Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2016

ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૮)

આખરે સ્વીત્ઝર્લેન્ડમાં ગાળેલી અવિસ્મરણીય ક્ષણોની સુમધુર સ્મૃતિઓ મનમાં કાયમને માટે કેદ કરી ત્યાંથી વિદાય લીધી અને અમે રોડ માર્ગે થઈ પેરીસ પરત આવવા રવાના થયા. નવેક કલાકની ડ્રાઈવ પછી નેહા-ભૌમિકના ઘેર પેરીસ આવ્યાં ત્યારે સાંજ પડી ગઈ હતી. તેમણે સાથે મળી સરસ મજાની વઘારેલી ખિચડી રાંધી અને એ દરમ્યાન મેં માર્થા મેડમના ત્યાંથી લાવેલ પીળા સુંદર ફૂલોના છોડ કૂંડામાં રોપી દીધા. પછી અમે ગેલેરીમાં બેસીને સ્વાદિષ્ટ ખિચડી-કઢીની લિજ્જત માણી. નીચે સામેના ખુલ્લા મેદાન-બાગની પાળી પર પણ એક પ્રકારનો ઉજાણી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કેટલાક ફ્રેન્ચ પરીવારો પોતાના બાળકો સાથે ત્યાં આનંદપ્રમોદ કરી રહેલ જોવાની મજા પડી.બાળકો સરસ મજાના વાઘા અને ગમબૂટમાં સજ્જ હતાં અને પોતાની રમત રમવામાં મશગૂલ હતાં. મોટેરાઓ પણ ટીપટોપ વેશભૂષામાં સજ્જ હતા અને કેટલાક વાતચીતમાં ગૂંથાયેલા હતા તો કેટલાક ખાણીપીણીની વ્યવસ્થામાં રત. આ આખું દ્રષ્ય એક મનોગમ્ય છબી ઉભું કરી રહ્યું હતું. થોડી વાર બાદ હું અને ભૌમિક નીચે ચાલવા માટે ઉતર્યાં અને મેદાન-બાગની ફરતે દોઢ-બે કિલોમીટર જેટલું ચાલી એકાદ બાંકડે બેસી વિધવિધ વિષયોની વાતોએ વળગ્યાં.અહિં મેદાનમાં એક નાનું તળાવ હતું જેમાં સ્વીત્ઝર્લેન્ડમાં જોયેલા એવાજ રંગબેરંગી બતક જોવા મળ્યાં. કેટલાક કમળ પુષ્પો પણ ખીલેલા જોઈ આંખો ઠરી.
થાકીને આવ્યાં હોવા છતાં નેહાને, ત્યાં પેરીસમાં વસતા ભારતીય સ્ત્રી-મિત્રો એ આયોજીત કરેલી નાઈટ-પાર્ટીમાં જવાની ખુબ ઇચ્છા હતી જેને માન આપી ભૌમિક અને હું તેને એ યજમાન મિત્રના ઘેર મૂકી આવ્યાં જ્યાં પાર્ટી ગોઠવાઈ હતી. અમે પાછા આવી સૂઈ ગયાં. રાતે મીઠી નિંદર આવી.
મારી પાસે હજી બે દિવસ બચ્યા હતા પેરીસમાં ફરવા માટે. રવિવારે ભૌમિક-અને નેહા બંને ખુબ થાકી ગયા હોવાથી મેં મારી રીતે એકલા જ ફરવા જવાનું નક્કી કર્યું અને વહેલી સવારે ચાલી નિકળ્યો પરદેશની એ ભૂમિ મારી રીતે ખેડવા જ્યાં બોલાતી ભાષા પણ મને આવડતી નહોતી. આવી અલગારી રખડપટ્ટીની પણ એક અનોખી મજા હોય છે. રસ્તામાં અનેક સાઈકલ સવારો જોવા મળ્યાં જેઓ એક સાઈકલેથોનમાં ભાગ લઈ રહ્યાં હતાં. આપણે ત્યાં યોજાતી દોડવાની મેરેથોન સ્પર્ધામાં તો છેલ્લાં ઘણાં વર્ષોથી હું ભાગ લઉં છું પણ આવી સાઈકલ-મેરેથોન પહેલી વાર પ્રત્યક્ષ જોઈ. અનેરો ઉત્સાહ હતો સાઈકલ-સવારોમાં પણ અને રસ્તે ઉભેલા તેમને ચીયર-અપ કરી રહેલાં વિદેશી વોલ્યુન્ટરોમાં પણ! થોડી વાર આ બધું જોયા બાદ મેં બસ પકડી વર્સેઈલ્સનો મહેલ જવા માટે. અહિં ગુજરાતની બી.આર.ટી.એસ. જેવી જ બસ હતી. જેમાં બધાં જ વિદેશીઓ વચ્ચે કદાચ હું એકલો જ ભારતીય હતો. આ સમગ્ર અનુભવ હું માણી રહ્યો હતો. બસની મોટી પારદર્શક કાચની બારીમાંથી બહારનું દ્રશ્ય દેખાતું હતું એ દ્વારા પેરીસ શહેરની ઝાંખી મેળવવાની મજા આવી. ફુવારા, નાગરીકો, સડકો, સિગ્નલ્સ, દુકાનો, મોલ્સ - બધું ટીપીકલ મોટા શહેરમાં જોવા મળે એ જ બધું નજરે ચડતું હતું છતાં જેમ દરેક શહેરની પોતાની એક ઓળખ હોય છે તેમ પેરીસની પણ એક આગવી ઓળખ છતી થતી હતી જેના પ્રેક્ષક બનવાનું મને ગમ્યું.
