Translate

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

આસ્થા કે અંધશ્રદ્ધા


સર્વ કાર્યોના શુભારંભ વખતે સ્મરવામાં આવે છે એવા શ્રી ગણેશ ભગવાનનાં ગણેશોત્સવ દ્વારા તહેવારોની  કતાર શરૂ થઈ ગઈ છે! ટૂંક સમયમાં નવરાત્રિ પછી દિવાળી,નાતાલ,ઉતરાણ વગેરે વગેરે. આપણે ભારતીયો આમ પણ મૂળથી ઉત્સવપ્રિય પ્રજા છીએ. રજા મળે! નવા નવા વસ્ત્રો પહેરી, નવી નવી વાનગીઓ આરોગવા મળે, સગા-સ્નેહી-મિત્રોને મળવાનું થાય, પાર્ટી થાય, ઉજાણી થાય, ઘોંઘાટ ભર્યું સંગીત - બેન્ડબાજા અને નાચગાન પણ હવે તો તહેવાર ઉજવણીના અવિભાજ્ય અંઅગ સમાન બની ગયા છે. બધું ઠીક પણ આજે બ્લોગ દ્વારા એક બીજો અગત્યનો મુદ્દો ચર્ચવો છે. આસ્થાનો કે અંધશ્રદ્ધાનો મુદ્દો.

તહેવારોની ઉજવણીમાં કંઈ ખોટું નથી પણ કઈ રીતે ઉજવવી એમાં ક્યારેક આપણે થાપ ખાઈ જઈ છીએ. કેટલીક રૂઢીઓ વર્ષોથી ચાલી આવતી હોય તેનું વગર વિચાર્યે આંધળું અનુકરણ મોટી સમસ્યા છે. ગણપતિને આજે ઘેર લાવી પૂજન કરતાં લોકોની સંખ્યા સેંકડો નહિં, હજારોમાં વધી છે. મૂળતો એક સાર્વજનિક તહેવાર અને મંડપ કે સમૂહ તેનું પૂજન કરે અને એકતા અને સામીપ્ય વધે તેનો મૂળ હેતુ પણ ઘરે લાવીને પણ પૂજન થાય, બહાને ઘરમાં ભક્તિભાવ ભર્યું વાતાવરણ ભલે ને દોઢ દિવસ તો માત્ર દોઢ દિવસ માટે સર્જાય,પોઝીટીવીટી ફેલાય અને આનંદ-ઉત્સાહ ભર્યો માહોલ સર્જાય તો આવકાર્ય ગણાય. પણ હવે લોકોની સંખ્યા વધે તેમ ઘેર લવાતી મૂર્તિઓની સંખ્યા પણ વધે. અને મૂર્તિઓ જો માટી જેવા ઈકો-ફ્રેન્ડલી પદાર્થમાંથી બનતાં પ્લાસ્ટર ઓફ પેરીસ જેવા હાનિકારક દ્રવ્યમાંથી બનાવેલી હોય (જે મોટે ભાગે આજે પણ બને છે) તો વિસર્જન બાદ દરિયા કે કુદરતી તળાવ વગેરેમાં વસતા માછલી, કાચબા, દરિયાઈ વનસ્પતિ વગેરે નો જીવ તો  જોખમાય પણ કુદરતી જૈવિક સાંકળનું સંતુલન ખોરવાતાં પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ રહે છે.

ગયા વર્ષ કરતાં વર્ષે ઈકોફ્રેન્ડલી કૃત્રિમ તળાવોમાં થયેલા વિસર્જનની સંખ્યામાં નજીવો જ વધારો થયો છે જે ખૂબ સારી બાબત નથી. હવે લોકોએ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ઘેર કે મંડપમાં લાવવાનો આગ્રહ રાખવો જોઇએ. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી મૂર્તિ બનાવતી વખતે ઓછી મહેનત પડે છે અને તે પ્રમાણમાં સસ્તી પડે છે તેથી મૂર્તિ બનાવનારા કારીગરો પ્રકારે મૂર્તિ બનાવવાનું પસંદ કરે છે પણ જો સરકાર માટીની મૂર્તિ બનાવવાનો કાયદો લાવે અને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પર પ્રતિબંધ લાદે કે લોકોમાં જાગૃતિ આવે ને તેઓ માટીની મૂર્તિ લેવાનું પસંદ કરે તો પરિવર્તન આવે.બીજું વિસર્જન માટે તો સુધરાઈ અનેક કૃત્રિમ તળાવો ઠેર ઠેર બનાવે છે પણ લોકોએ તેનો ઉપયોગ કરવો જોઇએ. પર્યાવરણનો પ્રચાર કરનાર મુંબઈના સુધરાઈ વિભાગે વખતે પણ ગણેશોત્સવ સ્પર્ધામાં ૯૦ ટકા ઇનામો પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનેલી મૂર્તિઓને આપ્યાં છે જેમાં બદલાવ જરૂરી છે. પ્રત્યક્ષ - અપ્રત્યક્ષ દરેક રીતે સરકાર કે સરકારી સંસ્થાઓએ ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલીને પ્રોત્સાહન આપવું જોઇએ.

વિસર્જન એક પ્રતીકાત્મક વિધિ છે. નામ તેનો નાશ. જે આવે તે જાય ભાવના પરિપૂર્ણ કરવા ગણેશની મૂર્તિનું ખરું જોતા તો ઘરે ડોલમાં કે આંગણે ખાડો કરી પણ વિસર્જન કરી શકાય પણ ભણેલા ગણેલા લોકો પણ આસ્થાના ભ્રમ હેઠળ કેવી જડ માનસિકતા ધરાવતા હોય છે તેનો અનુભવ મને થોડા દિવસ અગાઉ ગણેશોત્સવ દરમ્યાન થયો.મારા એક વેલ-એડ્યુકેટેડ મિત્ર સાથે મેં ઈકોફ્રેન્ડલી વિસર્જન અંગે વાત કરી ત્યારે કહે "ના ભાઈ વિસર્જન તો કુદરતી તળાવમાં શાસ્ત્રોક્ત રીતે થવું જોઇએ નહિતર ગણપતિ બાપ્પાનો કોપ વેઠવો પડે(!)" તેની બહેને પણ વાતમાં સૂર પુરાવ્યો અને તેમના ઘરની નજીકમાં સુધરાઈ દ્વારા બનાવાયેલ કૃત્રિમ તળાવને તેણે ગંદો ખાડો ગણાવી પ્રકારે વિસર્જનની હાંસી ઉડાવી.વધુ નવાઈ મને ત્યારે લાગી જ્યારે તેઓ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન આ વર્ષે મંગળવાર આવતો હોઈ રાતે બાર વાગ્યા પછી કરવાની વાત કરતા હતાં! હવે અડધી રાત પછી તો બે દિવસ થઈ ગયા ગણાય? અને દ્રષ્ટીએ તો બેકી સંખ્યાના દિવસે બે દિવસ પછી પણ મૂર્તિનું વિસર્જન થવું જોઇએ. પાછો બીજો એક મુદ્દો તેમણે ચર્ચ્યો જે મને હાસ્યાસ્પદ લાગ્યો. જો મંગળવારે સાંજે તમારે દોઢ દિવસનું વિસર્જન કરવું હોય તો સોનુ કે કોઈ મોંઘી ધાતુ સાથે તમે ગણેશની મૂર્તિ વિસર્જીત કરી શકો! આની પાછળ શો તર્ક હોઈ શકે તે મને સમજાયું!
હવે આવી રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા ભણેલા ગણેલા વર્ગની માનસિકતામાં ક્યારે પરિવર્તન આવશે?
            બીજો એક મુદ્દો દેખાદેખીનો છે જે અંગે વિચારી ક્યારેક વ્યથા અનુભવાય છે.સાર્વજનિક મંડળો ઘેર ઘેર મસમોટી રકમ (ક્યારેક પરાણે) ગણપતિને નામે ઉઘરાવે પછી તોતિંગ ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની સ્પર્ધા કરે,બેન્ડબાજા પાછળ મસમોટો ખર્ચ ગણપતિની મૂર્તિ લાવતી અને પધરાવતી બંને વખતે કરે - એ દ્વારા અને પછીથી મંડપમાં આખો દિવસ અને મોડી રાત સુધી લાઉડ સ્પીકરમાં મોટા અવાજે સંગીત વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે, મંડપ ઝાકઝમાળ લાગે તે માટે લાઈટીંગ પાછળ ખર્ચો તો કરે જ અને વિજળીનો વ્યય કરે આ બધું સહન નથી થતું. ઉત્સવની ઉજવણીનો વિરોધ નથી પણ સંયમ તો હોવો જોઇએને?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો