Translate

રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013

ડાન્સ ડાન્સ …! (ભાગ - 3)


[મૂળ બ્લોગ ૨૦૦૭માં મારી ઓફિસના એન્યુઅલ ડે સમારંભમાં અમે ડાન્સ શો રાખ્યો હતો તેને અનુલક્ષીને મેં અંગ્રેજીમાં લખ્યો હતો. બ્લોગ પર મળેલા પ્રોત્સાહક પ્રતિભાવને પગલે અહિં પણ તેનો અનુવાદ કરી બે કે ત્રણ ભાગમાં રજૂ કરીશ. આશા છે તમને પણ અનુભવ વાંચવો ગમશે.]


 ‘ઢોલી તારો…’ ગીત પર ચાર છોકરા અને ચાર છોકરીઓ નાચવાના હતાં.તેઓ દરેક માથાની પાછળની બાજુએ એક એક મહોરું પહેરવાના હતાં.છોકરાઓ છોકરીઓનું મહોરું અને છોકરીઓ છોકરાઓનું મહોરું.તેમના પોશાક પણ વિશિષ્ટ પ્રકારના હતાં.છોકરાના પોશાકમાં શરીરના આગળના ભાગમાં ધોતી અને કેડિયુ અને પાછળના ભાગમાં ચણિયા ચોળી ગૂંથેલા હતાં! છોકરીઓના પોશાકમાં પણ આવી ભેળસેળ! આગળ તરફ છોકરીના ચણિયા ચોળી પણ પાછળ પુરુષના મહોરા નીચે કેડિયુ-ધોતિયુ! પોશાક પહેરી ચાર છોકરીઓ એક લાઈનમાં ઉભી હોય અને બાજુમાં ચાર છોકરાઓને ઉંધા ઉભા રાખો તો આઠ છોકરીઓ એક સાથે લાઈનમાં ઉભી હોય એવું લાગે! અને તેઓ બધા એકી સાથે ઉંધા ફરે તો આઠ છોકરીઓ એકસરખા ચણિયાચોળી પહેરી ઉભી હોય એવું લાગે! ગીતની કોરિયોગ્રાફી પણ હિતેન ગાલા સરે ખૂબ સરસ કરેલી.વારંવાર છોકરા છોકરીઓએ ઉંધા ફરી પોતાનો બીજો અવતાર પ્રેક્ષકો સામે લાવવાનો અને મોઢુ સતત હલાવતા રહેવાનું જેથી ઉંધા હોવ ત્યારે મહોરું પણ હલ્યા કરે અને બાજુમાં રહેલ વિજાતીય પાત્ર સાથે વાત કરતું હોય એવું લાગે! એક તો ગીત પણ સરસ અને એમાંયે આવો નવલા પ્રકાર નો કન્સેપ્ટ! અમને ખાતરી હતી આઈટમ તો અમારા ઓફિસના ઓડિયન્સમાં ચોક્કસ હીટ થઈ જવાની!
 



 

રોક્સીએ પણ કેટલાક વેસ્ટર્ન ડાન્સની કોરીયોગ્રાફી કમાલની કરી હતી. ડાન્સના બધાં સ્ટેપ્સ યુવાનીથી થરકતા અને ઉર્જાભર્યાં હતાં. અઘરા હતાં પણ એટલા સરસ કે તેમાં ફાવટ આવી જાય ત્યાં સુધી તમને ચેન પડે! હું જેમાં ડાન્સ કરવાનો હતો ઝૂમ બરાબર ઝૂમ…’ ગીત પણ થનગનાટ ભર્યું અને ભલ ભલાને ખરેખર ઝૂમવાનું મન થઈ જાય એવી કોરીયોગ્રાફી ધરાવતું હતું. રોક્સીએ અમને કુલ ૧૧ ડાન્સર્સને ત્રણ જૂથમાં વિભાજીત કર્યા હતાં.ગીત શરૂ થયા પહેલા બધાં ડાન્સર્સ ઘૂંટણભેર પગના  અંગૂઠા પર બેસેલા હોય અને જેવું ગીત શરૂ થાય કે તેની બીટ્સ પર પહેલા જૂથના ચાર જણ ઉભા થઈ ફરી ઝડપથી બેસી જાય.પછીની આઠ બીટ્સ પર બીજા જૂથના ત્રણ જણ એજ રીતે ઝડપથી ઉભા થઈ ફરી બેસી જાય અને પછીની આઠ બીટ્સ પર છેલ્લા જૂથના ચાર ડાન્સર્સ એજ સ્ટેપ રીપીટ કરે! છેલ્લી આઠ બીટ્સ પર બધા જૂથના દરેક ડાન્સર્સ એક સાથે ઉભા થાય અને ફરી બેસી ઉભા થઈ જાય! પ્રકારના સિન્ક્રોનાઈઝેશન અને કોર્ડિનેશન ધરાવતા ડાન્સ પ્રત્યે મને પહેલેથી ખૂબ આકર્ષણ હતું અને અહિં હું પોતે આવા એક ડાન્સ સિક્વન્સનો ભાગ બનવા જઈ રહ્યો હતો! મને ખૂબ મજા આવી રહી હતી. ગીતમાં વચ્ચેની પંક્તિ પર વિજયા અને દ્વીતી સ્ટેજની સામસામે ની બાજુએથી પ્રવેશી સ્ટેજ પર એક્રોબેટીક્સ જેવા કેટલાક સ્ટેપ્સ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી સ્ટેજના બીજે છેડેથી એક્ઝીટ લેવાની હતી! આખા ગીત દરમ્યાન અમારે પૂરેપૂરા સ્ટેજ ને કવર કરી સતત દોડતા કૂદતા નાચતા રહેવાનું હતું અને ગીત છેલ્લુ હોઈ અમારે સ્ટેજ પરથી નીચે ઉતરી પ્રેક્ષકો વચ્ચે જઈ અમારા ઓડિયન્સમાં બેઠેલા કલીગ્સને પણ ડાન્સ કરવા આમંત્રિત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવાની હતી.

