Translate

લેબલ jungle સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ jungle સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018

જંગલમાં પ્રકૃતિભ્રમણ


 શહેરની ધાંધલ ધમાલ, દોડધામ અને પ્રદૂષણયુક્ત વ્યસ્ત રોજનીશીમાંથી એકાદ દિવસ ચોરીને પણ ચોમાસા દરમ્યાન જંગલમાં પ્રકૃતિભ્રમણ માટે ઉપડી જવું જોઈએ. આવી નાનકડી વિહાર યાત્રા પણ તમારામાં અનેરી અને અદ્ભુત ઉર્જા ભરી દે છે. ખાતરી કરવા તો તમારે પહોંચી જવું પડશે આસપાસ આવેલા કોઈ જંગલમાં! તમે મુંબઈ માં હોવ તો વધુ દૂર જવાની યે જરૂર નથી, બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક કે ગોરેગામના આરે કોલોની કે વસઈ પાસે આવેલ તુંગારેશ્વર કે નાગલા વિસ્તારની મુલાકાત તમે આસાનીથી લઈ શકશો ઝાઝી તૈયારી કે લાંબી મુસાફરીની પળોજણ વગર!
            ગયા સપ્તાહના શનિવારની વહેલી સવારે મારી ઓફિસના કેટલાક મિત્રો તેમજ પર્યાવરણ સંવર્ધન અને જાળવણીની દિશામાં કાર્ય કરતી સંસ્થા બી.એન.એચ.એસ.ના પાંચેક સભ્યો સાથે મુંબઈના વસઈ પાસે આવેલ નાગલા બ્લૉકના વન્ય વિસ્તારમાં નેચર ટ્રેઈલ માટે ગયો. ખૂબ સરસ અને યાદગાર રહી આ ટૂંકી પણ મજેદાર જંગલયાત્રા. નાયગાંવની ખાડી પસાર કરી મુંબઈ - અમદાવાદ હાઈવે પર થોડે જ આગળ અમારી બસ થોભી અને ત્યાંથી શરૂ થઈ અમારી નેચર ટ્રેઈલ. હાઇવે થી માત્ર સો બસો મીટર જેટલું ચાલતા જ જંગલની શરૂઆત થઈ ગઈ એ જાણી ને નવાઈ લાગી. શહેરથી કેટલું નજીક છે આ જંગલ! ઉંચા ઉંચા ઝાડ, લીલાછમ છોડવા - વેલા અને અનેકવિધ જંતુઓની ફોજ અમારું સહર્ષ સ્વાગત કરી રહી જાણે! જે લોકો હાફ પેંટ પહેરી આવ્યા હતા તેઓ પસ્તાયા કારણ તેમના પગના ખુલ્લા ભાગ પર મચ્છરો રીતસર તૂટી જ પડયાં! અમારી બસથી અમે નજીક જ હતા એટલે એક પરોપકારી જણ દોડીને ઓડોમસ લઈ આવ્યો અને એ પગે લગાડતાં જ હાફ-પેંટ પહેરેલાઓને થોડી રાહત થઈ અને અમે આગળ વધ્યાં! 
 ડાયાબીટીઝ માટે કારગત ગણાતા પત્તા ધરાવતા ઇન્સ્યુલિન પ્લાન્ટ તરીકે ઓળખાતી આયુર્વેદિક વનસ્પતિ ના છોડ અહીં ભરપૂર કરતા પણ વધુ માત્રામાં પગદંડીની બંને બાજુએ નજરે ચડતા હતા. તેના લીલાછમ પત્તા કોઈ અપ્સરાની વક્ર કટી-રેખા જેવા આકારની કિરમ્જી (મજેન્ટા) રંગની ડાળી પર કતારબદ્ધ રીતે ગોઠવાયેલા હતા
       અને ઘેરા લાલ રંગની તેના ફૂલોની કળીઓ કે સફેદ સ્વચ્છ મધ્યમ કદના તેના ફૂલો ઠેર ઠેર જોવા મળી રહ્યા હતાં. અન્ય અનેક પ્રકારના છોડ અને વેલા અસંખ્ય પતંગિયાઓ ને  આકર્ષી રહ્યાં હતાં અને બી.એન.એચ.એસ.ના નિષ્ણાત મિત્રોએ અમને અલગ અલગ જાતિની એ વનસ્પતિ વિશે તેમજ વિવિધ પતંગિયાઓની પણ તેમના નામ-જાતિ સહિતની ઘણી રસપ્રદ માહિતી આપી. અમે આ બધી માહિતી ગ્રહણ કરતા કરતા, વચ્ચે વચ્ચે થોભતા, ઉંચા ઝાડ સામે ડોક ઉંચી કરી તેની ઉંચાઈ નો તાગ પામવા મથતા, જીવ જંતુઓનું નિરીક્ષણ કરતાં, તેમના ફોટા પાડતા ધીમે ધીમે આગળ વધતા જતા હતાં.
         ગત વર્ષે સંજય ગાંધી નૅશનલ પાર્કની કાન્હેરીની ગુફાઓ પાસે આવેલ માર્ગ પર જ્યારે અમે નેચર ટ્રેઈલ માટે ગયા હતા ત્યારે મૂશળધાર વરસાદે અમારા તન-મન ભીંજવી અમને ભરપૂર આનંદ આપ્યો હતો અને આ વર્ષે પણ અમે વરસાદ પડશે એવી તીવ્ર ઇચ્છા સેવી રહ્યા હતાં. પણ આ વખતે અમારી એ ઈચ્છા ફળી ભૂત ન થઈ. જો કે વરસાદ અમે ચાલવું શરૂ કર્યું તે પહેલાં જ પડી ગયો હોવાને કારણે ભીનાશ અને લીલોતરી અમારા મનને એક અનેરી શાંતિ અને પ્રસન્નતા અર્પી રહ્યા હતાં.
આગળ એકાદ છોડના પાન પર ઉંચે એક દેડકો બેઠેલો નજરે ચડયો

 તો કેટલાયે પાન પર પતંગિયાઓની વિવિધરંગી ઈયળો નજરે ચડી. તેમણે ખાઈ ખાઈને કેટલાક છોડના પત્તાઓમાં જાળી જેવી ડિઝાઇન રચી હતી તે જોઈ પણ અમને નવાઈ લાગી.આંબલી, સાલ, કદંબ જેવા ઉંચા ઝાડ પણ જોયા તો લીલ અને ફૂગના મિશ્રણ સમી તંદુરસ્ત જંગલની નિશાની ગણાતી જાતના એ ઝાડ ના થડ પરના ડાઘા વિષે જાણ્યું. તેમના પર બેસીને બાળકો હીંચકો ખાઈ શકે એવા લાંબા લાંબા મુળ ધરાવતી વનસ્પતિની લિયેના નામની પ્રજાતિ ની હાજરીએ પણ અહીં તંદુરસ્ત જંગલ હોવાની પ્રતીતિ કરાવી. સુરણના છોડ કે જંગલી તુલસી કે વન્ય હળદર ના ગુલાબી ગુચ્છાદાર ફૂલ ધરાવતા છોડ કે મહુડાના ઝાડ અને વિવિધ આકાર ધરાવતા અન્ય વનસ્પતિનાં ફળ-ફૂલ જોઈને અને તેમના વિશે રસપ્રદ માહિતી સાંભળી અમારા જ્ઞાનમાં વધારો કરતા કરતા બે અઢી કિલોમીટર જેટલું અંતર ચાલી ને જ ક્યાં કાપી નાખ્યું તેની ખબર જ ન પડી.
         અમારી નેચર ટ્રેઈલનું સમાપન થયું એક સરસ પથ્થરની ભેખડ પાસે જ્યાંથી એક સુંદર જળાશય દ્રશ્યમાન થઈ રહ્યું હતું. અમે અહીં બેસી થોડી વાર ટોળટપ્પા માર્યા, ધરાઈ ને ફોટા પાડયા, થાક ઉતાર્યો. અહીં થી ખસવાનું મન જ નહોતું થતું. ત્યાં એક નાનકડી હોડી અમારી નજર સામેથી પસાર થઈ અને જળાશયનું એ દ્રશ્ય જાણે હવે હોડી ફ્રેમમાં આવતા પૂર્ણ થયું! 

 સામે ડુંગરા નજરે ચડી રહ્યા હતા. આ જળાશય નાઈગાવની ખાડીને આગળ જતાં ચોક્કસ મળતું હશે એમ લાગ્યું. અડધા કલાક જેટલો સમય અહીં હસી ખુશી સાથે પસાર કર્યા બાદ અમે અમારી પરત યાત્રા શરૂ કરી અને પાછા ફરતી વખતે તો પોણા - એક કલાકમાં જ ઝડપથી જંગલમાંથી હાઈ વે સુધી પહોંચી ગયા. બસમાં ચડી એકાદ બે કલાકમાં તો ફરી બોરીવલી પણ આવી ગયા.


        અડધા જ દિવસની આ જંગલ વિહાર યાત્રા અમારા સૌમાં અનોખી સ્ફૂર્તિ અને તાજગી ભરનારી બની રહી.


રવિવાર, 19 માર્ચ, 2017

મંગલમય જંગલ

હમણાં એક લેખ વાંચ્યો જંગલ પ્રત્યેના પ્રેમ વિશે. મનુષ્ય કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં જંગલમાંથી આજની તેણે ઉભી કરેલી દુનિયા તરફ વળ્યો, પણ તેના મૂળિયા જંગલ સાથે જોડાયેલા છે.આદિમાનવ જંગલની ગુફામાં રહેતો અને આમ તેનું જંગલ સાથે,પ્રકૃતિ સાથે કુદરતી જોડાણ છે.આથી સંગીત થેરાપી, એક્યુપંક્ચર થેરાપી, સુગંધ થેરાપીની જેમ એક નવી થેરાપી ઉદભવી છે - જંગલ થેરાપી. જેમાં હઠીલા રોગ ધરાવતા દર્દીને જંગલમાં રહેવાનું સૂચન કરાય છે. ત્યાં મળતી ખુલ્લી ચોખ્ખી હવા, શુદ્ધ ભેળસેળ વગરના ખોરાક અને તાણમુક્ત વાતાવરણ વચ્ચે દર્દીનો રોગ ચોક્કસ ટૂંક સમયમાં સારો થઈ જાય છે.
હું જંગલનો પ્રેમી છું. મને જંગલની મુલાકાતે જવું, તેમાં રહેવું બેહદ પસંદ છે.પણ આપણા શહેરી જનોને જે બધું પસંદ હોય તે કંઈ થોડું સદાયે મળી રહેતું હોય છે? છતાં એક વાતનો દિલાસો છે કે આપણાં મુંબઈની આસપાસ સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, ભાયખલા નો રાણી બાગ જેવા જંગલો મોજૂદ છે. ભલે ત્યાં લાંબો કે કાયમી વસવાટ થઈ શકે પણ એકાદ-બે દિવસ રહેવાની સગવડ તો નેશનલ પાર્કનાં જંગલમાં ઉભી પણ કરવામાં આવી છે.
જંગલની વાત નોખી! ત્યાંનું વાતાવરણ, લીલોતરી, આબોહવા, પૃષ્ઠભૂમિ, જળાશયો, વનરાજી - ફળફૂલ, પ્રાણીઓ,જંતુઓ,દિવસ,રાત, ઋતુઓ બધું નોખું.
જંગલની કેડીએ ચાલતા હોવ તો ધૂળીયે મારગ દિવસેય તમને અંધારું લાગવાની સંભાવના ખરી અને ભર ઉનાળેય તમને ગરમી પ્રકોપમય વર્તાતા, વનરાજીને લીધે ઠંડક વર્તાય એવી શક્યતા ખરી! ચોમાસામાં તો જંગલના સ્વરૂપનું પૂછવું શું? વનસ્પતિ અને જંગલનો જેમ અતૂટ નાતો છે એમ પ્રાણી-પંખી-જંતુઓનો પણ જંગલ સાથે અજોડ રિશ્તો છે. જંગલની કલ્પના સજીવો વગર અને સજીવોની કલ્પના જંગલ વગર કરવી અઘરી છે. સર્કસ કે પ્રાણીબાગમાં પણ તમને પ્રાણીઓ જોવા મળે પણ એની સરખામણી જંગલવાસી પશુઓ સાથે થઈ શકે ખરી?
                જંગલમાં કે જંગલમાં થઈને પ્રવાસે જવ ત્યારે  ભરદિવસે ઉંચા ઉંચા વૃક્ષોની ઘટાઓને કારણે સૂર્યપ્રકાશ જંગલની જમીન સુધી પહોંચી શકતો નહોય તેથી વાતાવરણ અંધારીયું પણ મનોગમ્ય - ઠંડુ હોય. ઘડીક ધીમી તો ઘડીક તેજ રફતારે આગળ વધતા, માર્ગમાં ઝાડ પર ચડતા તો ક્યાંક ઝરણાં-નદીમાં પગ પલાળતાં આગળ વધવાની મજા પ્રવાસની અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી મળતા આનંદ કરતા ચોક્કસ વધારે હોય છે! માર્ગમાં ઝાડ પરથી તોડી તાજા ફળો ખાવાની કે ઝાડી-ઝાંખરા આઘાપાછા કરી આગળ વધવાની મજા તો જંગલના પ્રવાસમાં માણવા મળે. માર્ગમાં જો કોઈ પ્રાણીનો અવાજ કે પંખીનું શહેરમાં ક્યારેય સાંભળેલું ગીત કાને પડી જાય તો ત્યારે ઉભા થતા મનોભાવ રોમાંચક તો ક્યારેક ભય ઉત્પન્ન કરનારા પણ બની રહેતા હોય છે! એમાંયે જો પ્રાણી કે પંખી નજરે ચડી જાય તો - તો મારા જેવા પ્રકૃતિપ્રેમીને તો જાણે સ્વર્ગ મળ્યા જેવી અનુભૂતિ થાય!
જંગલમાં ઉગેલું લીલુંછમ ઘાસ કે લતામંડપ કે પછી તેમાં થઈને વહેતી નદીનો ખળ ખળ ખળ ખળ મધુરો નાદ મનમાં એવા સ્પંદન જગાડે છે કે અનુભવ તમને સંપૂર્ણ રીતે રીલેક્સ કરી દે છે - તમે જાણે એક જુદી દુનિયામાં પહોંચી જાવ છો, તમારા સઘળા ટેન્શન્સ-તાણનો સમૂળગો નાશ થઈ જાય છે.
જંગલમાં જો કોઈ મંદીર કે ગુફા જડી જાય તો ત્યાં રાતવાસો કરવાની કેવી મજા પડે!
દિવસ કરતા તદ્દન જુદું એવું જંગલનું બીજું સ્વરૂપ તમને રાતવાસો કરો તો જોવા મળે.અંધારું ભયંકર હોય અને તમરાં અને અન્ય વન્ય જીવોના અવાજ ભયમાં વધારો કરી શકે પણ પ્રકૃતિ પ્રેમીને મન તો ભયનીયે પ્રિતી હોય! ઘણી વાર જંગલમાં ઉંચા ઝાડ પર માંચડો બનાવી પ્રકૃતિપ્રેમીઓ તેમાં રાતવાસો કરતા હોય છે જેથી રાતે તરસ છિપાવવા ટોળામાં નિકળેલા પ્રાણીઓને નિહાળી શકાય,તેમની સંખ્યાની ગણતરી કરી શકાય. નેશનલ પાર્કમાં આવા કૃત્રિમ જળાશય ચોક્કસ સ્થાને ઉભા કરાયા છે અને તેમની નજીક ઉંચા મચાન ઉભા કરાયા છે.
ભીમાશંકરના જ્યોતિર્લિંગના દર્શને આજથી કદાચ બે દસકા અગાઉ જંગલને રસ્તે થઈને મિત્રો સાથે ગયેલો તે દિવસનો અનુભવ આજે પણ મનની સ્મૃતિમાં લીલોછમ - તાજો છે! તો લોહગઢ કે હરીશ્ચંદ્રગઢ પર જવા માટે ઓવરનાઈટ ટ્રેકીંગ કરતી વેળાએ આખી રાત જંગલનો સહવાસ માણતા માણતા કરેલી યાત્રા વેળાએ મનમાં જન્માવેલી અવિસ્મરણીય અનુભૂતિ જીવનપર્યંત એટલી તાજી રહેશે જેટલી તાજી હોય છે જંગલની વહેલી સવારની શુદ્ધ હવા! ગુજરાતનાં વિરેશ્વર મહાદેવનું ઇડર નજીકનું જંગલમાં આવેલું શિવાલય હોય કે પછી કોરાઈગઢ પર આવેલું મહારાષ્ટ્રનું કોરાઈદેવીનું મંદીર; મહારાષ્ટ્રના પેબ, નાખિંડ, વાંગણી, માથેરાન, વિસાપુર, પ્રબલગઢ  વગેરે જેવા સ્થળોએ કરેલા ટ્રેકીંગનો અનુભવ; મનાલી-ધરમશાલા-ચંબા-ડેલહાઉસી જેવા વિસ્તારોની હનીમૂનની ખાસ યાત્રા વખતે લીધેલી મુલાકાત; કેરળના મુન્નાર અને ઠેકડી જેવા વિસ્તારોમાં કે આસામના કોર્બેટ નેશનલ પાર્ક કે માજુલી જેવા નદી પરના ટાપુ જેવા પ્રદેશની ગલીઓમાં પરીવાર સાથે કરેલી સહેલગાહ; વિદેશ ફર્યાનો તો વિશેષ અનુભવ નથી પણ સ્વીત્ઝરલેન્ડ ગયેલો ત્યારે હાર્દર કુલ્મ નામની ત્યાંની એક પર્વતની ટોચે આવેલી જગાની મુલાકાત - બધી યાત્રાઓ અવિસ્મરણીય બની રહી છે દરેક વેળાએ માણેલા જે-તે જંગલપ્રદેશના અનુભવને લીધે!
જંગલમાં સિંહ-વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ પણ હોય અને મદમસ્ત હાથી કે લાંબા તાડ જેવા જીરાફ પણ હોય,નાભિમાં કસ્તૂરી સંતાડી પૂર ઝડપે ભાગતા હરણાં પણ હોય અને જમીનમાં બખોલ કરી તેમાં બચ્ચા સંતાડી કૂદકા મારી ચાલતાં સસલા પણ હોય. અહિં જાડાપાડા અજગર પણ હોય અને લાંબા ભયાનક એનાકોન્ડા જેવા સાપ પણ. અહિં સુંદર ખુશ્બુ દાર ફૂલોની મહેક પણ પ્રસરેલી જોવા મળે તો નાનકડા જંતુ-પ્રાણીઓને ભક્ષી જતી વનસ્પતિ પણ. બધાં અહિં સહજીવન માણે છે અને એક બહુ અગત્યનો પાઠ આપણે જંગલ પાસેથી શિખવાનો છે.
જે પોષતું તે મારતું ક્રમ દીસે છે કુદરતી... વિરોધાભાસી તત્વોને પોતાનામાં સમાવી લેતાં જંગલ પૃથ્વી પર જીવન ટકી રહે માટે એટલા જરૂરી છે જેટલા જરૂરી માટે આપણને હવા-પાણી અને પ્રકાશ લાગે છે.