વર્સેઈલ્સનો મહેલ એક ખુબ મોટો મહેલ છે જેને હવે મ્યુઝીયમમાં પરીવર્તીત કરાયો છે જે પેરીસની-ફ્રાન્સની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ સમો છે. અતિ વિશાળ એવો આ મહેલ અનેક એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું અહિ આવતા સહેલાણીઓમાં જબરું આકર્ષણ છે. હું પહોંચ્યો ત્યારે અહિ પ્રવેશ માટે હજારો મુલાકાતીઓની વાંકીચૂંકી અતિ લાંબી કતાર હતી. પણ એમાં ઉભા રહેવાની પણ ખુબ મજા આવી. અલગ અલગ દેશના,જુદીજુદી સભ્યતા ધરાવતા અનેક લોકો અહિ શિસ્તબદ્ધ કતારમાં ઉભા હતાં. ઘણી મોટી સંખ્યામાં ભારતીયો પણ અહિ નજરે ચડતા હતાં. કેસરી કપડું લપેટેલા બૌદ્ધ સાધુઓ પણ એ કતારમાં સામેલ હતાં, તો અત્યાધુનિક ફેશનેબલ વસ્ત્રો પરીધાન કરેલી વિદેશી રમણીઓ પણ; કાળા બુરખામાં સજ્જ મુસ્લીમ મહિલાઓ અને સફેદ બુકાનીધારી આરબો પણ અહિ હતાં તો જીન્સ-જર્સી ધારી બાળકો અને વ્રુદ્ધો પણ!
દોઢેક કલાક બાદ મારો નંબર આવ્યો અને અતિ ભવ્ય એવા મહેલમાં મેં પ્રવેશ કર્યો. સુરક્ષા વ્યવસ્થા અહિ ચુસ્ત હતી. તમે ઓડિયો ગાઈડની સુવિધા પણ લઈ શકો અથવા માનવ-ગાઈડને પણ સાથે લઈ જઈ શકો. મારે ખુબ વધુ સમય અહિ પસાર કરવો ન હોવાથી મેં એકલા ફરવું જ પસંદ કર્યું. 
અહિં શિલ્પો-ચિત્રો-રાજા મહારાજાની જૂની પુરાણી વસ્તુઓ વગેરે અનેકાનેક ચીજો જતન પૂર્વક જાળવવામાં આવી હતી. ઇતિહાસમાં જેને રસ હોય તેને તો આખો મહેલ જોઈ રહેતાં બે દિવસ પણ ઓછા પડે એટલો એ વિશાળ હતો.રાજા મહારાજાઓના મહેલની ફરતે આવેલા બગીચાઓ પણ અહિં નું અનોખું આકર્ષણ હતાં. લગભગ બે-ત્રણ કલાક ત્યાં પસાર કરી મેં પાછા ફરવા બસ પકડી.
ઘેર આવી આરામ કર્યો અને બીજે દિવસે ક્યાં જવું તેની તૈયારી અને પૂછપરછ. બીજે દિવસે પણ હું સવારથી મારી મેળે જ નિકળી પડ્યો અન્ય એક નિયત કરેલ ચર્ચે જવા.આ વખતે મેં મેટ્રોમાં જવાનું પસંદ કર્યું અને Sacré-Cœur નામના એક ટેકરી પર આવેલા સુંદર વિશાળ ચર્ચ પછી શોપિંગ કરવા જવાનો પ્લાન બનાવ્યો. એ દિવસે વરસાદ પણ પડી રહ્યો હતો અને ઠંડી પણ સારી એવી લાગી રહી હતી.
માર્ગમાં હંગામી ઉભી કરવામાં આવેલી એક આર્ટ ગેલેરીમાં ખાસ ચિત્રકાર-શિલ્પકારોની કૃતિઓનું એક પ્રદર્શન ગોઠ્વાયેલું હતું. તેની મુલાકાત લીધી. મને અહિનો કાલાઘોડા ફેસ્ટીવલ યાદ આવી ગયો.આ એટલું મોટા પાયાનું પ્રદર્શન નહોતું પણ મને એ માણવાની મજા આવી.
બે-ત્રણ અલગ અલગ મેટ્રો બદલી એ ચર્ચ સુધી પહોંચ્યો અને રોપવે જેવી સવારીને બદલે મેં થોડા ઘણાં દાદરા ચડી ઉપર જવાનું પસંદ કર્યું અને ચર્ચમાં થોડી પળો શાંતિથી બેસી પ્રાર્થના કરી વિતાવી. ખાસ પ્રકારના લાલ કાચના ગ્લાસ જેવા પાત્રમાં પ્રગટાવેલી અનેક મીણબત્તીઓ અનેરી પવિત્રતા અને શાંતિપૂર્ણ દ્રષ્ય સર્જી રહ્યા હતાં.
ચર્ચની બહાર ટેકરી પરથી પેરીસ નગરીનું સુંદર દર્શન થતું હતું.પાછા ફરતાં રસ્તે એક નીગ્રો ભટકાઈ ગયો જેણે ‘નમસ્તે ઇન્ડીયા’ કહી મારા જમણા હાથે રક્ષાપોટલી બાંધીએ છીએ એવો સફેદ,લાલ અને ભૂરા દોરાની આંટીઘૂંટી ધરાવતો પટ્ટો પહેરાવી દીધો અને આંખ બંધ કરી તેના પર હાથ મૂકી મનોમન અસ્પષ્ટ ભાષામાં કોઈક પ્રાર્થના ગણગણવા લાગ્યો. પછી મને કહે હવે આપો યુરોઝ! મારી પાસે છૂટ્ટા પૈસા વધુ ન હતાં કે નહોતી નાની રકમની યુરોની નોટ.પણ મેં તેને કેટલાક સેન્ટ્સ આપી પીછો છોડાવ્યો.ખબર નહિ કેમ પણ મેં એને શાંતિથી પેલો દોરો બાંધવા દીધો-મંત્ર ભણવા દીધો! હું સામાન્ય રીતે આવા કોઈ ત્રાગાઓમાં ફસાતો નથી. જો કે મને એ ત્રિરંગી દોરાનો પટ્ટો ગમ્યો અને આજે પણ મેં એ સાચવીને રાખી મૂક્યો છે!
પછી તો ત્યાંની શેરીમાં ઘૂમી સારી એવી ખરીદી કરી અને પછી નેહા અને ભૌમિક પણ નક્કી કરેલી જગાએ મળ્યા અને અમે એક મોલમાં જઈ બીજું થોડું શોપિંગ કર્યું.
એ રાતે નેહા-ભૌમિકના ઘર પાસે આવેલી એક પાકિસ્તાની રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભારતીય ખાણાનું ડીનર એન્જોય કર્યું અને પછી ફરી ભારત આવવા માટેનું પેકીંગ!
રાતે સૂતી વેળાએ વિદેશમાં પસાર કરેલ સાતે દિવસની મીઠી મધુરી યાદો ફરી મનમાં વાગોળી અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયો.એ હતો મારો પરદેશની ભૂમિ પરનો છેલ્લો દિવસ!ઉબર કેબ બુક કરી હતી જે સમયસર આવી ગઈ પણ રસ્તામાં એટલો બધો ટ્રાફીક હતો કે એક સમયે તો મને એવો વિચાર આવી ગયો કે ક્યાંક હું ફ્લાઈટ ચૂકી તો નહિ જાઉં ને! પણ સમયસર રીટર્ન ફ્લાઈટ પકડી જઈ પહોંચ્યો રીયાધ અને ત્યાં ચાર-પાંચ કલાક એરપોર્ટ પર જ પસાર કરી કનેક્ટીંગ ફ્લાઈટ પકડી આવી પહોંચ્યો પરત ભારત!
પ્રવાસ કરવો લગભગ દરેકને ગમે છે અને તેમાંયે પ્રથમ વિદેશ યાત્રાનું જીવનમાં પ્રથમ પ્રેમની જેમ જ અનોખું મહત્વ હોય છે. મારે માટે પણ તેથી જ પેરીસ-સ્વીત્ઝર્લેન્ડની આ પ્રથમ વિદેશ યાત્રા ખાસ બની રહી અને તેની મીઠી-મધુરી યાદો મનનાં કચકડામાં કાયમ માટે કેદ થઈ રહેશે!

 (સંપૂર્ણ)

 [આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે  આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો