આજકાલ મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશ વાળો મુદ્દો જોરશોરથી ચર્ચામાં છે! શનિ શિંગણાપુરના મંદિરમાં તો મહિલાઓ પ્રવેશી ચુકી છે અને ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પણ તેમણે પ્રવેશી પુજા કર્યાનાં અહેવાલ વાંચવા મળ્યા છે. કેટલાક અખબારોમાં તો એવા સર્વે મંદિરોની સચિત્ર યાદી પ્રકાશિત કરવામાં આવી છે જ્યાં મહિલાઓ હવે પછીનો ટાર્ગેટ સુનિશ્ચિત કરી શકે!
આ મુદ્દે કેટલાકનું માનવું છે આ એક પ્રોગ્રેસીવ શરૂઆત છે અને એ આવકારદાયક છે. તો બીજે છેડે એવા પણ કેટલાક સાધુ મહાત્મા છે જે કહે છે મહિલાઓ શનિ મંદિરમાં ગઈ એટલે હવે તેમના પર વધુ બળાત્કારની ઘટનાઓ બનશે. અત્યાર સુધી મહિલાઓ પર જબરદસ્તીની ઘટનાઓ નહોતી બનતી? કે શું બળાત્કારની ઘટનાઓ કાળક્રમે ઓછી થઈ રહી હતી? આવા સાધુમહાત્માઓનાં પણ આપણાં દેશમાં લાખો અનુયાયીઓ છે એ આપણી કમનસીબી છે.
સ્ત્રીઓ માસિકધર્મમાં બેસે છે ત્યારે એ અપવિત્ર ગણાય અને તેથી તેમને મંદિરમાં પ્રવેશ નથી અપાતો એવું એક કારણ હાથ ધરાય છે. હવે ભલા જે ઘટનાને કારણે જ આ દુનિયાનો - માનવ અસ્તિત્વનો ક્રમ આગળ વધે છે એ ઘટના અપવિત્ર કઈ રીતે ગણી શકાય. જો સ્ત્રીઓ માસિકધર્મમાં જ ન બેસે તો પ્રજોત્પત્તિ આગળ વધી શકે ખરી? હા, આ અવસ્થા દરમ્યાન સ્ત્રીને અશક્તિ લાગતી હોય તેથી તમે તેને ઘરમાં બાજુએ બેસાડી આરામ આપો એ કદાચ તાર્કિક અને વજૂદ વાળું લાગે,પણ તેને ક્યાંય અડવા નહિ દેવાની કે ભગવાનની પુજા નહિ કરવા દેવાની વાત મારે ગળે ઉતરતી નથી. આપણી કંઈ કેટલીયે પ્રથાઓને આપણે યોગ્ય પ્રશ્ન કર્યા વગર આંધળુકિયુ કરતા હોઈએ તેમ અનુસરીએ છીએ. આ વૃત્તિમાં બદલાવની જરૂર છે.
મેં જુદા જુદા ધર્મમાં આ અંગે કેવું વલણ છે તે જાણવા એક ખ્રિસ્તી અને બે મુસ્લીમ મિત્રો સાથે વાત કરી. બધા ધર્મોમાં સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ત્યારે કોઈક ને કોઈક બંધન તેના પર ધાર્મિક દ્રષ્ટીએ લાગુ કરાય છે. જેમકે સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય ત્યારે દરગાહ-મસ્જીદ કે ચર્ચમાં પ્રવેશ તો મંજૂર હોય છે પણ મુસ્લીમ સ્ત્રીઓને ત્યારે નમાજ પઢવાની છૂટ નથી હોતી.ખ્રિસ્તીઓને પ્રાર્થના બાદ એક ખાસ પ્રકારનો પ્રસાદ અને બ્રેડ અપાય છે જે સ્ત્રીઓને માસિક ધર્મ દરમ્યાન લેવાની છૂટ હોતી નથી.પણ આ ધર્મોમાં એટ લીસ્ટ સ્ત્રીઓ માસિક ધર્મ દરમ્યાન પ્રાર્થનાસ્થળોએ પ્રવેશી તો શકે જ છે, જ્યારે આપણાં હિન્દુઓમાં તો સ્ત્રીઓને ઘરમાં પણ ચારેક દિવસ એકાદ ખૂણામાં બેસાડી દેવાય છે, ઘરમાં પાલખો કે મંદીર હોય તો તે બંધ રખાય છે, સ્ત્રીને ક્યાંય કે કોઈને અડવા દેવામાં આવતી નથી, અથાણું બનાવાતું હોય તો તેના પર માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીનો પડછાયો પણ ન પડે તેની તકેદારી રખાય છે. આ બધું થોડું વધુ પડતું લાગે છે.
ખેર મૂળ મંદીર પ્રવેશની વાત પર પાછા ફરીએ તો મંદિર એક માધ્યમ છે ઇશ્વર સાથે જોડાણ સાધવાનું. પછી એ રસ્તા પરનું નાનું દેરું હોય કે આરસપહાણનું અતિ ધનવાન દેવાલય! તેમાં હાજર હોય છે જે તે ભગવાનની છબી કે મૂર્તિ જેને પ્રાર્થીને તમે ઇશ્વર સાથે કનેક્ટ થઈ શકો. અહિ માત્ર હિન્દુ મંદિરની જ વાત નથી, એ કોઈ અન્ય ધર્મનું દેવસ્થાન કે પ્રાર્થનાસ્થળ પણ હોઈ શકે છે, તેને પણ આ વ્યાખ્યા એટલી જ લાગુ પડે છે. પછી ભલા એમાં પ્રવેશ અંગે લિંગભેદ કે જાતિભેદ જેવા ભેદભાવને કઈ રીતે સ્થાન હોઈ શકે?
ઘણાં હિન્દુ મંદીરોમાં વિદેશીઓને પ્રવેશ નથી અપાતો. ઘણાં મંદીરોમાં ખાસ પ્રકારનાં વસ્ત્રમાં જ પ્રવેશ અપાય છે કે અમુક પ્રકારનાં વસ્ત્ર પહેર્યાં હોય તો પ્રવેશ અપાતો નથી.
માઉન્ટ આબુમાં જગ પ્રસિદ્ધ દેલવાડાના દેરા આવેલાં છે.પચ્ચીસેક વર્ષ અગાઉ તેની મુલાકાત લીધી હતી.ત્યારે બારેક વર્ષની ઉંમર અને ચડ્ડી ખમીસ પહેર્યાં હતાં પણ દેરા જોવા પ્રવેશ મળ્યો હતો. હમણાં થોડા સમય અગાઉ ફરી ત્યાં જવાનું થયું. આ વખતે ઘૂંટણથી નીચે સુધીનું થ્રી-ફોર્થ (ગુજરાતીમાં પોણિયુ કહી શકાય!) અને ટી-શર્ટ પહેર્યાં હતા પણ જેવો કતારમાં ઉભેલા મારો નંબર પ્રવેશ દ્વાર પાસે આવ્યો કે સીક્યુરિટી ગાર્ડે ત્યાં લટકાવેલ મોટું પાટીયું બતાવ્યું જેના પર લખ્યું હતું "બર્મુડા, લૂંગી, ચડ્ડી કે અભદ્ર પોષાક પહેરનારને પ્રવેશ અપાતો નથી". લુંગી દક્ષિણ ભારતમાં તો લોકોનો રોજબરોજનો સામાન્ય પોષાક છે. ત્યાંના કેટલાક મંદીરોમાં તો લુંગી વગરના અન્ય પોશાક સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે! દેલવાડાના દેરામાં મારી આસપાસ મારા જેવાજ થ્રી-ફોર્થ્સ કે શોર્ટ્સનાં પોષાકમાં અન્ય ઘણાં યુવકો-પુરુષો દેખાઈ રહ્યાં હતાં, કેટલાક કતારમાં કેટલાક કતારની બહાર. પેલા પાટીયા પર લખેલા નિયમ મુજબ અમને કોઈને દેરામાં પ્રવેશ મળવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો. પણ સત્તા આગળ શાણપણ નકામું! અહિં સ્ત્રી-પુરુષોની પણ કતાર પણ અલગ અલગ. મારી પત્ની અને દિકરી, સ્ત્રીઓની કતાર ઝડપથી આગળ વધવાને કારણે અંદર પ્રવેશી ચૂક્યા હતા.અંદર મારી રાહ જોઈ રહ્યા હતાં. સારૂ થયું અહિં મોબાઈલ અંદર લઈ જવાની બંધી નહોતી! આથી મેં તેમને જાણ કરી દીધી કે મને પ્રવેશ મળ્યો નથી આથી તેઓ ચિંતા ન કરે અને દેરાનાં દર્શન પતાવી બહાર મને ચોક્કસ સ્થળે મળે.
આવું જ થોડા સમય અગાઉ મુંબઈના દાદરનાં સ્વામી નારાયણ મંદીર દર્શન માટે ગયેલો ત્યારે પણ મારી સાથે બન્યું હતું. મલાડથી દાદર સુધી થ્રી-ફોર્થ પહેરી મંદીર દર્શન માટે ગયો હતો, સિક્યુરીટી ગાર્ડે મને મંદીરમાં પ્રવેશતા રોક્યો.પહેરવેશના આધારે આ રીતે ઇશ્વરના ધામમાં પ્રવેશ બંધી મારે મતે તો યોગ્ય નથી. સમય સાથે પરીવર્તન કેળવવું જ રહ્યું. આજે જ્યારે વિશ્વ ગ્લોબલાઈઝ્ડ યુનિટ બની રહ્યું છે ત્યારે પહેરવેશ વગેરેમાં પરીવર્તન આવવાનું જ અને તે સાથે અપાણાં જૂનવાણી રીવાજો અને પ્રથાઓમાં પણ બદલાવ લાવવો જ રહ્યો.
પ્રાર્થના સ્થળ સમા મંદીરમાં પ્રવેશ જેવા મુદાનો સવાલ છે, ત્યાં તો મહિલાઓને કે વિદેશીઓને કે થ્રી-ફોર્થ વગેરે જેવા પહેરવેશ સાથે પુરુષોને પ્રવેશ મળવો જ જોઇએ.
સર્વોચ્ચ ન્યાયાલયે શનિ શિંગણાપુર મંદીરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરીની મહોર લગાવી એ ખરેખર સ્તુત્ય પગલું છે.