ઇન્ટરલેકન
માં ટ્રોલી કેબલ કારમાં બેસી આઠેક મિનિટની રાઈડ માણીને હાર્દર કુલ્મ નામના પર્વતની
ટોચ પર પહોંચ્યા. ત્યાંથી સ્વીત્ઝરલેન્ડની સુંદર ઝાંખી જોવા મળતી હતી. ટોચ પરથી ત્યાંના
સામેની તરફ આવેલા યુરોપના સર્વોચ્ચ શિખર ગણાતા પ્રખ્યાત ઝુંગફ્રુ પર્વત માળાની હિમાચ્છાદીત
ટોચ પણ દેખાતી હતી. હાર્દર કુલ્મ પાસે ટ્રોલી કાર યાત્રા જ્યાં પૂરી થાય એ સ્થળને પ્રવાસી
કેન્દ્ર તરીકે વિકસીત કરાયું હતું. એ જગાએ પ્રવાસીઓ એક ખાસ જગાએ ઉભા રહી ઉંચાઈ પરથી
નીચેના દ્રષ્યનું અને સ્વીત્ઝરલેન્ડના ઇન્ટરલેકન પરગણાની સુંદરતાનું દર્શન કરી શકે
એવી વ્યવસ્થા હતી જ્યાં એક મોટી અલમસ્ત ગાયનું રંગીન પુતળું પણ ઉભું કરાયું હતું. થોડે
આગળ બહાર ખુલ્લામાં બેસી પેટપૂજા કરી શકો એ માટે એક હોટલ અને આસપાસ કેટલીક દુકાનો હતાં. અમે આ ઓપન એર રેસ્ટરેન્ટમાં બેસી બહારનું - નીચેનું દ્રષ્ય માણતા માણતા અહિની ખાસ પ્રખ્યાત
ગણાતી વાનગી ફોન્દયુ ની લિજ્જત માણી. નાની સગડી પર ખાસ પ્રકારનું ચીઝ ગરમ થતું વેઈટ્રેસ
અમારા ટેબલ પર મૂકી ગઈ.સાથે પાવ ના ટુકડા. એ પેલા ગરમા ગરમ ચીઝમાં બોળીને ખાવાના! ફોન્દયુ
ખાવાની મજા પડી. તેના ખાસ પ્રાદેશિક પોષાકમાં મુખ પર સ્મિત સાથે સજ્જ વેઈટ્રેસ સાથે
અમે ફોટા પણ પડાવ્યા. તે તો એટલી ખુશ થઈ ગઈ કે એક ફોટો એણે મારા ખભે હાથ મૂકીને પણ
પડાવ્યો!
અહિ
થી હજી થોડે ઉપર ટ્રેક્કિંગ કરીને જઈ શકાય એવી વ્યવસ્થા કરેલી હતી. રીટર્ન કારને થોડી
વાર હોવાથી, ઉંચા પાઈન વૃક્ષોથી આચ્છાદીત જંગલની એ કેડી પર હું અડધો-એક કિલોમીટર ચાલી
આવ્યો. વચ્ચે વચ્ચે ઝાડના થડના લાકડામાંથી જ બનાવેલી સુંદર બેસવાની બેન્ચ પણ ગોઠવેલી
એટલી ચાલતા ચાલતા થાકી જનાર પ્રવાસી તેના પર બેસી થોડો વિરામ લઈ શકે અને ત્યાંની ચોખ્ખી
તાજી હવા શ્વાસમાં ભરી આગળ વધુ ચાલવા ફરી ઉર્જા સભર થઈ શકે. પૂરી ટ્રેક કરી ટોચ સુધી
તો ન જવાયું પણ કુદરતના સાન્નિધ્યમાં એટલું ચાલીને પણ મન આનંદ અને સંતોષથી ભરાઈ ગયું.
