Translate

લેબલ 'Reading aloud' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'Reading aloud' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 28 માર્ચ, 2019

મોટેથી વાંચો!

  વાંચન એક ખૂબ સારો શોખ છે અને તે મનને તંદુરસ્ત રહેવા જરૂરી ખોરાક પૂરો પાડે છે એ કદાચ આપણે સૌ જાણીએ જ છીએ પણ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં વાંચેલ રિસર્ચ વિષે વાંચી હું અચંબિત થઈ ગયો અને આજના આ વિષય પર બ્લોગલેખ લખવા પ્રેરાયો.
     આ રિસર્ચ મુજબ મોટેથી વાંચવામાં ચિકિત્સાત્મક જાદુઈ શક્તિ રહેલી છે અને એનાથી માત્ર ભૂલકાઓને નહીં પણ મોટાઓને પણ મગજની તંદુરસ્તી વધવી અને એકલતા દૂર થવી જેવા લાભો મળે છે. તેનાથી આયુષ્યની દોરી લંબાતી હોવાનું પણ સિદ્ધ થયું છે. બસ આ માટે જરૂર છે સારા પુસ્તક કે વિષયની, સારા અવાજની અને થોડા સમયની. મેગન કોક્સ ગુર્ડોન નામની લેખિકાએ પોતાના પુસ્તક The enchanted hour : The miraculous power of reading aloud માં આ અને મોટે થી વાંચવાના બીજા અનેક ફાયદા જણાવ્યા છે.
       ટેક્નોલોજી અને મોબાઇલ, ટીવી જેવા ઉપકરણો એક જ ઓરડામાં પાસે પાસે બેઠેલી વ્યક્તિઓ વચ્ચે એક અદ્રશ્ય અંતર ઉભું કરે છે પણ પુસ્તક કે સારી વાર્તા કે લેખ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે એક અદ્રશ્ય સેતુ રચે છે જે તેમની વચ્ચે સંબંધ સુધારવામાં મદદ કરે છે, તેમની વચ્ચે નિકટતા વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ જ્યારે એક વ્યક્તિ મોટેથી વાંચે અને બીજી સાંભળે ત્યારે તેમના મગજ વચ્ચે એક સરખી પ્રવૃત્તિમાં રત થવાને કારણે સુસંવાદીતા સધાય છે અને ખાસ પ્રકારના ન્યૂરો કેમિકલ્સ પેદા થાય છે. ન્યૂરો કપલીંગ નામે ઓળખાતી આ પ્રક્રિયાના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. એકલતા અને ઉચાટ જેવી ઉપાધિઓથી ત્રસ્ત લોકો માટે આ એક અતિ આવકારદાયક સુસમાચાર છે. લંડનમાં કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં એમ સિદ્ધ થયું છે કે વયસ્કોનાં એક જૂથે એક સાપ્તાહિક સામૂહિક વાંચન પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ તે જૂથનાં સભ્યોની એકાગ્રતામાં સુધારો થયો હતો, તેઓ ઓછા આક્રમક અને વધુ મિલનસાર બન્યાં હતાં.
ભાષા અને સ્નાયુ બંને વપરાયા વગર પડ્યા રહે તો શિથિલ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ અન્યો સાથે મોટેથી વાંચવાની આદત કેળવે તો સૌના મગજ વધુ સતેજ બને છે. જ્યાં વૃદ્ધોની સંખ્યા વધુ છે એવા જાપાનમાં સંશોધકોએ એવું સંશોધન કરી રહ્યા છે કે કઈ રીતે મોટે થી કરવામાં આવતું દૈનિક વાંચન, વય સાથે અને વણવપરાશથી બુઠ્ઠી થતી જતી બુદ્ધિની કલ્પના શક્તિ અને સ્મરણ શક્તિ સુધરી શકે.
તો આ લેખ વાંચી તમને પણ મોટેથી વાંચવાની ઇચ્છા થઈ આવી હોય તો અત્યાર થી જ શરૂઆત કરી દો! એના માટે શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી! તમે કેટલું સારી રીતે વાંચો છો એવી ચિંતામાં પડ્યા વગર કે શું અને કેટલું વાંચવું એનું લાંબુલચક મનોમંથન કર્યા વગર તમને અને તમે જેને ચાહતા હોવ તેમને જે કંઈ સરખું પસંદ હોય એ સાથે બેસી મોટેથી વાંચવા માંડો! મોટેથી વાંચવાની કોઈ સાચી રીત નથી, તમે જે રીત અનુસરો કે અપનાવો એ જ રીત સાચી!
      કેટલાક વિદ્યાર્થીઓને મોટેથી વાંચવાની ટેવ હોય છે, એ રીતે વાંચે તો જ તેમને વાંચેલું યાદ રહે એવી તેમની માન્યતા હોય છે. એ હકીકત હોય કે ન હોય પણ આવા વિદ્યાર્થીઓ જો સમાન રીતે અભ્યાસ કરવા ટેવાયેલા અન્ય વિધાર્થીઓ સાથે ભેગા મળી અભ્યાસ કરે તો આ રીત તેમને માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થાય. એક જણ મોટેથી વાંચે અને અન્યો સાંભળે અને વારાફરતી બધાં થોડું થોડું વાંચી સાથે અન્ય સંલગ્ન માહિતીની આપલે દ્વારા અભ્યાસ વધુ રોચક અને રસપ્રદ બનાવી શકે!
    હું રવિવારના છાપામાં આવતી વાર્તા અથવા અન્ય માહિતીસભર કે રસપ્રદ લેખ મોટેથી વાંચું અને મારી પત્ની અને ક્યારેક દીકરી પણ એ સાંભળે. પત્નીને આમ તો વાંચવાનો ખાસ શોખ નહીં, પણ રવિવારે સાપ્તાહિક ધારાવાહિક નવલકથા કે અન્ય વાર્તા લેખ વાંચું તો એ ક્યારેક પોતાનું અન્ય કામ આટોપતા પણ ધ્યાનથી સાંભળે તો ક્યારેક મારી નિકટ બેસી મને જોતા જોતા એ વાર્તા કે લેખનો આસ્વાદ માણે. ક્યારેક વાર્તા હ્રદયસ્પર્શી હોય તો વાંચતા વાંચતા મારો કંઠ રૂંધાઈ જાય અને અમે સાથે એ વાર્તાની સંવેદના માણીએ. મોટે ભાગે રવિવારની અમારી સવાર ચા-નાસ્તા અને મોટેથી વાંચનના આ સત્ર સાથેની આરામમય હોય. જન્મભૂમિની મધુવન પૂર્તિની આસવ કે ગોરસકથાઓ આ માટેની અમારી મનપસંદ કટાર અને મધુવનની ધારાવાહિક નવલકથા કે નવલિકા પણ અમે આ રીતે મોટેથી વાંચન કરી સાથે માણીએ. હું વાંચતો હોઉં ત્યારે વચ્ચે વચ્ચે ક્યારેક મારા પોતાના શબ્દો ઉમેરી પત્નીને ચીડવવાની તક પણ હું ઝડપી લઉં! અને અમે સાથે થોડું હસી પણ લઈએ! આઠ વર્ષીય દિકરીને પણ ક્યારેક આ વાંચન સત્ર માં સામેલ કરવાનો આશય તેને બને એટલા વધુ ગુજરાતી શબ્દો, કહેવતો કે રૂઢિપ્રયોગોથી માહિતગાર કરાવવાનો. ગોરસકથાઓ કે આસવ માં છપાતી વાર્તાઓ વાંચી તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય અને તે માણસાઈના પાઠ શીખે એ ફાયદામાં.