લોકગીત જેવારંગ દે બસંતી’ના ગીત પરની પંજાબી સ્ટેપ્સ ધરાવતી કોરિયોગ્રાફી પણ ખૂબ સરસ હતી જેમાં સ્ટેપ્સ ખાસ અઘરા નહોતા પણ ખૂબ શક્તિ માગી લે તેવા હતાં. ગીત પર ડાન્સનું રીહર્સલ કર્યા બાદ અમે પરસેવે રેબઝેબ થઈ સ્ટેજ પર બેસી પડતાં! ગીતની કોરિયોગ્રાફી છેલ્લે છેલ્લે થઈ હતી અને કેટલાક સ્ટેપ્સ તો ગ્રાન્ડ ફિનાલેના બે-એક દિવસ અગાઉ બેસાડ્યા હતાં! આથી ગીત પર એકીસાથે ચાર-પાંચ વાર પ્રેક્ટીસ કરવી પડી હતી!


      જેમ જેમ અમારો એન્યુઅલ ડે નજીક આવતો ગયો એમ એમ અમારી ઉત્કંઠા વધતી ચાલી! અમારા કાર્યક્રમના બે-ત્રણ દિવસ અગાઉ અમારે ડાન્સ કરતી વેળાએ પહેરવાના પોશાક આવી ગયા! એ પહેરીને અમારે ડ્રેસ રીહર્સલ કરવાનાં હતાં.અમે બધાં ખૂબ ઉત્સાહિત થઈ ગયાં!પ્રોફેશનલ ડાન્સર્સની જેમ અમારે એ ચળકતા ભપકાદાર કોસ્ચ્યૂમ્સ પહેરી સ્ટેજ પર પરફોર્મ કરવાનું હતું! એ વિચાર જ અમને સૌને ઉત્તેજિત કરી દેનારો હતો.

અમારામાંના ઘણાં ૪-૫ ગીતોમાં ડાન્સ કરવાનાં હતાં આથી એક ગીત પૂરું થયા બાદ ફટાફટ ડ્રેસ ચેન્જ કરવાનું જરૂરી હતું જે સરળ નહોતું એ અમને ડ્રેસ રીહર્સલ વેળાએ જ સમજાઈ ગયું જ્યારે એક પછી એક બધાં ગીત કાર્યક્રમમાં જે ક્રમમાં વાગવાના હતાં એ જ ક્રમમાં વગાડીને પ્રેક્ટીસ કરાવવામાં આવી!
   

અમારા કોરીયોગ્રાફર હિતેન ગાલા અને રોક્સી પણ ખૂબ ઉર્જા અને ઉત્સાહથી અમને શિખવતા. હિતેન સરે અમને કાર્યક્રમના આગલા દિવસે છેલ્લા રીહર્સલ વેળાએ આખા ગ્રુપને સ્ટેજ પર એક સાથે બેસાડી ડાન્સ સાથે જીવનમાં પણ ઉપયોગી થઈ પડે એવી તર્કસભર અને બોધદાયક ટીપ્સ આપતાં ખૂબ અસરકારક અને મહત્વની વાતો કહી.તેમણે કહ્યું તમે અહિ તમારા રૂટીન કરતાં તદ્દન ભિન્ન એવી એક પ્રવ્રુત્તિ કરી રહ્યા છો, કંઈક નવું શિખી રહ્યા છો માટે તમારે સૌએ તમારી જાતને બિરદાવવી જોઇએ! અને તમે અહિં માત્ર ડાન્સ નથી શિખ્યાં! તમે કેટલા નવા મિત્રો બનાવ્યાં છે. તમે હસ્યાં છો,તમે કસરત કરી છે (ડાન્સ એક પ્રકારે શરીરને વ્યાયામ પૂરો પાડે છે) અને બધાં કરતાં વિશેષ તમે આ ક્ષણોને માણી છે! બધી યાદો તમારા સૌ માટે સુખદ સંભારણાં બની રહેશે! (આજે સમજાય છે કેટલું સાચું કહ્યું હતું તેમણે! છ વર્ષ પહેલાની આ યાદો આજે આ બ્લોગ થકી હું તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું!)

         તેમણે વાત આગળ વધારતાં કહ્યું ડાન્સની જેમ જ જીવનમાં પણ આપણે જે કંઈ કરીએ છીએ તે પૂરા રસપૂર્વક તન્મય થઈને કરવું જોઇએ. આપણે જે કંઈ કરી છીએ તેને માણતાં શિખવું જોઇએ પછી ભલે એ કામ હોય, શોખ હોય કે કોઈ રોજીંદી પ્રવૃત્તિ હોય. પછી જુઓ પરીણામ! તેમણે કહ્યું અમે કંઈ પ્રોફેશનલ ડાન્સર્સ નહોતા એટલે ભૂલો તો થવાની જ હતી પણ ક્યાંયે અમારે અટકવું નહિ!એ ભૂલને ગંભીરતાથી લેવી નહિ અને ડાન્સ ચાલુ રાખવો.આવી ગંભીર વાત કરતાં કરતાં વચ્ચે તેમણે એવી એક ઉપયોગી ટીપ આપી જે સાંભળી અમે પેટ પકડીને હસી પડ્યાં!તેમણે કહ્યું ડાન્સ કરતાં કરતાં માનો કે આખા જૂથે એકસાથે જમણી તરફ જવાનુ છે પણ ભૂલથી એક છોકરી ડાબી તરફ ચાલી જાય તો તેણે જરાયે નર્વસ નહિ થવાનું!તેણે મનમાં એમ ધારી લેવાનું કે પોતે હીરોઈન છે અને ઓડિયન્સને પણ એવો જ વિશ્વાસ અપાવવાનો!ઓડિયન્સને ક્યાં કોરીયોગ્રાફીની અગાઉથી જાણ હોય છે!બીજા બધાં ડાન્સર્સ જાણે ‘એક્સ્ટ્રા’ કે ‘બેક્ગ્રાઉન્ડ’ ડાન્સર્સ હોય એમ ધારી ડાન્સ ચાલુ રાખવાનો અને પછી પાછા ધરતી પર આવી જઈ તેમની સાથે જોડાઈ જવાનું! અને હા... લોકોનું ધ્યાન ખેંચવા આ યુક્તિનો જાણી જોઈને પ્રયોગ ન કરવો! આ વાત સાંભળી અમે બધાં હસી હસીને બેવડ વળી ગયાં!
તેમણે બીજી એક મહત્વની વાત એ કરી કે ડાન્સ કરતી વેળાએ તેને ભરપૂર માણો,પોતાની જાતને હીરો કે હીરોઈન જ સમજો.એવી રીતે નાચો જાણે તમને કોઈ જોઈ જ રહ્યું નથી.પ્રેશરમાં ન આવી જાઓ.એન્જોય યોર ડાન્સ!

(ક્રમશ:)

[આ ઈવેન્ટની કેટલીક સુંદર રંગીન તસવીરો જોવા માટે આ વેબસાઈટ પર જાઓ:
http://vikasgnayak.blogspot.in/2007/11/dance-performance-in-nse-annual-daypart.html]
 

1 ટિપ્પણી:

  1. આ કટાર હું નિયમિત વાંચુ છું. આમતો હું એક સિનિયર સિટીઝન છું પણ હું જ્યારે નાની હતી ત્યારે શાળા જીવનથી લઈ કોલેજના વર્ષો સુધી દરેકેદરેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં ભાગ લેતી. તમારા 'ડાન્સ ડાન્સ' બ્લોગે મને મારા એ જૂના સુવર્ણ સંસ્મરણો તાજા કરાવી દીધાં!
    - સુજાતા શાહ (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો