Translate

રવિવાર, 15 નવેમ્બર, 2015

પૂછતા નર પંડિત

         ઘણી વાર કોઈ અજાણી જગાએ ગયા હોઈએ અને પાકું સરનામું હોય છતાં જયાં પહોંચવાનુ હોય એ જગા મળતી ના હોય ત્યારે શું કરવું જોઇએ? કોઇને પૂછવું જોઇએ! ઘણા લોકો પૂછવામાં ગરાસ લૂંટાઈ જવાનો હોય એમ નાનમ અનુભવે છે. આવા લોકો પૂછવાની જગાએ કલાકો સુધી ભટકયા કરે છે,હેરાન થાય છે અને પસ્તાય છે.

         કોઈ પણ વિષય ને લગતી ગમે તે  માહિતી મેળવવા ગૂગલ નામનું અમોઘ શસ્ત્ર આજે ઇન્ટરનેટના યુગમાં આપણી પાસે હાથવગુ છે.કોઈ જાણીતી વ્યક્તિ કે પશુ કે વસ્તુનું નામ ખબર હોય અને તેની તસવીર જોવી હોય તો ગૂગલ બાબા હાજર! કોઈ પણ જગાની થોડી ઘણી માહિતી હોય અને વિસ્તાર પૂર્વકની માહિતી જોઇતી હોય તો ગૂગલ સર્ચબોક્સમાં એક-બે શબ્દો નાખો અને તમારી સામે એ વિષયને લગતી સઘળી માહિતીનો ખડકલો તે સમાવી લેતી વેબસાઈટ્સ લિન્કસ્ સ્વરૂપે હાજર ! અજાણી જગાએ જવું છે અને કોઈને પૂછવું ન હોય તો ગૂગલ મેપ્સ હોય તો તમારો બેડો પાર! ચાલતા,બસ કે પોતે ડ્રાઈવ કરીને જવા ઇચ્છતા હોવ એ દરેક વિકલ્પ માટે તમને નિર્દેશ મળી રહેશે! માત્ર શરૂ કરવાના છો ત્યાંથી ગંતવ્ય સ્થાનની માહિતી ગૂગલમાં ટાઈપ કરી દો અને નકશો, તે સ્થળની બીજી પણ ઘણી ઉપયોગી માહિતી સહિત તૈયાર!

         એ સિવાય અન્ય એક અતિ જ્ઞાનવર્ધક અને મજેદાર વેબસાઈટ વિશે મારી એક જુનિયર કલીગે મને જણાવ્યું અને એ મને એટલી ગમી કે તેના વિશે માહિતી તમારા સૌ વાચકમિત્રો સાથે શેર કરવાનું નક્કી કર્યું.આ વેબસાઈટ એટલે Quora.com આ વેબસાઈટ એક પ્રશ્નોત્તરીની ખાસ વેબસાઈટ છે જેના પર તમે ગમે તે વિશય પર,ગમે તે પ્રશ્ન પૂછી શકો છો. આ વેબસાઈટની ટેગ લાઈન છે The best answer to any question એ મુજબ તમને જે જે વાચકોને જાણ હોય એ સૌ પોતપોતાની રીતે ઉત્તર આપશે અને તમને તમારા પ્રશ્નના ચોક્કસ અનેક દ્રષ્ટીકોણ ધરાવતા જવાબો મળશે. તમને પોતાને કોઈ પ્રશ્ન ન પૂછવો હોય તો માત્ર જ્ઞાન મેળવવાના આશયથી પણ આ વેબસાઈટની મુલાકાત લેવી ખુબ ફાયદાકારક સાબિત થશે.

