Translate

શનિવાર, 17 માર્ચ, 2012

જેસલમેરની સહેલગાહ અને ઉંટ પર રણયાત્રા (ભાગ-૨)

શિવમંદિરની બહાર, એક ઘરની દિવાલ પર ગણપતિબાપ્પાનું સરસ મજાનું રંગીન ચિત્ર દોરેલું અને તેની ઉપર 'સુસ્વાગતમ', નીચે એક તારીખ અને આજુ બાજુમાં મોટા અક્ષરે બે નામો લખ્યાં હતાં.એ પછી તો ધ્યાન ગયું કે દરેક ઘર બહાર ભીંત પર આવું ગણેશજીનું ચિત્ર, નામો અને તારીખ સાથે દોરેલા હતા.સમજતા વાર ન લાગી કે અહિં દરેક ઘરમાં લગ્ન થાય ત્યારે દંપતિના નામો ગણેશજીની આજુબાજુ ચિતરી નવદંપતિ માટે તેમના આશિર્વાદની યાચના કરાતી હશે અને સાથે મહેમાનોને આવકાર પણ આ અનોખી રીતે અપાતો હશે! પછી તો એક ચામુંડા દેવીના મંદિરમાં દર્શન કર્યા અને અહિંના પ્રસિદ્ધ જૈન દેરાસરોની મુલાકાત લીધી.આ દેરાસરો ખરેખર ભવ્ય અને સુંદર બાંધકામ વાળા હતાં.સ્તંભોની આ દેરાસરોમાં રહેલી હારમાળા જોઇ મને દેલવાડાનાં દેરા અને રામેશ્વરમનું જ્યોતિર્લિંગ ધરાવતું મંદિર યાદ આવી ગયા.અહિં પણ કોતરકામ ભવ્ય હતું. દર્શન બાદ જેસલમેરના કિલ્લા પર વસેલા આ નાનકડા નગરની ગલીઓમાં ફરવાનું ખૂબ ગમ્યું.સાંકડી ગલીની બંને બાજુએ અનેક દુકાનો, રંગબેરંગી વસ્ત્રો,શિલ્પો,ધાતુની કલાકૃતિઓ,ભીંતચિત્રો તથા કઠપૂતળીઓ અને બીજી સુશોભનની વસ્તુઓના વાઘા પહેરી, વિદેશી સહેલાણીઓની રાહ જોઈ રહી હતી. કેટલાક ઘરોમાં તો બહારના જ એકાદ ઓરડાને દુકાનનું સ્વરૂપ આપી દેવાયું હતું અને તે ઘરની સ્ત્રીઓ આછુંપાતળું અંગ્રેજી બોલી વિદેશી ગ્રાહકોને જેસલમેરની યાદગીરી રૂપે કંઈક ખરીદી લઈ જવા બોલાવતી હતી.એકાદ દુકાનમાં એક ચિત્રકાર પોતે કાગળ પર રાજસ્થાની વિશિષ્ટ શૈલીમાં કોઈ સુંદર ચિત્ર દોરી તેમાં રંગો પૂરતો જોવા મળ્યો. ઠેરઠેર વિદેશીઓ અહિંના ઝરૂખા વાળા ઘરો સાથે ફોટા પડાવવા ઉભા રહી જતાં.એક ઘર પાસે નમ્યા જેવડી જ ઉંમરની એક બાળકી તેના ઘરના ઓટલે રમી રહી હતી. તેની માતા બહાર આવી ત્યારે તેને બાળકીને તેડી અમી તેમજ નમ્યા સાથે ઉભા રહી ફોટો પડાવવા વિનંતી કરી. જગતના કોઈ પણ ખૂણે એક સ્ત્રીને ફોટો પડાવવાનું કહેવામાં આવે એટલે તેના આનંદની સીમા ન રહે! એ જેસલમેરની મહિલાએ પણ પોતાના વાળ સરખા કરવા માંડ્યા અને તેની બાળકીને તેડી અમી અને નમ્યા સાથે ખુશી ખુશી ફોટો પડાવ્યો. તેણે લાંબો ઘૂંઘટો તાણ્યો હતો! ચહેરો તો દેખાય નહિં પણ રાજસ્થાની ઢબે પહેરેલી રંગીન લાલ સાડીમાં તેણે મને એક સુંદર પોસ્ટકાર્ડ પિક્ચર પાડવાનો મોકો આપ્યો!(જેસલમેરની મારી આ રંગબેરંગી યાત્રાની અને ઉંટ પર કરેલી ડેઝર્ટ સફારીની અન્ય રસપ્રદ અને આકર્ષક દોઢસોથીયે વધુ તસ્વીરો જોવા માટે મારા ફેસબુક પેજ પર જેસલમેર ફોટો આલ્બમની મુલાકાત લો. Jaisalmer Tour Pictures)

બપોરે એક સરસ મજાના,રંગીન પડદાઓથી સજ્જ રૂફટોપ રેટોરાંમાં અમે લંચ લીધું. ખૂબ સરસ મજાનું એમ્બિયન્સ હતું. સાઈડમાં થોડી ઘણી ખુરશીઓ બિછાવેલી હતી પણ અમારા સહિતના અન્ય મોટા ભાગના વિદેશી પર્યટકો નીચે ગાદી પર બેઠક લઈ રાજસ્થાની ભોજનની મજા માણી રહ્યા હતાં. અહિંના રણ પ્રદેશમાં થતી ખાસ પ્રકારની ગુવાર જેવી શિંગોનું સ્વાદિષ્ટ શાક અને ઘીમાં તરબોળ રોટી ધરાઈને ખાધા પછી આમ તો બપોરે મસ્ત ઉંઘવાનું મન થાય પણ એમ કંઈ નવા ફરવા લાયક નગરમાં આવી સમય વેડફાય? જમ્યા બાદ અમે કિલ્લા પરથી નીચે ઉતરી ‘પતવોકી હવેલી’ નામની ઝરૂખાઓથી ભરેલી પ્રાચીન ભવ્ય હવેલીની ઝાંખી લેવા પહોંચી ગયાં. પત્થરોમાં જ સુંદર કોતરણી કરી અહિં ત્રણ-ચાર માળના મહેલ જેવી આ હવેલી બાંધવામાં આવી હતી. આવડી મોટી આ હવેલીમાં કેટલા લોકો રહેતા હશે? એવો વિચાર મને આવ્યો. ઉપર ટોચેથી આખા પીળા રંગના પત્થરોના ઘરોથી બનેલી જેસલમેરની સુવર્ણ નગરી દેખાઈ રહી હતી અને અહિંથી રણ વિસ્તાર પણ દેખાતો હતો જેમાં આગળના બે દિવસો અમારે ઉંટ પર સવારી કરી પસાર કરવાના હતાં.’પતવોકી હવેલી’ના ધરાઈને દર્શન કર્યા બાદ નીચે થોડું શોપિંગ કર્યું.અહિંના સ્થાનિક યુવાનો પાસેથી તેમણે હાથે બનાવેલી કઠપૂતળીની એક જોડ ખરીદી અને ત્યાં જ એક યુવાને મોરચંગ નામનું એક ખાસ પ્રકારનું મોં તથા હાથ વડે, હવાની ધ્રુજારીથી સુંદર ધ્વનિ પેદા કરી વગાડાતું વાદ્ય બતાવ્યું. તે સાંભળવાની ખૂબ મજા આવી. ત્યાર બાદ આસપાસની દુકાનોમાંથી અહિંની ખાસ બાંધણી જેવા કપડામાંથી બનાવેલી પાઘડી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી અને નગરના આ બાજુના વિસ્તારમાં અમે થોડું ટહેલ્યાં. અહિં દરેક ઘરને ઝરૂખા જોવા મળ્યાં.અને ઝરૂખા પણ પાછા કેવા? રાજાશાહી! ખેતી આ પ્રદેશમાં વધુ થતી ન હોઈ મોટા ભાગના લોકો રોજગાર માટે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવી માહિતી જય અને કપિલે આપી. સાંજે અમે જેસલમેરમાં આવેલ ઘડીસર તળાવમાં બોટીંગ કર્યું.સંધ્યા ટાણે મોબાઈલ પર નદી કિનારે ફિલ્માયેલા ગીતો સાંભળતા સાંભળતા પોતે હોડી ચલાવવાની મજા જ કંઈ જુદી હતી જે મેં,અમી એ અને નમ્યા એ ધરાઈને માણી! ત્યાર બાદ સામે એક લોકસંસ્કૃતિ કેન્દ્રમાં કઠપૂતળીનો શો જોયો જેમાં રાજસ્થાની કલાકારોએ સુંદર ગીતો પોતાના કંઠે લાઈવ ગાઈ તેના પર રાજા,રાણી,સાપ,બાળક વગેરે વિવિધ કઠપૂતળીઓ નચાવી મોટેરાં તેમજ બાળકોને મનોરંજન પીરસ્યું. તેમાં એક બાળકે તેના મધુર સ્વરે ટીપીકલ રાજસ્થાની ભાષાના ગીતો ગાઈ મને આનંદ વિભોર કરી મૂક્યો! પાછા ફરતા રસ્તામાં સ્ત્રીઓનું એક મોટું વૃંદ સરસમજાના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ હાથમાં ભેટસોગાદ ભરેલી થાળીઓ લઈ જતું શોરબકોર કરી ચાલ્યું જતું જોવા મળ્યું. રીક્ષા વાળાએ જાણ કરી કે એ કોઈકના લગ્ન હશે એટલે, આપણે ત્યાં જાન નિકળે કે લગ્ન વખતે માટલા વગેરેની વિધિ હોય છે તેવી જ કોઈક વિધી કરતું એ ટોળું વરરાજાના ઘર તરફ જઈ રહ્યું હશે.


રાત ખૂબ જલ્દી પડી ગઈ.સાડા સાત-આઠે તો અંધારું ફેલાઈ ગયું અને અમે કિલ્લા પર અમારી હોટલે પહોંચ્યા ત્યાં સુધીમાંતો સડકો સૂમસામ થઈ ગઈ હતી. હવે આપણને મુંબઈગરાંને કંઈ આટલી જલ્દી ઉંઘ આવે ખરી? અમે રૂમ પર ફ્રેશ થઈ ફરી પાછા બહાર ફરવા નિકળી પડ્યાં. દિવસ દરમ્યાનતો સામાન્ય રહેલી ઠંડીનું જોર રાતે ફરી વધ્યું હતું. અહિં કિલ્લા પર મોંઘી દાટ હોટલોથી માંડી સામાન્ય મધ્યમ વર્ગની પણ મોટા ભાગની વસ્તી હતી.જ્યારે સાંજે ‘પતવોકી હવેલી’ આસપાસ અમે જે વિસ્તારમાં ફર્યા હતાં ત્યાંના ઘરો અને જાજરમાન ઝરૂખા ચાડી ખાતા હતા કે એ વિસ્તારમાં શ્રીમંત પરિવારો રહેતાં હશે. અમે આમતેમ ફરતાં ફરતાં એક મોટા ઘર સામે જઈ ચડ્યા ત્યાં બહાર ઓટલા પર બે બાળકો રમી રહ્યાં હતાં. નમ્યાને જોઈ તરત છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીએ તેને તેડવાની ઇચ્છા વ્યક્ત કરી અને નમ્યા પણ તરત તેની પાસે જતી રહી.પછી તો અમે એ બે બાળકો સાથે અલકમલકની વાતો કરી થોડી વારમાં ફરી પાછા રૂમ પર આવ્યાં અને ડિનરની રાહ જોવા લાગ્યાં. જય અને કપિલે રાતનું ખાવાનું હોટલમાં જ બને અને અમને રૂમમાં મળી રહે એવી વ્યવસ્થા કરી હતી. શાક અતિ તીખું બન્યું હતું પણ થોડું ઘણું ખાઈ અમે સૂવાની તૈયારી કરવા લાગ્યા. મુંબઈથી ગાડી ચલાવી રસ્તા માર્ગે ત્રણ મિત્રો ડેઝર્ટ સફારીમાં અમારી સાથે જોડાવા આવી પહોંચ્યા હતાં. તેઓ ભારે ઠંડી હોવાં છતાં રૂફ ટોપ રેસ્ટોરાંમાં બેઠાં બેઠાં બિયરની ચુસ્કી ભરી રહ્યાં હતાં. હું મદ્યપાન કરતો નથી. છતાં તેમની સાથે પરિચય કેળવ્યા બાદ થોડી ઘણી વાતચીત કરી રૂમ પર પાછો ફર્યો અને અમે સૂઈ ગયાં. બીજે દિવસે સવારે અમારી ઉંટ પર સવારી દ્વારા રણ યાત્રા આરંભાવાની હતી તેના ઇંતેજારમાં રાતે મીઠી નિંદર આવી ગઈ અને જલ્દી જ સવાર પડી ગઈ.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો