Translate

રવિવાર, 4 માર્ચ, 2012

અને સ્મરણોની સંદુકમાંથી સરી પડી "તીનીયા-મિનિયાની" તસ્વીર......

લોકો કહે છે કે ભૂતકાળને ભૂલી જાવ, પરંતુ હું તો ઘણી વાર ભૂતકાળમાં સરી પડું છું અને જૂની યાદો ફંફોસતાં ફંફોસતાં, મગજની પાટી પરની રજ ખંખેરતાં, કંઈક અજબ ગજબના સ્મરણો જીવંત થાય છે!

લગભગ ૮૫ વર્ષ પહેલાં-મને થોડું યાદ છે ત્યાં સુધી અમે બધા એટલે પિતાશ્રી-તેમના ભાઈ- વગેરે સંયુક્ત કુટુંબમાંજ રહેતા - પિતાશ્રીનું નામ દામોદર ભાઈ-અને કાકાનું નામ દોલતરાય.મારા બા નું નામ રેવાબા(મણિબા) અને કાકી નું નામ રાધાબા-મારું નામ ચંદ્રકિશોર અને મારા પિતરાઈ ભાઈ નું નામ ચંદ્રકાન્ત - વખત જતા "ચંદ્ર" આકાશમાં ચાલી ગયો અને બાકી રહી ગયા "કિશોર અને ચંદુ".

હું જરા શરીરે દુબળો-પાતળો એટલે મને "તીનીયો" અને ચંદુ ને મિનીયો કહેતાં. એક વખત અમારા બંનેનો સાથે ફોટો પડાવવાનું નક્કી કર્યું- પરંતુ આપણે તો વિરોધ દર્શાવ્યો-શું કારણ હતું તે તો અત્યારે યાદ નથી - છેવટ અમારી માનીતી બિલાડી દૂધની વાટકી સાથે અમારી જોડે બેસાડી અને તીનીયા-મિનિયાનો ફોટો પડાવ્યો, એ સમયમાં ભાવનગરમાં અમારા એક બીજા કાકાનું સીનેમા થીએટર "ભારત સીનેમા"-તેમાં એક કાકા ફિલ્મ પ્રોજેકટર ચલાવે - અને પિતાશ્રી ટીકીટબારી ઉપર બેસે - એક આનો-બે આના - ચાર આનાના ભાવની ટીકીટો - એ મૂંગી ફિલ્મોનો જમાનો હતો - તેમાં વળી ફિલ્મ શરુ થતાં પહેલાં ખાસ આકર્ષણ તરીકે અમારો તીનીયા- મિનિયાનો ઉપર જણાવેલા ફોટાની સ્લાઈડ બતાવે - નીચે "ભારત સંતાનો" એવા લખાણ સાથે......

એ પછી તો વર્ષો વીતી ગયાં હું મેટ્રીક ભણી જે.જે સ્કૂલ ઓફ આર્ટસ-મુંબઈમાં અભ્યાસ કરી કમર્શીઅલ આર્ટિસ્ટ થયો.અને ચંદુ ભાઈ પણ મેટ્રીક થઇ દુકાનમાં સેલ્સમેન થઇ ગયા.

૧૯૫૫-૫૬માં તેમને શીરડી પાસે સાકોરી ગામમાં કન્યાકુમારી આશ્રમના સ્થાપક શ્રી ઉપાસની બાબાના શિષ્યા પૂજ્ય શ્રી ગોદાવરી માતાજીનો સંપર્ક થયો. અને તેમનામાં તેને સર્વોપરી ઈશ્વરનું દર્શન થયું અને તેમણે તો તેમની સેવામાં "સાકોરીમાં રહી બાકીનું જીવન વિતાવ્યું. તેમને લઇ અમો સર્વ ને પણ પૂ.માતાજીનાં દર્શનનો લાભ મળ્યો.

આવી નાની અને બીજાને બહુ ન ગમતી વાતો લખીને તમોને કંટાળો આપવા નથી માગતો

તાત્પર્ય માત્ર એટલુંજ કે એ વખત ના સંયુક્ત કુટુંબના સંબંધો હજી આજ પણ એવાને એવાજ જીવંત છે.
સંબંધોના રોપેલાં નાના વૃક્ષ આજે મજબૂત કબીરવડ બની ગયા છે. અથવા તો સુગંધી સંબંધોના છોડ પર
સ્નેહના જલ પ્રક્ષાલન કરી તેને આજ સુધી-ગુલાબ-મોગરા-કે ચંપાની મહેક ફેલાવતા રાખ્યાં છે. એવા સંબંધો કે જે સ્નેહભર્યા-ઉષ્માભર્યા તથા ત્યાગની ભાવનાવાળા હોય છે. એ સંબંધો સહજતા થી ખીલ્યા છે
માટેજ તે શ્રેષ્ઠ સંબંધ છે. સંબંધો માંથી સ્વાર્થવૃતીની બાદબાકી થાય તો તે સંબંધો હરહંમેશ ખીલતા અને વર્ષો સુધી પ્રફુલ્લીત તથા અમર રહે છે.

કોઈક જગ્યાએ વાંચ્યું હતું અને હજી આજે પણ આરસની તકતીમાં કોતરાઈ ગયું હોય તેમ હૃદયમાં કોતરાઈ ગયું છે કે જીવનમાં ચાર વસ્તુઓ તોડશો નહિ-વિશ્વાસ-વચન-હૃદય અને સંબંધ.કારણ કે
આમાંથી કોઈ પણ એક તૂટે તો અવાજ થતો નથી પરંતુ અપાર વેદનાની અનુભૂતિ થાય છે.

સુખદ-જીવંત-સ્મરણો અને સંબંધો વર્તમાન જીવનની બહુમૂલી મૂડી છે, માટે તેને જીવનભર સંભાળીને-પંપાળી ને સાચવી રાખવા જોઈએ,એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે.

તીનીયા-મિનિયાની તસવીરનું ઉદાહરણ કે પ્રસંગ પુરાણા સંબંધોને જોવાની-માણવાની એક માત્ર આરસી છે, અને આજે પણ તે આરસીમાં જોઈ ભૂતકાળના તે સુખદ દિવસોના સ્મરણો સજીવન થાય છે,

અસ્તુ........

-કિશોર દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો