છેવટે
એ મોટો દિવસ આવ્યો!
અમે બધાં આતુરતાપૂર્વક જેની
રાહ જોઈ રહ્યાં હતાં
અને જેના માટે છેલ્લા
વીસેક દિવસથી તનતોડ (પણ
મજાભરી!) મહેનત કરી રહ્યાં
હતાં - ડાન્સની પ્રેક્ટીસ કરીને, એ સાંજ
થોડી જ વાર પછી
પડવાની હતી! વાર્ષિક સમારંભની
શરૂઆત સાત વાગે અને
અમારા ડાન્સ કાર્યક્રમની શરૂઆત
લગભગ આઠ વાગે થવાની
હતી. અમે ઓફિસમાં એ
દિવસે અડધો દિવસ કામ
કર્યા બાદ લંચ લીધા
પછી દોઢેક વાગે ખાસ
અમારા માટે ભાડે કરેલી
બસમાં બેસી અંધેરીના આંતરરાષ્ટ્રીય
એરપોર્ટ રોડ પર આવેલી
'ધ ઇન્ટરકોન્ટીનેન્ટલ' હોટલ જઈ પહોંચ્યા
- ત્યાં સ્ટેજ પર ફિનાલે
પહેલાનું છેલ્લું રીહર્સલ કરીલેવા માટે.
ત્રણેક
વાગે અમે હોટલ પહોંચી
ગયા અને આખી હોટલમાં
ફરી વળ્યાં! ગજવામાંથી એકેય પાઈ ખર્ચ્યા
વગર સેવન સ્ટાર પોશ
હોટલમાં ફરી વળવાની તક
કોણ જતી કરે?! ખૂબ
સુંદર અને સુખ-સાહયબીની
સવલતો ધરાવતી હોટલ હતી એ. ઉપરના
માળે જવાના ભવ્ય દાદરાની
આસપાસ અતિ મોંઘા પેઈન્ટીંગ્ઝ
લગાડેલા હતાં. તેની આસપાસ
અમે બધાં ડાન્સરોએ વિવિધ
મુદ્રાઓમાં ધરાઈ ધરાઈને ફોટા
પાડ્યા-પડાવ્યાં. થોડી વારમાં જ
અમારા માટે ચા-કોફી
તૈયાર હતાં. ૫-૬
પ્રકારની ચા અને બહાર
સામાન્ય રીતે મળે છે
તેના કરતા સાવ જુદા
પ્રકારના વિવિધ બિસ્કીટ્સ-કૂકીઝ
અમારે માટે તૈયાર હતાં!
જૈનો માટે ખાસ તૈયાર
કરાયેલા એક બિસ્કીટનો સ્વાદ
તો એટલો અદભૂત હતો
કે તે હજી મારી સ્મૃતિમાં છે!
મેં ખાસ પ્રકારની સુગંધ
ધરાવતી આસામી લેમન ટી
પીવાનું પસંદ કર્યું.
ચાનાસ્તો
કર્યાં બાદ અમે હોટલના વિશાળ બોલરૂમમાં
અમારા કાર્યક્રમ માટે ખાસ તૈયાર
કરાયેલા સ્ટેજ પર અમારૂં
છેલ્લું રીહર્સલ કર્યું. સ્ટેજ ખૂબ
સુંદર બનાવાયો હતો. મોટા ફિલ્મી
સમારંભો કે સૌદર્ય સ્પર્ધાઓ
વખતે જોવા મળે તેવો!
પણ એ અમારા એન.એસ.ઈ. ના
ઓડિટોરિયમના સ્ટેજ કરતાં નાનો
હતો જ્યાં અમે રોજ
પ્રેક્ટીસ કરતાં. આજના સ્ટેજ
પરતો લાકડાના કેટલાક તૈયાર કરાયેલ
કલાત્મક શોપીસ પણ સ્ટેજ
પર સારી એવી જગા
રોકતા હતાં. કાર્યક્રમ બાદ
અમારા બીજા બધાં કલીગ્સ
પણ નાચી શકે એ
માટે સ્ટેજ નીચે ખાસ
પ્રકારનો ડાન્સ ફ્લોર તૈયાર
કરાયો હતો. એક ગોળાકારની
ડિસ્કો લાઈટ બધી દિશાઓમાં
ફરી રંગબેરંગી લાઈટ્સ્ના કિરણો ખાસ કરીને
સ્ટેજ પર તેમજ આખા
બોલરૂમમાં ફેંકતી હતી. અમે
થાકી ન જઈએ એટલે
કોરીયોગ્રાફર્સે એક
જ વાર રીહર્સલ કારવ્યું.
હિતેન ગાલા સર વાયરલેસ માઈક પર અમને
છેલ્લા
સલાહ-સૂચનો આપતા હતા.તે ખૂબ ટેન્શનમાં
જણાતા હતાં. છાઅં તેમના
વર્તનમાં એક વિશિષ્ટ ઉત્સાહ
છલકાતો હતો.
રીહર્સલ
બાદ અમે બેકસ્ટેજ ગયાં.
અમે અમારા કોશ્ચ્યુમ્સ ખાસ
પોતપોતાની જગા પસંદ કરી
ગોઠવવા શરૂ કર્યાં કારણ
ચાર-પાંચ ગીતોમાં એક
પછી એક ડ્રેસ બદલી અમારે
સ્ટેજ પર ફરી એન્ટ્રી
લેવાની હતી. ઇસ્ત્રી કરવા
માટે ખાસ માણસ બોલાવાયો
હતો જેણે અમારા
કાર્યક્રમમાં પહેરવાના વસ્ત્રોને ઇસ્ત્રી કરવી શરૂ કરી
દીધી હતી. છોકરીઓએ મેક-અપ કરાવવો શરૂ
કરી દીધો હતો. બધે
જ ધમાલ અને ઉતાવળ
દેખાતી હતી.પણ છતાં
સૌ કોઈ આ ક્ષણોને
માણી રહ્યાં હતાં. આ
ધમાલમાં પણ કેટલાક લોકો
પૂરા કાર્યક્રમના કોશ્ચ્યુમ્સમાં તો કેટલાક અડધા
એ અને અડધા પોતાના
સામાન્ય ડ્રેસીસમાં ,મેક-અપ વાળા
કે મેક-અપ વગરના
ચહેરે ફોટા પાડવા-પડાવવાની
એકે તક જતી કરતા
નહોતાં!
કાર્યક્રમ
હતો એ આખો બોલરૂમ
પણ પડદાં અને લાઈટ્સથી
સુશોભિત કરાયો હતો. તેમાં
ઉપર મધ્યભાગમાં ભવ્ય આલિશાન ઝુમ્મર
હતું. આખા હોલમાં બધીજ
બેસવાની ખુરશીઓ પણ એક
સફેદ અને એક કાળા
એમ બે રંગોના કવરથી
ખાસ પ્રકારના ગોલ્ડન બો દ્વારા
સુશોભિત કરાઈ હતી.આગળની
બેત્રણ હરોળ અમારા સિનિયર
મેનેજમેન્ટ તેમજ વી.આઈએ.પી. મહેમાનો માટે
ખાસ રજવાડી સોફા મૂકવામાં
આવ્યાં હતાં. સ્ટેજ પર
વચ્ચેથી નીચે ઉતરી શકાય
એવા દાદરા ડાન્સફ્લોર સુધી
જઈ પહોંચે એ રીતે
બનાવાયા હતાં. સાંજ માટેનો
મૂડ બની રહ્યો હતો...!
સાંજે
લગભગ સવા-છ વાગે,
એન.એસ.ઈની અમારી
ઓફિસથી અમારા કલીગ્સને લઈ
નિકળેલી પહેલી બસ હોટલ
પર આવી પહોંચી. અમે
પહેલા બેચમાં આવેલા અમારા
કલીગ્સ મિત્રોને જોઈ અતિ ઉત્સાહ-આનંદમાં આવી ગયાં! અમે
બધાં અમારા પહેલા પરફોર્મન્સમાં
પહેરવાના વસ્ત્રોમાં સજ્જ થઈ તૈયાર
હતાં સ્ટેજ પર થનગનવાં!
કાર્યક્રમની શરૂઆત કેટલાક સિનિયર્સના
વક્તવ્યો અને અન્ય સત્કાર
કાર્યક્રમથી થઈ.પણ અમને
તો આજે એ બધું
બોરીંગ લાગતું હતું અને
અમે કાગડોળે વાટ જોઈ રહ્યાં
હતાં અમારા ડાન્સ કાર્યક્રમની
શરૂઆત ક્યારે થાય એ
ઘડીઓની!
આખરે
એ ઘડીઓ આવી પહોંચી! માત્ર મહિલા
ડાન્સર્સે ગણેશ વંદના 'તુજ
નમો...' ગીત દ્વારા અમારા ડાન્સ કાર્યક્રમના
શ્રી ગણેશ કર્યા! એ
ડાન્સ સારો રહ્યો. અમારો
ઉત્સાહ એનાથી અનેક ગણો
વધી ગયો. સ્ટેજની બંને બાજુએ ગો
ઠવેલા સ્ક્રીન્સ પર પણ અમે
અમારા અન્ય ડાન્સર્સ મિત્રોને
પરફોર્મ કરતાં જોઈ શકતા
હતાં! પ્રેક્ષકમાં બેઠેલા અમારા કલીગ્સ,સિનિયર્સ વગેરે સ્ટજ પર
ચાલી રહેલા કાર્યક્રમને એ
મોટા પડદાઓ પર આગળથી
નિહાળે શકે તેવી વ્યવ્સ્થા
કરાઈ હતી જ્યારે એજ
પડદાની પાછળની બાજુએથી અમે
અમારા ડ્રેસરૂમમાંથી પણ કાર્યક્રમ જોઈ
શકતા હતાં. પહેલા ગણેશ
વંદના ડાન્સમાં અડધી ડાન્સર્સ ભૂરા
અને અડધી ડાન્સર્સ પીળા
રંગના સ્વર્ગની અપ્સરાઓ પહેરે તેવાં પરંપરાગત
વસ્ત્રોમાં સજ્જ હતી. ધુમાડાની
સેરો વચ્ચે વિવિધ રંગી
લાઈટ્સથી પ્રકાશિત સ્ટેજ પર તેમનો
એ ડાન્સ દિવ્ય લાગતો
હતો! જેવો આ પ્રથમ
ડાન્સ પત્યો કે ઓડિયન્સ
હર્ષની
ચિચિયારીઓ અને તાળીઓના ગડગડાટથી
ગાજી ઉઠ્યું! સૌ અનેરા આનંદ-ઉત્સાહમાં હતાં.
બીજો
ડાન્સ દેવદાસના 'સિલસિલા
યે ચાહત કા...' ગીત
પર તેજશ્રી અને અન્ય ડાન્સર્સ
દ્વારા ભજવાયો જેમાં સૌ
છોકરીઓએ હાથમાં કૃત્રિમ દિવાઓ
લઈ નૃત્ય કરવાનું હતું.
હાથમાં જ પકડી શકાય
એવી નાનકડી સ્વીચ
ચાલુ કરો એટલે પ્રકાશિત
થઈ ઉઠે એવા એ
એલ.ઈ.ડી. દિવાઓએ
અંધારામાં સ્ટેજ પર આગિયા
ઉડતા હોય એવું દ્રષ્ય
ખડું કરી દીધું! તેજશ્રી
એ ખાસ સાચવવાનું હતું
કારણ તેનો એકલીનો દિવો
આખા ગીત સુધી ચાલુ
રહેવો જોઇએ અને અન્ય
છોકરીઓએ હાથમાંની સ્વીચ ચાલુ બંધ
- ચાલુ બંધ કરી આખા
સ્ટેજ પર આમથી તેમ
દોડાદોડી કરી ડાન્સ કરવાનો
હતો! આ પરફોર્મન્સ પણ
ખૂબ સરસ રહ્યું અને
પ્રેક્ષકો રીતસર અંજાઈ ગયાં!
ત્રીજો ડાન્સ વેસ્ટર્ન પ્રકારના
ગીતોની સિક્વન્સ પર હતો અને
તેમાં પણ તમામ ડાન્સર્સે
ધૂમ મચાવી દીધી. ઓડિયન્સમાં
સૌ, પોતાના જ મિત્રોને
સ્ટેજ પર પ્રોફેશનલ સ્ટાર્સની
જેમ નાચતા જોઈ અભિભૂત
થઈ ઉઠયા હતાં.આખા
વાતાવરણમાં મસ્તી છવાઈ ગઈ
હતી.એક પછી એક
એનર્જેટીક અને ઈલેક્ટ્રેફાયીંગ પરફોર્મન્સ
સ્ટેજ પર રજૂ થઈ
રહ્યાં હતાં. 'વન્સ મોર','વસ
મોર' ના નારા ગૂંજી
રહ્યાં હતાં.જૂના નવા
ગીતોની પેરોડી સિક્વન્સ પણ
મેજર હીટ રહી! એક
અતિ જૂનું તો એક
તદન નવું એમ બે
ગીતો એક પછી એક
ભજવાતા જોઈ પ્રેક્ષકોને ભારે
કૌતુક થયું. અને તેમાં
હ્યુમર પણ ભેળવાયો હતો
આથી આ આઈડીયા પણ
ઓડિયન્સમાં ખાસ્સો ક્લિક થયો!
કેટલાક પ્રેક્ષકો પોતપોતાની ખુરશી પર બેઠા
બેઠા ઝૂમી રહ્યાં હતાં!તેમના ચહેરા પરનાં
ભાવો કહી રહ્યાં હતાં
કે તેઓ આ કાર્યક્રમ
કેટલો માણી રહ્યાં હતાં!અમારા ૧૫-૨૦
દિવસની મહેનત ફળી હતી
એવું અમને લાગ્યું!
દરેક
મોટા પ્રોગ્રામ્સમાં થતાં હોય છે
એમ વચ્ચેવચ્ચે નાનામોટા છબરડા અમારા આ કાર્યક્રમમાં પણ
થયાં હતાં. જેમકે વેસ્ટ્રન
ડાન્સ વખતે સ્ટેજ પર
સૌથી આગળ નાચી રહેલ
એક ડાન્સરની પેન્ટની ઝીપ ખુલી ગઈ
હતી! એક ડાન્સ નંબરમાં
એક ડાન્સરે ઉપરનું પહેરણ બરાબર
પણ નીચેનું પહેરણ બીજા ગીતમાટેનું
પહેરી
લીધું હતું! મારી સાથે જ
પેરોડી સોન્ગ વખતે મારા
મિત્ર સૂરજે ભજવાઈ ગયેલા
ગીત વખતે પહેરેલો ઝભ્ભો
ઉતાવળમાં કાઢવા ધમ્પછાડા કર્યાં
પણ કેમે કરી તેનું
માથું ઝભ્ભામાંથી બહાર નિકળે જ
નહિ! મારૂં ધ્યાન ગયું
અને છેલ્લે ઘડીએ મેં
તેનો ઝભ્ભો ખેંચી કાઢ્યો
અને તે ઘડીના છઠ્ઠા
ભાગમાં હવે પછીના ગીત
માટેનું શર્ટ પહેરી સ્ટેજ
પર પ્રવેશવા રીતસર મિલ્ખાસિંઘ કરતાં
પણ વધુ ઝડપે દોડ્યો!!
પણ છેવટે બધું સમુસૂતરું
પાર ઉતર્યું અને આ
બધી નાની નાની ભૂલો ભવ્યાતિભવ્ય કાર્યક્રમની મોજમજા હેઠળ ઢંકાઈ ગઈ!
ડાન્સ
કાર્યક્રમ વખતે લાઈટ્સ અને
મોટેથી સ્ટીરીયો સિસ્ટમ પર વાગી
રહેલા સંગીતે એક જાદૂઈ
વાતાવરણ ખડું કર્યું હતું.
બેક્સ્સ્ટેજ પરની ધમાલ તો
જોવાજેવી હતી.એક ગીત
પૂરું થયું નથી કે
પોતાના વસ્ત્રો અને ઘરેણાં વગેરે
રીતસર ઘા કરી ડાન્સર્સ
હવે
પછીના ડાન્સ માટેના કોસ્ચ્યુમ
પહેરી ભાગંભાગીમાં એક બીજા સાથે
અથડાતા કૂટાતા હતાં! એ
જોવું પણ એક લહાવા
સમાન હતું! જે આવા
કોઈક કાર્યક્રમનો ભાગ બન્યું હોય તે
જ કદાચ આ ધમાલ
મસ્તી ભર્યાં વાતાવરણની કલ્પના
કરી શકશે!
