Translate

રવિવાર, 30 ઑગસ્ટ, 2015

ગેસ્ટ બ્લોગ : અનન્ય પ્રેમની બે વાતો

‘આનંદ’ પિક્ચર ના પેલા ડાયલોગના અંશો યાદ છે ને “”बाबूमोसाई! ज़िंदगी और मौत ऊपर वाले के हाथ है” અને “हम सब तो रंगमंच की कठपुतलियाँ है” આમ તો જીવન ની રંગભૂમિ પર રોજ આપણે નિતનવા નાટકો ભજવતા હોઈએ છીએ.

પણ એક વર્ષ પહેલા (તા. 15-સપ્ટેમ્બર-2014ના રોજ) વડોદરાના ગાંધીનગર ગૃહ રંગમંચ ખાતે એક સુંદર નાટક જોવાનો લહાવો મળ્યો.નાટક નું નામ ‘થોડું લોજીક,થોડું મેજિક’. (સ્નેહા(બેન) દેસાઈની કલમે લખાયેલ વધુ એક માણવાલાયક નાટક). આ નાટકની ટિકિટ બેક સ્ટેજ પર થી એક અંગત પાસેથી કલેક્ટ કરવાની હતી એટલે સમય કરતા સહેજ વહેલા પહોચી ગયા.લગભગ અડધા કલાક સુધી સ્ટેજ સેટીંગની ઝીણવટભરી કામગીરી જોવાનો મોકો પણ મળ્યો.

નાટક કલાકારો મેકઅપ અને અન્ય તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા હતા.ત્યા જ નાટક ના મુખ્ય કલાકાર શ્રી ટીકૂ ભાઈ તલસાણીયા પસાર થયા અને તેમણે ખૂબ જ ટૂંકુ છતાં ખૂબ જ સહજતાથી અમારા પાંચ જણનું અભિવાદન કર્યું. 200 થી પણ વધૂ ફિલ્મો અને સીરીયલો માં કામ કરી ચૂકેલા ટીકૂ ભાઈ એ પરિચય ના મોહતાજ નથી જ અને રંગભૂમિ ક્ષેત્રે જેને નિર્વિવાદ અગ્રીમ હરોળ માં સ્થાન આપી શકાય એવા ગૌરવવંતા ગુજરાતી છે.

રાષ્ટ્રગાન પૂરું થયું અને નાટકની શરૂઆત થઇ.આખેઆખું નાટક એટલે ગઈકાલની અને આજની generation વચ્ચે ચાલતા સંવાદો નું ભાવવાહી નિરૂપણ.બધા જ કલાકારો ની ઉતમ અદાકારી નજરે ચઢતી હતી.આખાય નાટકમાં ટીકૂ ભાઈ એ હાસ્ય,વ્યંગ,વ્યથા,આક્રોશ,અનુકંપા,પ્રેમ ને ખૂબ જ સહજતા થી વ્યક્ત કર્યા.

આ નાટક પૂર્ણ થયા પછી ઉદ્ઘોષક એક વાત કરે છે – “ટીકૂ ભાઈ ના બહેનનું આજે દુખદ અવસાન થયું છે – આ છતાં તેઓ શ્રી મુબઈ થી આપણી વચ્ચે આવ્યા છે એ બદલ આભાર”

નાટક પૂર્ણ થયા બાદ હું મારી જાત ને રોકી ન શક્યો અને ટીકૂ ભાઈ ને મળવા દોડી ગયો. સાહેબ ! ખૂબ જ સહજતાથી આખેઆખું નાટક ભજવી ગયેલો માણસ બંધ ઓરડામાં ડૂસકા ભરતો હતો !

” જગત ના માનવીની એ જ સિદ્ધિ દાદ માંગે છે,
ભીતરમાં વેદનાઓ હોય ચેહરે સ્વસ્થતા લાગે છે…”

ટીકૂભાઈ,
મને ‘આભાર’ શબ્દ ઘણો વામણો લાગે છે. આપની કર્તવ્યનિષ્ઠાને શત શત સલામ. જ્યાં સુધી મારી ગુજરાતી રંગભૂમિ પાસે આપના જેવા કર્તવ્યપરાયણ કલાકારો છે ત્યાં સુધી હું માનું છું કે ગુજરાતી ભાષા ને અને તેની અભિવ્યક્તિને કોઈ જ ખતરો નથી.
પરમતત્વને પ્રાર્થના સહ…

-     જગત નિરુપમ

******************************

શ્રાવણ માસ નો પહેલો દિવસ હતો. વહેલી સવારે ફેસબુક પર મારા ભત્રીજા ના રૂમનો ફોટો અપલોડ કર્યો જેને મેં અને તેણે મળીને સજાવ્યો હતો. કારણ શ્રાવણ માસ પવિત્ર ગણાય છે અને મારા માટે મારા અને ૩ વર્ષ ના મારા ભત્રીજા વચ્ચે નો સ્નેહ એટલો જ પવિત્ર છે જેટલો યશોદા અને કાનુડા વચ્ચે નો પ્રેમ હતો!

અમારી વચ્ચે લાગણીનો એવો તીવ્ર સેતુ બંધાઈ ગયો હતો કે જ્યારે મારા ભાઇનું પ્રમોશન થયું અને એ, મારા ભાભી તથા મારા ભત્રીજા સાથે બીજા શહેર માં રહેવા ગયા ત્યારે બધાને એમ પ્રશ્ન થયો કે અમે બંને કઈ રીતે અલગ અલગ રહીશું પણ અમે બંને ટેલીપથી થી જાણે જોડાઈ ગયા.અમે સપના અને વિચારોમાં મળી લેતા.

અમે જૈન છીએ અને આજે શ્રાવણ માસના પહેલા દિવસે અમે પંચતિથી કરવા ગયા. પપ્પા થાકી ગયા એટલે ચાર દેરાસર-મંદિર જ જઈ શક્યા. પણ ઘરે આવી ત્યારે થયું  મારા તો પાંચ મંદિરની યાત્રા પુરી થઇ ગઇ કારણકે મારા ભત્રીજાના રૂમ ને મંદિર અને એને મેં કાનુડો માન્યો અને સવાર ની પહેલી પ્રાર્થના રોજ ત્યાં થી જ કરું છું તો એ જગા મંદિર થી ઓછી ન જ ગણાય ને?

-     જીયા શાહ

1 ટિપ્પણી:

  1. ગત ગેસ્ટ બ્લોગમાં જગત નિરુપમ અને જિયા શાહ નાં વિચારો વાંચવાની મજા આવી.લખાણ ટૂંકુ છતાં રસપ્રદ હતું.લખાણનો પ્રેમ ગેસ્ટ બ્લોગર્સમાં પણ જળવાઈ રહે અને આવું સુંદર લખાણ વાંચવા મળ્યા કરે એવી શુભેચ્છા અને અભિનંદન.
    - જયંત નાયક, રસીલા બોસમીયા

    જવાબ આપોકાઢી નાખો