Translate

Sunday, September 17, 2017

અંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-૧)

અડધી રાત નો સમય છે. ઘન ઘોર રાતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રેનકોટ ધારી યુવાનો લીલાછમ પરંતુ અત્યારે અંધકાર ને કારણે કાળા ડિબાંગ ભાસી રહેલા જંગલમાં પોતપોતાની ટોર્ચ અલગ અલગ ઝાડ ના થડ પર ફોકસ કરી કઇંક ફંફોસી રહ્યાં છે. જેવો એક યુવાન મોટે થી બુમ પાડે કે 'હેય ગાયસ્, મલબાર પીટ વાઇપર હીઅર!' કે અન્ય યુવાનો દોડી ને ત્યાં પહોંચી જાય છે અને પોતપોતાની ટોર્ચ ભયંકર ઝેરી એવા સાપ પર કેન્દ્રિત કરી પોતાનું સઘળું ધ્યાન તેનાં અભ્યાસમાં જોતરી દે છે. યુવાનો માંનો એક એટલે હું પણ અભૂતપૂર્વ અનુભવ ને અંબોલી ના જંગલમાં ધરાઈ ધરાઈ ને માણી રહ્યો છું. સમય હતો ચોથી ઓગષ્ટ ૨૦૧૭ ની રાતનાં એક વાગ્યા નો.
                મને પહેલેથી કુદરત પ્રત્યે અપાર લગાવ. ટ્રેકિંગ, નદીઓ, પહાડો, આકાશ, જંગલો વગેરે પ્રત્યે એક અનોખું આકર્ષણ. જંગલની વનરાજી અને પ્રાણી, પંખી, જંતુઓ વગેરે જોવાનો અને તેમનાં વિશે જાણવાનો પણ મને જબરો શોખ! એટલે મારા વોટ્સેપ પર નાં નેચર વર્લ્ડ ગ્રૂપ પર જ્યારે અંબોલીની હર્પિંગ ટ્રેલ વિષે વાંચ્યું ત્યારે ઉત્સુકતા પૂર્વક ગૂગલ પર નવા પ્રકાર ની ટ્રેલ વિશે ખાં ખાં ખોળા કરતાં મારી જાતને રોકી શક્યો. એમ કરતાં રંગબેરંગી સાપ, દેડકાં, ગરોળીઓ વગેરે નાં સુંદર ફોટા જોવા મળ્યાં અને જાણવા મળ્યું કે હર્પિંગટ્રેલ એટલે જંગલમાં ભટકી કરાતો એવો પ્રવાસ જેમાં તમારે સરીસૃપોનો અને ખેચરોનો અભ્યાસ કરવાનો હોય. સરીસૃપ એટલે પેટ ઘસડી ને ચાલનારા પ્રાણીઓ. જેવાંકે સાપ, અજગર, ઘો, ગરોળીઓ, મગર વગેરે. ખેચર એટલે જળ અને જમીન એમ બંને જગાએ રહી શકનાર દેડકા જેવા જીવો.
                મને નવી નવી જગાઓએ જવાનો-ફરવાનો પણ શોખ એટલે નક્કી કર્યું કે હર્પિંગ ટ્રેલ અંબોલી નામની અત્યાર સુધી મેં જોયેલી નવી જગાએ હોવાથી તેમાં જોડાવું. ત્રણ દિવસનો પ્રવાસ હોવાથી ખાસ મુશ્કેલી નહોતી. ઘરવાળાઓને જ્યારે ખબર પડી કે હું સાપ વગેરે જીવજંતુઓ વચ્ચે જંગલમાં જવા જઈ રહ્યો છું ત્યારે તેમણે થોડો ઉહાપોહ મચાવ્યો પણ મેં તેમને મનાવી લીધા!
 અંબોલી એટલે ગોવા તરફ આવેલું મહારાષ્ટ્રના જ મલબાર ઘાટ પરનું પર્વતીય-જંગલીય સ્થળ. આ ટ્રેલના ઓર્ગેનાઈઝર એવા ઓમકાર અધિકારીના અકાઉન્ટમાં નિયત રકમ ઓનલાઈન જમા કરી મારું પ્રવાસમાં જોડાવાનું કન્ફર્મ કરી નાંખ્યું. ત્રીજી ઓગષ્ટે રાતે બાર વાગ્યાની દાદરથી શરૂ થતી તૂતારી એક્સ્પ્રેસમાં બેસી અમે કુલ જણ બીજે દિવસે બપોરે બારેક વાગે સાવંતવાડી જઈ પહોંચ્યા. ત્યાંથી છકડા રીક્ષા જેવા વાહનમાં બેસી અંબોલી જઈ પહોંચ્યા. એકાદ દોઢ કલાકના પ્રવાસમાં પહેલા સાવંતવાડી શહેરની શેરીઓમાં ડોકિયું કરવા મળ્યું. પ્રવાસન સ્થળ જેવા નાનકડા સુઘડ શહેરમાં મધ્યે આવેલા સરોવરની ફરતે જ્યારે અમારી રીક્ષા ફરી રહી હતી ત્યારે શહેર માટે એક પ્રકારના હકારાત્મક સ્પંદનો ઉદભવી રહ્યાં. પછી શરૂ થયો ઘાટ. જંગલ અને પહાડ વાળા રસ્તા પર રીક્ષા દોડતી રહી અને મને થોડી વાર તો સરસ મજાની નિદ્રા પણ આવી ગઈ.
અંબોલી પહોંચ્યા એટલે વર્તાવા લાગ્યું કે અમે હિલસ્ટેશન પર આવ્યા છીએ. ધૂમ્મસ ભર્યું પણ ખુશનુમા વાતાવરણ હતું. લાંબી મુસાફરી કરી આવ્યાં હોવા છતાં થાક નહોતો વર્તાતો.ભૂખ લાગી હતી એટલે જતા વેત હોટલના રૂમમાં પણ ચેક-ઇન કરતા પહેલા ભોજનને ન્યાય આપ્યો! સત્પુરુષ નામની હોટલમાં અમારે હવે પછીના બે દિવસ રહેવા-ખાવા-સૂવાનું હતું. ખાવાનું લાક્ષણિક મહારાષ્ટ્રીયન શૈલીનું. સ્વાદિષ્ટ અને ઘર જેવું. નોન-વેજ ખાનાર મિત્રોને તો અહિની તાજી સ્વાદિષ્ટ માછલી ખાવાની ખુબ મજા પડી. સોલ-કરી નામનું અહિનું ખાસ પીણું પણ બપોર અને રાતના ભોજન સાથે અચૂક પીરસવામાં આવ્યું.
ખાધા પછી એકાદ કલાક રૂમ પર જઈ ફ્રેશ થયા અને હોટલની આસપાસની જગાનું નિરીક્ષણ કર્યું. હોરર ફિલ્મ રાઝ માં જે જંગલ બતાવવામાં આવ્યું હતું તેની મિનિ-પ્રતિકૃતિ સમી હતી જગા! બે રૂમ્સમાં અમે જણાં રહેવાના હતાં.રૂમ્સમાં ભેજ અને ભીનાશ સતત વર્તાતા હતાં જો કે તો અહિનાં સમગ્ર વાતાવરણની ખાસિયત હતી.બહાર ચાલતી વખતે ધૂમ્મસ અને ભીનાશ બધે પથરાયેલા રહેતાં.સાંજે ચા પીને પાંચ- વાગે અમે નિકળ્યા અમારી પહેલી હર્પિંગ ટુર પર.આવી પાંચેક બીજી ટુર અમારે હવે પછીના બે-ત્રણ દિવસમાં કરવાની હતી.હોટલથી થોડે દૂર એક સડક પર ચાલવું અમે શરૂ કર્યું.દરેકે શરીર પર વિન્ડ-ચીટર કે રેનકોટ પહેર્યા હતાં કારણ વરસાદ અપેક્ષિત હતોતેની અને વાદળાઓની આવનજાવન અમારી આસપાસ ચાલુ હતી! પગે અમે સૌ શુઝ સાથે લાંબા મોજા પહેર્યા હતાં કારણ અમારા ગાઈડ ઓમકારે પહેલેથી ચેતવી દીધા હતા કે જે જગાએ જઈએ છીએ ત્યાં જળો નામના જીવો પગે ચોંટી જવા પૂરો સંભવ છે. જળો એટલે એવા જીવો જે તમારા શરીર પર ચોંટી લોહી ચૂસવા માંડે અને પાતળી દોરી જેવા શરીરને જાડા રસ્સી જેવા શરીરમાં રુપાંતરીત કર્યા બાદ તમારા શરીર પરથી છૂટ્ટુ પડે સિવાય કે પહેલા તમને દર્દનો અહેસાસ થાય અને તમે મીઠું ભભરાવી તેને શરીર પરથી દૂર કરો.ખાસ પ્રકારના કેન્સરની સારવાર માટે એક ખાસ પદ્ધતિમાં જળોને જાણીજોઇને તમારા શરીર પર ચોંટાડવામાં આવે છે અને તે જે-તે ભાગનું બધું ખરાબ લોહી થોડી ક્ષણોમાં ચૂસી જાય છે. જળોને અત્યાર સુધી પ્રત્યક્ષ જોઈ નહોતી એથી મારા પગ પર ચોંટે પણ જોવા ચોક્કસ મળે એવી ઇચ્છા સેવતા હું ઘણો ઉત્સાહીત હતો!
રસ્તામાં અજવાળું હોવા છતાં ધૂમ્મસ એટલું ગાઢ હતું કે પચાસ-સો મીટરથી આગળ શું છે તે તમને દેખાય નહિ. વાહનોની અવરજવર જો કે રસ્તો જંગલ સમો હોઈ નહિવત હતી. અમે હાથમાં ટોર્ચ-બેટરી અને કેમેરા લઈ આગળ વધતા જતા હતાં. રસ્તામાં દેડકા અને જીવજંતુઓના અવાજોની માત્રા સમય સાથે વધતી જતી હતી. બાળપણમાં એક પ્રકારનું રમકડું રમતા જેમાં પતરાની બે પટ્ટી જોડી તેમની વચ્ચે જગા રાખી હોય અને ઉપરની પટ્ટીને નીચેના પતરાના ભાગ પર અંગૂઠા વડે દબાવતા ટક-ટક-ટક એવો મોટો અવાજ તેમાંથી આવે. બિલકુલ આવો તીવ્ર મોટો સ્વર એક ખાસ પ્રકારના દેડકાનો હતો જેનું નામ મલબાર ગ્લાઈડિંગ ફ્રોગજેનુંશરીર પોપટી લીલું અને તેના લાક્ષણિક પાતળા લાંબા શરીરને કારણે તે ખાસ્સો આકર્ષક લાગે. ગ્લાઈડીંગ શબ્દ એટલા માટે વપરાય કારણ તે તમને ઝાડ પર ઉંચે જોવા મળે! એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદે ત્યારે હવામાં ઉડતો હોય કે ગ્લાઈડ કરતો હોય એવું લાગે! (ક્રમશ:) 

No comments:

Post a Comment