જુહુ
બીચ પાસે આવેલી એક હોટલમાં ઓફિસની એક ટ્રેઇનિંગ અટેન્ડ કર્યા બાદ સાંજે જલ્દી ફ્રી
થઈ ગયો એટલે સાંજે લગભગ સાડા પાંચ વાગે જુહુના દરિયા કિનારે ઢળતા સૂરજના સથવારે ચાલતા
ચાલતા હરે રામ હરે ક્રુષ્ણ - ઇસ્કોન મંદિર જવાનું નક્કી કર્યું. દરિયા કિનારાનું એક
આગવું આકર્ષણ હોય છે,બીચ પર ચાલવાની - સમય પસાર કરવાની એક અનેરી મજા છે! શુક્રવારની
ચાલુ દિવસની સાંજ હતી એટલે બીચ પર ભીડ હકડેઠઠ નહોતી.દરિયા કિનારાની હવા શ્વાસમાં ભરતા
ભરતા કાનમાં ઈઅર-ફોન્સ વડે મનપસંદ ગીતો સાંભળતા સાંભળતા ચાલતો હતો ત્યાં ધ્યાન જેની
પર ચાલી રહ્યો હતો તે રેતી પર ગયું.
મોટા ભાગના ભારતીયો પૂજાપાનો સામાન ડર કે અંધશ્રદ્ધાના
માર્યા દરિયામાં પધરાવે છે, એ પણ પાછું પ્લાસ્ટીકની થેલીમાં નાખીને અને પર્યાવરણ અને
દરીયાઈ જીવો-પરીસરને ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન પહોંચાડવાની સાથે જ પોતાની આસપાસના
દરિયા કિનારાની સ્વચ્છ જગાને ગંદી-દૂષિત કરવાનું મહા પાપ આચરે છે. આપણે આવા કેમ છીએ ?
થોડા
સમય અગાઉ ગૌમાતાના નામે રાજકારણ રમાયું અને કેરળમાં કેટલાક યુવાનેતાઓએ ગૌમાસ પરના પ્રતિબંધના
કેન્દ્રસરકારના પગલાનો વિરોધ કરવા વાછરડાને રસ્તા વચ્ચે કાપી તેનું માંસ રાંધી ખાધું.
દિલ્હીમાં
રવિન્દર કુમાર નામના એક ઇ-રીક્ષાવાળાએ દિલ્હી
યુનિવર્સીટીના મનાતા બે યુવાન વિદ્યાર્થીઓ (જે દારુના નશામાં હતા) ને રસ્તા પર
મૂતરવાની ના પાડી એટલે
પેલા શેતાનોએ પોતાના સાથીઓ સાથે પાછા ફરી રવિન્દરને એટલો ઢોરમાર માર્યો કે રવિન્દરની પત્નીના
ગર્ભમાં રહેલું સાત માસનું બાળક જન્મ લેતા પહેલા જ પિતાની છત્ર
છાયા ગુમાવી બેઠું. થાણે માં બનેલા
એક કિસ્સામાં શેર રીક્ષા કરેલી એક યુવતિને સાથે
બેસેલા સહપ્રવાસીએ અડપલું કર્યું તેનો વિરોધ કરતાં એ સહપ્રવાસીએ યુવતિને
ચાલુ રીક્ષામાં થી બહાર ફેંકી
દીધી.જો કે આ
કિસ્સામાં પોલીસની સતર્કતા અને સી.સી.ટી.વી.કેમેરા ની
મદદ વડે રીક્ષા ડ્રાઈવર અને તેના મિત્ર એવા પેલા ગુનેગાર સહપ્રવાસી ની ધરપકડ થઈ
ચૂકી છે. આવાજ એક અન્ય ઘૃણાસ્પદ
કિસ્સામાં વીસેક વર્ષીય એક યુવતિ ગુરગાવમાં
પોતાના આઠ મહિનાના બાળકને
લઈને શેરરીક્ષામાં બેસી પોતાને ઘેર જવા નીકળી અને અન્ય બે સહપ્રવાસીઓ તેમજ
રીક્ષા ડ્રાઈવરે સાથે મળી એ યુવતિના બાળકને
રસ્તા પર પછાડ્યું અને
એ નિર્દોષ બાળક મરી ગયું. ત્યાર બાદ એ નરાધમોએ વારાફરતી
પેલી યુવતિ પર બળાત્કાર કર્યો.
વાંચીને ગુસ્સો આવે છે? મારું પણ લોહી ઉકળી
ઉઠ્યું હતું. નિર્ભયા બળાત્કાર કેસ પછી પણ બળાત્કારોની સંખ્યામાં
કોઈ ઘટાડો થયો નથી.ઉલટું સમૂહ બળાત્કાર, બાળકોના યૌન શોષણના વધુ કિસ્સાઓ રોજબરોજ વાંચવામાં આવી રહ્યા છે. આ બધું ક્યાં
જઈને અટકશે?
આ
લખી રહ્યો છું ત્યારે જ વોટ્સએપ પર
એક મેસેજ આવ્યો છે જે આ
વિષયના સંદર્ભને અનુરૂપ છે એટલે એ
અહિ ટાંકુ છું – “નિષ્ક્રીય યુધિષ્ઠીર અને સક્રિય દુર્યોધન આજના વિશ્વની સૌથી મોટી સમસ્યા છે.-ગુણવંત શાહ”
અંધારી
લાંબી ટનલને અંતે પ્રકાશનું કિરણ ટનલનો અંત અને અજવાળાના વિશ્વની નજીક હોવાની ખાતરી
અને પ્રતિતી કરાવે છે એમ જ આટલી નકારાત્મકતા છતાં કેટલાક હકારાત્મક લોકો અને પ્રસંગો
એક દિવસ સારો અને આદર્શ આવશે એવી આશા જગાડે છે. પરિસ્થિતી સાવ ખાડે જતી રહી હોય એવી સ્થિતી નથી. મુંબઈના જ વર્સોવા બીચને અફ્રોઝ શાહ
નામના એક જુવાનિયાએ સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું અને એટલી ખંત અને ધગશથી એણે આ કાર્યની
શરૂઆત કરી કે આજે આ બીચ પરથી લગભગ ૫૪લાખ ટન જેટલો કચરો દૂર કરી નાંખવામાં અફ્રોઝ સાથે
સેંકડો મુંબઈગરા અને સુધરાઈ પણ જોડાયા છે અને વર્સોવા બીચ એટલો સ્વચ્છ થઈ ગયો છે કે
તેની નોંધ પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ લીધી છે.
મથુરાના
એક મંદીર પાસે જૂતા સાચવવાની સેવા આપતી એક વૃદ્ધ વિધવાએ પોતાના જીવનભરની લગભગ પચાસ
લાખ જેટલી રકમની સંપત્તિ ગૌશાળા માટે - ગાયમાતાની સેવા અર્થે દાનમાં આપી દીધાનો વોટ્સએપ
પર વાઈરલ થયેલ સંદેશ હ્રદયને સ્પર્શી ગયો.
મુંબઈ
પાસે થાણેમાં પણ સત્તાવીસ-અઠ્ઠાવીસ
વર્ષના યુવકને પાત્રીસ રૂપિયા છૂટ્ટા ન હોવાથી ભાગી
જતા રીક્ષા ડ્રાઈવરનો સામનો કરવાનું ભારે પડ્યું અને એ રીક્ષાવાળાએ તેના
બીજા સાત-આઠ રીક્ષાવાળા સાથીઓ સાથે
મળીને ઢીબી નાંખ્યો પણ સદનસીબે આસપાસના
લોકોમાં રામ વસ્યા અને તેમણે વચ્ચે પડી એન્જિનિયર યુવકને બચાવી લીધો.
લૂંટારાઓને
તાબે ન થનાર અરુણિમા
સિન્હાને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાઈ અને તેના બંને પગ કાપી નાંખવા
પડ્યા પણ આ ગજબની
હિંમતવાન છોકરીએ કૃત્રિમ પગ બેસાડ્યા અને
ઘરમાં બેસી ન રહેતા દુનિયાનું
સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને
પછી તો દુનિયાના ઉંચામાં
ઉંચા શિખરો તે એક પછી
એક સર કરતી ગઈ
છે.
મુંબઈની
એક યુવતિએ તેના પર છેલ્લા કેટલાક
વર્ષોથી અત્યાચાર ગુજારી રહેલા શેતાની સાધુનું લિંગ જ કાપી નાખ્યાના
સમાચાર થોડ સમય અગાઉ વાંચવામાં આવ્યા હતા. આવી હિંમત દરેક યુવતિએ કેળવવાની જરૂર છે.
આપણે
સૌ થોડા વધુ જાગૃત બનીએ,આસપાસની બાબતોમાં રસ લઈએ અને
જરૂર પડ્યે સારા પરીણામ માટે ક્યાંક વચ્ચે પણ પડતા શિખીએ.
તો ચોક્કસ સારો અને આદર્શ દિવસ આપણાં સૌ માટે અને
આપણાં દેશ માટે જલ્દીજ આવશે.