કેબલ
કારમાં બેસી ફરી નીચે આવ્યા બાદ પાસે જ એક નદી વહેતી હતી તેના કાંઠે બેસી અમે નિરાંતે
વાતો કરી અને નાના નાના પત્થર, તેની ટપ્પીઓ પાડવાની કોશિશ કરતા નદીના પાણી માં ફેંકવાની રમત રમી. અજબ સુંદરતા અને
શીતળતાનો અહેસાસ થતો હતો અહિં. પછી થોડું ચાલી મુખ્ય બજાર તરફ આવ્યા અને ખરીદીની થોડી
મજા માણી. રસ્તામાં અનેક લોકો પેરાગ્લાઈડીંગ (પહાડની ટોચેથી પેરાશૂટ જેવા સાધનથી નીચે
આવવાની રાઈડ) ની મજા માણતા જોવા મળ્યાં. બજારમાં ઘણાં ઘણાં ભારતીય પ્રવાસીઓ જોવા મળ્યાં. બજાર વચ્ચે અત્યાધુનિક મેટાલિક બોડી ધરાવતું અવકાશયાન જેવો દેખાવ ધરાવતું ટોઇલેટ જોવા
મળ્યું.અંદર બધી સુવિધા અત્યાધુનિક. આપણે તો ઉપયોગ કરતા પણ પહેલા થોડી વાર વિચાર કરી
કઈ વસ્તુ શેના માટે હશે તેનો બરાબર અભ્યાસ કરવો પડે પછી ખ્યાલ આવે કે તેનો ઉપયોગ કઈ
રીતે કરવાનો છે!
શોપીંગ
કરી સાંજની મજા, લટાર દ્વારા માણતા માણતા અમે કાર પાર્કીંગ સુધી પહોંચી ગયા અને શરૂ
કરી અમારી રીટર્ન જર્ની. ભૌમિકની કારમાં અગાઉ જણાવ્યા મુજબ ટોમ ટોમ સાધન માર્ગ દર્શાવી
રહ્યું હતું પણ તે ઇન્ટરનેટ ચાલુ ન હોવાથી ઓફલાઈન મોડ પર હતું. ત્રીસ-ચાલીસ કિલોમીટરનું
અંતર કાપ્યા બાદ પહાડી રસ્તો શરૂ થયો. રાતના સાડા-નવ દસ થવામાં હતાં. હજી અહિ અજવાળું
હતું. ધીરે ધીરે પર્વત પરનો બરફ વધતો ચાલ્યો અને આખરે અમે એક જગાએ આવ્યાં ત્યાં બરફ
જમીન પર પડેલો હતો. હું અને કઝીન નેહા તો આભા અને બહાવરા બની ગયા! ગાડી થોડી વાર ઉભી
રખાવી અને અમે બહાર આવી એ બરફ સ્પર્શ્યો! ધોળી ધોળી ઠંડી રજકણોનો જાણે દડો! અપાર કુદરતી
સૌંદર્યનું ધરાઈને પાન કરતા થોડી ક્ષણો પસાર કરી ત્યાં ખ્યાલ આવ્યો કે હજી ઘણું લાંબુ
અંતર કાપવાનું બાકી હતું. નવાઈ અમને એ લાગી રહી હતી કે આસપાસ કોઈ માણસ જ નજરે નહોતું
ચડી રહ્યું કે નહોતું દેખાઈ રહ્યું કોઈ વાહન.
ખેર,
અમે ગાડીમાં બેસી આગળ વધ્યા.હવે અંધારૂ થઈ ગયું હતું અને રસ્તો એકદમ સૂમસામ. થોડા આશ્ચર્ય
સાથે હવે શરૂ થયેલા ભયનો જો કે તરત અંત આવ્યો જ્યારે અમે જે માર્ગે આગળ વધી રહ્યા હતા
તેનો પણ ઓચિંતો એક જગાએ અંત આવી ગયો! ખૂબ હિમવર્ષાને કારણે આગળ આ રસ્તો બંધ હતો. આ
કારણ હતું અહિ કોઈ વાહન કે માણસ નજરે ચડી રહ્યા નહોતા! લગભગ દસ-સાડાદસ જેવો સમય થઈ
ગયો હતો. અમે અમારી મંઝીલ એવા માર્થા મેડમનું જ્યાં ઘર હતું એ મ્યુન્સ્ટરથી માત્ર વીસેક
કિલોમીટર દૂર હતા પણ રસ્તો બંધ હતો. પરિસ્થિતી એવી નિર્માણ થઈ હતી કે બીજા માર્ગે થઈને
જવા અમારે ફરી જે માર્ગે આગળ આવ્યા હતા ત્યાંથી જ સિત્તેરેક કિલોમીટરનું અંતર કાપી
પેલી ટ્રોલી કાર પાસે જઈ પહોંચવાનું હતું જે અન્ય ગાડીઓને પોતાના પર બેસાડી ટનલ પાર
કરી અઢારેક કિલોમીટરની યાત્રા કરાવે (જ્યાં થઈ અમે બપોરે ઇન્ટરલેકન આવ્યા હતા).
રાત
ખાસ્સી અંધારી થઈ ચૂકી હતી. એ સૂમસામ રસ્તા પરથી ફરી પાછા બરફ વચ્ચેથી પસાર થતા થતા
અમે વળતી યાત્રા શરૂ કરી.આ વખતે બરફ એટલો સુંદર નહોતો લાગી રહ્યો હતો જેટલો જતી વખતે
લાગતો હતો! પહાડી વાંકોચૂકો રસ્તો હોવાથી ગાડીની ઝડપ પણ અમુક મર્યાદીત સ્તરે જ નિયત
રાખી ભૌમિકે ડ્રાઈવ કરવું પડતું હતું.
હવે
તો ભીડભાડ વાળો જે વિસ્તાર હતો ત્યાંની દુકાનો-હોટલો વગેરે પણ બંધ થઈ ગયા હતા.અંતે
લગભગ સવા બાર વાગે અમે પેલી ટ્રેલર કારના સ્ટેશન પર આવ્યાં અને અહિ આવી જાણવા મળ્યું
કે છેલ્લી ટ્રેલર કાર રાતે અગિયાર વાગ્યાની હોય છે!હવે પછીની કાર સવારે સાડા છ વાગે
ચાલુ થવાની હતી!
આ
માર્ગ સિવાય હવે કોઈ અન્ય રસ્તો હતો જ નહિ મ્યુન્સ્ટર સુધી પહોંચવાનો. અમે રાત અમારી
ગાડીમાં જ વિતાવવાનું નક્કી કર્યું. ઠંડીમાં ઠૂઠવાતા સાંક્ડ-માંકડ બેસી-સૂઈ અમે જેમતેમ
રાત પસાર કરી. સવારે પહેલી ફેરી ટ્રેન લઈ મ્યુન્સ્ટર પહોંચ્યા.
અગાઉ
નક્કી કર્યું હતું કે ૨૭મી મે ના શુક્રવારે જ સ્વીત્ઝરલેન્ડથી પેરીસની પરત યાત્રા શરૂ
કરવી પણ અમે બધાં થાકી ગયા હતા અને માર્થા મેડમનું ઘર એટલું સુંદર અને આરામદાયક હતું
કે અમે એક દિવસ વધુ અહિ રોકાઈ જવાનો નિર્ણય લીધો.
નહાઈ-ધોઈ-
ફ્રેશ થઈ માર્થા મેડમના સૂચન મુજબ તેમના ઘરેથી ચાલતા પાંચેક મિનિટના અંતરે આવેલા મેટ્રો
સ્ટેશનથી અહિની સુંદર મિનિ-ટ્રેનમાં બેસી બેતન-તાલ સ્ટેશને પહોંચી ગયા.માર્ગમાં પહાડો
વચ્ચે થઈ ખુલ્લા લીલાછમ ખેતરો,શિંગડા વગરની ગાયો-ઘેટાં વગેરે પશુઓ,પુષ્કળ પીળાં અને
અન્ય વિવિધ રંગી ફૂલો,લાકડાના છૂટાછવાયા ઘરો,પેલો બેલવાલ્ડ અને એર્નેનને જોડતો ઝૂલતો
પુલ વગેરે ફરી એક વાર જોતા અને મન ભરી તેની મજા માણતા આ અડધો-એક કલાકની યાત્રા પુરી
કરી.
બેટન-તાલ
સ્ટેશનથી કેબલ કારમાં બેસી બેટમેરાલ્પ નામની જગાએ અને પછી ત્યાંથી ચાલતા બર્ગસ્ટેશન
બેટમરહોર્ન નામના હિમશિખરે જઈ પહોંચ્યા.
આ
જગા, મેં અત્યાર સુધી જીવનમાં પૃથ્વી પર જોયેલી સૌથી સુંદર જગાઓમાં સ્થાન પામે એટલું
અલૌકિક સૌંદર્ય ધરાવતી જગા હતી. ચારે બાજુ બસ બરફ જ બરફ! સફેદ સ્વચ્છ બરફના ઢગ ચારેકોર
ખડકાયેલા હતાં અને થોડું આગળ વધી એક ટેકરા પર જઈ જોયું તો એક અજબનું હિમસરોવર! આ સરોવરમાં
અડધું પાણી અને અડધો બરફ સાથે જોવા મળ્યાં! કાંઠે સુંદર સફેદ લીલી-પુષ્પો જોવા મળ્યાં.
અમે અહિ બેસીને નાસ્તોપાણી કર્યાં અને ખુબ-બધી વાતો કરી.એક બાજુ હિમસરોવર અને બીજી
બાજુ દ્રષ્યમાન થતાં હિમાચ્છાદીત પર્વત શિખરોની વચ્ચે અહિંના બેજોડ પ્રાકૃતિક સૌંદર્યે
અમને અમે સ્વર્ગમાં હોઇએ એવી અનુભૂતિ કરાવી. ટેકરા પર થોડે થોડે અંતરે લાકડાની સુંદર
બેન્ચો બનાવી હતી તેના પર વારાફરતી બેસતા આગળ વધતા હિમસરોવરની જાણે અર્ધ-પ્રદક્ષિણા
કરી.
આસ
પાસ એકાદ-બે જણની જોડીમાં કે એકલા આવેલા એકલ-દોકલ મનુષ્યો નજરે ચડતા હતાં. ત્યાં સામે
કાંઠે આવેલા એક લાકડાનાં મંચ પરથી આટલા ઠંડા પાણીમાં નહાવા, એક તરંગી યુવાને સાવ નિર્વસ્ત્ર
થઈ આ હિમસરોવરમાં છલાંગ લગાવી! ઠંડાગાર પાણીનો સ્પર્શ પણ અસહ્ય લાગતો હોય એવામાં તેમાં
નહાવા ડૂબકી લગાવવી અકલ્પ્ય હતું! થોડી વાર બાદ અમે ચાલતા બીજા કાંઠે પહોંચ્યા ત્યારે
જો કે તેણે વસ્ત્રો પહેરી લીધા હતા! તે એ જ લાકડાના મંચ પર સૂતો સૂતો સૂર્યસ્નાન કરી
રહ્યો હતો! તેની ગર્લફ્રેન્ડ બાજુમાં જ બેઠી બેઠી કોઈ પુસ્તક વાંચી રહી હતી. અમને જોઈ
તેણે સ્મિત કર્યું. તેઓ આયર્લેન્ડથી અહિ વેકેશન માટે આવ્યા હતાં. તેણે અમારા આ સુંદર
જગાએ થોડા ઘણાં ફોટા પાડ્યા. પછી અમે બરફ ના ગોળા બનાવી સરોવરના પાણીમાં ફેંકવાની રમત
રમી અને ત્યાંથી પછી અમારી પરત યાત્રા શરૂ કરી!
કેબલ
કારને થોડી વાર હતી એટલે સ્ટેશન નજીક આવેલી એક સુંદર હોટલમાં બેસી અમે ગરમાગરમ કોફીની
લિજ્જત માણી.પાસે જ એ હોટલના માલિકના નાનકડા બે-અઢી વર્ષનાં સંતાનો બાળસહજ રમત રમી
રહ્યા હતાં.એટલા સુંદર બાળકો જાણે નાનકડા દેવદૂતો જ જોઈ લ્યો!સુંદર મજાના કપડામાં સજ્જ
અને તેમની પ્રાદેશિક ફ્રેન્ચ જેવી જણાતી ભાષામાં તેઓ મીઠીવાણીમાં કંઈક અસ્ફૂટ બોલી
રહ્યાં હતાં જે સાંભળવાની ખુબ મજા આવી!
પાછા
માર્થા મેડમના ઘરે આવ્યાં બાદ અમારું પેકીંગ શરૂ કર્યું અને રાતે મીઠી મજાની નિંદર
માણી. બીજા દિવસે સવારે માર્થા મેડમનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને યાદગીરી રૂપે તેમના
આંગણા માંથી પીળા ફૂલના કેટલાક નાનકડા છોડ લીધાં.તેમને જે ડબ્બામાં થેપલા આપ્યા હતાં
તેમાં તેમણે તેમની વાડીમાં ઉગેલા તાજા પીચ ફળો ભરી આપ્યાં અને સાથે પીચના ફળોમાંથી
બનાવેલ જામની એક બોટલ પણ ભેટમાં આપી. સ્વીત્ઝરલેન્ડને પ્રેમભરી વિદાય આપી અમે ફરી પેરીસ
આવવા રવાના થયાં.
[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે
આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો