Translate

લેબલ 'nirmala dinakararai desai' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'nirmala dinakararai desai' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ...

જન્મભૂમિના વાચકો માટે સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈનું નામ અજાણ્યું નથી.તેમની કવિતાઓ અને સાહિત્ય કૃતિઓ નિયમિત રીતે જન્મભૂમિમાં છપાતી રહી છે.આ કટારમાં પણ તેમનો ગેસ્ટબ્લોગ છપાઈ ચૂક્યો છે.આજે ૨૮મી ફેબ્રુઆરીએ તેમની પ્રથમ પુણ્યતિથિએ તેમને યાદ કરવાનું એક સુંદર સબળ કારણ છે.
કોઈ જીવીત વ્યક્તિ સફળતાના શિખરો ચૂમે કે કોઈ પણ પ્રકારની સિદ્ધી પામે કે સમાજને કોઈ સારી કૃતિની ભેટ આપે ત્યારે તેની પાછળ નેપથ્યેમાં તેના કુટુંબીજનોનો સિંહફાળો હોય છે.
પણ વ્યક્તિના ફાની દુનિયા છોડી ચાલી ગયા બાદ પણ તેના કુટુંબીજનો તેના સાહિત્યવારસાને આગળ ધપાવે એ નોંધનીય તો છે જ સાથે સરાહનીય પણ છે. વિદુષી નિર્મળાબેન ગુજરાતી સાહિત્ય માટે ઘણું ઘણું લખીને ગયા છે અને તેમના પરીવારજનો શ્રી દિનકરરાય,પુત્રો પ્રકાશ અને વિકાસ તથા પુત્રવધૂઓ અનુપા અને મિનલે સમાજમાં દાખલો બેસે એવી એક પહેલ કરી સ્વ.શ્રીમતી નિર્મળાબેન દેસાઈના બે પુસ્તકો 'અતૂટ મૈત્રી'(લઘુનવલ) અને 'તને હું લેવા આવ્યો છું'(કાવ્ય,વાર્તા,નાટક) નો લોકાર્પણ કાર્યક્રમ 'નિર્મળ સ્મૃતિ' તેમની પ્રથમ પુણ્યતિથીએ થાણે ખાતે યોજ્યો છે.આ પુસ્તકોનું લોકાર્પણ જાણીતા સાહિત્યકારો સુશ્રી ધીરુબેન પટેલ અને મેઘબિંદુ ના હસ્તે થશે. સાથે જ નિર્મળાબેને લખેલા ગીતોનો સંગીતમઢ્યો કાર્યક્રમ પણ કિરીટ બારોટ ના સંચાલનમાં સી.વનવીર,પ્રવાસીના લોકપ્રિય કટારલેખક સોલી કાપડીયા અને દિપાલી સોમૈયા દાતે રજૂ કરનાર છે.

આનાથી વધુ સારી અંજલિ ભલા બીજી શી હોઈ શકે? નિર્મળાબેન ને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ અને તેમના પરીવારજનોને આવી અનુકરણીય અને પ્રશંસનીય પહેલ બદલ સલામ!

શુક્રવાર, 15 મે, 2015

ગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા

                                                  - સ્વ. નિર્મળા દિનકરરાય દેસાઇ
[ આ બ્લોગ-લેખ કેટલાક મહિનાઓ અગાઉ સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈએ અતિ ઉત્સાહ અને ભાવપૂર્વક મારી વિનંતીને માન આપીને 'બ્લોગ ને ઝરૂખેથી' માં ગેસ્ટબ્લોગ તરીકે લેવા માટે શેર કર્યો હતો.પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે જ્યારે એ છપાશે ત્યારે તેના લખનાર વિદૂષી એ જોવા હયાત નહિ હોય?
માતાતુલ્ય નિર્મળાબેનનું ગત 28 ફેબ્રુઆરી 2015 ને દિવસે  અકાળે અવસાન થયું છે.પણ સર્જક ક્યારેય અવસાન પામતો નથી.તેમની લખેલી આ બ્લોગ-પોસ્ટ અનેક લોકોનાં દિલમાં શ્રદ્ધાનો દિપક પ્રગટાવશે એવી ખાતરી સાથે આજનાં આ ગેસ્ટબ્લોગ થકી હું સ્વ. નિર્મળાબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ઇશ્વરને તેમના આત્માને શાંતિ બક્ષવા પ્રાર્થના કરું છું.
]

શ્રદ્ધા ઇશ્વર પ્રતિના પ્રેમનું ગીત છે.શ્રદ્ધા એ માનવ ઉરમાં ગુપ્ત રીતે અવિરત વહેતું એક ઝરણું છે,બળવાન અને મહાન શક્તિ છે. વળી એનું પ્રાગટ્ય બાળક જેવા ભોળા,નિષ્પાપ,કરુણાસભર વ્યક્તિના ઉરમાં જ શક્ય છે. એટલે જરૂર છે પરમપિતા પરમેશ્વર આગળ બાળક બનીને એમની પ્રેમગંગામાં મજ્જન કરવાની તત્પરતાની. આવા બાળકમાં કવિને પ્રભુના દર્શન થતા બોલી ઉઠે છે :
"દીઠી નિર્દોષ અને ભોળાં એ ભૂલકાની આંખોમાં ઇશ્વરની હસ્તી"

સંક્ષેપમાં જ્યાં બુદ્ધિનું ક્ષેત્ર પૂરું થાય છે; ત્યાં શ્રદ્ધાનું ક્ષેત્ર શરૂ થાય છે.બુદ્ધિ, જ્ઞાનની વાતો આવે ત્યારે તર્ક-વિતર્ક,શંકા-કુશંકા જાગ્રત થાય છે.અને તેથી "સંશયાત્મા વિનશ્યતિ" કારણ આ બુદ્ધિ, કલા ઇત્યાદિ વસ્તુ છીદ્ર જેવી છે. તેમાંથી શ્રદ્ધા ઝરી જાય છે અને વિતંડાવાદથી શ્રદ્ધા ડગમગવા લાગે છે.ત્યારે ભગવાન તરફની શ્રદ્ધામાંથી ઉત્પન્ન થયેલ ધૈર્ય વ્યક્તિ ટકાવી રાખે છે. તે પોતે નિષ્ઠાવાન બને છે. એટલે યોગ્ય કહેવાયું છે કે "Faith gives direction, dash, destination for ones determination."

અર્થાત જો ઇશ્વર પ્રાપ્તિ માટે તમે પાકો નિર્ણય કરો તો શ્રદ્ધા તમને એ માટે દિશા,નિષ્ઠા અને ગન્તવ્ય સ્થાને પહોંચવાનું બળ પૂરું પાડે છે.અને એટલે જ તો કહેવાયું છે કે ઇશ્વર (દેવત્વ) લાકડામાં,પત્થરમાં કે મૂર્તિમાં નથી પણ ભાવ અર્થાત શ્રદ્ધામાં છે.આ વાત સમજવી રહી.
"ન દેવો વિદ્યતે કાષ્ઠે,ન પાષાણે ન મ્રુન્મયે
ભાવે હિ વિદ્યતે દેવસ્તસ્માયૂ ભાવો હિ કારણમ."

છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે કે શ્રદ્ધાપૂર્ણ અંત:કરણથી પાકી સમજ અને નિષ્ઠાપૂર્વક કરેલું કામ બહુ જ સામર્થ્યવાન અર્થાત સફળ થાય છે.સંક્ષેપમાં શ્રદ્ધામાં ભગવાન અને ભગવાન નિષ્પાપ હ્રદયે થતા નામસ્મરણમાં હોય છે અને નામસ્મરણ પ્રેમપ્રેરિત હોય છે અને એ જોતા શ્રદ્ધા એ પરમેશ્વરનું પ્રેમગીત છે.એ પ્રેમગીતમાં ઓતપ્રોત થઈ સમગ્ર જીવન એ પ્રેમગીત ગાવાનું પ્રભુ સર્વને બળ આપો એ જ અભ્યર્થના.
એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે એક પાતળી ભેદરેખા છે.શ્રદ્ધા ઇશ્વર સંબંધે હોય છે જ્યારે વિશ્વાસ માનવ અથવા માનવેતર જીવો સંબંધે હોય છે.
                                                    - સ્વ. નિર્મળા દિનકરરાય દેસાઇ