પેરોડી
સિકવન્સને
અંતે 'ટીક ટીક ટીક
ટીક...' ગીત હતું જેમાં
અમારે બધાં જ ડાન્સર્સે
તેમણે આગળ ભજવાઈ ગયેલા
છેલ્લા ડાન્સ વખતે જે
જે કોસ્ચ્યુમ્સ પહેર્યાં હોય તેમાં જ
સ્ટેજ પર આવવાનું હતું
અને બધાં એ સાથે
મળી એક તાલે હાથ
ઉંચા કરી લહેરની માફક
ડાબેથી જમણે અને જમણે
થી ડાબે ઝૂમવાનું હતું!
આ કન્સેપ્ટ પણ બધાં ને
ખૂબ ગમ્યો. છેલ્લે ભાંગડા
ધરાવતું રંગદે બસંતીનું ગીત
અને તેના પછી છેલ્લો
ઝૂમ બરાબર ઝૂમ વાળો
વેસ્ટ્રન ડાન્સ હતો જેમાં
મેં પણ પરફોર્મ કર્યું
અને અમે સ્ટેજ પરથી
નીચે ઉતરી
રીતસર ઓડિયન્સમાં જઈ તેમને પણ
ડાન્સ ફ્લોર પર ડાન્સ
કરવા ખેંચી લાવ્યાં અને
આનંદોત્સવ જેવા આ કાર્યક્રમની
- અમારા પરફોર્મન્સીસની પૂર્ણાહૂતિ થઈ! આનાથી વધુ
અંત હોઈ શકત આ
'ડાન્સ ડાન્સ' કાર્યક્રમનો ભલા?
બધાંના ચહેરા પર હર્ષ
અને સંતોષની અનેરી લાગણી હતી!
અમારા જુનિયર્સ,સિનિયર્સ,સિનિયર મેનેજ્મેન્ટના સભ્યો
બધાં ડાન્સ ફ્લોર પર
પણ કાર્યક્રમ પૂરો થયાં બાદ
મન ભરીને ઝૂમ્યાં!
વચ્ચે
એક નાનક્ડો વિરામ પાડી અમારૂં
ડાન્સર પર્ફોર્મર્સ, આયોજકો તેમજ કોરીયોગ્રાફર્સ
નું અભિવાદન-સત્કાર કરવામાં આવ્યાં
અને ડાન્સનો બીજો રાઉન્ડ ડાન્સ
ફ્લોર પર શરૂ થયો!
કેટલાક લોકો હવે ખાલી
થઈ ગયેલાં સ્ટેજ પર
ચડીને પણ પોતપોતાની મસ્તીમાં
નાચી-ઝૂઈ રહ્યાં હતાં!
મારા
જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાં, આ સાંજની સ્ટેજ
પર ડાન્સ પરફોર્મન્સ આપતી
વેળાની ક્ષણોનો ચોક્કસ સમાવેશ થાય
અને મને ખાતરી છે
આ મારા એકલાની જ
અનુભૂતિ નહિ હોય! એ
સાંજે આટલા મોટા ગજાના
કાર્યક્રમમાં
આવડા મોટા સ્ટેજ પર
પ્રોફેશનલ સ્તરના આટલા ચિયરફુલ ઓડિયન્સ સામે મારી સાથે પર્ફોર્મ કરનારા
દરેક જણ માટે આ ક્ષણો
આટલી જ ખાસ બની
રહી હશે!
આજે
પણ જ્યારે જ્યારે અમે
જે ગીતો પર ડાન્સ
કર્યો હતો એ ગીતો
સાંભળવામાં આવે ત્યારે અમારા
જીવનની એ યાદગાર સાંજની
મીઠી મધુરી યાદ તાજી
થઈ જાય છે અને
યાદ આવી જાય છે
એ રીહર્સલ્સ સેશન્સ અને એ
દરમ્યાન કરેલી મસ્તી-મોજ-મજા!
(સંપૂર્ણ)
વિકાસ ભાઈ, તમારા ડાન્સ વિશેના બ્લોગની શ્રેણી વાંચવી રસપ્રદ રહી!
જવાબ આપોકાઢી નાખો- મૃદુલા સ્વાલી