બાળકો
ઇશ્વરનો અંશ ગણાય છે.ફૂલ જેવા પ્યારા
બાળકો રમાડવા કોને ન
ગમે? રસ્તે ચાલતાં અજાણ્યાં
બાળકને પણ આપણે સ્મિત
આપી કે તેને સ્પર્શ
કરી રમાડી લેતાં હોઇએ
છીએ અને તેનો એ
બાળકનાં માતાપિતા વિરોધ પણ કરતાં
હોતાં નથી. પણ ઘણી
વાર બાળકોને રમાડતાં કે તેમની સાથે
સમય પસાર કરતી વેળાએ
અજાણતાં આપણે આપણી વર્તણૂંક
કે શબ્દો દ્વારા તેમનાં
મન પર ઘેરી અસર
કરતાં હોઇએ છીએ.આજે
બ્લોગ થકી આ મુદ્દાની
ચર્ચા કરવી છે.
થોડા
સમજણા દસેક વર્ષનાં બાળકની
વાત કરીએ. આવું બાળક
જ્યારે પાડોશીના ઘેર રમવા જાય
ત્યારે તેઓ એ બાળક
સાથે જે રીતનો વ્યવહાર
કરે કે તેને જે
રીતની વાતો કહે તેની
બાળકના જીવનમાં ઘણી મોટી અસર
થતી જોવા મળે છે.
આનો દાખલો હું પોતાના
ઉદાહરણ દ્વારા જ ચર્ચીશ.
હું ચાલ સિસ્ટમમાં રહું
છું અને આ રીતે
મોટા થતાં મોટા ભાગનાં
બાળકોની જેમ મારા બાળપણનો
મોટો ભાગ પાડોશીઓ સાથે
રહીને વિત્યો છે. અમારૂં
વર્ષો જૂનું પાડોશી હતું
એક પટેલ દંપતિ. તેમનો
ભત્રીજો હંજલ સપરિવાર સાંતાક્રુઝ રહે અને અવારનવાર
આ પટેલ પરિવારની મુલાકાત
લે. તેઓ ખૂબ ભણેલાંગણેલાં
અને ફોર્વર્ડ. પટેલકાકાની ભત્રીજી વર્ષા 'કાકા
ચાકુ આપો' કહેવાની જગાએ
તેની ખાસ શૈલીમાં 'ચાચુ
છૂરી પ્લીઝ' કહે અને
અમે સૌ તેની નકલ
કરી ખૂબ હસીએ! તેઓ
અંગ્રેજી અખબાર જ વાંચે
અને મને હંમેશા સલાહ
આપે કે આ જમાનો
અંગ્રેજી ભાષાનો છે અને
મારે પણ અંગ્રેજીમાં સતત
બોલવાનો અને અંગ્રેજી અખબાર
વાંચવાનો અને ટીવી પર
અંગ્રેજી ન્યૂઝ જોવાનો મહાવરો
કેળવવો જોઇએ. હું ગુજરાતી
માધ્યમની શાળામાં ભણ્યો હોવાં છતાં
આજે ગૌરવ ભેર વ્યાકરણની
દ્રષ્ટીએ સાચું અને કડકડાટ
અંગ્રેજી બોલી શકું છું
એનો મોટા ભાગનો યશ
હું એ પટેલ કાકાના
ભત્રીજા-ભત્રીજીને આપીશ. દસ-બાર
વર્ષની ઉંમરે તેમણે મને
જે સતત કહ્યાં કર્યું
તેની મારા પર ખૂબ
સારી અસર થઈ અને
મેં ધ્યાન દઈ અંગ્રેજીમાં
વાંચવું - ખોટું ખોટું તો
ખોટું ખોટું પણ અંગ્રેજી
રોજની ભાષામાં યોગ્ય વ્યક્તિઓ સાથે
બોલવાની શરૂઆત કરી - અંગેજીમાં
સમાચાર જોવા-સાંભળવાની શરૂઆત
કરી અને હું દસમા
ધોરણ બાદ સારા અંગ્રેજીને
કારણે કોલેજાભ્યાસમાં તેમજ આગળ વ્યવસાયિક
ક્ષેત્રે પણ સારો દેખાવ
જાળવી શક્યો. હંજલ અને
વર્ષા પટેલની પ્રેરણાત્મક શિખામણને
કારણે જ આ શક્ય બન્યું.
આજે તો પટેલ દંપતિ
ગુજરી ગયે પણ વર્ષો
વિતી ગયાં અને હંજલ
અને વર્ષા પટેલ પણ
ક્યાં છે તેની જાણ
નથી પણ તેમને હું
મારા જીવનમાં મારી પ્રગતિ પાછળ
તેમનાં અમૂલ્ય યોગદાન બદલ
ક્યારેય ભૂલી શકીશ નહિ.
મને
નાનપણથી જ પુસ્તકો લખવાનો અને બહાર પાડવાનો શોખ.બારેક વર્ષની વયે હું જાતે બાળ-મેગેઝીન
નોટનાં પાના ફાડી લખતો અને પછી પાડોશના કમલેશ દવે કાકાને ઝેરોક્સ માટે આપતો.એ તેની
દસેક કોપી મારા માટે કાઢી લાવે અને પછી એ હું શાળાનાં મારા મિત્રોને વેચતો.આ બધી નિર્દોષ
પ્રવૃત્તિમાં સહભાગી બની કમલેશકાકાએ પણ મારા જીવનની વિકાસ યાત્રામાં સિંહ ફાળો આપ્યો
છે. તેમના પત્ની ચેતના બહેન પણ મને ખૂબ પ્રોત્સાહન અને પ્રેરણા આપતાં.એક વાર મારા ઘેર
મેં દોરેલાં ચિત્રોનું પ્રદર્શન યોજેલું તે જોવા સૌ પહેલાં ચેતના બહેન પધારેલાં એ હું
ક્યારેય ભૂલી શકીશ નહિ.
હીરાનાં
કારખાનામાં કામ કરતાં બીજા
એક પાડોશી કાંતિભાઈએ પ્રેમથી
મને સરસ મજાનાં ચોક-કલર અપાવેલાં એ
પણ મારી સ્મૃતિમાં હજી
યથાવત છે.સર્જનાત્મકતા ખિલવવામાં
આવી નાની વાતો પણ
ખૂબ મોટો ભાગ ભજવે
છે. તમારી આસપાસનાં બાળકોને
પ્રોત્સાહન આપો,તેમની રૂચિ
અને કૌશલ્યને પારખી તેને એ
પ્રમાણેની નાની નાની ભેટ
આપશો તો એ કદાચ
તેમના જીવનમાં ઘણો મોટો સકારાત્મક
બદલાવ લાવી શકે છે.
સારૂં
અને નરસું એક સિક્કાની
બે બાજુ જેવાં છે.
કેટલાક લોકો જીવનમાં નકારાત્મક
ભૂમિકા ભજવીને પણ આપણને
સદાને માટે યાદ રહી
જતાં હોય છે. પાડોશમાં
એક મોટી મૂછો વાળા
માસા મને એક પગે
ઉંચકી કૂવામાં નાખવા લઈ ગયેલાં.
કૂવામાં હકીકતમાં નાખવાના નહોતા પણ ડર
બેસાડવા કરેલી આવી હરકત
બાળકનાં મન પર ઉંડી
અસર કરતી હોય છે.
બીજા એક કાકા જ્યારે
મારી કોઈક વાર્તા કે
કવિતા કે ટૂચકા વર્તમાનપત્રમાં
છપાય ત્યારે કહે કે
એ બધું તો નકલ
કરેલું છે! કોઈને હકારાત્મક
પ્રોત્સાહન ન આપી શકીએ
તો કંઈ નહિ પણ
આવા નકારાત્મક વેણ ઉચ્ચારી આપણે
શું પામીએ છીએ? કેટલાંક
મોટા લોકોને વિક્રુત એવી એક કુટેવ હોય છે બાળકને
ચૂંટલા ખણવાની કે તેના
ગાલ પર લાફા મારવાની.આ પ્રકારની હરકતથી
પણ દૂર રહેવું જોઇએ.
છેલ્લે બીજી એક અતિ
ખરાબ આદત લોકોને હોય
છે બાળકોને ચિડવવાની. મોટાઓને તો તમે ચિડવો
તો તે સામો જવાબ
આપી કે પ્રતિકાર કરી
તેનો વિરોધ નોંધાવી શકે
છે.પણ જ્યારે કોઈ
બાળકને તેની કોઈ નબળાઈને
લઈ ચિડવવામાં આવે છે ત્યારે
તે તેનો સામનો પણ
કરી શકતું નથી અને
મનમાં ને મનમાં મૂંઝાઈ
દુ:ખી થતું રહે
છે અને આવી વાતને
પરિણામે જ અસામાજિક તત્વો
કે રેગીંગ જેવી બાબતો
જન્મ લેતી હોય છે.
મને પાડોશમાં રહેતાં એક વ્યક્તિ
ખૂબ ખરાબ રીતે વારંવાર
ચિડવતાં આજે તેમનાં મૃત્યુ
બાદ પણ હું તેમને
હ્રદયથી આ બદલ માફ
કરી શક્યો નથી.
આ
લેખ લખવા પાછળનો હેતુ
સૌને વિચાર કરતાં કરવાનો
છે કે તમે કોઈ
બાળકની સ્મૃતિમાં કઈ રીતે રહેવાનું
પસંદ કરશો? તેને પ્રેરણા
કે પ્રોત્સાહન આપીને કે તેને
ચિડવી,ડરાવી કે મારી-ધમકાવીને? પસંદગી તમારાં હાથમાં
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો