Translate

રવિવાર, 7 ઑગસ્ટ, 2016

ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૫)

સ્વિત્ઝર્લેન્ડની હવામાં એવું કંઈક તત્વ હતું કે આઠ-નવ કલાક પ્રવાસ કરીને આવ્યાં હોવા છતાં થાક બિલકુલ વર્તાતો નહોતો.વળી માર્થા મેડમનું ઘર પણ એટલું સુંદર હતું કે એમાં પ્રવેશતા જ અમારામાં નવી ઉર્જાનો સંચાર થયો.માર્થા મેડમ સિત્તેરની ઉંમરના હશે પણ ફિટ એન્ડ ફાઈન એવા આ જાજરમાન માનુની જિન્સ અને આછા ગુલાબી ટીશર્ટમાં આછા મેક-અપ સાથે ખુબ સુંદર લાગતા હતા.તેમના વ્યક્તિત્વમાં અનેરી આભા અને સ્નેહ વર્તાતા હતા.મારા પપ્પાના મામી - મોતીબા પ્રત્યે હું નાનો હતો ત્યારે મને ખુબ વહાલ હતું.તેમની છયા મને માર્થા મેડમમાં વર્તાતી હતી.એવી જ ઉંચાઈ,શરીરનો બાંધો,અવાજ અને મમતા ભર્યો સસ્મિત ચહેરો!માર્થા મેડમ અંગ્રેજી ખુબ ઓછું જાણતા હતા પણ નેહા અને ભૌમિકે જ્યારે તેમની સાથે ફ્રેન્ચ ભાષામાં ઘણી બધી વાતો કરી ત્યારે મને એ ભાષા બિલકુલ આવડતી ન હોવા છતાં મને તેમનો સંવાદ સાંભળવાની ખુબ મજા આવી!
            તેમણે અમને સ્વિત્ઝરલેન્ડ વિશે,ત્યાંના આસપાસના સ્થળો વિશે,પોતાના વિશે માહિતી આપી અને મેં તેમની સાથે અંગ્રેજીમાં કરેલી થોડી ઘણી વાતચીત પરથી માલૂમ પડયું કે તેઓ અતિ નાના ભૂલકાઓને ભણાવવાનું કામ કરતા હતા અને તેમને સારા યજમાન બનવાનો પણ શોખ હોવાથી તેમં સુંદર જતનથી સચવાયેલું ઘર હોમસ્ટે તરીકે પ્રવાસીઓને આપતા હતા.
            ફ્રેશ થયા બાદ અમે મોટો કપ ભરી ગરમાગરમ ચા પીધી અને પછી લાગી ગયા પિઝા બનાવવાની તૈયારીમાં!નેહા અને ભૌમિક બંને ખુબ સારા રસોઈયા છે અને અતિ ઉત્સાહથી તેઓ પિઝા બનાવવાનો બધો સામાન ઘરેથી લઈ આવ્યા હતા.બહાર તૈયાર મળે છે એવા પિઝાને પણ ટક્કર મારે એવા પિઝા બનાવી અમે કેન્ડલ લાઈટ ડિનરની મજા માણી!
            અહિ વાતાવરણ ખુબ ઠંડુ હતું. જો કે ગુલાબી ઠંડી માણવાની મજા આવતી હતી. રાતે ઉંઘ સરસ આવી.
            સવારે ફ્રેશ થઈ ઘરની બહાર જ બાગ જેવી ખુલ્લી જગામાં ટેબલ ખુરશી પાથરી અમે ચા-નાસ્તો કર્યો.માર્થા મેડમને થેપલા અને કડક પુરી એક ડબામાં ભરી આપ્યાં.તેઓ ભારતીય સંસ્ક્રુતિથી ખાસ્સા પ્રભાવિત હતા અને મને આ ભારતીય ખાદ્ય પદાર્થો તેમને ચખાડવાની અદમ્ય ઇચ્છા થઈ આવી તેથી નેહા-ભૌમિકની મનાઈ છતાં હું તેમને આ થોડો ઘણો નાસ્તો આપતા મારી જાતને રોકી ન શક્યો.તેમને એ ખુબ ભાવ્યો અને ડબ્બો તેમણે ખાલી પાછો ન આપતા અમને તેમની વાડીમાં ઉગેલા તાજા પીચ ફળો ભરી આપ્યો અને સાથે તેમાંથી બનાવેલ જામની બાટલી પણ ભેટમાં આપી.
            તેમના વર હાથમાં ગ્લોવ્સ અને પગે ગમબૂટ પહેરી બાગના સાફસફાઈના કામે લાગી ગયા હતા.મને આ જોઈ ત્યાંના લોકોની જીવન શૈલી પ્રત્યે આદરની લાગણી થઈ આવી.ઘરની પાછળની બાજુએ લીલા ઝાડછોડથી લહેરાતા ટેકરી-પહાડોનું દર્શન થતું હતું.અહિથી ઉભા થવાનું મન જ નહોતું થતું.પણ હજી તો સ્વીત્ઝરલેન્ડમાં ફર્યા જ ક્યાં હતા?
ચાનાસ્તો પતાવ્યા બાદ ફ્રેશ થઈ નેહા-ભૌમિક ગાડી તથા દિવસ ભર જોઇનારા સામાન વગેરે તૈયાર કરતા હતા એટલી વારમાં હું નજીકના એક ચર્ચ જઈ આવ્યો.એ જોવા જતી વેળાએ ત્યાંની આસપાસના પરિસરને મેં શ્વાસમાં ભરી લીધું અને આ મારા આખા પ્રવાસ દરમ્યાનની સર્વ શ્રેષ્ઠ દસ મિનિટ હતી.
            પથ્થરના ચોરસ ટુકડાઓથી બનાવેલ રસ્તા,લાકડાના સુંદર મકાનો વચ્ચેથી પસાર થતી ક્યાંક સાંકડી તો ક્યાંક પહોળી ગલી.એક જગાએ નાનકડા ચર્ચના પ્રાંગણમાં વર્તુળાકારે દાદરા અને જમીન પર વર્તુળાકાર હારમાં જ ગોઠવેલી ખુરશીઓ, સામે જીસસની મૂર્તિ,કોઈક કાર્યક્રમ યોજાવાની તૈયારી હશે. થોડો આગળ ગયો ત્યાં એક સરસ મજાનો મોટો લાકડાનો પુલ,દૂરથી જ ખળખળ વહેતી નદીનો અવાજ,વાતાવરણની અનેરી શાંતિમાં ભંગ પાડતો એ મીઠો-મધુરો જળનાદ મનમાં અનેરા કંપનો જન્માવી રહ્યો.પુલ પર વચ્ચે જઈ જ્યારે એ નદીને જોઈ ત્યારે અ સંપૂર્ણ સુંદર ચિત્ર હવે જાણે પૂર્ણ થયું. નાદ સાથે દ્રષ્ય પણ ભળ્યું!આ જે સૌંદર્યની છબી મનમાં કોતરાઈ તે હજી એવી ને એવી જ છે-આજે મહિનાઓ બાદ પણ!અને કદાચ કાયમ માટે એવી ને એવી જ રહેશે!અલૌકિક સુંદરતામાં જાણે હું ખોવાઈ ગયો.પુલની બીજી બાજુએ નાનકડી દેરીમાં મધર મેરીની મૂર્તિ હતી.સામે લાકડાની એક સુંદર બેન્ચ બનાવેલી હતી.મધર મેરીના દર્શન કર્યા બાદ તે બેન્ચ પર બેસી મેં ગણપતિ પાઠ અને હનુઅમન ચાલીસાના પાઠ કર્યા.મને લાગ્યું જાણે અહિથી હું ઇશ્વર સાથે સીધું અનુસંધાન સાધી રહ્યો હતો.આ ક્ષણો અભૂતપૂર્વ અને યાદગાર હતી.ખુબ ઓછા માણસો આસપાસ દ્રષ્યમાન થતા હતાં.
અહિથી પુલ અને આસપાસના થોડા ઘણા ઘરોની સુંદરતા નિરખ્યા બાદ પેલા મોટા ચર્ચમાં ગયો જ્યાં આવવા હું નિકળ્યો હતો.આ મોટું ચર્ચ પણ ખુબ સુંદર હતું.એમાં જઈ ઇશુના દર્શન કર્યા અને ત્યાર બાદ નેહા-ભૌમિક મારી રાહ જોત હશે એવો ખ્યાલ આવતા દોડીને પાછો ફર્યો.મેં માણેલી એ સુંદર ક્ષણોનું તેમની સમક્ષ વર્ણન કર્યું અને ત્યાર બાદ અમે નિકળ્યા સ્વિત્ઝરલેન્ડની સફરે!
ગાડીમાં આગળ વધી રહ્યા હતા ત્યાં રસ્તાની એક બાજુએ એક સરઘસ્જોવા મળ્યું.એક સરખા યુનિફોર્મમાં સજ્જ યુવાન-યુવતિઓ અને બાળકો તેમજ વ્રુદ્દો પણ આ ધાર્મિક વ્રુંદમાં જોડાયા હતાં.માર્થા મેડમે જણાવ્યું હતું કે આજે તેમનો ખાસ ધાર્મિક તહેવાર હતો અને ચર્ચ થી નિકળી એ પ્રોસેશન બીજા એક મોટા ચર્ચ સુધી જવાનું હતું.હાથમાં ધ્વજ લહેરાવતા યુવાન-યુવતિઓ અને પ્રાર્થના ગીતો સંગીતના સાધનોની તરજ પર લલકારતું આગળ વધતું એ સરઘસ ભારતમાં પણ અંબાજી કે અન્ય મંદીરોમાં પગપાળા જતા યાત્રાળુઓના સંઘ જેવું જ લાગ્યું !
અઢારેક કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ભારતના હાવરાબ્રિજ જેવો એક ઝૂલતો પૂલ આવ્યો.ગઈ કાલે સાંજે અહિથી જ પસાર થતી વેળાએ જ નક્કી કરી રાખ્યું હતું કે સ્વીત્ઝરલેન્ડમાં બધે ફરવા જઈશું પણ શરૂઆત આ પુલથી જ કરીશું!દૂરથી જ એ એટલો સુંદર દેખાતો હતો!ખાસ્સો અડધા-પોણા કિલોમીટર જેટલી લંબાઈનો આ પુલ નીચે એક પણ સપોર્ટ ધરાવતો નહોતો.એ ખરા અર્થમાં ઝૂલતો પુલ જ હતો.બેલ્વાલ્ડ અને એર્નેન નામના બે પરા જેવા અહિના ગામ-કે-શહેરને જોડતો આ પુલ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનો નમૂનો હતો.
અમે તેના પર ઝૂલતા ઝૂલતા બેલ્વાલ્ડથી એર્નેન તરફ પહોંચી ગયાં.ખુબ મજા આવી. નીચે લગભગ સો-એક ફૂત જેટલી ઉંડાઈએ પેલી નદી ખળખળ વહેતી આગળ વધતી હતી જે મેં ચર્ચ પાસે જોઈ હતી.આસપાસ દેવદારના ઉંચા વ્રુક્ષો સુંદર કુદરતી ચિત્ર સર્જતા હતાં.પુલ પર અધવચ્ચે ઉભા રહી એ માણવાની પડી.આ પુલ અમારી મૂળ યાત્રાની ઇટીનીરરીનો ભાગ નહોતો.છતા તેની મુલાકાત અને ત્યાર બાદ એર્નેન ના ખેતરો અને શેરીઓમાં પસાર કરેલો સમય અમારા માટે આ પ્રવાસના સુંદર સંભારણા સમાન બની રહ્યાં.

[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]


 (ક્રમશ:)

1 ટિપ્પણી:

  1. Liked your blog specially Martha madam who is seventy still energetic.Your Ganesh mantra and Hanuman chalisa in front of Mother Mary, Man ma bhakti tya mandir and sharing gujjju food with Madam Martha and her gesture of filling tiffin with fruit along with jam bottle typical like us as we share special dish with neighbour and return dish with something special made in our home . Very touching, Vasudhev Kutrumbakam, Switzerland is amazing , very lucky waiting for next blog.Thanks for sharing

    જવાબ આપોકાઢી નાખો