આજે આપણે એકવીસમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ. છેલ્લા ત્રણ ચાર દાયકામાં વિશ્વમાં ઘણું બદલાયું છે. આપણા દેશમાં પણ ઘણા બધા બદલાવ થતા રહે છે અને હજી ઘણા પરિવર્તનો જોવા મળશે. આધુનિક યુગમાં ટેક્નોલોજીએ માનવીના વિકાસને અદભુત વેગ આપ્યો છે. આ પ્રગતિનો આવિષ્કાર ઠેર ઠેર જોવા મળે છે. કહેવાય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અભ્યાસીઓ તથા અનુભવીઓ પણ એક વિધાન સાથે સંમત થયા છે કે પરિવર્તન આવશ્યક છે ને આવકાર્ય પણ છે.પ્રશ્ર એ છે કે શું આધુનિકતાને પરંપરાને ભોગે અપનાવવી યોગ્ય છે? જ્ઞાનીઓના મતે પરંપરાનો મલાજો જાળવી આધુનિકતાને અપનાવવી ઉચિત છે.
                           વિવિધ ક્ષેત્રોની માફક શિક્ષણના ક્ષેત્રમાં પણ આમુલ પરિવર્તન જોવા મળે છે. શિક્ષણનો વ્યાપ વિસ્તૃત થયો છે, પણ સાત્વિકતા ઘટી ગઈ છે. શૈક્ષણિક મૂલ્યો પણ બદલાતા જાય છે. ઉચ્ચ ગુણાંકો સાથે ઉત્તિર્ણ થવું સહજ થઈ ગયું છે. વ્યવસાયમાં પ્રવેશ્યા પછી, મેળવેલા શિક્ષણનું મૂલ્ય નથી રહેતું,કારણ કે ભણતર છે, પણ ગણતર નથી.
                            આજ કાલ શિક્ષણના માધ્યમ વિશે ઉહાપોહ થાય છે, પરંતુ વિરોધનું કોઈ પરિણામ નથી દેખાતું. શાળાઓમાં હવે અંગ્રેજી ભાષાનો અમલ થયો છે. આ પવિત્ર ધામમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે.અંગ્રેજીનો વિકલ્પ નથી તે સાચું છે, પણ શું ગુજરાતી પારિવારિક વાતાવરણમાં ગુજરાતી ભાષાનો સમાંતર વિકલ્પ હોવો જરૂરી નથી? અમે ભણતા ત્યારે માધ્યમ તો ગુજરાતી હતું,પણ અંગ્રેજી એક અલગ વિષય હતો આ અંગ્રેજી ભાષાને એકસરખું પ્રાધાન્ય અપાતું. શાળા જીવનથી જ અંગ્રેજીનો પાયો મજબુત હતો, તેથી કોલેજમાં અને વ્યવસાયમાં કોઈ મુશ્કેલી નડી નહીં.  
                            અહીં એવો કોઈ આગ્રહ નથી કે શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. અંગ્રેજી ભાષાના માધ્યમને સ્વીકારવું જ રહ્યું, કારણ નોકરી કે વ્યવસાયમાં તે જ કામનું છે, પણ ગુજરાતી ભાષાને એક વિષય તરીકે તો અપનાવવી જ જોઈએ.ગુજરાતી ભાષાનું અવમૂલ્ય થતું અટકાવવા માટે તાકિદે કેટલાક પગલાં લેવાનું અત્યંત આવશ્યક છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને ઘરના સભ્યોએ ગુજરાતી આપણી માતૃભાષા છે અને તે આપણી જાતનું પ્રતિબિંબ પાડે છે એમ કહી આ ભાષાનું મહત્વ સમજાવવું જોઈએ. અંગ્રેજી શબ્દ “બટર” ને ગુજરાતીમાં “માખણ”  કહેવાય તે તેને ખબર નથી, કે આંકડાઓને અંગ્રેજીમાં ભાષાંતર કરી સમજાવવું પડે,તે ગુજરાતી પરિવારની દુ:ખદ કરૂણતા છે.
                            ઘરમાં ગુજરતી ભાષાનું ચલણ રહે તેની જવાબદારી માતા પિતાની છે. ગુજરાતી સંગીતના કાર્યક્રમો, ગુજરાતી નાટકો તથા ગુજરાતીપુસ્તકોવાંચવા માટે પ્રોત્સાહિત કરવું અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછું એક ગુજરાતી અખબાર વાંચવાની સંતાનને આદત પાડવી આવશ્યક છે. આમ અંગ્રેજી માધ્યમમાં ભણતા દરેક વિધ્યાર્થી ગુજરાતી વાંચતા લખતા અને સમજતા થઈ જાય તો આપણી ભાષાને કોઈ આંચ આવે એમ નથી.આખરે તો હેતુ માતૃભાષાનો અનાદર નહીં, પણ આદર કરવાનો છે તથા તેની ગરિમાને જાળવવાનો છે. પ્રત્યેક ગુજરાતીના હ્રદયમાંથી આ ઉદગારો સરે તો ગુજરાતી ભાષાનું ભાવિ અપેક્ષા કરતાં વધુ ઊજળું બનશે
                              “હું ચાહું મુજ માતૃભાષાને, જેમ ચાહું મુજ માતા
                              હું ગુજરાતી ગૌરવવંતો, જેનો શબ્દ મને દે શાતા”. 
                                                                              - નીતિન વિ મહેતા.  
 
 



કવિ શ્રી નીતિન વિ મહેતા લિખીત ગેસ્ટ બ્લોગ લેખ માતૃભાષાનું મહત્વ ખુબ સરસ અને પ્રેરણાદાયી રહ્યો.હું ઇચ્છુ છું કે મારા અમેરિકા રહેતા પૌત્ર-પૌત્રી તેમની માતૃભાષા ગુજરાતી ભાષા લખતા-વાંચતા શિખે.
જવાબ આપોકાઢી નાખો