Translate

રવિવાર, 21 મે, 2017

તમારી આંખના ખૂણા ભીના થાય છે?

વોટ્સએપ પર અનેક મેસેજીસ આવતા હોય છે. એમાં કેટલાક મેસેજીસ લાંબા પણ હોય છે પણ વાંચવા જેવા હોય છે. ક્યારેક મોકલનાર પોતે ટકોર કરી દે છે કે સંદેશ લાંબોલચક છે પણ અચૂક વાંચવા જેવો-હ્રદયસ્પર્શી છે. અને આવા મેસેજીસ હું અચૂક વાંચુ છું. કેટલાક આવા મેસેજીસ વાંચીને મારી આંખોના ખૂણા ભીના પણ થાય છે. એમાં વાત એવી સંવેદનશીલ હોય એટલે હ્રદયના તાર વાંચી ઝણઝણવા રહ્યાં!
શહેરમાં રહેનારા વ્યસ્ત લોકો સંવેદના ખોઈ બેસતા હોય છે. તેઓ જીવનના નાના નાના આનંદો માણવાનું ચૂકી જતા હોય છે. પણ વ્યસ્તતા વચ્ચેય પોતાના અંતરાત્મા સાથે થોડો સમય ગાળી, તેને જે ગમે છે એમાં થોડો સમય પસાર કરી,મન પરનો બોજો ઘડીક ઉતારી ફોરા થઈ જઈ સંવેદનાને ધબકતી રાખી શકાય છે.
આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ટી.વી. કે વોટ્સએપના મેસેજીસમાં જોયા-સાંભળ્યા હશે.તેઓ ઘણી વાર વક્તવ્ય આપતી વેળાએ ભાવુક થઈ જાય છે. એમનો સાદ ગળગળો થઈ જાય છે. બતાવે છે કે આટલા વ્યસ્ત, આખા દેશનો ભાર પોતાને માથે લઈને જીવનારા ૫૬ની છાતી ધરાવનારા મોદી પણ એક ઋજુ ,સંવેદનશીલ હ્રદય ધરાવે છે. તેમનો એક વિડીઓ હમણાં જોવામાં આવ્યો. તમે જાણો છો મોદી સાહેબ ૨૪ કલાકમાં કેટલું સૂએ છે? સામાન્ય રીતે આપણે થી કલાકની ઉંઘ લેવી જોઇએ એમ ડોક્ટર્સ કહે છે.પણ મોદી સાહેબ માત્ર - કલાક સૂએ છે.તેમને એક જણે પ્રશ્ન કર્યો કે આટલી ઓછી ઉંઘ લઈને તેઓ આટલા સ્વસ્થ કઈ રીતે રહી શકે છે અને આટલા સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે કઈ રીતે પોતાની જવાબદારી બખૂબી નિભાવી શકે છે? મોદી સાહેબે હસતા હસતા જવાબ આપ્યો કે આનો શ્રેય તેઓ યોગ અને મેડીટેશનને આપે છે.યોગ એટલે કોઈ પણ એક મનગમતી પ્રવૃતિમાં લીન થઈ જવું તે...મેડીટેશનમાં પણ તમે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરો છો, બાકી સઘળું વિસારે પાડી. આનો એક ફાયદો છે કે તમે મુસીબતો કે સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો બધું થોડા સમય માટે ભૂલી જાવ છો. અને યોગ કે ધ્યાનની ક્રિયા તમારામાં નવી શક્તિનો સંચાર કરે છે અને તમે બમણા જોમથી તમારી સમસ્યાઓ કે મુસીબતો સામે ઝઝૂમી શકો છો.
ફરી પાછા સંવેદનશીલતાના મુદ્દા પર આવીએ. હું કોઈ સુંદર સંગીત રચના સાંભળું કે કોઈ સારી વાર્તા વાંચુ કે ભજવાતી જોઉ ત્યારે પણ મને સંવેદનાતંત્ર ઝણઝણી ઉઠયા નો અનુભવ થાય છે. ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા કોઈ શો માં કોઈ ગરીબ પણ અતિ કૌશલ્યવાન પાત્રની પ્યોર ટેલેન્ટ જોઉ ત્યારે પણ મને અચૂક રડુ આવે છે.ગુઝબમ્પસ કે રૂંવાડા ઉભા થઈ જવાનો અનુભવ મારી જેમ ઘણાં સંવેદનશીલ લોકોને થતો હશે. સારી બાબત છે. તમારા સંવેદનાના છોડને લીલોછમ રાખવા આથી તમારે તમારા શોખ વગેરે માટે થોડો તો થોડો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. પછી ભલે વાંચન હોય,લેખન હોય, ડાન્સ હોય,કસરત હોય,સંગીત હોય,ટી.વી.-સિનેમા હોય કે અન્ય કોઈ શોખ કે મનપસંદ બાબત.

2 ટિપ્પણીઓ:

 1. રોહિત કાપડિયા27 મે, 2017 એ 04:37 AM વાગ્યે

  બાળક જન્મે ત્યારે રડે એ બહુ જરૂરી છે. જો એ ન રડે તો ડૉક્ટર એની પીઠ ઠપકારીને રડાવે છે કારણ કે એમને ખબર છે કે જો બાળક રડશે તો જ જીવી શકશે. લાગણીનાં તાર ઝણઝણાવી દે તેવી કોઇ પણ ક્ષણે આંખમાં આંસુ આવી જાય તો એ આપણે સાચા અર્થમાં જીવી રહ્યા છીએ તેની નિશાની છે. એક ખ્યાતનામ શાયરે લખ્યું છે કે - - -
  દો ચાર હી આંસુ મેં, જીવનકી કહાની હૈ
  મોતી કહો તો મોતી પાની કહો તો પાની હૈ.

  જવાબ આપોકાઢી નાખો
 2. રજનીકાંત વેલજી સાવલા27 મે, 2017 એ 04:39 AM વાગ્યે

  સંવેદનશીલતા પરનો લેખ વાંચી હું પ્રભાવિત થયો.એમાં તમે શોખ કેળવવાની વાત કરી એ ખુબ ગમી. મારી ઉમર ૬૧ વષૅની છે અને હું ૬૧ થી વધું શોખો ધરાવું છું. આજે ભારતની આઝાદી ને ૭૦ વષૅ થઈ ગયા, છતાં પણ આપણા દેશમાં મહાપાલિકા, રાજ્યો, સરકારી દરેક ખાતું ભ્રષ્ટાચારથી ખદ્ બદે છે. પૈસા ખવડાવ્યા વગર કામ થતું જ નથી. ગામડાઓમાં તથા શહેરો વચ્ચે મોટી ખાઈ છે. ત્યારે તે ખાઈ પુરવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફકત ૪ કલાકની જ ઉંઘ લઈ, દેશ દાઝની ભાવના જગાડી રહ્યા છે, ત્યારે ૧૨૫ કરોડ દેશવાસીઓ રોજના ફક્ત ૪ કલાક કામ દેશના ભાઈ /બ્હેનો માટે કરશે તો ભારતનું વિશ્વમા પ્રથમ નામ આવશે તેમાં મને જરા પણ શંકા નથી. આજે ગામડાઓમા શાળા નથી, શિક્ષકો ના ઠેકાણા નથી. પિવાના પાણીની સગવડો નથી. કેટલાક ગામડાઓમા ટોયલેટોની સગવડ આજે ૭૦વષૅ પછી પણ નથી થઈ શકે. બીજી બાજુ શહેરોમાં શિક્ષણ મોઘું છે. શાળા/કોલેજમાં ઍડમીશન પૈસા ખવડાવીને પણ મળતું નથી. મકાનોના ભાવો ૧૦ વષૅમા આસમાને ચઢી ગયા છે. જાત પાત, ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આતંકવાદ દૂર ફકત ' મોદી' એકલા નહી કરી શકે. આપણે પણ આપણા દેશવાસીઓના કામમાં મદદરૂપ થાય તેવા રોજના ફકત ૪ કલાક આપવા જોઇએ અને પછી જુઓ આ મોદી સરકાર આ દેશને કઈ ઉંચાઈએ લઈ જાય છે. તમારામાં જે આવડત હોય, રસ હોય તેવી પ્રવૃતિ વિના મુલ્યે દેશવાસીઓને આપો/શિખવાડો.રોજના ૪ કલાક માં.

  જવાબ આપોકાઢી નાખો