- રોહિત કાપડિયા
નાહીને પછી છાપું વાંચવાને બદલે સોફા પર બેસી , બાળપણની એ રમતોને યાદ કરીને , આજના સંદર્ભમાં એનો આનંદ પ્રાપ્ત કરવાની કોશિષ કરીએ. સાવ નાનાં હતાં ત્યારે ઘૂઘરાનો અવાજ, તાળીનો અવાજ , સીસોટીનો અવાજ , ચપટીનો અવાજ ગમતાં અને એ સાંભળીને ખુશ થઈ જતાં . તો પછી આજે આ ગાડીના હોર્નના અવાજ , ટ્રેનની સિટી , મિલના ભૂંગળા , વાસણોનો ખખડાટ કેમ મનને ખટકે છે. ચાલો , એ અવાજોમાંથી પણ જિંદગીનું સંગીત શોધી લઈ આનંદ માણીએ . નાનાં હતાં ત્યારે રંગોથી પણ લગાવ હતો. લાલ,પીળો , લીલો એ બધા રંગોને જોઈ ખુશ થઈ જતાં .તો હવે આ જાતજાતનાં અને પળ પળ રંગ બદલતાં માણસોને જોઇને ફરિયાદ કરવાને બદલે ચાલો , જિંદગીના પાઠ શીખ્યાનો આનંદ માણીએ . થોડાં મોટા થયાં તો રમકડાં મળતા તો ખુશીનો ખજાનો મળી ગયો હોય તેમ લાગતું . ચાલો , હવે માટીનાં જીવતા રમકડાં સાથે દિલથી મળીને ખુશ થઈએ . થોડાંક મોટા થયાં તો રમતો રમતાં મોજ માણતા હતા. કેવી નિર્દોષ એ રમતો હતી. બારણાં પાછળ છુપાઈ જઈને કહેતા"મમ્મી , મને બારણાં પાછળથી શોધી કાઢ તો ". ચાલો ,આપણે પણ જમાનાની ભીડમાંથી ખુદને શોધી કાઢીને રાજી રાજી થઇ જઈએ . લખોટીની એ રમતમાં , બીજી બધી લખોટીને હલાવ્યાં વગર એક જ લખોટીને દૂરથી ઉડાડવા કેટલી વાર નેમ ( નિશાન ) તાકતાં . ચાલો , આજે કોઈ ધ્યેય પૂર્ણ કરવાં , બીજાં કોઈને તકલીફ આપ્યાં વગર એક ચિતે મન પરોવી લઈને એ કાર્યને સિદ્ધ કરી સંતોષની અનુભૂતિ કરીએ . એક પગ વાળીને , બીજા પગ પર શરીરનો ભાર સંભાળી , લંગડી રમતાં રમતાં , બીજાને પકડવાની કેવી મઝા પડતી . ચાલો , ખુદની ઈચ્છાઓને વાળી દઈ , કર્તવ્ય પર ભાર મૂકીને , સમયને પકડી લઇ જીવનનો આનંદ મેળવી લઈએ . આંખે પાટો બાંધી આંધળો પાટો રમતાં , અંધારામાં અથડાતાં , ભટકાતાં ભેરુને પકડી પાડતાં . ચાલો , હવે બીજાનાં દોષો આડે પાટો બાંધી , સારાં ગુણોને પકડી લઈ જીવનમાં જીત મેળવીએ . ભમરડાની રમતમાં , દોરી ખેંચી ભમરડો ફેરવતાં .ક્યારેક ભમરડો સ્થિર થઈને ફરતો , ક્યારેક ડગમગ ડગમગ થતાં એક કે બે ચક્કર ફરતો. તો ક્યારેક ઉલટો ફરતો. ચાલો , સમયની ડોર ખેંચીને , આપણે આપણા કાર્યને ફરતું કરીએ . ક્યારેક પૂર્ણ સફળતા , ક્યારેક થોડી સફળતા , તો ક્યારેક નિષ્ફળતા મળે કે પછી દાવ ઉલટો પડે તો પણ રમત રમ્યાનો આનંદ માણીએ . બચપણમાં આવી તો કેટલી રમતો રમતાં રમતાં એકબીજા સાથે લડતાં , ઝગડતાં ને પાછાં એક થઈ જતાં . એ ભેરુઓની યાદ હજુ પણ દિલમાં અકબંધ છે. ચાલો , જિંદગીની સફરમાં પણ ક્યારેક કોઇથી મનદુઃખ થયું હોય , કોઇથી રીસાયા હોઈએ , કે પછી કોઈની કીટ્ટા પાડી હોય તો બધું ભૂલીને ફરી એક થઇ જઈએ . બાળક બનીને નિખાલસતાથી , નિર્દોષતાથી , નીસ્વાર્થતાથી જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ .
અને પછી સોફામાંથી ઉભા થતાં જોરથી હીપ હીપ હુરરેનો નારો લગાવી જિંદગીને નવાં રૂપમાં પરિવર્તિત કર્યાનો આનંદ મનાવીએ .
- રોહિત કાપડિયા
વિકાસભાઈ - રોહિતભાઈ, બહુ જ સુંદર યાદો. બચપણ એ સીધી, સાદી, કોઈ જ ગુંચવણ વિનાનો સમયગાળો છે, જ્યારે સમય પસાર થતો જાય છે, તેમ તેમ જિંદગીમાં જટિલતાની ગુંચ ગંઠાતી જાય છે. બચપણ એ વિસ્મયતાનું પ્રતિક છે. ભલે નાની ઉંમર હોય, પણ જ્યારે બાલસહજ વિસ્મયતાનો હ્રાસ થાય છે ત્યારે જ એ વ્યક્તિ વૃદ્ધ બની જાય છે.
જવાબ આપોકાઢી નાખોગયા રવિવારના ગેસ્ટ બ્લોગ '' શૈશવ '' ના સંદર્ભ માં મારા વિચારો , મારી રચના આપ સહુ સાથે શેર કરવા કરવા ઈચ્છું છું ...
જવાબ આપોકાઢી નાખોશૈશવ હજુ ય મારા માં ક્યાંક ઢબુરાઈ ને પડ્યું છે ..
આજે પણ વરસાદ માં ભીંજાવવા નું મન થાય છે ...
ને આકાશ માં મેઘધનુષ જોઇને આંખોમાં વિસ્મય અંજાય છે
ગીલ્લી ડંડા ને લખોટી , પાંચીકા ને લગોરી
જેવી કેટલીય રમતો નું વૈવિધ્ય ..
ને રમતા ક્યારેય ન ધરાતું આ નિર્દોષ મન ..
મિત્રો સાથે ગાળેલી કેટલીય કડવી મીઠી
પળો નું એ અકબંધ સ્મરણ ..
અગાશી માંથી ચોરેલી એ ખાટીમીઠી
કેરી નો સ્વાદ આજેય વાગોળું છું ..
ક્યારેક એ શૈશવ આળસ મરડી ને બેઠું થાય છે ..
અને હું પહોંચી જાઉં છું મારા એ બાળપણ ના દિવસોમાં ..
ને ફરી ફરી એ પળો ને માણું છું.