શિર્ષક જરા અટપટું લાગ્યું? કદાચ એમાંના મોટા ભાગના શબ્દોના અર્થ ખબર નહિ હોય,બરાઅર? મને પણ નહોતા,થોડા દિવસો અગાઉ સુધી! પણ તેમનો અર્થ અને તેમના મુલાકાત-અનુભવ તમારા સૌ વાચકમિત્રો સાથે શેર કરવા જ આ બ્લોગ લખ્યો છે.
સાળાવેલી એટલે કે સાળાની પત્ની. સાળો એટલે તો ખબર જ હશે ને? પરણેલાઓને ચોક્કસ ખબર હશે! જેઠાલાલ માટે સુંદર એટલે તેમનો સાળો. સાળો એટલે પત્નીનો ભાઈ... ના ના પ્રિય ભાઈ! એ સાળાની પત્નીને
સાળાવેલી કહેવાય. સાળી એટલે પત્નીની બહેન. સાળીના વર માટે સાઢુભાઈ એવો શબ્દ વપરાય છે.
મારે સગી સાળી તો છે
જ નહિ, પણ એક સાળો છે જેને એકાદ મહિના અગાઉ પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલે કે મારી સાળાવેલીને દિકરી જન્મી. હવે આપણાં ગુજરાતીઓમાં પ્રથમ સુવાવડ પિયરે થાય. એટલે મારૂં સાસરું મહેસાણા હોવા છતાં મારી ભત્રીજી અમદાવાદમાં જન્મી - મારી સાળાવેલીના પિયરના શહેરમાં. જ્યારે સુવાવડ પછી વહુને તેના સાસરાના ઘેર સંતાન સાથે પ્રથમ વાર લાવવામાં આવે તેને જીયાણું કર્યું કહેવાય. હું મારી સાળાવેલીનું જીયાણું કરાવવા મારી પત્ની,દિકરી,સાળા અને શ્વસુર પક્ષનાં કેટલાક વડીલો સાથે ગત દશેરાને શુભ દિવસે અમદાવાદ ગયો હતો અને અમે બધાં તેને નવજાત કોમળ અને સુંદર પુત્રી સાથે મહેસાણા લઈ આવ્યાં. દશેરાને દિવસે ગુજરાતીઓની સવાર ફાફડા-જલેબી વગર તો કઈ રીતે પડે? જમવામાં પણ ખાસ પ્રકારનું ઉંધિયું અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓની જયાફત ઉડાવવાની મજા આવી! અમદાવાદમાં
- આખા ગુજરાતમાં લોકોના ઘર ખુબ મોટા અને સરસ બંગલા જેવા હોય! મને મારી સાળાવેલીનું ઘર ખુબ ગમ્યું. આંગણામાં સેવંતનું મોટું ઝાડ, જેની ડાળીઓ ઘરનાં પહેલા માળની ગેલેરી સુધી ફેલાયેલી. એ સિવાય પણ એક આસોપાલવનું નાનું ઝાડ તેમજ અન્ય છોડ-વેલાઓ પણ આંગણાની શોભા વધારે. વરંડામાં જ વેલીઓથી આચ્છાદિત છત ધરાવતો હિંચકો! ગુજરાતવાસીઓની મને ઘણી વાર મીઠી ઇર્ષ્યા આવે છે! બપોરે ત્યાંથી નિકળી સાંજે અમે મહેસાણા પહોંચી ગયા અને નાનકડી રિષ્વીનો પ્રથમ વાર તેના ઘરમાં નવી માતા બનેલી મારા સાળાવેલી પૂનમ સાથે પ્રવેશ કરાવ્યો અને આમ મારા સાળા નિરવની વહુનું જીયાણું સંપન્ન થયું! બધાં ખુશ તો હતાં જ પણ નિરવ અને મારી નાનકડી દિકરી નમ્યા મને સૌથી વધુ આનંદમાં જણાયાં! નાના બાળકોને તાજા જન્મેલાં બાળકો ખુબ ગમતાં હોય છે અને તેઓ પણ મોટાઓની જેમ તેમને ખોળામાં લેવા કે રમાડવાં તલપાપડ બની જતાં હોય છે!
બીજા દિવસે નાનકડી રિષ્વીને ચેહરમાતાનાં મંદીરે પગે લગાડવા મંદ્રોપુર ગામ લઈ ગયાં. ખેરાલુ તાલુકામાં આવેલું આ ગામ મારી મમ્મીનું વતન અને મેં પણ નાનપણમાં ઘણી વાર આ ગામની મુલાકાત લીધી છે અને ત મને ખુબ ગમે છે. ચેહરમાનાં દર્શન કરી પાસે આવેલા અમારા એક અન્ય જ્ઞાતિ પરીવારને ઘેર થોડી વાર આરામ કરવા ગયાં. આ ઘર પણ જાણે બંગલો જ જોઈ લો! મોટું આંગણું અને આંગણાંમાંથી જ નાનકડો ઝાંપો ચેહરમાનાં મંદીરનાં પ્રાંગણમાં ખુલે. હું ખુરશીમાં બેઠો હતો ત્યાં જ ઘરની બહાર દરવાજા બહાર નાની પાળી પર બે પંખીઓનું એક જોડું આવીને બેઠું. મેં હજી સુધી ક્યારેય આ પંખીને આ પહેલા જોયું નહોતું અને મને પ્રકૃતિના તમામ તત્વો પ્રત્યે અપાર પ્રેમ આથી હું તો દોડીને પણ ધીમા પગલે બહાર આવ્યો. તપખીરીયા રંગનાં આ પંખીનું મોઢું કાળું પણ તેની અતિ લાંબી પૂંછડી તેને અન્ય પક્ષીઓથી જુદી પાડતી હતી.આ લાંબી પારદર્શક પૂંછડી પર બે ત્રણ સફેદ-કાળા પટ્ટા પણ જોવા મળ્યાં. તરત મેં તેની તસવીર ઝડપી અને ઓળખ માટે મારા નેચરવર્લ્ડ વોટ્સએપ ગૃપ પર એ અપલોડ કરી દીધી!
થોડી જ મિનિટોમાં અમારા આ ગૃપના એક એક્સ્પર્ટ મહિલા - શોભા મેડમે તે પક્ષીની ઢગલા બંધ માહિતી તેના ગુજરાતી નામ સાથે મોકલી આપી! તેમને તો ગુજરાતી આવડતું પણ નથી! પણ તેમને આ માહિતી મારી સાથે શેર કરવામાં ખુબ આનંદ આવ્યો! મેં તેમને 'શોભા માસ્ટર'નું બિરૂદ આપી દીધું! કહેવાની જરૂર ખરી કે ખખેડો એટલે મેં પહેલી વાર મંદ્રોપુરમાં જોયેલું એ સુંદર પક્ષી! આ પક્ષીનું બીજું નામ ખેરખટ્ટો
પણ છે.
પછી તો
થોડી જ વારમાં ખેરખટ્ટા
યુગલ ઉડી ગયું પણ હું એ ઘરનાં ઉંચા ઓટલા પર ખાટલો ઢાળી ત્યાં જ બેઠો અને આસપાસનાં સુંદર વાતાવરણને માણી રહ્યો. યજમાન ઘરની વહુએ એલ્યુમિનિયમની રકાબીમાં ચા પાઈ અને પછી તેમના વર મને એમનાં ખેતરે લઈ ગયાં. જ્યાં મેં સરસ લીલોતરી સહીત એક જીર્ણ પાળી વગરનો ઉંડો કુવો અને અન્ય ગ્રામીણ વસ્તુઓ જોયાં. તેમને મારો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ સ્પર્શી ગયો અને આથી તે મને બીજી એક ખાસ જગાએ લઈ ગયાં.
એ જગા એટલે આજનાં બ્લોગનાં શિર્ષકનું છેલ્લું કૌતુક! શિંગોડાનું તળાવ! કાળા રંગની છાલ ધરાવતાં ઘેરાં સફેદ રંગના શિંગોડાનાં ફળ મારા નાના જીવતા હતા ત્યારે અમારા માટે અવારનવાર લઈ આવતાં. મને એ ખુબ ભાવે પણ મેં પહેલી વાર જાણ્યું કે એ પાણીમાં ઉગે છે! તળાવની વચ્ચે તેની ખેતી થાય. તેલનાં એલ્યુમિનિયમનાં ખાલી ડબ્બાને સીલ કરી,બે-ચાર આવા ડબ્બા જોડી તેનો તરાપો બનાવી ખેડૂત તળાવ વચ્ચે જઈ શિંગોડાના છોડવા પર દવા છાંટી રહ્યો હતો એ દ્રષ્ય જોવાનું પણ મને અદભૂત લાગ્યું! તળાવ પાસે લાંબા પગ વાળી ટીટોડી અને અન્ય પક્ષીઓ તેમજ વનસ્પતિ પણ જોયાં.એક અનેરી શાંતિ અને ખુશીનો અનુભવ થયો આ બધું જોઈ - માણી ને.
ખેર પછી તો મંદ્રોપુરથી ફરી મહેસાણા અને ત્યાંથી ફરી પાછા મુંબઈમાં આવી અહિંની ભાગદોડમાં સામેલ થઈ ગયાં.પણ જીયાણાનાં પ્રસંગે,ખેરખટ્ટાએ અને શિંગોડાનાં તળાવે હ્રદયનાં ખૂણામાં મધુરી સ્મૃતિ બની
એક વિશિષ્ટ સ્થાન લઈ લીધું જે યાદ કરતાં ભવિષ્યમાં પણ ચહેરા પર ચોક્કસ એક સ્મિત આવી જશે!
'બ્લોગને ઝરૂખેથી...' માં સાળાવેલીનું જીયાણું,ખખેડો અને શીંગોડા લેખ આજના જુવાનિયાઓએ ખાસ વાંચવો જોઇએ એવો હતો.આ શબ્દોનો અર્થ તેમને ચોક્કસ ખબર નહિ હોય.કદાચ શીંગોડા નો જ અર્થ ખબર હોવાની શક્યતા છે.આ બધા શબ્દોની સમજ જે રીતે આ બ્લોગમાં અપાઈ હતી તે સમજવા લાયક અને રસપ્રદ હતી.આવા લેખો વાંચી ગુજરાતી ભાષાનું જ્ઞાન વધે અને આપણી માતૃભાષા પણ બચે. લેખકને અભિનંદન!
જવાબ આપોકાઢી નાખો- અનિરુદ્ધ બી.શાહ
બ્લોગને ઝરૂખેથી...માં આવતા લેખો હું નિયમિત વાંચું છું અને તે મને ગમે છે.તેમાનું લખાણ ભાવવાહી અને ભારવાળું - effective અને impressive હોય છે. તા. ૧-૧૧-૨૦૧૫ના બ્લોગમાં આપે કરેલી મંદ્રોપુર ગામમાં ખેરખટ્ટો જોયાની વાત સ્પર્શી ગઈ. મને પ્રકૃતિની લીલામાં ખુબ રસ છે - પક્ષીઓમાં વિશેષ. શિંગોડાના તળાવની વાત જાણી આશ્ચર્ય થયું. અમારા જૈનોમાં શિંગોડા ખાવા પર નિષેધ હોય છે કદાચ એનું કારણ આ હશે?
જવાબ આપોકાઢી નાખોઆપશ્રી ના આ નેચર વર્લ્ડ ગૃપ માં મને પણ જોડાવવા ની ઉત્સુકતા છે. મને જોડી શકશો આપ?
જવાબ આપોકાઢી નાખો