્રી ચોવીસ-પચ્ચીસ વર્ષની હશે.શ્યામ વર્ણી પણ ઘાટીલી.વચ્ચે સેંથામાં સિંદૂર,દક્ષિણી સાડી,તેલ વાળા વાળનો બાંધેલો લાંબો ચોટલો,ઓછી ઉંચાઈ અને પ્રમાણસરની કાયા ધરાવતી એ સ્ત્રી નખશિખ ભારતીય નારીનું પ્રતિનિધિત્વ કરતી હતી!તે કદાચ ગરીબ વર્ગની સ્ત્રી હતી છતાં તેની સ્વચ્છ સુઘડ છબી આંખે ઉડીને વળગે તેવા હતા.તેણે આવતાં વેંત ડોક્ટરને પૈસા ચૂકવ્યાં અને પછી જે લાક્ષણિક અદામાં બે હાથ જોડી તે ડોક્ટરને દુર્લભ અનોખા સ્મિત સહ આભારવશ મુદ્રામાં ઉભી રહી એ છબી મારા માનસ પટ પર અંકિત થઈ ગઈ.ફિલ્મની અદાકારા જેવો કે શાસ્ત્રીય નૃત્યાંગનાની એકાદ લાક્ષણિક મુદ્રા જેવો એ પોઝ અદભૂત હતો અને ખબર નહિ કેમ પણ આ લાગણી સભર દ્રષ્ય જોતાં મારી આંખમાં ઝળઝળિયા આવી ગયાં! ન કોઇ ઓળખાણ, ન કોઇ અન્ય સબળ કારણ...મને જ સમજાયું નહિ કે શા માટે હું આટલો લાગણીસભર થઈ ગયો. કૃતજ્ઞતાવશ તેણે ડોક્ટરને જાણે ભગવાનનો દરજ્જો આપી દીધો અથવા તેને કે તેના પરિવારના સભ્યને ડોક્ટર સાહેબે મોટી બિમારીરૂપ આફતમાંથી ઉગાર્યા હોય તેમ હશે કે કદાચ ડોક્ટર સાહેબે તેની ફીના પૈસા ઓછા લીધા હશે કે જો કોઇ પણ કારણ હોય પરંતુ તેની એ આભાર પ્રગટ કરતી મુદ્રા એ ડોક્ટર સાથે આંખો દ્વારા અર્થપૂર્ણ સંવાદ રચ્યો અને એ અવ્યક્ત શબ્દોથી રચાયેલી વાર્તા મને સ્પર્શી ગઈ...
* * *
થોડા સમય અગાઉ પ્રિયંકા ચોપરા પર ફિલ્માવાયેલું એક આઈટમ સોન્ગ આવ્યું હતું 'પિન્કી હૈ પૈસે વાલો કી..' આ ગીત મને જરાય પસંદ નહોતું.એનાં શબ્દો પણ મને નહોતા પસંદ કે નહોતું પસંદ મને તેનું ચિત્રીકરણ.પણ કોણ જાણે ક્યાંથી મારી નાનકડી નમ્યાનાં મોઢે આ ગીત ચઢી ગયું!અને તેની કાલી કાલી અસ્ફૂટ પણ સ્પષ્ટ ભાષામાં ખાસ પ્રકારનાં લઢણ સાથે તે સતત ગય 'કેશ(નગદ) ચાહિયે મુજે કેશ ચાહિયે...' અને તેના મોઢે એ સાંભળવું મને એટલું પસંદ પડી ગયું કે ન પૂછો વાત!
તેને બિચારીને ગીતનાં શબ્દોનો અર્થ પણ ખબર નથી પણ ગીતનાં લય અને સંગીતમાં રૂચિને લીધે તે વારંવાર એ કડીઓ ગણગણે છે અને દરેક વખતે મારા મોઢા પર સ્મિત આવી જાય છે. નમુડીને પણ ખબર પડી ગઈ છે કે તેના પપ્પાને આ ગીત નથી ગમતું એટલે મને ચિડવવા એ જાણે હસતાં હસતાં એ ગીત વધુ જોરથી ગાય છે અને મને પરાણે વધુ વહાલી લાગે છે અને ન ગમતું ગીત પણ ગમાવડાવે છે!જો કે થોડી સમજણી થયાં પછી એ ચોક્કસ પોતે જ સારાં અને ઉચ્ચ કક્ષાનાં ગીતો જ માણશે અને ગણગણશે એવી મને ખાતરી છે!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો