Translate

Sunday, September 24, 2017

અંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-ર)             સાંજના ઓસરતા અજવાળા અને રાત્રિના પ્રવેશી રહેલા અંધારા વચ્ચે વરસાદના ઝાપટાઓ સાથે, દેડકા અને તમરાં સહિતના અન્ય જંતુઓના ઘેરા બનતા જતા અવાજો સાથે અમે અંબોલીના જંગલમાંથી પસાર થતી સડક પર આગળ વધ્યે જતા હતા.  ત્યાં અમારા લીડર ઓમકારે બૂમ પાડી અમારો પહેલો 'કેચ' નજીકથી નિહાળવા જેનું નામ હતું ગ્રીન વાઈન સ્નેક. સાપ ઓમકારે રસ્તાની જમણી બાજુએ એક ઝાડ પર શોધી કાઢ્યો હતો. સામાન્ય માનવી તો તેને ઝાડ પર શોધી શકે. નિયમિત પ્રકારની ટ્રેલ્સ પર જનારા અને સાપોના નિષ્ણાત કે સર્પમિત્રો તેને ઝાડ પર ચાલતો કે બેસેલો સ્પોટ કરી શકે. લાંબો,પાતળો પીળાશ પડતા લીલા રંગનો ઝાડ પર રહેતો ગ્રીન વાઈન સ્નેક  ખુબ સુંદર દેખાય છે, બિનઝેરી છે અને પુખ્ત હોય ત્યારે તેની લંબાઈ ચાર-પાંચ ફૂટ સુધીની હોઈ શકે છે. અમે જોયું ગ્રીન વાઈન સ્નેકનું બચ્ચુ હતું તેથી તેની લંબાઈ દોઢેક ફુટથી વધુ નહોતી અને તે શરમાળ હતું એટલે અમે નજીક ગયા કે તરત ઝાડની ઉપરની ડાળી તરફ સરકવા માંડ્યું. ઓમકારે તેની પૂંછડી ખેંચી તેને નીચે તરફ લાવવાનો પ્રયત્ન કર્યો પણ તેણે ખુબ ઠાવકાઈથી મોઢું રીતે ઉપરની એક ડાળ પર ભરાવી દીધું કે હળવેથી ખેંચતા તે નીચે આવી જાય! અમારે તેને પરેશાન કરવો નહોતો આથી ઓમકારે તેને છોડી દીધો અને તરત તે ઉપર ઝાડની વિશાળ ડાળીઓ વચ્ચે ગરકાવ થઈ ગયો. સાપ તો અહિ ખુબ સામાન્ય હોવાથી તે ફરી આગળ જોવા મળશે એવી ધરપત સાથે અમે આગળ વધ્યા.
થોડે આગળ ગયા ત્યાં એક ઝાડની બખોલમાંથી એક દેડકાના ડ્રાઉં ડ્રાઉંનો અવાજ આવ્યો અને અમે સૌ ઓમકારના કહેવાથી ત્યાં ભેગા થઈ ગયા. અહિ અમારો બીજો કેચ અને ખુબ રસપ્રદ દ્રષ્ય જોવા મળ્યું. ઝાડની બખોલમાં એક દેડકો બેઠો હતો અને બખોલની બહાર થોડે દૂર ગૂંચળામાં વિંટળાઈને તપખિરીયા રંગનો ચટ્ટાપટ્ટા વાળો નાનકડો પણ ભારે ઝેરી એવો મલબાર પીટ વાઈપર સાપ! તે એટલો સ્થિર હતો કે ઘડીભર વિચાર આવે કે જીવે છે કે તેનું શબ પડ્યું છે ત્યાંપણ જેવો દેડકો બખોલની બહાર આવશે અને તેની રાહમાં બેઠેલા સાપ ભાઈને લાગશે કે યોગ્ય સમય છે ત્યારે ચીલઝડપે તે તરાપ મારી દેડકાનો કોળિયો કરી જશે! પણ યોગ્ય ક્ષણ માટે તેણે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડશે તો પણ થાકશે નહિ. હલ્યા વગર સ્થિર તેની ખાસિયત મુજબ ગૂંચળું વાળેલી સ્થિતીમાં સ્થિતપ્રજ્ઞ યોગીની જેમ બેસી રહેશે! અમે તેના અતિશય નજીકથી ફોટા પાડ્યાં. ઓમકાર અમારી સાથે આવેલા બે જણને ટુર દ્વારા  વાઈલ્ડ-લાઈફ મેક્રો ફોટોગ્રાફી પણ શિખવી રહ્યો હતો આથી ફોટા પાડવા - અલગ અલગ એન્ગલથી અને ખુબ નજીકથી - જરૂરી હતું. અમે ત્યાં સારી એવી પંદર-વીસ મિનિટ પસાર કરી સાપને માત્ર ત્રણ-ચાર ઇંચ જેટલા અંતરેથી!અતિશય વિષારી એવા ઝેરી પ્રાણીને આટલા નજીકથી જોવો તેના કુદરતી રહેઠાણમાં તેની દિનચર્યામાં મગ્ન - વિચાર કેટલો રોમાંચક છે! પણ હિંમત અમે કરી શક્યા કારણ બાબતોનો પ્રખર નિષ્ણાત અમારી સાથે હતો એટલે.અને અમારો ઉદ્દેશ્ય હતો પ્રાણીઓ-જંતુઓ વગેરેને નિરખવાનો અને નહિ કે તેમને રંજાડવાનો કે તેમની દિનચર્યામાં બિલકુલ ખલેલ પહોંચાડવાનો. મલબાર પીટ વાઈપર સાપ પુખ્ત હોય ત્યારે પણ તેની લંબાઈ માત્ર દોઢ-બે ફૂટ જેટલી હોય છે અને તે કદમાં પણ પાતળો હોય છે પણ દેખાવમાં ભયંકર અને સાપ જેને ગમતા હોય તેના માટે સુંદર!તેની કાયાને કમનીય વળાંકો ધરાવતી શૈલીમાં ખાસ રીતે બેસવાની તેની શૈલીને લીધે તે અન્ય મોટા સાપો કરતાં જુદો પડે છે.
ધરાઈને સાપના ફોટા પાડ્યા અને તેના વિશે માહિતીની આપલે કર્યા બાદ અમે આગળ વધવાનું નક્કી કર્યું.અમે જોયો હતો મલબાર પીટ વાઈપરનો તપખિરીયો એટલે કે બ્રાઉન મોર્ફ. સાપ અલગ અલગ રંગોની ઝાંયમાં જોવા મળે છે તેમાંની હતી બ્રાઉન વરાઈટી. ઓમકારે તેના અનુભવના આધારે કહ્યું કે બે-ત્રણ કલાક પછી જો આપણે ફરી આજ જગાએથી પસાર થઈશું ત્યારે પણ સાપ અને દેડકો આજ સ્થિતીમાં બેઠેલા જોવા મળશે.અને અમે ફરી જ્યારે બે-એક કલાક બાદ ફરી જગાએ થઈ પાછા ફરી રહ્યા હતાં ત્યારે એમ બનેલું જોઈ અમે અચંબિત થઈ ગયાં હતાં!
બે સાપ જોયા બાદ ઓમકારે અમને જંગલનો ખરો સ્વાદ ચખાડવાનું નક્કી કર્યું અને અમને મુખ્ય રસ્તાની ડાબી બાજુએ થઈ ઝાડ-ઝાંખરા વચ્ચેથી એવી જગાએ લઈ ગયો જ્યાં જમીન પર ઝરણાં સ્વરૂપે ખળખળ કરતું પાણી વહી રહ્યું હતું,આસપાસ અડોઅડ ઝાડ-છોડ કેટલાક વ્યવથિત તો કેટલાક આડા-અવળા ઉગેલા હતાં.ભયંકર અંધારું હતું તેથી અમે નઝારો સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા પણ માત્ર ટોર્ચના આછા પ્રકાશમાં જેટલું નજરે ચડી રહ્યું હતું તેને આધારે કલ્પી રહ્યાં હતાં. આસપાસ , માથે બધે ઝાડની ડાળીઓ અને પાન અમારા માર્ગમાં આવતા હતા. નીચી જમીન પર સીધો મેદાન જેવો ભાગ નહોતો પણ નાના-મોટા પથ્થરા અને માટી ઉબડખાબડ પ્રુષ્ઠ ભુમિ રચતા હતા જેના પર થઈને વહેતા પાણીમાં સંભાળી સંભાળીને પગ મુકતા મુકતા અમે આગળ વધી રહ્યાં હતાં. એક જગાએ એક મોટા પાન પર અસંખ્ય નાની નાની લીલા રંગની ઇયળો જોવા મળી જે કોઈ ફૂદા કે પતંગિયાના કેટરપિલરે મૂકેલાં ઇંડામાંથી તાજી બહાર આવી હશે.

સારું થયું અમારું ધ્યાન પહેલા  ગયું તેમના પર નહિતર તેમાંની કેટલીક અમારા કોઈકના માથા પર હોત!  
દેડકાઓની તો આખી વસ્તી અહિ હશે એમ માલૂમ પડતું હતું એટલો એમનો કોલાહલ વધી ગયો હતો પણ એકેય દેડકો નજરે ચડતો નહોતો. તેમની સંવનનની રુતુ હોવાથી તેઓ મોટે મોટેથી સાદ પાડી માદાઓને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. ઓમકારે જણાવ્યું કે ખાબોચિયા કે વહેતા પાણી નજીક દેડકાઓ સંવનન કરે છે અને તેમનું સંવનન મનુષ્યો અને અન્ય પ્રાણીઓ કરતાં જુદા પ્રકારનું હોય છે. નર દેડકો જે માદા કરતા કદમાં ટૂંકો હોય છે તે માદાના શરીર પર ગોઠવાઈ જાય છે અને માદા ઇંડાઓનો પ્રવાહ છોડે છે ત્યારે નર વીર્ય વહાવે છે અને આમ સંભોગ વગર તેમના શરીરની બહાર તેમના ઇંડાનું ફલિકરણ થાય છે.
ગીચ જંગલમાં એક ખાસ જગાએ ઉંચી ટેકરી જેવો ભાગ હતો જેની માટી ખવાઈ ગઈ હતી તેની નીચે જમીન પર અમે ઉભા હતાં ત્યાં ઓમકારે ટેકરી પરના એક ઝાડના મૂળિયા દેખાઈ રહ્યા હતા ભાગ પાસે ભીંત પર પારદર્શક ઝીણી ઝીણી ગોળી જેવા દેડકાના ઇંડા બતાવ્યાં.  ચીકણા નાનકડા ગોળા જેવા ઈંડા કાચ જેવા સ્વચ્છ હતા અને તેમની અંદર વિકસી રહેલ નાનકડા ટેડપોલ (દેડકાના બચ્ચા) સ્પષ્ટ દેખાઈ રહ્યા હતાં. ટેડપોલ પાણીમાં તરતા તરતા જન્મે છે અને જન્મે ત્યારે તેમને પૂંછડી હોય છે જે ધીમે ધીમે તેઓ મોટા થાય તેમ તેમ ઘસાતી જાય છે અને પછી છેવટે ગાયબ થઈ જાય છે. ઇંડાના ફોટા પાડતી વખતે એક જણનું ધ્યાન ગયું મોટા ટેરેન્ટુલા નામના કરોળિયા પર જે ઇંડા વાળી ભીંત પર સહેજ આઘે એક નાનકડા દરમાં છૂપાઈને બેઠો હતો પણ તેના વિશિષ્ટ આકારના રૂંવાટી જેવા વાળ ધરાવતા પગને લીધે તે ઓળખાઈ ગયો અને સહેજ હલ્યો એટલે અમારી નજરે ચડી ગયો.હજી તેને ધ્યાનથી જોઇએ ત્યાં અન્ય એક મિત્રે એક અતિ ભયાનક જીવડા પર અમારું ધ્યાન દોર્યું જે કાનખજુરા જેવું દેખાતું હતું.તેને બે મોટી મૂછો અને અનેક પગ હતાં પણ તે કાનખજૂરા કરતાં ખાસ્સું જાડું અને મોટું હતું અને સાવ સુસ્ત (કાનખજુરો અતિ ચપળ અને ચંચળ હોય છે).ત્યાં વળી ઓમકારે એક ખાસ પ્રકારનો દેડકો સ્પોટ કર્યો હતો તે અમને બતાવ્યો
  

તેને નિરખતા,તેના ફોટા પાડતા અમે ક્યાંય સુધી વહેતા પાણીમાં ચાલતા-દોડતા તેનો પીછો કર્યો!


આમ તો આખી ટ્રીપ ખાસ્સી રોચક હતી.પણ પ્રથમ રાત્રિના પહેલા ભાગમાં જંગલના પટ્ટા જેવા ભાગમાં કરેલો અનુભવ આખા પ્રવાસના બે-ત્રણ સૌથી વધુ મજેદાર અને યાદગાર હતો.


(ક્રમશ:) 

No comments:

Post a Comment