          આ વેબસાઈટ પર Feeds નામે વિષયો વર્ગીકૃત કરેલા હોય છે જેમકે પ્રાણીઓ, પૃથ્વી, પ્રવાસન, આરોગ્ય વર્ધક ખોરાક, સ્ટાર્ટ અપ્સ વગેરે વગેરે. તમે જ્યારે લોગ ઈન કરો ત્યારે કયા વિષય પરના પ્રશ્નો ટ્રેન્ડ થઈ રહ્યા છે અર્થાત સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે તેની પણ એક યાદી વેબસાઈટના તમારા મેન પેજ પર જોવા મળશે દા.ત. સેન્ટ્રલ પેરીસમાં આતંકવાદી હૂમલો, સ્પેક્ટર, ધ વોકીંગ ડેડ સીઝન - ૬ એપિસોડ -૫ વગેરે. તમે જે પ્રમાણેના પસંદગીના વિષયો જણાવ્યા હોય તે વિષયના પ્રશ્નો તમારા મેન પેજ પર લોગ ઇન કર્યા બાદ તમને જોવા મળે. તમારે રોજ લોગ ઇન કરી વેબ સાઈટ પર ન જવું હોય તો પાંચ-સાત પ્રશ્નોત્તરનું લિસ્ટ તમને તમારા ઇમેલ પર ડાઈજેસ્ટ સ્વરૂપે રોજ મેળવવાનો વિકલ્પ પણ ખરો. મને તો આ વેબસાઈટ ખુબ ગમી. મારે થોડા સમય અગાઉ એક જગાએ વક્તવ્ય આપવા જવાનુ હતું તે વિષય થોડો અઘરો હતો.મેં તે વિષયને લગતા પ્રશ્નો સર્ચ કર્યા અને આ વેબસાઈટ પર મને તે પ્રશ્નના અન્યોએ આપેલા ઉત્તર વાચી સારી એવી સામગ્રી મારા વક્તવ્ય માટે મળી રહી.

           કેટલાક પ્રશ્નો સાવ ફાલતુ પણ હોય તો કેટલાક વળી મનોરંજક પણ! તમારે કોઈના પ્રશ્નનો જવાબ આપવો હોય તો એની પણ સુવિધા ખરી. ઘણાં પ્રશ્નોનાં ઉત્તરો નિષ્ણાતો દ્વારા પણ અપાતા હોય છે અને આવા જવાબો સાથે ખાસ એ પ્રકારની માહિતી પણ જોવા મળે કે આ જવાબ 'એકસ્પર્ટ' દ્વારા અપાયો છે.
ગૂગલ જેવું એક સર્ચ બોક્સ મેન પેજ પર જ્યાં તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તે વિશેના બે-ચાર શબ્દો ટાઈપ કરો અને તે શબ્દો ના આધારે અત્યાર સુધી પૂછાયેલા બધા પ્રશ્નોની અને તેના જવાબોની લિન્ક્સ ધરાવતી યાદી તમારી સામે હાજર! પ્રશ્ન પાછોપૂછવાની પણ સુવિધા અને પ્રશ્નોત્તરી ને અંતે તે જ વિષયને લગતા અન્ય પ્રશ્નોનું પણ લિસ્ટ આપવામાં આવે જેથી એ વિષય પરની વધુ માહિતી તમે એ પ્રશ્નોની લિન્ક ક્લીક કરી મેળવી શકો.
         
           બીજા પણ અનેક ફીચર્સ મોજૂદ છે આ વેબસાઈટ પર જેની ચર્ચા માટે આ એક બ્લોગ ઓછો પડે! મારી ભલામણ છે એક વાર તો આ રસપ્રદ વેબસાઈટની મુલાકાત લેજો જ !પૂછતા નર પંડીત કહેવત કંઈ એમનેમ થોડી જ પ્રચલિત થઈ હશે?

            છેલ્લે આ વેબસાઈટ પર વાંચેલા કેટલાક પ્રશ્નોની યાદી :
•How can I make myself get out of bed more quickly?
•How long would the earth be habitable without any humans?
•In India, do young CEOs of top startups receive warning calls from dons or police or politicians demanding money?
•How do they deal with them?
•Why do husband and wife sleep together every night in the same bed? (આ પ્રશ્ન ના પણ ૭ જવાબો આપ્યા છે અન્ય યુઝર્સે!)
•Indian startups like OLA, Zomato, Flipkart & MakeMyTrip are running at a loss despite being in 5th year of operations, yet they get huge funding. Why? What is the long term strategy in terms of revenue? How does this benefit the investors & founders?
•What happens when a police dog gets too old to perform its duty? Does it stay with its person?
•If I dig a tunnel through the Earth and jump in, do I end up on the other side or in the center of it?
•Who is the luckiest person on Earth?

જવાબો વાંચવા Quora.com પર જવાની તસદી લેવી પડશે!

રવિવાર, 8 નવેમ્બર, 2015

નવા વર્ષમાં આપવાનો આનંદ


ફરી એક નવું વર્ષ આપણાં જીવનના બારણે ટકોરા મારતું ઉભું છે.આજ ટાણું હોય છે વીતેલા વર્ષનું સરવૈયું કાઢવાનું, કરેલી ભૂલો વિષે મનન કરી તે કઈ રીતે ફરી ના થાય માટેનાં  પાઠ શીખવાનું,નવા આયોજન કરવાનું ,નવા સ્વપ્નો સેવવાનું અને સ્વપ્નો ફળીભૂત કરવા મચી પડવાનું.

દરેક નવું વર્ષ પોતાની સાથે અનેક નવી આશાઓ લઈ આવે છે.પાછલા એકાદ બ્લોગમાં 'બકેટ લીસ્ટ'ની વાત કરી હતી. આપણે બનાવવું જોઈએ જેથી ચકાસી શકાય કે આપણે જતા વર્ષમાં કેટલું સિદ્ધ કરી શક્યા,પામી શક્યા અને આવનારા વર્ષમાં કેટલી મહેનત કરવાની બાકી છે. વર્ષે એક નવો સંકલ્પ ઉમેરીએ  માત્ર  શું પામ્યા એની ગણતરી ના કરતા શું આપ્યું પણ ચકાસવાનો. માટે પહેલા તો નિર્ધાર કરવો પડશે કે કેટલું આપીશું, કોને, ક્યારે અને કઈ રીતે.

પહેલાં તો આપવું શા માટે? પ્રશ્ન નો ઉત્તર સરળ છે જેણે સમજવું છે તેના માટે. આપણાં વેદો-પુરાણોમાં કહ્યું છે કે સબળાઓએ નબળાઓનુ રક્ષણ કરવું જોઈએ, તેમની મદદ કરવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ માં દાન નું અનેરું મહત્વ છે.આપણે ખાઈએ ત્યારે પણ અમુક કોળીયા ગરીબ માટે તો અમુક કોળિયા ગાય કે અન્ય પશુપંખી  માટે અલગ રાખવાની ભલામણ કરવામાં આવી છે.

બધી તો પોથીમાં લખેલી વાત છે પણ આપ્યાં પછી અનુભવાતી તૃપ્તિ ,સંતોષ અને પરમાનંદ નો અનુભવ કરી જુઓ પછી કોઈને પૂછવાની જરૂર નહિ પડે કે શા માટે આપણે બીજાને કંઈક આપવું જોઈએ. આપેલું બમણું થઈ પાછું મળે જ છે એવી ભાવના કે લાલચે પણ જો કંઈક આપીશું તો એ બહાને પુણ્ય કમાઈ કોઈક્નુ ભલું તો ચોક્કસ કર્યાનું આપણાં ખાતે લખાશે.

આપણે જે કમાતા હોઈએ તેમાંથી થોડોક ભાગ આપણે સારા કાજે વાપરવા કે દાનમાં આપવા રાખવો જોઈએ.થોડું કમાતા હોઈએ તો થોડામાંથી થોડું પણ આપી શકાય પણ આપવાની દાનત જોઈએ.એક સરસ સંદેશ વોટ્સ એપ પર વાચવા માં આવ્યો.શેઠાણી દુકાનમાં જઈને કહે છે "મને સસ્તામાં સસ્તી હલકી સાડી આપો મારે દીકરી નાં લગ્ન પ્રસંગે મારી નોકરાણીને આપવી છે." નોકરાણી પણ દુકાનમાં જઈ કહે છે "મને મોંઘા ભાવની ઉચ્ચ ગુણવત્તા વાળી સરસ સાડી આપો. મારે મારા શેઠાણીની દીકરી નાં લગ્ન પ્રસંગે તેને ભેટમાં  આપવી છે."

ઘણાં માં વસ્તુઓ પધરાવવાની વૃત્તિ જોવા મળે છે.આપણાં ઘરમાં નકામું પડ્યું છે તો આપી દો - ભાવ ખોટો. દાનમાં આપેલી વસ્તુ વપરાશમાં લી શકાય એવી હોય તો લેખે લાગે.

દાન સુપાત્ર ને કરેલું લેખે લાગે.રસ્તામાં ભિખારી ને પાંચ રૂપિયાનો સિક્કો આપી સંતોષ નો અનુભવ કરવો ખોટું પણ રસ્તે રઝળતા બાળકને પાંચ  રૂપિયાના બિસ્કીટ લઈ તેની ભૂખ સંતોષવી ખરૂ. હું પોતે ખુબ મોટા એન.જી. ને દાન આપવા કરતા કોઈએ વ્યક્તિ કે પરિવાર કે નાની સંસ્થા ની જાતે ચકાસણી કરી તેને મદદ કરવી વધુ પસંદ કરું છું.

ક્યારે મદદ કરવી માટે આમ તો કોઈ સમયપત્રક ના હોય પણ તમે આપવાની આદત ના ધરાવતા હોવ કે હવે આપવાની શરૂઆત કરવાના હોવ તો સમય મર્યાદા નક્કી કરી રાખવી ફાયદા કારક રહેશે જેમકે હું દર ત્રણ મહીને એક વાર, દરેક મહીને પગાર મળ્યાના સાત દિવસમાં કે મારા અને મારા પરિવારના જન્મદિને કે કોઈ ખાસ તહેવાર ને દિવસે આપીશ.  

કઈ રીતે આપવું શું આપવું છે તેના આધારે નક્કી થઈ શકે. રોકડામાં આપવું હોય તો પોતે હાથોહાથ અથવા ઓનલાઈન ઈન્ટરનેટ નાં માધ્યમથી આપી શકાય.ઘણી સંસ્થાઓ રોકડાની જગાએ વસ્તુઓ પણ દાનમાં સ્વીકારતી હોય છે જેમકે પસ્તી કે જૂના કપડા કે જૂતા કે ચીજવસ્તુઓ તેઓ તમારા ઘરે આવીને લઈ જવાની વ્યવસ્થા ધરાવતી હોય છે.ધરતી કંપ કે પુર જેવી કુદરતી આફત સમયે પણ ઘણી સંસ્થાઓ લોકો પાસેથી દાનમાં વસ્તુઓ ઉઘરાવી પોતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈએ જરૂરીયાતમંદ  લોકોને  પૂરી પાડતી હોય છે.

ગૂગલ કે જસ્ટ ડાયલ જેવી સેવાઓનો ઉપયોગ કરી તમે આવી જરૂરીયાતમંદ સંસ્થા તમારી આસપાસ નાં વિસ્તારમાં શોધી  શકો  છો  કે છાપાઓમાં આવતી મદદ માટેની નોંધ વાચી જે-તે વ્યક્તિ કે પરિવારની પાત્રતા ચકાસી મદદ કરી શકો છો. તમારા બાળકોને પણ નાનપણથી આપવાની આદત પાડશો તો મોટું થઈને ચોક્કસ એક સારું નાગરિક બનશે અને તેનું સારું ચરિત્ર ઘડતર થશે.

તો ચાલો આવનારા નવા વર્ષમાં આપવાનો શુભ સંકલ્પ કરીએ અને માત્ર સંકલ્પ નહિ તેનું આયોજન કરી આવતા વર્ષે આપવાના લક્ષ્યની પણ સમીક્ષા કરીએ...દિવાળી ની હાર્દિક શુભેચ્છા અને નવું વર્ષ આપણાં સૌ માટે મંગલમય અને કલ્યાણકારી તેમજ સુખશાંતિ આપનારું બની રહે એવી ઈશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના !!!

સોમવાર, 2 નવેમ્બર, 2015

સાળાવેલીનું જીયાણું, ખખેડો અને શિંગોડાનું તળાવ


                શિર્ષક જરા અટપટું લાગ્યું? કદાચ એમાંના મોટા ભાગના શબ્દોના અર્થ ખબર નહિ હોય,બરાઅર? મને પણ નહોતા,થોડા દિવસો અગાઉ સુધી! પણ તેમનો અર્થ અને તેમના મુલાકાત-અનુભવ તમારા સૌ વાચકમિત્રો સાથે શેર કરવા બ્લોગ લખ્યો છે.
સાળાવેલી એટલે કે સાળાની પત્ની. સાળો એટલે તો ખબર હશે ને? પરણેલાઓને ચોક્કસ ખબર હશે! જેઠાલાલ માટે સુંદર એટલે તેમનો સાળો. સાળો એટલે પત્નીનો ભાઈ... ના ના પ્રિય ભાઈ! સાળાની પત્નીને સાળાવેલી કહેવાય. સાળી એટલે પત્નીની બહેન. સાળીના વર માટે સાઢુભાઈ એવો શબ્દ વપરાય છે. મારે સગી  સાળી તો છે નહિ, પણ એક સાળો છે જેને એકાદ મહિના અગાઉ પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલે કે મારી સાળાવેલીને દિકરી જન્મી. હવે આપણાં ગુજરાતીઓમાં પ્રથમ સુવાવડ પિયરે થાય. એટલે મારૂં સાસરું મહેસાણા હોવા છતાં મારી ભત્રીજી અમદાવાદમાં જન્મી - મારી સાળાવેલીના પિયરના શહેરમાં. જ્યારે સુવાવડ પછી વહુને તેના સાસરાના ઘેર સંતાન સાથે પ્રથમ વાર લાવવામાં આવે તેને જીયાણું કર્યું કહેવાય. હું મારી સાળાવેલીનું જીયાણું કરાવવા મારી પત્ની,દિકરી,સાળા અને શ્વસુર પક્ષનાં કેટલાક વડીલો સાથે ગત દશેરાને શુભ દિવસે અમદાવાદ ગયો હતો અને અમે બધાં તેને નવજાત કોમળ અને સુંદર પુત્રી સાથે મહેસાણા લઈ આવ્યાં. દશેરાને દિવસે ગુજરાતીઓની સવાર ફાફડા-જલેબી વગર તો કઈ રીતે પડે? જમવામાં પણ ખાસ પ્રકારનું ઉંધિયું અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓની જયાફત ઉડાવવાની મજા આવી! અમદાવાદમાં - આખા ગુજરાતમાં લોકોના ઘર ખુબ મોટા અને સરસ બંગલા જેવા હોય! મને મારી સાળાવેલીનું ઘર ખુબ ગમ્યું. આંગણામાં સેવંતનું મોટું ઝાડ, જેની ડાળીઓ ઘરનાં પહેલા માળની ગેલેરી સુધી ફેલાયેલી. સિવાય પણ એક આસોપાલવનું નાનું ઝાડ તેમજ અન્ય છોડ-વેલાઓ પણ આંગણાની શોભા વધારે. વરંડામાં વેલીઓથી આચ્છાદિત  છત ધરાવતો હિંચકો! ગુજરાતવાસીઓની મને ઘણી વાર મીઠી ઇર્ષ્યા આવે છે! બપોરે ત્યાંથી નિકળી સાંજે અમે મહેસાણા પહોંચી ગયા અને નાનકડી રિષ્વીનો પ્રથમ વાર તેના ઘરમાં નવી માતા બનેલી મારા સાળાવેલી પૂનમ સાથે પ્રવેશ કરાવ્યો અને આમ મારા સાળા નિરવની વહુનું જીયાણું સંપન્ન થયું! બધાં ખુશ તો હતાં પણ નિરવ અને મારી નાનકડી દિકરી નમ્યા મને સૌથી વધુ આનંદમાં જણાયાં! નાના બાળકોને તાજા જન્મેલાં બાળકો ખુબ ગમતાં હોય છે અને તેઓ પણ મોટાઓની જેમ તેમને ખોળામાં લેવા કે રમાડવાં તલપાપડ બની જતાં હોય છે!
બીજા દિવસે નાનકડી રિષ્વીને ચેહરમાતાનાં મંદીરે પગે લગાડવા મંદ્રોપુર ગામ લઈ ગયાં. ખેરાલુ તાલુકામાં આવેલું ગામ મારી મમ્મીનું વતન અને મેં પણ નાનપણમાં ઘણી વાર ગામની મુલાકાત લીધી છે અને મને ખુબ ગમે છે. ચેહરમાનાં દર્શન કરી પાસે આવેલા અમારા એક અન્ય જ્ઞાતિ પરીવારને ઘેર થોડી વાર આરામ કરવા ગયાં. ઘર પણ જાણે બંગલો જોઈ લો! મોટું આંગણું અને આંગણાંમાંથી નાનકડો ઝાંપો ચેહરમાનાં મંદીરનાં પ્રાંગણમાં ખુલે. હું ખુરશીમાં બેઠો હતો ત્યાં ઘરની બહાર દરવાજા બહાર નાની પાળી પર બે પંખીઓનું એક જોડું આવીને બેઠું. મેં હજી સુધી ક્યારેય પંખીને પહેલા જોયું નહોતું અને મને પ્રકૃતિના તમામ તત્વો પ્રત્યે અપાર પ્રેમ આથી હું તો દોડીને પણ ધીમા પગલે બહાર આવ્યો. તપખીરીયા રંગનાં પંખીનું મોઢું કાળું પણ તેની અતિ લાંબી પૂંછડી તેને અન્ય પક્ષીઓથી જુદી પાડતી હતી. લાંબી પારદર્શક પૂંછડી પર બે ત્રણ સફેદ-કાળા પટ્ટા પણ જોવા મળ્યાં. તરત મેં તેની તસવીર ઝડપી અને ઓળખ માટે મારા નેચરવર્લ્ડ વોટ્સએપ ગૃપ પર અપલોડ કરી દીધી!
 


થોડી મિનિટોમાં અમારા ગૃપના એક એક્સ્પર્ટ મહિલા - શોભા મેડમે તે પક્ષીની ઢગલા બંધ માહિતી તેના ગુજરાતી નામ સાથે મોકલી આપી! તેમને તો ગુજરાતી આવડતું પણ નથી! પણ તેમને માહિતી મારી સાથે શેર કરવામાં ખુબ આનંદ આવ્યો! મેં તેમને 'શોભા માસ્ટર'નું બિરૂદ આપી દીધું! કહેવાની જરૂર ખરી કે ખખેડો એટલે મેં પહેલી વાર મંદ્રોપુરમાં જોયેલું સુંદર પક્ષી! પક્ષીનું બીજું નામ ખેરખટ્ટો પણ છે.
પછી તો થોડી વારમાં ખેરખટ્ટા યુગલ ઉડી ગયું પણ હું ઘરનાં ઉંચા ઓટલા પર ખાટલો ઢાળી ત્યાં બેઠો અને આસપાસનાં સુંદર વાતાવરણને માણી રહ્યો. યજમાન ઘરની વહુએ એલ્યુમિનિયમની રકાબીમાં ચા પાઈ અને પછી તેમના વર મને એમનાં ખેતરે લઈ ગયાં. જ્યાં મેં સરસ લીલોતરી સહીત એક જીર્ણ પાળી વગરનો ઉંડો કુવો અને અન્ય ગ્રામીણ વસ્તુઓ જોયાં. તેમને મારો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ સ્પર્શી ગયો અને આથી તે મને બીજી એક ખાસ જગાએ લઈ ગયાં.
જગા એટલે આજનાં બ્લોગનાં શિર્ષકનું છેલ્લું કૌતુક! શિંગોડાનું તળાવ! કાળા રંગની છાલ ધરાવતાં ઘેરાં સફેદ રંગના શિંગોડાનાં ફળ મારા નાના જીવતા હતા ત્યારે અમારા માટે અવારનવાર લઈ આવતાં. મને ખુબ ભાવે પણ મેં પહેલી વાર જાણ્યું કે પાણીમાં ઉગે છે! તળાવની વચ્ચે તેની ખેતી થાય. તેલનાં એલ્યુમિનિયમનાં ખાલી ડબ્બાને સીલ કરી,બે-ચાર આવા ડબ્બા જોડી તેનો તરાપો બનાવી ખેડૂત તળાવ વચ્ચે જઈ શિંગોડાના છોડવા પર દવા છાંટી રહ્યો હતો દ્રષ્ય જોવાનું પણ મને અદભૂત લાગ્યું! તળાવ પાસે લાંબા પગ વાળી ટીટોડી અને અન્ય પક્ષીઓ તેમજ વનસ્પતિ પણ જોયાં.એક અનેરી શાંતિ અને ખુશીનો અનુભવ થયો બધું જોઈ - માણી ને.
 
 


ખેર પછી તો મંદ્રોપુરથી ફરી મહેસાણા અને ત્યાંથી ફરી પાછા મુંબઈમાં આવી અહિંની ભાગદોડમાં સામેલ થઈ ગયાં.પણ જીયાણાનાં પ્રસંગે,ખેરખટ્ટાએ અને શિંગોડાનાં તળાવે હ્રદયનાં ખૂણામાં મધુરી સ્મૃતિ બની એક વિશિષ્ટ સ્થાન લઈ લીધું જે યાદ કરતાં ભવિષ્યમાં પણ ચહેરા પર ચોક્કસ એક સ્મિત આવી જશે!