Translate

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

ઉજાણી પ્રસંગની પદયાત્રાનો એક યાદગાર અનુભવ


નાના હતાં ત્યારે શાળાનાં વિદ્યાર્થી-મિત્રો સાથે ભેગા મળી ભોજન કે નાસ્તો કરતાં ત્યારે 'ઉજાણી' કરી એમ કહેતાં. તાજેતરમાં ગુજરાતમાં વણાગલા નામનાં એક નાનકડા ગામમાં મેં અટેન્ડ કરેલ એક સામાજીક પ્રસંગ શબ્દ સાથે જોડાયેલાં શાળાજીવનનાં મીઠાં સંસ્મરણો ઉજાગર કરાવી ગયો. પ્રસંગ એટલે દર વર્ષે અષાઢ માસનાં પહેલા રવિવારે ગુજરાતનાં ઉંઝા નજીક આવેલા વણાગલા ગામમાં કાળકામાનાં મંદિરના પટાંગણમાં ઉંઝાનાં નાયક-ભોજક સમાજના કેટલાક કુટુંબો દ્વારા માતાજીની પૂજા-અર્ચના અને ત્યારબાદ કરાતું સમૂહભોજન. મારી પત્ની અમીનું મૂળ વતન ઉંઝા હોવાથી હું પણ જમાઈ તરીકે વર્ષે ઉજાણીમાં જોડાયો અને મને પ્રસંગ માણવાની મજા પડી.

સવારે વહેલા ઉઠી નાહી-ધોઈ તૈયાર થઈ મહેસાણાથી ઉંઝા પહોંચ્યા.ત્યાં ઉમિયામાના મંદિર નજીક નાયકોની ખડકી - વસાહત હતી  જેમાં દસબાર નાયક-ભોજક પરીવારો સાથે રહે. ગુજરાતમાં ઘણી જગાએ પ્રકારના એક સમાજનાં લોકોની વસાહતો કે પોળ જોવા મળે.મારી મમ્મીના વતન મંદ્રોપુરમાં પણ આવી એક વસાહત જે 'નાયકનો માઢ' તરીકે ઓળખાય અને તેમાં મોટે ભાગે નાયક પરીવારો સાથે - આજુબાજુમાં રહે. હજી તેમાંના કેટલાક ઘરો તો પ્રાચીન ઢબનાં મૂળ સ્વરૂપે સચવાઈ રહેલાં છે - જે જોવા મને ખૂબ ગમે.તેમાં ચૂલો હોય,છાપરામાં એક નળીયું પારદર્શક બેસાડેલું હોય જેથી દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશ સીધો ઘરમાં આવી શકે.ઘરમાં મેડો હોય.અંદરના ઓરડાની ભીંત પર તાંબા-પિત્તળ કે એલ્યુમિનિયમનાં વાસણો ચોંટાડેલા હોય. ઘરની બહારની દિવાલ પર તે ઘરનાં યુવાન કે યુવતીના લગ્નની નોંધ ગળી (જેવા ભૂરા) રંગે લખેલી હોય. ઘરમાં અગાશી કે ધાબું પણ હોય.મને આવા ઘર ખૂબ ગમે. હવે તો જોકે મોટા ભાગનાં ગામડાંઓમાં પણ આવા ઘર દુર્લભ છે.પણ ઉંઝામાં નાયકોના આધુનિક રીનોવેટેડ ઘરો વચ્ચે પણ આવા એકાદ-બે ઘર જોવા મળ્યાં! બહાર ખાટલા પડ્યાં હતાં ઢાળી મેં અને નમ્યાએ તો થોડી વાર બેસી પણ લીધું!

ઉજાણી પ્રસંગે કેટલાક લોકો કાળકામાનાં મંદિરમાં ધજા ચડાવે.જે પરીવાર ધજા ચડાવે તેના એકાદ-બે સભ્યો ઉંઝાથી વણાગલા ગામ પાંચેક કિલોમીટરનું અંતર પગે ચાલીને કાપે અને પણ ઉઘાડા પગે!અમીના ઘરની પણ એક ધજા ચડવાની હતી આથી મેં નક્કી કર્યું હું તો ચાલીને જઈશ! હું અને મારા સાસુ ધજા લઈ ચાલતાં વણાગલા ગામે આવેલાં કાળકામાનાં મંદિરે પહોંચ્યાં. ચાલીને જવાની મજા કંઈક ઓર આવી! અમારી સાથે બીજા દસ-પંદર સભ્યો પોતપોતાની ધજાઓ લઈ સાથે ચાલીને વણાગલા જઈ રહ્યાં હતાં.સતત કાળકામાની જય બોલાવતા બોલાવતા કે ભજન-ગરબા વગેરે વારાફરતી ગાતાં ગાતાં. અહિં ટોળીમાં બાળકો પણ હતાં,યુવાન-યુવતિઓ પણ હતાં અને વયસ્કો પણ સામેલ હતાં.આખો સંઘ રસ્તાની એક બાજુએ ઉઘાડાં પગે ચાલતા ચાલતા ઉત્સાહભેર વણાગલા તરફ ગતિ કરતો હતો.મેં પણ હાથમાં મોટી ધજા પકડી હતી અને આખો અનુભવ હું માણી રહ્યો હતો.મોટા ભાગનાં સંઘનાં સભ્યો અનેરી આસ્થા-ધાર્મિક ભાવે પગપાળા યાત્રા કરી રહ્યાં હતાં.હું ધાર્મિક ભાવ કરતાં વધુ આ અનુભવ માણવાનાં આશય સાથે અનેરી યાત્રાનો સહભાગી બન્યો હતો અને મને ખૂબ મજા પણ આવી રહી હતી.

શહેરની સડક કરતાં ગામના રસ્તા પર ચાલવાનો અનુભવ ખરેખર તદ્દન નોખો હોય છે!અહિં રસ્તાની બંને બાજુએ લીલાછમ ખેતરો આવતાં હતાં,રસ્તામાં પોતાનું જે-તે કામ ક્ષણ-બે ક્ષણ થંભાવી અમારી સામે કુતૂહલ પૂર્વક જોતાં ગ્રામજનો દેખાતાં હતાં.તેમના ઘરો-ગાયો-ખેતરો-મંદિરો બધાં ને નજરમાં ભરતાં - તેનો આસ્વાદ માણતાં માણતાં હું આગળ ધપી રહ્યો હતો.રસ્તામાં એકાદ-બે સુંદર તળાવ પણ જોવા મળ્યાં અને ઘણાં ઘેઘૂર વૃક્ષો પણ. વનરાજી પર આધાર રાખતાં પક્ષીઓને જોવાની અને તેમનાં મધુર ટહુકા સાંભળવાની પણ ખુબ મજા આવી. રસ્તામાં સામેની દિશામાંથી આવી રહેલી એસ.ટી.બસો કે અન્ય વાહનોની પાંખી હાજરીને કારણે અમને ચાલવામાં ઝાઝી મુશ્કેલી પડતી નહોતી.અમે પદયાત્રા સવારે સાડા આઠની આસપાસ શરૂ કરી હોવાથી તડકો પણ કુમાશ ભર્યો હતો.

વાહન પર ઉજાણીમાં જોડાવા જઈ રહેલાં અન્ય નાયકો-પરીવારજનો પણ અમને અમારી પદયાત્રા દરમ્યાન જોવા મળતાં અને તેઓ અમને જોઈ ઉત્સાહમાં આવી જઈ કાળકામાની મોટેથી જય બોલાવી ઘડીક થંભી અમારો ઉત્સાહ વધારતાં અને ફરી તેમનાં વાહન દ્વારા આગળ વધતાં.રસ્તામાં અમને વચ્ચે વચ્ચે પાણીના પાઉચ તેમજ પીપરમીન્ટ્સ અને પેપ્સી પણ કેટલાક ઉત્સાહી યુવાનોએ લાવી આપ્યાં.

માર્ગમાં એક જગાએ બીજું એક કાળકામાનું મંદીર આવ્યું. હવે ધજા મંદીરમાં લઈ જવાય એવો નિયમ એટલે અમે વારાફરતી બે જૂથમાં વહેંચાઈ આ મંદીરમાં કાળકામાની મૂર્તિના દર્શન કરી આવ્યાં. મંદીરનું લોકેશન પણ ખુબ રમણીય હતું.ખેતરની વચ્ચે આવેલાં મંદીરમાં એક કૂવો હતો,સરસ મજાનાં ઝાડ,તેમની ફરતે બનાવેલા ઓટલા,નાના નાના પુષ્પાચ્છાદીત છોડવાં અને તેમનાં પુષ્પોનો રસ ચૂસતાં રંગબેરંગી પતંગિયા જોઈ મને તો અહિં રોકાઈ જવાનું મન થતું હતું પણ તો અધ વચ્ચે આવેલું એક સ્ટોપ માત્ર હતું.અમારે તો જવાનું હતું વણાગલા!

રસ્તામાં માતાજીની ધૂન બોલાવતા બોલાવતા કેટલીક બહેનો વચ્ચે વચ્ચે વાતો કરી-હસી મજાક પણ કરી લેતી! ઉઘાડા પગે ડામરની સડક પર- તો ક્યાંક ક્યાંક ધૂળ કે માટી પર ચાલતા ચાલતા વચ્ચે એકાદ બે પુલ પણ પસાર કરી અમે લગભગ બે-અઢી કલાક માં વણાગલા પહોંચી ગયાં.

ગામનાં ચોરે ધજાઓ લઈ બહેનોએ એકાદ-બે ગરબા ગાયાં.કાળકામાનાં મંદીરે પહોંચતા પ્રવેશ દ્વાર પર અમારા બધાંનું કંકુ ચોખા વડે તિલક વગરે કરી-ધજાની પૂજા-અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું.મંદીરનાં પટાંગણમાં પણ ધજા લઈ અમે સૌએ ગરબા ગાયાં.પછી તો માતાજીના દર્શન કર્યાં,મંદીર પર ચડી ધજાઓ મંદીરના ઘૂંમટ પર ચડાવી,હવન કરાયો,આરતી કરાઈ,સમૂહ ભોજન કરાયું,ભેગા મળેલા નાયક-ભોજક પરીવારનાં સભ્યોએ ધરાઈને વાતો કરી પણ મને સૌથી વધુ મજા આવી ધજા હાથમાં લઈ ઉઘાડા પગે મંદીર સુધીની કરેલી પદયાત્રામાં!

1 ટિપ્પણી:

  1. 'વણાગલા ગામની પદયાત્રા' પરનો બ્લોગ અમને સૌને ખુબ ગમ્યો. તમારું પદયાત્રાનું વર્ણન એટલું જીવંત હતું કે એ વાંચતા મને હું પણ તમારા બધાં સાથે ચાલીને વણાગલા જઈ રહી હોઉ એવું લાગ્યું! તમારા આ કટારમાં પ્રકાશિત થતાં ઘણાં લેખો અમને ખુબ ગમે છે. આભાર.
    - યામિની સ્વાદિયા

    જવાબ આપોકાઢી નાખો