સોમવાર, 6 ઑક્ટોબર, 2014
વાઘે માણસને માર્યો કે બચાવવાનો પ્રયત્ન કર્યો?
તાજેતરમાં જ સંપન્ન થયેલ નવરાત્રિ ઉત્સવમાં મા દુર્ગા અને તેમના વાહન વાઘની પુજા થાય છે. પણ થોડા દિવસો અગાઉ દિલ્હીના પ્રાણીબાગમાં ઘટેલી એક કમનસીબ ઘટનાને લઈ સાત વર્ષનો વિજય નામનો એક સફેદ વાઘ બાળ ખૂબ ચર્ચામાં રહ્યો અને તેને વિલન જેવો ચિતરવામાં આવ્યો. તેનો એક માનવ યુવાનને મારી નાંખ્યાનો સચિત્ર અહેવાલ દરેક અખબારના પ્રથમ પાને પ્રકાશિત થયો. કેટલાક તમાશો જોવા અને તેનો વિડીયો ઉતારી જગત સાથે એ વહેંચવાની આદત ધરાવનાર અવિચારી મનુષ્યોએ આ આખા રોમાંચક બનાવની ફિલ્મ ઉતારી અને તે પણ લગભગ આપણે સૌએ એકાદ-બે વાર જોઈ હશે.
કદાચ જેને આ સમગ્ર ઘટનાની જાણ નથી તેમના માટે મૂળ વાત ટૂંકમાં જણાવી દઉં.મકસૂદ નામનો વીસેક વર્ષીય યુવાન કોઈક રીતે (કઈ રીતે તેની કોઈને ખબર નથી) વાઘનાં ઉપરથી ખુલ્લા હોય એવા વિશાળ પાંજરામાં પડી ગયો.કોઈકે કહ્યું તેણે દારૂ પીધો હતો,કોઈકે કહ્યું તે વાઘનો નજીકથી ફોટો પાડવા જતો હતો અને ગબડી પડ્યો તો કોઈકે કહ્યું તે માનસિક રીતે અસ્થિર હતો અને તેણે જાણી જોઈને કે અજાણતાં વાઘનાં પાંજરામાં કૂદકો માર્યો. ત્યારબાદ લગભગ દસેક મિનિટ સુધી વાઘ મકસૂદથી માત્ર એકાદ-બે ફૂટને અંતરે ઉભો રહી તેના ગાલે, તેના મસ્તકે હાથ ફેરવતો રહ્યો.મકસૂદ ભારે ડરી ગયો હતો અને તે વાઘને સતત દૂર જતા રહેવા કાલાવાલા કરી રહ્યો. પણ વાઘ માટે કોઈ મનુષ્યને આટલા નજીકથી જોવાની ઘટના અસામાન્ય હશે અને તે એને માણી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના પાંજરાની ઉપરથી ઘણાં લોકો સાક્ષી બની રહ્યાં. હવે જો તેઓ મૂક સાક્ષી બની રહ્યાં હોત તો મકસૂદનો જીવ ચોક્કસ બચી જાત. પણ પ્રાણીઓ કરતાંયે બદતર એવા માનવોએ વાઘ પર પથરા ફેંક્યા, લાકડીઓ પછાડી તેને ડરાવી ભગાવવાના પ્રયત્નો કર્યાં, ચિચિયારીઓ પાડી-દેકારા કર્યાં અને આ અસભ્ય વર્તનથી ડરી જઈ,ડઘાઈ જઈ વાઘે મકસૂદને બોચીથી પકડ્યો અને એ તેને આ બધાથી દૂર લઈ ગયો. વાઘને આ રીતે માનવ પકડવાનો મહાવરો ન હોવાથી તેના દાંત મકસૂદના ગળામાં ખૂંપી ગયાં અને ઘણું લોહી વહી જતાં મકસૂદનું આ કમનસીબ ઘટનામાં મોત નિપજ્યું.
હવે આ સમગ્ર ઘટનાક્રમમાં મકસૂદના મોત બદલ બિચારા વાઘને જવાબદાર ઠેરવવામાં આવ્યો. વાઘે માણસને ફાડી ખાધો એવા શબ્દપ્રયોગો પ્રયોજાયાં. પણ શું વાઘે મકસૂદને ખાવા માટે મારી નાંખ્યો?તેણે મકસૂદને ચીરી ફાડ્યો હતો?શું આ ઘટના માટે વાઘને જવાબદાર ઠેરવવો યોગ્ય છે? આ દરેક પ્રશ્નનાં નકારાત્મક જવાબને સમજવા માટે થોડું ચિંતન જરૂરી છે અને પ્રાણીઓ વિશે થોડું જ્ઞાન મેળવીશું તો એ ક્યારેક કોઈકનો જીવ બચાવવામાં કામ આવી શકે.
જ્યારે માણસો પ્રાણીબાગમાં જાય ત્યારે તેમનું વર્તન કેવું હોય છે? ક્યારેક પ્રાણીઓને પણ શરમમાં મૂકી દે એવું! વાંદરા સામે બેહૂદા ચેનચાળા કરવાં, હિપ્પો કે મગર જેવા પ્રાણીઓ આદત પ્રમાણે મોઢાં ખુલ્લા રાખી બેઠા કે સૂતા હોય ત્યારે તેમના મોઢામાં તેઓ ન ખાતા હોય તેવા ખાદ્ય કે ક્યારેક બિનખાદ્ય પદાર્થો ફેંકવા, કોઈ પણ પ્રાણી કે પંખીને ઉશ્કેરવા અને આવી અનેક અસભ્ય હરકતો કરવી એ માણસો માટે સામાન્ય છે. આ એક ખેદજનક બાબત છે. એક તો પ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણથી દૂર કરી તેમને આમ પ્રાણીબાગનાં પિંજરામાં પૂરી રાખવાં એ જ નૈતિક ગણાય કે કેમ એ ચર્ચાનો વિષય છે પણ તેમાં ઉંડા ન ઉતરતાં તેમની સાથે આવું અસં સ્કૃત વર્તન કરવું વ્યાજબી છે?
મકસૂદના કેસમાં ચાર ફૂટ ઉંચી દિવાલ હતી તે ઠેકીને વાઘનાં પાંજરામાં જવાની ભૂલ આ ઘટના બદલ જવાબદાર હતી.આ ભેદરેખાનું પ્રમાણભાન ખૂબ જરૂરી છે.માનવ હંમેશા પોતાની મર્યાદારેખા ઓળંગતો રહ્યો છે.દીપડાં માનવને ફાડી ખાધાનાં વારંવાર છાપે ચડતા કિસ્સામાં પણ માનવોનું પ્રાણીઓનાં રહેણાંક વિસ્તારમાં અતિક્રમણ જવાબદાર હોય છે. એક તો માનવ સીમા ઓળંગી પ્રાણીઓની હદમાં ઘૂસણખોરી કરે અને પછી પ્રાણી શાંત રહી આ સહન કરી કોઈ પ્રતિક્રિયા ન આપે એવી અપેક્ષા રાખવી બિલકુલ યોગ્ય નથી.
બીજું એક વાત સમજી લો કે પ્રાણીઓ ક્યારેય માણસ ને ખાતા નથી કે તેના પર કારણ વગર હૂમલો કરતાં નથી.પછી એ સાપ હોય કે વાઘ-સિંહ. જો સામે વાળા પ્રાણીને પોતાના જીવ સામે જોખમ જણાય તો તે સ્વબચાવ માટે જ માણસ પર હૂમલો કરતું હોય છે. મકસૂદ પોતે જ ડરી ગયેલો જણાતો હતો.દસ મિનિટ સુધી વાઘ તેની સાથે જાણે રમી જ રહ્યો હતો. પણ માણસોના હાકોટા સાંભળી તેને લાગ્યું કે પોતે અને મકસૂદ ભયમાં છે આથી તેણે પોતાના અને મકસૂદના બચાવ માટે પોતાને આવડતી રીતે મકસૂદને બોચીએથી પકડી ત્યાંથી દૂર લઈ જવા પ્રયત્ન કર્યો.પણ કમનસીબે મકસૂદ મોતને ભેટ્યો.જો વાઘે તેને ખાવો જ હોત તો શા માટે તેનું આખું શરીર બાદમાં સાબૂત મળી આવ્યું? પ્રાણીઓ અગ્નિથી ડરતાં હોય છે. જો કદાચ હૂરિયો બોલાવવાની જગાએ એકાદ જણે શર્ટ કાઢીને કે કોઈક અન્ય પદાર્થ સળગાવી તેનાથી વાઘને દૂર ભગાડવાની કોશિશ કરી હોત અને વિડીઓ ઉતારવાની કે ફોટા પાડવાની જગાએ કપડાનાં કે અન્ય રસ્સી જેવા દોરડા દ્વારા મકસૂદને ઉપર ખેંચી લેવાના પ્રયાસો થયાં હોત તો પણ મકસૂદને બચાવી શકાયો હોત.
પ્રાણીબાગમાં વિકટ કે વિષમ પરિસ્થિતી ઉભી થાય ત્યારે આવા સંજોગોને પહોંચી વળવા વ્યવસ્થા અને સાધનો જરૂરી હોય છે.ત્યાંના સ્ટાફને આવી પરિસ્થિતીને પહોંચી વળવા ટ્રેનિંગ આપવી આવશ્યક હોય છે.આમાંની કોઈ જ બાબત મકસૂદના કેસ વાળા દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં પ્રાપ્ય નહોતી.થોડા સમય માટે પ્રાણીને નિદ્રાધીન કરી દેતી દવા વાળી ગોળી મારી પ્રાણીને કાબૂમાં લેવાની પ્રથા ઘણાં ઝૂમાં પ્રચલિત છે.તે અહિં નહોતું.કોઈક અહેવાલમાં વાંચ્યું કે વિજય વાઘની સંભાળ લેનારા બે-એક જણે માંસના ટુકડા દૂર નિયત જગાએ મૂકી તેને લલચાવી એ તરફ દોરવાનાં નિષ્ફળ પ્રયાસ કર્યાં હતાં.પણ તેમની વાઘ નજીક જવાની હિંમત ચાલી નહોતી આથી તેમણે પણ લાકડી ઠોકી તેના અવાજથી વાઘને નસાડવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતાં જેની અવળી અસર થઈ હતી.
દશેરાના દિવસે સવારે મારા ઘરનાં સામેનાં છાપરે એક કાળી બિલાડી પોતાનાં તાજા જન્મેલાં ત્રણ બચ્ચાને વારાફરતી બોચીએથી પકડી અન્ય સલામત સ્થળે લઈ જતી મેં સાનંદાશ્ચર્ય નિહાળી અને થોડી જ ક્ષણો બાદ એક મિત્રનો વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો કે મકસૂદનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે અને જણાવે છે કે મકસૂદનું મોત વાઘનાં દાંત તેની ગરદનમાં ઉંડા ખૂંપી જવાને કારણે વધુ લોહી વહી જતાં નિપજ્યું હતું, વાઘ તો તેને પથ્થરો અને લાઠીથી બચાવવા પોતાના બચ્ચાને લઈ જતો હોય તેવી અંત:સ્ફૂરણાથી પ્રેરાઈ અન્ય વધુ સલામત જગાએ લઈ જવા ઇચ્છતો હતો.આ મેસેજ સાચો હોય કે નહિ પણ હું ભગવાનને એવી પ્રાર્થના જરૂર કરીશ કે કે હવે માનવો અન્ય પ્રાણીઓ અને જીવો પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ બને અને પેલી મર્યાદારેખાની વાત કરી તે ન ઓળંગે.
સોમવાર, 29 સપ્ટેમ્બર, 2014
બલિદાન અને માંસાહાર
એક સમાચાર વાંચી ચોંકી જવાયું 'બકરી ઇદ માટે બાર હજાર વધારાના બળદ કાપવાનો સરકારનો આદેશ.' અંઅધશ્રદ્ધા નિર્મૂલનનો ખરડો પસાર કરનારી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર જ આવો આદેશ આપે એ વરવી વાસ્તવિકતા છે કે પછી ચૂંટણી નજીક હોય ત્યારે
રાજકારણમાં આવું બધું ચાલ્યા જ કરે? ખેર બ્લોગમાં એ મુદ્દો ચર્ચવો નથી આજે.મારે વાત કરવી છે બલિ કે પશુ વધની.
ધાર્મિકતાને નામે હજારો લાખો મૂંગા પશુઓની બલિ સ્વીકારી કયા ભગવાન ખુશ થતા હશે?અહિં કોઈ એક ચોક્કસ
ધર્મને લગતા રીતિરિવાજની જ વાત નથી. આસામના શક્તિપીઠ ગણાતા કામાખ્યા દેવીના મંદિરમાં લોહીની નદીઓ વહે છે. ગુજરાતના અંબાજી મંદિરમાં ગબ્બર ડુંગરની ટોચે પણ માતાજીના દિવા નજીક એક ખાસ પત્થર પાસે કૂકડાની બલિ ચડાવાય છે એ જગા થોડા વર્ષો પહેલા મેં પ્રત્યક્ષ જોયેલી. માનવ જ્યારે અન્ય પશુઓને પોતે પેદા કરતો નથી ત્યારે તેને પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ પશુપક્ષીઓની બલિ ચડાવવા તેમની નિર્મમ હત્યા કરવાનો હક્ક કોણ આપે છે? પણ મને લાગે છે મારો આ પ્રશ્ન જ ગેરવ્યાજબી છે.જે માણસ પોતાના ભલા માટે નરબલિ(કે બાળકનું બલિદાન) ચડાવવા પણ તૈયાર થઈ જતો હોય તેના માટે પશુપક્ષી પ્રત્યે દયાભાવની આશા રાખવી તો વધુ પડતું જ ગણાય.
હવે બલિનો પ્રશ્ન યથાવત રહેવા દઈ ચર્ચા
કરી માંસાહારની. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે એક દિવસ તેમણે બકરીનું માંસ ખાધું અને પછી આખો દિવસ અને રાત તેમને પેટમાં બકરી રડી રહી હોય એવો અનુભવ થયો અને ત્યાર બાદ તેમણે ક્યારેય માંસાહાર ન કરવાની ટેક લીધી. કેમ માંસાહાર કરનાર દરેકને આવો અનુભવ નહિ થતો હોય? માંસાહાર માટે મારવામાં આવતાં પ્રાણી-પંખી કે અન્ય જીવને તેનું કસમયે મોત નિપજાવતી વખતે જે અસહ્ય વેદનામાંથી પસાર થવું પડતું હશે તેની માંસાહારી વ્યક્તિને કેમ અનુભૂતિ નહિ થતી હોય.અરે ક્યારેક તો કસાઈ તેની સામે નિર્દોષ જીવની હત્યા કરી તાજું માંસ વેચે છે.
રસ્તામાં કોઈક વાર મરઘાં-બકરી નજરે ચડી જાય ત્યારે દરેક વેળાએ મને તેમના પ્રત્યે એક દયાનો ભાવ ઉપજે કે એક દિવસ તેમણે કોઈક કસાઈના હાથે કપાઈ કોઈક માણસના પેટમાં જવાનું છે. કુર્લા-અંધેરી રોડ પર પસાર થતી વેળા એક મોટું કતલખાનુ નજરે ચડે અને તેની જ ભીંતે અડીને બીજી બાજુ એક નાનકડું મંદિર આવેલું છે. વિરોધાભાસી દ્રષ્ય સર્જતા આ મંદિરના દેવ-દેવી રોજ કેટકેટલી મરણચીસ સાંભળતા હશે! છતાં એ કંઈ કરી ન શકવાની લાચારી અનુભવતા હશે?
માછલાં અને અન્ય અનેક મત્સ્ય જીવોનું પણ લાખોની સંખ્યામાં નિકંદન નિકળતું હશે. કેટલાક લોકોની આ બાબતે એવી દલીલ કે 'લોકો માંસાહાર કરે છે તેથી જ પૃથ્વી પર બધા માણસોને ખાવાનું પૂરું પડી રહે છે' મારા ગળે ઉતરતી નથી. (ક્યાંથી ઉતરે? હું શુદ્ધ શાકાહારી રહ્યો… માંસાહારની
વાત પણ ક્યાંથી મારા ગલે ઉતરે?!!) કીડીને કણ અને હાથીને મણ કહેવત કંઈ અમસ્તી જ થોડી સર્જાઈ હશે? ચર્મ ઉદ્યોગ અને અન્ય અનેકવિધ કારણોસર કરાતી પશુ-પક્ષીઓની હત્યાની ચર્ચા કરવા બેસું તો આ બ્લોગ આખા એક ગ્રંથમાં ફેરવાઈ જાય! એ ચર્ચા ફરી ક્યારેક માંડીશું.
પ્રાચીન યુગમાં આદિપુરુષ પાસે અન્ય કોઈ સાધનો ન હોવાથી અને રાંધણ કળા અસ્તિત્વમાં જ ન હોવાને લીધે માંસાહાર ફરજિયાત કરવો પડ્યો હોય એ સમજી શકાય. જંગલના પ્રાણીઓ પણ જૈવિક સાંકળના નિયમ મુજબ અને પોતે માનવ જેવી બુદ્ધિ કે વિવેકભાન ન ધરાવતા હોવાથી અન્ય પ્રાણીઓનો શિકાર કરી તેમનું માંસ આરોગે એ ક્ષમ્ય ગણાય.પણ વિવેકબુદ્ધિ ધરાવનાર મનુષ્ય વિકલ્પો હોવા છતાં માંસ મચ્છી ખાય એ મને રૂચતું નથી. તામસી વૃત્તિ,નવા નવા રોગો થવાની શક્યતા જેવા નકારાત્મક પરિબળો છતા લોકો હોંશે હોંશે માંસાહાર કરે છે. કેટલાક માંસાહારી લોકો તો તેના વગર જીવી શકતા નથી અને તેમને રોજ ખાવામાં માંસ-મટન-મચ્છી જોઇએ જ એ થોડું
વધુ પડતું
લાગે છે. ભૌગોલિક વિષમતાને કારણે દરિયા કાંઠા કે નદી કાંઠાના પ્રદેશોમાં વસતા લોકો મચ્છી અને ભાત તો ખાય જ એ વાત પણ મને ગયા જમાનાની લાગે છે.આજે ગ્લોબલાઈઝશન અને પ્રગતિને કારણે વિશ્વ ક્યાં જઈ પહોંચ્યું છે.ઉલટું અમેરિકા અને અન્ય વિકસીત દેશોમાં લોકો માંસાહારથી શાકાહાર તરફ વલે રહ્યાં છે.વેગન લોકોનો નવો સમુદાય ઉભો થયો છે જે શાકાહારથી પણ એક કદમ આગળ વધી દૂધ કે તેમાંથી બનેલા કોઈ પણ પદાર્થનું સેવન કરતો નથી. તો પછી માંસાહાર શા માટે? ફક્ત જીભનાં ચટાકા માટે?
એવી દલીલ જો કોઈ કરે કે જો માંસાહાર ન થાય તો કેટલીક પ્રજાતિઓની સંખ્યા ભયજનક હદે વધી જાય એ વાતમાં દમ નથી કારણ એ નિયંત્રણનું કામ કુદરતનું છે જે એ કરી જ લેશે. આપણાં જેવા ખેતી પ્રધાન દેશમાં મને નથી લાગતું કે દેશની સમગ્ર પ્રજા પણ જો શાકાહારી બની જાય તો અન્નખોરાકની સમસ્યા ઉભી થાય.બલિ માટે લેવાતા પ્રાણી-પક્ષીઓનાં ભોગ માટે જો સરકાર કડક કાયદા બનાવે અને આવાં દુષ્ક્રુત્ય આચરનાર પર આકરાં દંડવેરા કે સજા ફટકારે તો ચોક્કસ તેને નાબૂદ કરી શકાય.મંદિર જેવી પવિત્ર અને જાહેર જગાએ તો આ દૂષણ સત્વરે બંધ કરાવું જોઇએ.
લેબલ્સ:
'balidaan',
'blog ne zarookhe thee',
'gujarati blogs',
'janmabhoomi pravasi',
'masahar',
'non-vegeterianiam',
'sacrifice',
'vikas ghanshyam nayak',
'vikas nayak'
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


