દર વર્ષે ઓછામાં ઓછી એક વાર ભારતના એક નવા રાજ્યમાં કે જોયેલાં રાજ્યની કોઈ નવી જગા,નવા ગામ કે શહેર ફરવા જવાના મારા ન્યુ યર રીઝોલ્યુશનને અનુસરતા આ વર્ષે જેસલમેર જવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરી માસમાં મારી મેરેજ એનિવર્સરી આવે, આજ માસમાં હનીમૂન માટે હિમાચલ પ્રદેશ,ઉત્તરાંચલ, દિલ્હી અને પંજાબ આ નવા રાજ્યોમાં ફરવાની મજા માણેલી, ગયા વર્ષે પણ આજ મહિનામાં આસામ, મેઘાલય જેવા રાજ્યોમાં મારી આઠ મહિનાની દિકરી સાથે ફરવાની મજા માણી હતી. યોગાનુયોગ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં જ રીનોક એડવેન્ચર નામના ગ્રુપે જેસલમેરમાં ડેઝર્ટ સફારી એટલે કે રણયાત્રાનું આયોજન કર્યું હોવાનું ફેસબુક પર વાંચવામાં આવ્યું. આ પહેલા રણની ક્યારેય પ્રત્યક્ષ મુલાકાત લીધી નહોતી, માત્ર પોલો કોએલ્હોની અલ્કેમિસ્ટ જેવી કથામાં તેના અફાટ વિસ્તાર અને સૌંદર્ય વિષે વાંચ્યું હતું કે ફિલ્મોમાં રણ જોયેલું. આથી રણ યાત્રાની વાતે મને આકર્ષ્યો. ઉપરાંત અહિં આ યાત્રામાં ઊંટ પર સવારી કરવાની સાહસિક ઓફર પણ હતી જે ચૂકી ન જવાની અદમ્ય ઇચ્છા પણ થઈ આવી.
આઈ.આર.સી.ટી.સી. ની વેબસાઈટ પર તત્કાલ બુકિંગ મળવું એટલે લગભગ અશક્ય જ ગણી લો. મને વધુ એક વાર છેલ્લી ઘડીએ ટિકીટ જોયતી હોવા છતાં તત્કાલ ક્વોટામાં તે ઓનલાઈન ન મળ્યાનો અનુભવ થયો. છેલ્લી ઘડીએ બોસે ઓફિસમાં એમ કહી દીધું કે હું તારા (જેસલમેર જવાના નિર્ણય)થી ખુશ નથી અને મારા મનમાં પણ થોડી અવઢવ ઉભી થઈ. પણ મારી રણયાત્રાએ જવાની બળવત્તર ઇચ્છા જીતી ગઈ અને અચાનક ઉભી થયેલી આ અનેક અડચણો છતાં હું,મારી પત્ની અમી અને પોણા બે વર્ષની મારી વહાલસોયી દિકરી નમ્યા બસમાં મુસાફરી કરી અમદાવાદ જઈ પહોંચ્યા.મારા કઝિનને ત્યાં ફ્રેશ થઈ બે-એક કલાક બાદ જોધપુર જવાની ટ્રેન પકડી.
દિવસની ટ્રેન યાત્રા બારીની સીટ મળતા સુખદ રહી.ખાલી એક પ્રસંગ વર્ણવવાનું મન થાય છે. અમદાવાદથી જોધપુર જતાં વચ્ચે મહેસાણા સ્ટેશન આવે, જે અમીનું પિયર. હજી દસેક દિવસ પહેલાં જ અમી પિયરેથી પાછી ફરી હતી છતાં માતાપિતા ઘણાં દૂર રહેતા હોય ત્યારે પરણેલી દિકરીને વારંવાર તેમને મળવું ગમે. અમીએ તેના મમ્મીપપ્પાને અમારા માટે બપોરનું જમવાનું લઈ મહેસાણા સ્ટેશન અમને મળવા આવવાનું ફરમાન કરી દીધું હતું. હજી સ્ટેશન આવવાને દસેક મિનિટની વાર હતી ત્યારથીજ અમે અમારા કોચના દરવાજા પાસે જઇ ઉભા રહી ગયાં. મહેસાણા સ્ટેશન ગાડી બે જ મિનિટ ઉભી રહેવાની હતી અને આમ તો ત્યાંથી ગાડીમાં ખાસ કોઇ ચડશે એવી અમે આશા રાખી નહોતી.પણ મહેસાણા હજી તો ગાડી ઉભી પણ રહે એ પહેલાં યુદ્ધના ધોરણે પાઘડી પહેરેલા દાઢીધારી પંજાબી શીખોના ટોળેટોળાં શક્ય એ દરેક ડબ્બામાં ચડતા જોવા મળ્યા અને એ પણ પાછા સફેદ રંગની સીલપેક્ડ ગુણીઓ સાથે!અમારા માટે આ બિલકુલ નવા પ્રકારનું દ્રષ્ય હતું.અમને એકાદ ક્ષણ તો લાગ્યું કે અમે અમીના મમ્મીપપ્પા ને મળવાનું ચૂકી જઇશું.પણ મેં ત્વરાપૂર્વક નિર્ણય લઈ અમીને અમારી સીટ પરની બારી પાસે પહોંચી જવા કહ્યું.અમીના હાથમાં મમ્મીપપ્પાને આપવાના થોડાઘણાં સામાનની થેલી,મારા હાથમાં નમ્યા. અમે પેલા પંજાબી ભાઈઓએ કોચમાં ધકેલી દીધેલી ગુણીઓ પર પગ મૂકી અમારી સીટની બારી પાસે દોડ્યા. અને સદનસીબે બારીમાંથી અમીએ તેના મમ્મીપપાને મળી લીધું અને અમે ચીજવસ્તુઓની આપલે પતાવી દીધી. નમ્યાને મળીને મારા સાસુસસરા તેમજ નાનાનાનીને મળીને નમ્યા અને (કહેવાની જરૂર છે કે) અમી પણ ભાવવિભોર થઈ ગયાં.પપ્પાજી પાસેથી જાણવા મળ્યું કે આ બધી ભીડ પંજાબના ખેડૂતોને હતી જેઓ બિયારણ ખરીદવા ગુજરાત આવ્યા હતાં. સફેદ ગુણીઓમાં તેમણે ખરીદેલું બિયારણ હતું, તેમની રોજીરોટીનો સામાન. ખરું જોતાં આપણા સૌની પણ રોજી નહિં તો રોટીનો તો સામાન કહી જ શકાય! પછી તો ભીડ વિખરાઈ ગઈ અને અમારી જોધપુર સુધીની યાત્રા સુખદ રહી.
જોધપુર અમે રાતે લગભગ સાડા આઠે પહોંચી ગયા. રાતે અહિંથી જ જેસલમેરની ટ્રેન પોણા બારે ઉપડવાની હતી. ત્રણ કલાક આસપાસ થોડું ફરીને પસાર કરવાનો નિર્ણય કર્યો. સામાન થોડો વધુ હતો. વજન ઉંચકીને કેમ ફરાય? આથી વધારાનો સામાન સ્ટેશન પરના ક્લોકરૂમ (યાત્રી સામાન કક્ષ)માં મૂકવાનું નક્કી કર્યું પણ ત્યાં બેઠેલા મહોદયાએ તાળુ માર્યા વગરના એક પણ સામાન-દાગીના સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી. હવે એ સમયે મારે પાંચ-છ તાળા શોધવા ક્યાં જવું? થોડીઘણી માથાઝીંક પછી આખરે તેણે સામાન મૂકવા દેવા સંમતિ દર્શાવી.તેની પાસેથી જ મેં જાણી લીધું કે આસપાસમાં નજીક કોઈ મંદિર ક્યાં છે અને ડિનર ક્યાં કરવું જોઇએ. નજીકમાં ગણેશ મંદિર અને શિવમંદિર એમ બે દેવસ્થાનોના દર્શન કરી અમે ડિનર પતાવ્યું અને શિયાળાની ખુશનુમા રાતે જોધપુરની સ્ટેશન નજીકની સડકો પર ટહેલ્યાં. સરસ મજાનું ગરમાગરમ દૂધ વેચતી બે-ચાર દુકાનોમાં સારી એવી ભીડ જોઇ અનુમાન કર્યું કે આમાં ચોક્કસ કંઈક ખાસ હોવું જોઇએ અને પછી તો અમે ત્રણેએ ગરમાગરમ દૂધ પીવાની મજા માણી.
જેસલમેરની ગાડી છૂટવાના એકાદ કલાક પહેલા જોધપુર સ્ટેશન પર આવી ગયા. ક્લોકરૂમ વાળા આન્ટીનો આભાર માની સામાન લઈ લીધો અને પુલ ચડી પ્લેટ્ફોર્મ - ૨ પર પહોંચી ગયા. નમ્યા પણ ખુશખુશાલ હતી. પુલ પર દાદરા, પણ તે મારો કે અમીનો હાથ પકડ્યા વગર, જીદ કરી પોતાની મેળે જ ચડી - ઉતરી!
રીનોક અડ્વેન્ચર્સના બે મુખ્ય આયોજકો અમને અહિં મળ્યા : જય અને કપિલ. તેમણે જ અમારી જોધપુરથી જેસલમેરની આ ગાડીની ટિકીટ ઓન્લાઈન તત્કાલ ક્વોટામાં બુક કરી રાખી હતી. તેમને હું અગાઉ ક્યારેય મળ્યો નહોતો. તેમની પાસેથી જ મુંબઈથી આ રણયાત્રામાં જોડાનાર અન્ય સભ્યોના કોન્ટેક્ટ નંબર મેં મેળવી લીધેલા અને ફોન પર વાતચીત કર્યા બાદ ખાતરી કરી લીધી હતી કે તેઓ લેભાગુ વૃત્તિના નહોતાં. આથી જ અગિયાર હજારેક રૂપિયા જેવી રકમ મેં ઓન્લાઈન તેમના ખાતામાં મારા નેટ બેન્કિંગ અકાઉન્ટ માંથી ટ્રાન્સ્ફર કરી દીધી હતી.આજે ઇન્ટરનેટને લીધે આર્થિક વ્યવહાર અને અનેક બીજી બાબતો અતિ સરળ બની ગઈ છે.
જય અને કપિલે જણાવ્યું કે અમારી સાથે આ રણયાત્રામાં જોડાવાના ઘણાં મેમ્બર્સ કોઈક ને કોઈ કારણ સર અમારી સાથે જોડાઈ શકે એમ નહોતાં. પણ આ સાંભળી મારો ઉત્સાહ કંઈ ઓછો થયો નહોતો. ટ્રેન પકડી, વહેલી સવારે પાંચ સાડા પાંચે અમે જેસલમેર પહોંચ્યા. ટ્રેનમાં અડધી રાત પછી અને અહિં જેસલમેરમાં ગાત્રો થિજવી નાખે એટલી કડકડતી ઠંડી લાગી રહી હતી. નાનકડી નમ્યા પણ જાણે આ ઠંડી માણતી હોય તેમ થોડી વાર માટે આંખો ખોલી મારી અને અમી સામે આછું સ્મિત આપી ફરી પાછી સૂઈ ગઈ. અમને લેવા સ્ટેશને કાર આવી હતી. જેસલમેરમાં એક મોટો કિલ્લો છે જેના પર જ ચારસો-પાંચસો ઘર, મહેલ, હવેલી, હોટલો આવેલા છે. આ કિલ્લા પર જાણે આખું એક નાનકડું નગર વસ્યું છે! કારે કિલ્લાની તળેટીમાં છોડ્યા, ત્યાંથી રીક્ષામાં બેસી ઉપર, અમારી હોટલમાં ગયાં અને હજી તો હું પહેલું પગથિયું ચડવા જાઉં છું ત્યાં લાઈટ જતી રહી. વહેલી સવારે હજી અંધારાનું સામ્રાજ્ય જ છવાયેલું હતું. જોકે અમારે તો થોડી વાર ઉંઘી જવું જ હતું આથી પહેલા માળે અમને ફાળવાયેલા રૂમમાં સામાન મૂકી અમે સીધા ગોદડું ઓઢી પલંગમાં લંબાવ્યું.
આરામથી સાડાનવ દસે ઉઠ્યા ત્યારે દેખાયું કે અમારો રૂમ કેટલો સુંદર હતો. એક ઝરૂખાની ફ્રેમ, પ્રાચીન રાજસ્થાની રિયાસતની કોઈ રાજકુમારીની હાથે દોરેલી મઢેલી તસ્વીર, બીજા એક લાંબી મૂછો વાળા રાજસ્થાની પાઘડી પહેરેલા પુરુષનો એક ફોટો અને એક મોરપીંછ સુંદર ઢબે સજાવેલા હતાં એ નાનકડા રૂમમાં. રૂમનું બારણું ખોલતાં જ સામે ભીંત પર રાજસ્થાની લોકસંસ્કૃતિનું દર્શન કરાવતું સુંદર તોરણ અને તેની વચ્ચે કઠપૂતળીની જોડી ટીંગાડેલા હતાં. નમ્યા તો પહેલીવાર કઠપૂતળી જોઈ 'ઢીંગલા...ઢીંગલા...' કરતી કરતી રાજીના રેડ થઈ ગઈ. હોટલના મકાનની બાંધણી પણ વિશિષ્ટ ઢબની હતી.એક માળના મકાનમાં ધાબુ હતું અને ધાબા પર ‘રૂફ-ટોપ’ રેસ્ટોરન્ટ. અહિં મોટા ભાગના મકાનો અને હોટલોમાં આ જ પ્રકારની ‘રૂફ-ટોપ’ રેસ્ટોરન્ટ્સ બનાવેલી હતી. અમારા રૂમની બહાર તેમજ તેની ઉપરના ધાબાના ભાગમાં જમીન પર મોટી ધાતુની જાળી પાથરેલી જેથી દિવસે સૂર્ય પ્રકાશ સીધો નીચે જમીન સુધી પહોંચી મકાનને અજવાળી શકે.તમે જો ધાબાની અથવા પહેલા માળની આ જાળી પર ઉભા હોવ તો નીચે ભોંયતળિયે ઉભેલી વ્યક્તિ તમને જોઇ શકે. નમ્યા આ જાળી પર પગ મૂકતા ડરતી હતી.મને મારી મમ્મીના મોસાળના ગામ મંદ્રોપુરના ઘર યાદ આવી ગયાં જ્યાં છાપરા પર એક કે બે જગાએ સુર્યપ્રકાશ કુદરતી રીતે ઘરમાં આવી શકે એ માટે ખાસ બાકોરા જેવી જગા રાખવામાં આવતી જેના પર પારદર્શક રંગહીન આવરણ હોય. અહિંથી સીધી લીટીમાં ઘરમાં પ્રવેશતાં સુર્યપ્રકાશના કિરણો અદભૂત લાગે. એ ઘરોમાં ચૂલા હતાં એટલે ચૂલાનો ધૂમાડો સીધો બહાર જઈ શકે એ માટે ચિમની પણ રખાતી જે સીધી ધાબા કે છાપરા ઉપર બહાર આકાશ તરફ ખુલે.
અમે રૂફટોપ રેસ્ટોરન્ટમાં બેસી સવારનો ચાનાસ્તો પતાવ્યો. અહિંથી ખૂબ સુંદર દ્રષ્ય દેખાતું હતું અડધા જેસલમેર શહેરની જાણે અહિંથી ઝાંખી દ્રષ્યમાન થતી હતી. કિલ્લા પરના લગભગ દરેક મકાનમાંથી આવા રૂફટોપ ધાબા પણ અહિંથી દેખાઈ રહ્યાં હતાં.અમારી બાજુમાં ચાર વિદેશી પર્યટકો પણ સવારનો સુ-કોમળ તડકો માણતા ગાદી પર બેસી ચા-નાસ્તાની મજા માણી રહ્યાં હતાં. હોટલમાં રિસેપ્શન પાસે જેસલમેરની, વિદેશી સહેલાણીઓની,રણની,ઉંટની,મેળાઓની વગેરે રંગબેરંગી તસ્વીરો ટીંગાડેલી હતી. કેટલાક વિદેશી મુલાકાતીઓએ તેમના ઘેર ગયા બાદ અહિંના સૌંદર્ય અને પરોણાગતથી અભિભૂત થઈ જઈ આભાર માનતા પત્રો પોતાના હાથે લખ્યાં હતાં, એ પણ લગાડ્યાં હતાં.
અહિંથી બહાર નિકળતા જ અમે બે મંદિરોમાં દર્શન કર્યાં.એક વિષ્ણુ ભગવાનનું અને એક શંકર ભગવાનનું - આ બંને મંદિરો પ્રાચીન હતાં. તેમાં એક અનેરી શાંતિ અને ધન્યતા નો અનુભવ થયો. વિષ્ણુ મંદિરની ભીંત પર હનુમાનનું સુંદર ભારતીય શૈલીમાં દોરાયેલું આકર્ષક ચિત્ર હતું. ત્યાંથી બહાર થોડે દૂર જ એક દુકાનની બહાર રંગબેરંગી વસ્ત્રો તેમજ ખાસ પ્રકારની રાજસ્થાની પાઘડીઓ લટકતા હતા. દુકાનદાર પચીસેક વર્ષનો યુવાન હતો. મેં વસ્ત્રોના ભાવ પૂછ્યા તો એણે પ્રમાણિકતાથી ઉત્તર આપ્યો આ વસ્ત્રો વિદેશીઓ માટે બનાવેલા હોવાથી ખાસ ટકાઉ નહોતા.વિદેશીઓ ફરવા આવે એટલે એમણે ફક્ત થોડા દિવસ એ પહેરવાના હોય આથી આ વસ્ત્રો ખાસ સારી ગુણવત્તા ના નહોતા. કેટલાક લોકો પોતાના ખિસ્સા ભરવા બીજાઓને છેતરતાં પણ ખચકાતા નથી જ્યારે અહિં એક વેપારી હતો જે પોતાનો સામાન ન પણ વેચાય તેની પરવા કર્યા વગર અમને સાચી સલાહ આપી રહ્યો હતો! મને એ યુવાનની ઇમાનદારી સ્પર્શી ગઈ.
(ક્રમશ:)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો