Translate

ગુરુવાર, 15 જાન્યુઆરી, 2015

સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે ?


બધાં ધર્મો – ખ્રીસ્તી, હીન્દુ, બૌદ્ધ, જૈન અને મુસ્લીમ એ એક જાતની વિચારધારા, મતાગ્રહો, પંથ કે સંપ્રદાય માત્ર છે. સાચા ધર્મને કોઈ નામ નથી. કોઈ નામ હોઈ શકે પણ નહીં. જીસસ અને બુદ્ધનું જીવન એ જ ધર્મ, હા, યાદ રાખો, જીસસ ખ્રીસ્તી નહોતા કે બુદ્ધ બૌદ્ધ નહોતા. આ વિભુતીઓએ ખ્રીસ્તી કે બૌદ્ધ ધર્મો જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા. સાચા ધાર્મીક લોકો માત્ર ધાર્મીક જ હોય છે. તેઓ કોઈ સીદ્ધાન્તમાં લપેટાયેલા નથી હોતા. આ જ દુનિયામાં ત્રણસો જેટલા ધર્મો છે. આ તો કેવી વિચીત્રતા કહેવાય ! જો સત્ય એક જ હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે હોઈ શકે ? વિજ્ઞાન તો એક જ છે જ્યારે ધર્મો ત્રણસો !

વસ્તુલક્ષી સત્યની ખોજ માટે જો વિજ્ઞાન એક જ હોય તો આત્મલક્ષી સત્યની ખોજ માટે ધર્મ પણ એક જ હોવો જોઈએ. આત્મલક્ષી સત્ય એ વસ્તુલક્ષી સત્યની બીજી બાજુ છે. ધર્મનું કોઈ નામ કે તેના કોઈ મતાગ્રહો હોવા ન જોઈએ.

હું આવો ધર્મ શીખવાડું છું. તેને કારણે કોઈ તમને એમ પુછે કે ‘ધર્મ અંગેનો મારો શો ખ્યાલ છે તે ટુંકમાં સમજાવો’ તો તમે તેનો જવાબ નહીં આપી શકો, કારણ કે, હું કોઈ સિદ્ધાન્ત, વિચારધારા, માન્યતાઓ કે વાદ શીખવતો નથી. હું તમને ધર્મવિહોણો ધર્મ શીખવું છું અને તેનો સ્વાદ ચખાડું છું. હું ભગવત્તા કેવી રીતે ઝીલી લેવી તેની રીત શીખવાડું છું. હું તો તમને બસ, આટલું જ કહું છું, ‘આ રહી બારી, તેને ઉઘાડો એટલે તમને તારાજડીત રાત્રી દેખાશે.’ આ તારાજડીત રાત્રી અવ્યાખ્યાય્ય છે. એક વાર તમે ઉઘાડી બારીમાંથી જોશો તો આ તમને સમજાઈ જશે. જોવું એટલે જાણવું તેવો અર્થ થાય; પણ જોવું એટલે હોવું તેવો અર્થ પણ થવો જોઈએ. પછી બીજો કોઈ મત હોવો ન જોઈએ.

મારો બધો પ્રયાસ અસ્તીત્વગત છે, બુદ્ધી–ચાતુરીવાળો બીલકુલ નહીં. ખરો ધર્મ અસ્તીત્વગત છે. આવો ધર્મ બહુ જ થોડા લોકોને લાધ્યો છે અને આવા લોકોના નીધન સાથે એ ધર્મ પણ દુનીયા ઉપરથી અદૃશ્ય થઈ જાય છે. તેનું કારણ એ છે કે પછી બુદ્ધીશાળી લોકો તે ધર્મને પકડી લે છે અને તેમાંથી સાફસુથરી, તર્કયુકત, સુંદર સુંદર વીચારધારાઓ ઉપજાવવા માંડે છે. આવા પ્રયાસમાં જ આવા ધર્મનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. આવા લોકો ફીલસુફીઓ પેદા કરે છે અને તેને કારણે ધર્મનો લય થઈ જાય છે. પંડીતો, સ્કોલરો અને આધ્યાત્મવાદીઓ આ રીતે ધર્મના દુશ્મનો છે.

તો યાદ રાખો. અહી તમને કોઈ ધર્મની દીક્ષા આપવામાં આવતી નથી. તમને તો ફક્ત ધાર્મીકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે. આ ધાર્મીકતા વિશાળ, અગાધ અને અસીમ છે. આસમાન જેવડી છે.

ખરું પુછો તો આકાશ પણ તેની સીમા નથી. એટલા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારી પાંખો ફેલાવો. આ આખું અસ્તીત્વ આપણું છે. અસ્તીત્વ આપણું મંદીર છે. અસ્તીત્વ આપણા શાસ્ત્રો છે. અસ્તીત્વથી ઓછું જે કાંઈ છે તે બધું માણસની કૃતી છે. માણસના કારખાનાનું ઉત્પાદન છે. તેનું ઉત્પાદન કઇ જગ્યાએ થયું તે મહત્ત્વનું નથી. કારખાનામાં ઉત્પાદીત  થયેલા ધર્મથી સાવધ રહો કે જેથી, સત્ય કે જે માનવ ઉત્પાદીત નથી તેને તમે જાણી શકો. આ સત્ય વૃક્ષોમાંથી, પહાડોમાંથી, નદીઓમાંથી, તારાઓમાંથી, તમારામાંથી કે તમારી આસપાસ રહેલા લોકોમાંથી – બધેથી પ્રાપ્ય છે.

–        રજનીશ ઓશો નાં એક અનુયાયી

[‘મુક્ત ગગનનું મસ્ત પંખી’ પુસ્તક, ભાષાંતર: એન. જી. વખારીયા  અક્ષરાંકન: ગોવીન્દ મારુ]

Guest Blog URL:  https://govindmaru.wordpress.com/2011/04/08/osho/

મંગળવાર, 6 જાન્યુઆરી, 2015

૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી

       આ વર્ષે ૩૧ ડિસેમ્બરની ૨૦૧૪ની છેલ્લી રાતની ઉજવણી અમદાવાદમાં સપરિવાર સી.જી.રોડ પર કરી.પહેલી વાર વર્ષની છેલ્લી રાતે હું મુંબઈ બહાર હતો.ઘણાં વર્ષો બાદ   ૩૧ ડિસેમ્બરની રાત ખાસ રીતે ઉજવી.મજા આવી.

       ભીડ હોય ત્યાં મને આમ તો ખાસ મજા ન આવે પણ અહિં વાત જુદી હતી.આખા અમદાવાદની ભીડ જાણે આ સ્ટ્રીટ પર ઉતરી આવી હતી.મોટા ભાગની જનતા યુવા વર્ગની હતી.બેચલર્સની સંખ્યા કપલ્સ કરતાં વધુ હશે પણ ઉત્સાહની માત્રા બધામાં એકસરખી જણાતી હતી.

       બીજી એક ખાસ વાત એ હતી કે અહિ લગભગ સોએ સો ટકા જનતા ગુજરાતી હતી.આ વિસ્તાર અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક ગણાય છે.તેથી જ કદાચ એ રાતે પણ મોટા ભાગનું ક્રાઉડ સભ્ય અને સારૂં જણાતું હતું.મોટા ભાગનાં યુવાનો 'ભોપુ' પિપુડા વગેરે વગાડી ઘોંઘાટ મચાવી રહ્યાં હતાં છતાં એ અરૂચિકર લાગી રહ્યું નહોતું.

       ગિર્દીમાં ઘણી યુવતિઓ હોવા છતાં યુવાનો આછકલાઈ કે હલકાઈનું પ્રદર્શન કરતાં નહોતાં.મારી સાથે પણ પત્ની,દિકરી અને પિત્રાઈ ભાઈ,ભાભી સહિત યુવાન ભાણી પણ હતી છતાં તે રસ્તા પર આટલી ભીડ હોવા છતાં અસલામતી કે ડર અનુભવતી નહોતી.

       રસ્તા પર ફુગ્ગાવાળા તેમજ ચાઈનિઝ લેન્ટર્ન્સ એટલે કે ઉતરાણમાં આપણે જે કંદિલ ઉડાવી છીએ તે વેચવા વાળાઓની સારી એવી ભીડ હતી.ઠેર ઠેર માથા પર શેતાનને હોય એવા શિંગડા પહેરી ફરી રહેલાં યુવાનો નજરે ચડતાં હતાં.આ શિંગડામાં લાલ રંગની લાઈટ ચાલુબંધ થયા કરે!મને વિચાર આવ્યો શા માટે લોકો શેતાનની આવી નિશાની માથે ચડાવી ફરતાં હશે? આ જોઈ વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલ ઓનિડા ટી.વી.ની જાહેરાતનો એમ્બેસેડર એવો પેલો શિંગડા ધરાવતો શેતાન યાદ આવી ગયો.જો કે એ શેતાનને તો પૂંછડી પણ હતી.સારૂં થયું લાલ લાઈટ ધરાવતાં શિંગડા વાળા સાધનના સર્જકને બનાવતી વેળાએ એ યાદ નહિ આવ્યું હોય નહિતર એ રાતે કંઈ કેટલાયે પૂંછડાધારી યુવાનો જોવા પડ્યા હોત! આટલી બધી ગિર્દીમાં અનેકનાં પૂંછડાં એક્બીજા સાથે અટવાયાં હોત અને અંધાધૂંધી સર્જાવા પામી હોત!

       થોડાં ઘણાં ખાવાપીવાના સ્ટોલ્સ પણ હતાં જ્યાં ઠીક ઠીક ભીડ જામી હતી.ગુજરાતીઓ હોય ત્યાં ખાણીપીણીના સ્ટોલ્સ ન હોય એવું બને?!રસ્તાને બે ભાગમાં વહેંચતા ડીવાઈડરની બંને બાજુએ સરખી ભીડ હતી પણ છતાં લોકો સહેલાઈથી ચાલી શકે એટલી જગા હતી અને કોઈકોઈને ભટકાતું નહોતું.
ઊતરાણ માં આપણે નાની મીણબત્તી કે દિવો મૂકી જે કંદિલ મોડી સાંજે કે રાતે આકાશમાં ઉંચે ચડાવીએ છીએ તેના કરતાં સહેજ મોટા કદનાં,આકાશમાં ઉંચે ઉડતા પેરેશૂટ બલૂન આકારનાં લાલ,પીળા ને વાદળી લેન્ટર્ન્સ ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી,તેમાં તળિયે અગ્નિ પ્રગટાવી હવામાં છોડી દેતાં નજરે ચડતાં હતાં.કેટલાક કંદિલ હવામાં સફળતાથી ઉંચે ચડી આકાશ ભણી ગતિ કરતાં અને લોકો હર્ષોલ્લાસથી ચિચિયારીઓ પાડી તેને વધાવી લેતાં તો કેટલાક કંદિલ હવાને જ કારણે અગ્નિની જ્યોત તેની કિનારીને સ્પર્શી જતાં બળી જતાં કે આસપાસના ઝાડમાં અટવાઈ કે ભીંત પર ભટકાઈ આકાશ ભણી દોટ મૂકવામાં નિષ્ફળ જતાં. આ સાધન પાછળ કામ કરતો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે બળતા દિવાને કારણે તેની આસપાસની હવા ગરમ અને હલકી બને તેથી એ ઉંચે ચડે ઉપર લેન્ટર્નના ગોળાકાર રંગીન કાગળને લીધે તેને છટકી જવાની જગા ન મળે  અને આથી એ હવા લેન્ટર્નને ફુગ્ગાની જેમ ફુલાવે અને ઉપર તરફ ખેંચી જાય.

       બરાબર ૧૨ વાગે હર્ષોલ્લાસ ભરી ચિચિયારીઓ સાથે લોકોએ વાતાવરણ ગજવી દેતા વર્ષ ૨૦૧૪ને   પ્રેમપૂર્વક વિદાય આપી અને વર્ષ ૨૦૧૫નું ઉમળકા ભેર ઉષ્માભેર સ્વાગત કર્યું! એ ઘડીએ અનેક લોકોએ આકાશમાં ફુગ્ગા છોડ્યાં તો ઘણાં લોકોએ એકસાથે રંગબેરંગી કંદિલ છોડ્યાં. એક સાથે આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરતાં એ રંગીન કંદિલોએ નયનરમ્ય દ્રષ્ય સર્જ્યું. ઘણાંએ હેપ્પી ન્યુ યર ની ચિચિયારીઓના નાદથી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું તો ઘણાં આ ભાવપૂર્ણ દ્રષ્યનાં માત્ર મૂક સાક્ષી બની હર્ષ અને અનેરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં.

       ૧૨ વાગતા સાથે આતશબાજીનો નજારો પણ જોવા મળ્યો પણ લોકોમાં જોવા મળી રહેલ આનંદોત્સાહ આગળ તેનો પ્રભાવ પણ ફિક્કો લાગતો હતો.અમે દોઢેક કિલોમીટર ચાલ્યા હોઇશું પણ જરાય થાક લાગ્યો નહોતો.એકાદ વાગ્યા સુધીમાં તો ભીડ વિખરાઈ પણ ગઈ.નવા વર્ષનું આવું અલગ રીતે કરેલું સ્વાગત મને ગમ્યું.આશા છે આ જ ઉત્સાહ,ઉમંગ અને હર્ષ વર્ષ ભર છવાયેલાં રહે!