Translate

રવિવાર, 8 નવેમ્બર, 2015

નવા વર્ષમાં આપવાનો આનંદ


ફરી એક નવું વર્ષ આપણાં જીવનના બારણે ટકોરા મારતું ઉભું છે.આજ ટાણું હોય છે વીતેલા વર્ષનું સરવૈયું કાઢવાનું, કરેલી ભૂલો વિષે મનન કરી તે કઈ રીતે ફરી ના થાય માટેનાં  પાઠ શીખવાનું,નવા આયોજન કરવાનું ,નવા સ્વપ્નો સેવવાનું અને સ્વપ્નો ફળીભૂત કરવા મચી પડવાનું.

દરેક નવું વર્ષ પોતાની સાથે અનેક નવી આશાઓ લઈ આવે છે.પાછલા એકાદ બ્લોગમાં 'બકેટ લીસ્ટ'ની વાત કરી હતી. આપણે બનાવવું જોઈએ જેથી ચકાસી શકાય કે આપણે જતા વર્ષમાં કેટલું સિદ્ધ કરી શક્યા,પામી શક્યા અને આવનારા વર્ષમાં કેટલી મહેનત કરવાની બાકી છે. વર્ષે એક નવો સંકલ્પ ઉમેરીએ  માત્ર  શું પામ્યા એની ગણતરી ના કરતા શું આપ્યું પણ ચકાસવાનો. માટે પહેલા તો નિર્ધાર કરવો પડશે કે કેટલું આપીશું, કોને, ક્યારે અને કઈ રીતે.

પહેલાં તો આપવું શા માટે? પ્રશ્ન નો ઉત્તર સરળ છે જેણે સમજવું છે તેના માટે. આપણાં વેદો-પુરાણોમાં કહ્યું છે કે સબળાઓએ નબળાઓનુ રક્ષણ કરવું જોઈએ, તેમની મદદ કરવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ માં દાન નું અનેરું મહત્વ છે.આપણે ખાઈએ ત્યારે પણ અમુક કોળીયા ગરીબ માટે તો અમુક કોળિયા ગાય કે અન્ય પશુપંખી  માટે અલગ રાખવાની ભલામણ કરવામાં આવી છે.

બધી તો પોથીમાં લખેલી વાત છે પણ આપ્યાં પછી અનુભવાતી તૃપ્તિ ,સંતોષ અને પરમાનંદ નો અનુભવ કરી જુઓ પછી કોઈને પૂછવાની જરૂર નહિ પડે કે શા માટે આપણે બીજાને કંઈક આપવું જોઈએ. આપેલું બમણું થઈ પાછું મળે જ છે એવી ભાવના કે લાલચે પણ જો કંઈક આપીશું તો એ બહાને પુણ્ય કમાઈ કોઈક્નુ ભલું તો ચોક્કસ કર્યાનું આપણાં ખાતે લખાશે.

આપણે જે કમાતા હોઈએ તેમાંથી થોડોક ભાગ આપણે સારા કાજે વાપરવા કે દાનમાં આપવા રાખવો જોઈએ.થોડું કમાતા હોઈએ તો થોડામાંથી થોડું પણ આપી શકાય પણ આપવાની દાનત જોઈએ.એક સરસ સંદેશ વોટ્સ એપ પર વાચવા માં આવ્યો.શેઠાણી દુકાનમાં જઈને કહે છે "મને સસ્તામાં સસ્તી હલકી સાડી આપો મારે દીકરી નાં લગ્ન પ્રસંગે મારી નોકરાણીને આપવી છે." નોકરાણી પણ દુકાનમાં જઈ કહે છે "મને મોંઘા ભાવની ઉચ્ચ ગુણવત્તા વાળી સરસ સાડી આપો. મારે મારા શેઠાણીની દીકરી નાં લગ્ન પ્રસંગે તેને ભેટમાં  આપવી છે."

ઘણાં માં વસ્તુઓ પધરાવવાની વૃત્તિ જોવા મળે છે.આપણાં ઘરમાં નકામું પડ્યું છે તો આપી દો - ભાવ ખોટો. દાનમાં આપેલી વસ્તુ વપરાશમાં લી શકાય એવી હોય તો લેખે લાગે.

દાન સુપાત્ર ને કરેલું લેખે લાગે.રસ્તામાં ભિખારી ને પાંચ રૂપિયાનો સિક્કો આપી સંતોષ નો અનુભવ કરવો ખોટું પણ રસ્તે રઝળતા બાળકને પાંચ  રૂપિયાના બિસ્કીટ લઈ તેની ભૂખ સંતોષવી ખરૂ. હું પોતે ખુબ મોટા એન.જી. ને દાન આપવા કરતા કોઈએ વ્યક્તિ કે પરિવાર કે નાની સંસ્થા ની જાતે ચકાસણી કરી તેને મદદ કરવી વધુ પસંદ કરું છું.

ક્યારે મદદ કરવી માટે આમ તો કોઈ સમયપત્રક ના હોય પણ તમે આપવાની આદત ના ધરાવતા હોવ કે હવે આપવાની શરૂઆત કરવાના હોવ તો સમય મર્યાદા નક્કી કરી રાખવી ફાયદા કારક રહેશે જેમકે હું દર ત્રણ મહીને એક વાર, દરેક મહીને પગાર મળ્યાના સાત દિવસમાં કે મારા અને મારા પરિવારના જન્મદિને કે કોઈ ખાસ તહેવાર ને દિવસે આપીશ.  

કઈ રીતે આપવું શું આપવું છે તેના આધારે નક્કી થઈ શકે. રોકડામાં આપવું હોય તો પોતે હાથોહાથ અથવા ઓનલાઈન ઈન્ટરનેટ નાં માધ્યમથી આપી શકાય.ઘણી સંસ્થાઓ રોકડાની જગાએ વસ્તુઓ પણ દાનમાં સ્વીકારતી હોય છે જેમકે પસ્તી કે જૂના કપડા કે જૂતા કે ચીજવસ્તુઓ તેઓ તમારા ઘરે આવીને લઈ જવાની વ્યવસ્થા ધરાવતી હોય છે.ધરતી કંપ કે પુર જેવી કુદરતી આફત સમયે પણ ઘણી સંસ્થાઓ લોકો પાસેથી દાનમાં વસ્તુઓ ઉઘરાવી પોતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈએ જરૂરીયાતમંદ  લોકોને  પૂરી પાડતી હોય છે.

ગૂગલ કે જસ્ટ ડાયલ જેવી સેવાઓનો ઉપયોગ કરી તમે આવી જરૂરીયાતમંદ સંસ્થા તમારી આસપાસ નાં વિસ્તારમાં શોધી  શકો  છો  કે છાપાઓમાં આવતી મદદ માટેની નોંધ વાચી જે-તે વ્યક્તિ કે પરિવારની પાત્રતા ચકાસી મદદ કરી શકો છો. તમારા બાળકોને પણ નાનપણથી આપવાની આદત પાડશો તો મોટું થઈને ચોક્કસ એક સારું નાગરિક બનશે અને તેનું સારું ચરિત્ર ઘડતર થશે.

તો ચાલો આવનારા નવા વર્ષમાં આપવાનો શુભ સંકલ્પ કરીએ અને માત્ર સંકલ્પ નહિ તેનું આયોજન કરી આવતા વર્ષે આપવાના લક્ષ્યની પણ સમીક્ષા કરીએ...દિવાળી ની હાર્દિક શુભેચ્છા અને નવું વર્ષ આપણાં સૌ માટે મંગલમય અને કલ્યાણકારી તેમજ સુખશાંતિ આપનારું બની રહે એવી ઈશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના !!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો